Essays Archives

રોબેકા મેરિલે(Robecca Merill) કહ્યું છે : 'The main thing is to keep the main thing, the main thing.'
કાર્યની યોગ્યતા સમજીને તેની અગ્રિમતા નક્કી કરવી અને મુખ્ય કાર્ય ગૌણ ન થવા દેવું — એ એક શ્રેષ્ઠ સંસ્થાપક અને સંચાલકની અઘરી કસોટી છે. શાસ્ત્રીજી મહારાજ કાર્યોની અગ્રિમતાના નિર્ણયો સહજતાથી લેનારા એવા એક કુશળ સમય-સારથિ હતા.
શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં વિરાજતા હતા. તેમના સદાના સાથી અને સંસ્થાના એક સમર્થ સુકાની નિર્ગુણ સ્વામી બોચાસણ તરફ વિચરણ કરી રહ્યા હતા. અહીં બોચાસણ-ભાદરણ-સુણાવ વગેરેના હરિભક્તોએ તેમને વિનંતી કરી હતી કે આપ અમારા ગામમાં અમારા ઘરે પધરામણી કરો. જો તેમાં શાસ્ત્રીજી મહારાજ પધારે તો સોનામાં સુગંધ ! દયાળુ પ્રકૃતિના નિર્ગુણ સ્વામીએ હરિભક્તોનો ભાવ અને વિનંતી જોઈ, શાસ્ત્રીજી મહારાજને પાંચ સંતો સાથે પધારવા વિનંતી-પત્ર લખ્યો. પરંતુ સ્વામીશ્રીને મન કાર્યની સમીક્ષા અલગ હતી. તેથી કાર્યનો અગ્રતાક્રમ સમજાવતો અદ્‌ભુત પત્ર શાસ્ત્રીજી મહારાજ તા.૧૩-૧૦-૧૯૩૭ના રોજ લખે છે : 'વિશેષમાં આપનો પત્ર મળ્યો, વાંચી સમાચાર જાણ્યા છે. સુણાવ હાલ ન આવવાનું કારણ.... માટે બધાં કામ રખડતાં મૂકવાં તે બરાબર બુદ્ધિમાં ન બેઠું.... આવાં સામાન્ય કામ તો લાખો અત્યારે છે, તેથી ભોળપ છોડી મુદ્દાનું શું કામ છે તે તપાસો.'
જે સૌથી વધુ મહત્ત્વ ધરાવતી બાબતો છે, તે સૌથી ઓછું મહત્ત્વ ધરાવતી બાબતોની દયા પર નભવી જોઈએ નહીં — એ વાત તેઓના માનસમાં સ્પષ્ટ હતી.
આવા જ એક પ્રસંગમાં અટલાદરામાં જમીનનો કબજો લેવાનો હતો અને ગાના ગામમાં કેટલીક ધર્માદાની ઉઘરાણી બાકી હતી. શાસ્ત્રીજી મહારાજની દૃષ્ટિએ પ્રથમ કામ અટલાદરાની જમીનનું હતું, જે નિર્ગુણ સ્વામી ઉકેલી શકે તેમ હતા. પરંતુ નિર્ગુણ સ્વામી દરેક કામમાં શાસ્ત્રીજી મહારાજને ભેળવવા મથતા. તેમાં શાસ્ત્રીજી મહારાજનો શો અભિપ્રાય હતો? બોચાસણથી ગાના તા. ૭-૨-૧૯૪૨ના રોજ તેઓ પત્ર લખી જણાવે છેઃ 'અટલાદરા(જમીન)નું કામ ઉકેલવાનું છે. ત્યાંથી પત્ર છે કે વૈવટદાર ઉતાવળ કરીને પૈસા વસૂલ લેવા સારુ કરે છે. (તેને) સમજાવવો આપના હાથમાં છે. આપ કબજો લેવાની તજવીજ કરો તો હું ગાનામાં રહી (ઉઘરાણી) કામ કરીશ. અગર આપ સાથે તેડી જશો તોપણ આવીશ, પણ તેનાથી બીજુ _ કામ બગડશે. અટલાદરાના કામમાં મારી જરૂર નથી. જરૂર હોય તો વગર કહે હું આવું. મને જ ધીરજ રહે નહીં. મહારાજ-સ્વામીને સંભારી (તમારે) હિંમત રાખીને કરવાનું છે...'

નિર્ગુણ સ્વામી શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે દરેક કાર્ય શ્રેષ્ઠ રીતે પાર પાડતા જ હતા. છતાં કાર્યની અગ્રિમતાનો શાસ્ત્રીજી મહારાજનો આગલો ખ્યાલ કેવો વિશેષ પ્રેરક બની રહ્યો છે! સમયની સૂઝ અને તેને અનુરૂપ કાર્યની અગ્રિમતા નક્કી કરવાની શાસ્ત્રીજી મહારાજની એ આગવી કોઠાસૂઝ ટાઇમ મેનેજમેન્ટના નિષ્ણાતોને પણ પ્રેરણા આપે તેવી હતી !  


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS