Essays Archives

અક્ષરબ્રહ્મના દિવ્ય ગુણો - अपहतपाप्मा सेतुः विघृतिः

‘अपहतपाप्मा विजरो विमृत्युíवशोको विजिघत्सोऽपिपासः सत्यकामः सत्यसङ्कल्पः।’ (છા.ઉ. ૮/૧/૫) એ બ્રહ્મનું સ્વરૂપ નિષ્પાપ માયા રહિત છે, ઘડપણ વગેરેના ભાવ રહિત છે, મૃત્યુ તેને સ્પર્શી શકતું નથી, કહેતાં અમૃતમય છે. તેમાં શોક કે દુઃખ નથી, તેમાં ભૂખ-તરસ જેવા આવેગો નથી, તે સત્યકામ છે, સત્યસંકલ્પ છે. આ બધા જ ગુણો અક્ષરબ્રહ્મના નિત્ય ગુણો છે. તેને ક્યારેય માયા આવરણ કરી શકતી નથી. એટલે જ અહીં કહેવામાં આવ્યું કે ‘सत्यान् कामान्’ (છા.ઉ. ૮/૧/૬) અર્થાત્ 'અક્ષરબ્રહ્મના આ ગુણો સત્ય કહેતાં સનાતન સદાય એકસરખા પ્રકાશિત રહે છે.'
આટલું કહી હવે આ અક્ષરબ્રહ્મની આપણા સૌ માટે અત્યંત ઉપકારી વિશેષતા કહે છે કે ‘स सेतु íवघृतिरेषां लोकानाम-सम्भेदाय’ (છા.ઉ. ૮/૪/૧) 'આ અક્ષરબ્રહ્મ મુમુક્ષુઓ માટે પરમાત્મા પામવાનો, પરમમુક્તિ પામવાનો સેતુ છે, અને સર્વનો આધાર બનીને રહે છે.'
આ રીતે વિવિધ રીતે અક્ષરબ્રહ્મનો ઉપદેશ કર્યો. મૂળ હેતુ તો એ અક્ષરની ઓળખાણ થાય, ઓળખીને જીવાત્મા તેનો દૃઢ પ્રસંગ કરે, પોતે પોતાના આત્મસ્વરૂપને જાણે, તેમાં બ્રહ્મના ગુણો પ્રાપ્ત કરે, બ્રહ્મરૂપ થાય અને પરબ્રહ્મની પ્રાપ્તિ કરે એ જ છે.
આમ અક્ષરબ્રહ્મની વાત કરી હવે તુરંત જ ઇંદ્ર-વિરોચનના આખ્યાન દ્વારા આત્મસ્વરૂપનો ઉપદેશ આરંભે છે.

ઇંદ્ર-વિરોચન આખ્યાન - આત્મવિદ્યા

પ્રજાપતિ આત્મસ્વરૂપનો ઉપદેશ સચોટ અને યથાર્થ કરે છે તે જાણી દેવો તથા અસુરો બંનેને તે ઉપદેશ સાંભળવાની ઇચ્છા થઈ. તેમાં ‘इन्द्रो हैव देवानामभिप्रवव्राज विरोचनोऽसुराणाम्’ (છા.ઉ. ૮/૭/૨) 'દેવતાઓના પ્રતિનિધિ તરીકે ઇંદ્ર અને અસુરોના પ્રતિનિધિ તરીકે વિરોચન પ્રજાપતિ સમક્ષ ઉપસ્થિત થયા.' આત્મજ્ઞાન મેળવવા બત્રીસ વર્ષ બ્રહ્મચર્યનું પાલન કર્યું. પછી પ્રજાપતિએ પૂછ્યું, 'કઈ ઇચ્છાથી આવ્યા છો?' તે બંનેએ આત્મજ્ઞાન આપવા વિનંતિ કરી. ત્યારે પ્રજાપતિએ ઉપદેશ કરતા કહ્યું, ‘य एषोऽक्षिणि पुरुषो दृश्यते एष आत्मेति’ (છા.ઉ. ૮/૭/૪) અર્થાત્, 'આ જે આંખમાં પુરુષ દેખાય છે તે આત્મા છે.' આ સાંભળી ઇંદ્ર તથા વિરોચન કહે, 'ભગવન્! આવું તો જળાશયમાં કે અરીસામાં પણ દેખાય છે. તો તમે કયા આત્માની વાત કરો છો?' ત્યારે પ્રજાપતિ તે બંનેને એક જળ ભરેલા પાત્ર પાસે લઈ જાય છે અને કહે છે કે, 'આમાં તમે જુઓ. શું દેખાય છે?' ત્યારે તે બંને કહે, 'નખશિખા પર્યંત સંપૂર્ણ અમે અમારી જાતને જોઈએ છીએ.' ત્યારે પ્રજાપતિએ ફરી કહ્યું, ‘साध्वलंकृत्तौ सुवसनौ परिष्कृतौ भूत्वोदशरावेऽवेक्षेथामिति।’ (છા.ઉ. ૮/૮/૨) 'તમે બંને સારા અલંકાર સજી, સારાં વસ્ત્રો ધારણ કરી, બની ઠનીને આ જળપાત્રમાં જુઓ.' તે બંનેએ તેમ કર્યું. પ્રજાપતિએ પૂછ્યું, 'શું જુઓ છો?' તે બંને કહે, 'અલંકૃત, સારાં વસ્ત્રોથી શોભતી અમારી જાતને જોઈએ છીએ.' ત્યારે પ્રજાપતિ કહે, ‘एष आत्मेति’ (છા.ઉ. ૮/૮/૩) 'બસ, આ જ આત્મા છે.' આ સાંભળી બંને શાંત થયા અને ત્યાંથી ચાલવા લાગ્યા. આ જોઈ પ્રજાપતિને ચિંતા થઈ કે અરે! મેં તો હજુ આત્માનો સાચો અને સંપૂર્ણ પરિચય કરાવ્યો જ નથી. આ તો આરંભ જ કર્યો હતો. તેમાંથી તૃપ્તિ પામીને આ લોકો ચાલ્યા ગયા. આનાથી તો ‘ते पराभविष्यन्ति (છા.ઉ. ૮/૮/૪) 'તેઓનો પરાભવ થશે.' અને બન્યું પણ એવું કે ઇંદ્ર અને વિરોચનમાંથી વિરોચને તો માની જ લીધું કે જે આ પ્રતિબિંબમાં દેખાય છે તે દેહ એ જ આત્મા છે. માટે એની સેવા, પૂજા, રાખ-રખાવટ કરીએ એ જ આત્મજ્ઞાન થઈ ગયું કહેવાય. આમ વિચારી ‘विरोचनोऽसुरान् जगाम’ (છા.ઉ. ૮/૮/૪) વિરોચન અસુરોની સભામાં પહોંચ્યો અને ત્યાં જઈ આ દેહ એ જ આત્મા છે. માટે આ દેહનું જ લાલન-પાલન કરવું જોઈએ. એવી જાહેરાત કરી. અને અસુરોએ તેનો તુરંત સ્વીકાર પણ કરી લીધો. આ જ માન્યતા ભોગવાદમાં ફેરવાઈ. આનો અર્થ એ થયો કે દેહાત્મવાદમાંથી જન્મેલો ભોગવાદ એ આસુરી સમજણ છે.
બીજી બાજુ ઇંદ્રને કાંઈક જુદું લાગ્યું. એણે પ્રજાપતિનાં વાક્યોનું મનન કરતાં તેમાં શંકા થઈ. તેને થયું આ તો ઠીક છે કે આ શરીર ઉપર શણગાર છે, સારાં વસ્ત્રો છે, એટલે જળપાત્રમાં એવું દેખાય છે. પણ જો આ શરીર આંધળું, લૂલું, લંગડું હોય તો તે પણ તેવું જ દેખાય. તો શું આત્મામાં પણ આવા વિકાર હોઈ શકે? ‘नाहमत्र भोग्यं पश्यामि’ (છા.ઉ. - ૮/૯/૧) 'મને આ વાત બરાબર લાગતી નથી.' લાવ, પાછો જઈને સ્પષ્ટતા કરી આવું. ઇંદ્ર પાછો પ્રજાપતિ પાસે આવ્યો અને પોતાની શંકા રજૂ કરી. પ્રજાપતિ કહે, 'હું તને ચોક્કસ આનો ઉત્તર આપીશ. પરંતુ તે માટે તારે બત્રીશ વર્ષ બ્રહ્મચર્ય પાલન કરવું પડશે.' ઇંદ્ર સાચો જિજ્ઞાસુ હતો. તેણે તેમ કર્યું. ત્યારબાદ પ્રજાપતિએ પ્રસન્ન થઈ કહ્યું, ‘य एष स्वप्ने महीमानश्र्चरत्येष आत्मेति’ (છા.ઉ. - ૮/૧૦/૧) 'આ સ્વપ્નમાં જે વિવિધ પદાર્થોને ભોગવતો ફરે છે તે આત્મા છે.' ઇંદ્રે આ સાંભળ્યું. ફરી શંકા થઈ. એને થયું ધારો કે કોઈ આંધળો હોય પણ જો એને સ્વપ્ન આવે તો તેમાં તે આંધળો ન પણ હોય ને દેખતો હોય. શરીરે ઘવાયેલો હોય ને તેને સ્વપ્ન આવે તો તેમાં ઘવાયેલો ન પણ હોય. તો આમાં મારે કઈ રીતે નિર્ણય કરવો? એટલે મને આ સમજાતું નથી. તેણે આ શંકા પ્રજાપતિ પાસે રજૂ કરી. પ્રજાપતિ કહે, 'હજુ બત્રીશ વર્ષ બ્રહ્મચર્યનું પાલન કર.' ઇંદ્રે તેમ કર્યું. ફરી પ્રજાપતિ પાસે આવ્યો. પ્રજાપતિ પ્રસન્ન થઈ કહે, ‘यत्रैतत् सुषुप्तः समस्तः सम्प्रसन्नः स्वप्नं न विजानात्येष आत्मेति’ (છા.ઉ. - ૮/૧૧/૧) 'જે અવસ્થામાં સ્વપ્ન પણ નથી દેખાતું, જેને સુષુપ્તિ કહેવામાં આવે છે તે સુષુપ્ત પુરુષ જ આત્મા છે.' ઇંદ્રે આ સાંભળ્યું, વિચાર્યું અને ફરી શંકા થઈ કે આ સુષુપ્તિમાં તો એને કાંઈ ભાન જ હોતું નથી. મનુષ્ય ત્યારે અજ્ઞાનના અંધકારમાં ડૂબેલો હોય છે. એટલે એવા સુષુપ્ત પુરુષને જ આત્મા કઈ રીતે માની લેવાય? તેણે આ શંકા પ્રજાપતિ સમક્ષ રજૂ કરી. પ્રજાપતિ કહે, 'ઇંદ્ર! હજુ પાંચ વર્ષ બ્રહ્મચર્ય પાળ.' ઇંદ્રે તેમ કર્યું. ઇંદ્રની તીવ્ર જિજ્ઞાસાથી પ્રસન્ન પ્રજાપતિએ આત્મસ્વરૂપની સાચી સમજણ આપતાં કહ્યું, ‘मघवन्मर्त्यं वा इदš शरीरमात्तं मृत्युना तदस्यामृतस्याशरीरस्यात्मनोऽघिष्ठानमात्तो वै सशरीरः प्रिया-प्रियाभ्यां न वै सशरीरस्य सतः प्रियाप्रिययोरपहतिर स्त्यशरीरं वाव सन्तं न प्रियाप्रिये स्पृशतः’ (છા.ઉ. - ૮/૧૨/૧) 'હે ઇંદ્ર! આ દેહ તો નાશવંત છે. તે મૃત્યુથી ઘેરાયેલો છે. અને આ આત્માને રહેવા માટે તે તો અધિષ્ઠાનમાત્ર છે. આ આત્મા તો તે દેહમાં રહેવા છતાં અમૃતમય છે, અવિનાશી છે. માટે હે ઇંદ્ર! જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી પ્રિય અને અપ્રિયની ભાવનાઓ છે. એકવાર દેહભાવ ટળી જશે અને આત્માના સ્વરૂપની સાચી ઓળખ થશે પછી લૌકિક સુખ-દુઃખનો સ્પર્શ જ નહીં થાય.' માટે મોક્ષ પામેલ આત્માનું સ્વરૂપ કેવું હોય છે? તો ‘य आत्माऽपहतपाप्मा विजरो विमृत्युर्विशोकोविजिघत्सोऽपिपासः सत्यकामः सत्यसङ्कल्पः।’ (છા.ઉ. - ૮/૭/૧) અર્થાત્ 'તે નિષ્પાપ, ઘડપણ વગેરે અવસ્થાના ભાવોથી રહિત, મૃત્યુરહિત, શોકરહિત, ભૂખ-તરસ જેવા ભાવોથી રહિત, સત્યકામ તથા સત્યસંકલ્પ બને છે.'
આટલું કહી પ્રજાપતિએ એક વિશેષ વાત જણાવી - ‘एष सम्प्रसादोऽस्मात्व्छरीरात् समुत्थाय परं ज्योतिरुपसम्पद्य स्वेन रूपेणाभिनिष्पद्यते।’ (છા.ઉ. ૮/૧૨/૧) 'હે ઇંદ્ર! જ્યારે આ આત્મા મુક્તિ અવસ્થાને પ્રાપ્ત કરે છે, એટલે કે મુક્ત બને છે ત્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેના જેવું રૂપ પામી પરં જ્યોતિસ્વરૂપ અતિપ્રકાશવાન પરમાત્માને પામે છે.'


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS