Essay Archives

જો તમારે નિઃસ્વાર્થ પ્રેમ જોઈતો હોય તો તમે પણ જગતને તે આપો...

‘People hungry for Love’ - લોકો પ્રેમના ભૂખ્યા છે. ખરેખર કોઈ આપણને સાચો પ્રેમ કરે છે એવી ભાવના પ્રદર્શિત કરે તોપણ આપણા મનમાં રંગોળી પુરાય છે, ચમત્કાર સર્જાય છે. આ લાગણીનો કાયદો છે. તમે જે ઝંખો છો, તમારે જે જોઈએ છે, તે બીજાને આપશો તો એ અનંતગણું થઈને પાછું આવશે. જમીનમાં મુઠ્ઠી દાણા નાખો તો પેટભર દાણા પાકે છે. આપણે માગીએ છીએ, પરંતુ આપતા નથી. પ્રમુખસ્વામી મહારાજનું જીવન જુઓ. તેઓ અઢળક પ્રેમ બધાને આપે છે, તેથી સૌ કોઈ તેમને ચાહે છે. માણસમાત્ર પ્રેમ ઝંખે છે. સારું બોલવું, સારું પહેરવું, સારા દેખાવું... તે બધાનું કારણ એ જ છે કે આપણે ઇચ્છીએ છીએ કે સૌ આપણને ચાહે, પણ પ્રેમ પામવાની રીત તો પ્રેમ આપવામાં જ સમાયેલી છે. જો તમે બીજાને સાચો પ્રેમ કરશો તો જ અંતરનું ખાલીપણું પ્રેમથી છલકાશે.
જો તમે એમ ઇચ્છતા હો કે બધા મને પ્રેમ કરે તો તમે પણ શુદ્ધ ભાવથી સૌને ચાહો... તો મિત્રો, પડોશીઓ અને પરિવારના સર્વે સભ્યો પણ તમને એટલો જ શુદ્ધ પ્રેમ આપશે. બીજાને ચાહો અને તેની સાથે અત્યંત મહત્ત્વપૂર્ણ વાત છે, શુદ્ધ પ્રેમ.
ઘરમાં સાચો પ્રેમ ન મળે તો વ્યક્તિ બહાર ફાંફાં મારે છે. કોઈ મિત્રો, અભિનેતાઓ, રમતવીરો વગેરેના આશિક બને છે. છેવટે કોઈ મનુષ્ય પાસેથી પ્રેમ ન મળે તો વ્યક્તિ વસ્તુ કે વાતાવરણ પાછળ પાગલ બને છે - રમતો, વીડિયોગેમ્સ, ચલચિત્રો, પર્યટનો, પદાર્થો અને છેવટે પશુ-પંખી પાસેથી પ્રેમ શોધે છે.
ઘણીવાર સમાજમાં આશ્ચર્યજનક ઘટનાઓ બને છે. વર્ષ-૨૦૧૦માં સાઉથ કોરિયામાં Lee Jin-gyu લી જિન-ગ્યુ નામનો એક યુવાન કે જેને ઓશીકા સાથે એટલો બધો પ્રેમ થઈ ગયો કે તેણે ચર્ચમાં જઈને પાદરીને કહ્યું, ‘મારે ઓશીકા સાથે લગ્ન કરવાં છે.’ ત્યારબાદ પાદરીએ તેમનાં વિધિવત્ લગ્ન કરાવ્યાં હતાં.
વર્ષ-૨૦૦૭માં અમેરિકાની એક મહિલા, Erika (એરિકા) કે જે અગાઉ સૈનિક હતી, તેને આઇફિલ ટાવર એટલો બધો ગમતો હતો કે એની સાથે લગ્ન કર્યાં અને તેણે પોતાનું નામ Mrs Eiffel-મિસીઝ આઇફિલ રાખ્યું!
આવો જ એક અન્ય પ્રસંગ છે કે વર્ષ-૧૯૬૧માં જર્મનીના બે વિભાગ થતાં Berlin Wall - બર્લિન વોલ બની હતી, ત્યારબાદ એક મહિલા Eija-Riitta Berliner-Mauer - આઇઝા-રિટા-બર્લિનર-મૂઅર નામની મહિલાને તે વોલ એટલી બધી ગમતી હતી કે તેણે વર્ષ-૧૯૭૯માં વોલ સાથે લગ્ન કર્યાં અને Mrs Berlin - મિસીઝ બર્લિન બની હતી અને જ્યારે વર્ષ-૧૯૯૦માં તે દીવાલ તૂટી ત્યારે આ મિસીઝ આઇઝા-બર્લિનર પોતે વિધવા થઈ ગઈ હોય તે રીતે પોતાની જીવનશૈલી બનાવી દીધી હતી!
ઉપરોક્ત પ્રસંગો એ સૂચવે છે કે માણસ પ્રેમ ઝંખે છે અને જેને પૂરતો પ્રેમ મળતો નથી, તેને કારણે જ આ સ્થિતિ સર્જાય છે.
સામાન્ય માણસ જ્યારે પ્રેમની વાત કરે ત્યારે તેમાં થોડો તો સ્વાર્થ આવી જ જાય છે. આજે બધા જુદા-જુદા ડે Yoga Day, Cancer Day, Wildlife Day, Sparrow Day, Water Day, Health Day, No Tobacco Day, Children’s Day, Parents’ Day, Widows Day, Friendship Day, Tiger Day, Charity Day, Heart Day, Vegetarian Day, Teachers’ Day, Smile Day, Diabetes Day, Hello Day, Father’s Day ... ઊજવે છે, એવી રીતે Mother’s Day ‘મધર્સ ડે’ પણ ઊજવાય છે, જ્યાં શુદ્ધ પ્રેમની વાત થાય છે, પણ તમને તેના સ્થાપકની ખબર છે? ૧૯૦૫માં Anna Jarvis - ‘એના જાર્વિસ’ નામની એક મહિલાએ પોતાની માતાના મરણ પછી માતાની સ્મૃતિ માટે વિશ્વની સર્વે માતાને અંજલિ આપવા ‘મધર્સ ડે’ ઊજવવાનો વિચાર કર્યો. તેની માતાએ ઘણાને પ્રેરણા આપી હતી. તેને નવાજવા ચારેબાજુથી લાગણીસભર જે પત્રો આવ્યા, તેના આધારે તેણે એકલા હાથે ઝંડો ઉપાડ્યો - સર્વે માતાઓની સ્મૃતિ માટે. માતા નિ:સ્વાર્થપણે પોતાનાં સંતાનોને નવ મહિના સુધી પેટમાં સાચવે છે, જન્મ આપે છે અને જીવનભર પ્રેમ આપે છે.
પાંચ વર્ષ સુધી આ ‘મધર્સ ડે’ સ્થપાય અને ઊજવાય તેની ભલામણો, રજૂઆતો, પત્રવ્યવહારો... અમેરિકામાં ઠેર ઠેર ફરી ખૂબ ઝઝૂમી. શરૂઆતમાં તેની રજૂઆત સહુએ હસી કાઢી પણ અંતે વર્ષ-1910માં તેને રાષ્ટ્રીય દિવસ બનાવવામાં આવ્યો. ટૂંક સમયમાં વિશ્વભરમાં ‘મધર્સ ડે’ ઊજવવાની શરૂઆત થઈ. પરંતુ ત્યારબાદ મધર્સ ડે દુનિયાનો મોટો વેપાર બની ગયો છે. સ્થિતિ એવી થઈ કે મધર્સ ડે સ્વાર્થયુક્ત બની ગયો. મધર્સ ડે મોટી ઇન્ડસ્ટ્રી બની ગયો છે. અમેરિકાની જ વાત કરીએ તો આ દિવસે ૩ અબજ ડોલર્સનાં ફૂલ વેચાય છે. દોઢ અબજનાં ગ્રીટિંગ્સ કાર્ડ્ઝ વેચાય છે. વર્ષો પછી તેના સમયગાળામાં જ એના જાર્વિસને લાગ્યું કે માતાના શુદ્ધ પ્રેમને, જગતે સ્વાર્થથી ભરી દીધો છે. તેણે કબૂલ્યું, ‘મને ધિક્કાર છે કે મેં ‘મધર્સ ડે’ શરૂ કરાવ્યો.’ ખુદ મધર્સ ડેનાં સ્થાપક એવા એના જાર્વિસે માગણી કરી કે ‘મધર્સ ડે’ની ઉજવણી બંધ કરો. તે નાબૂદ કરવા તેણે ફરી ઝુંબેશ ચલાવી, પણ હવે સાંભળે કોણ? અંતે તે પાગલ થઈ ગઈ અને તેને મેન્ટલ હોસ્પિટલમાં રાખવા માટે ફૂલની ઇન્ડસ્ટ્રીઝવાળાએ પૈસા ભરી આભાર માન્યો – ‘Thank you, Anna.’ મનુષ્ય શુદ્ધ પ્રેમને પણ સ્વાર્થથી અશુદ્ધ બનાવી દે છે.
એ વાત સાચી છે કે સૌ શુદ્ધ પ્રેમ ઝંખે છે, પણ જ્યાં સ્વાર્થ ભળે ત્યાં સૌની મતિ ભ્રમિત થઈ જાય છે. કોઈ એક વ્યક્તિ તમારા માટે છપ્પન પ્રકારનાં ભોજન-ભોગ તૈયાર કરી તમને કહે, ‘લે ખા! તારા માટે ખોટી રાહ જોઈ.’ તો તમને ભોજન ભાવે? બીજી બાજુ માત્ર પાણી લઈને કોઈ વ્યક્તિ ઊભી હોય. તેની નજીક તમે જાવ ત્યારે તે તમને પ્રેમપૂર્વક કહે, ‘હું તમારા માટે એક કલાકથી રાહ જોઉં છું.’ તો પાણીનો એક ગ્લાસ કેવો મીઠો લાગે? તમને શું પસંદ પડશે? છપ્પન ભોગ ભરેલો થાળ કે એક પ્યાલો પાણીનો? પ્રેમવિહોણા થાળ કરતાં પ્રેમપૂર્ણ પાણી પસંદ કરીશું. તમને ભાવ વગરનું કલાકનું પ્રવચન ગમે કે પ્રેમથી કહેવાયેલો એક શબ્દ?
સૌ પ્રેમ પસંદ કરશે... પણ જ્યાં સ્વાર્થ ભળે છે ત્યાં આપણી દિશા અને દશા બદલાય છે. કોઈ તમને પ્રેમથી એક રૂપિયો આપે અને ગાળો બોલી એક કરોડ આપે તો શું કરશો? સૌ મૂંઝાશો... બહુધા કરોડ લેશે. કેમ? પૈસા આગળ પ્રેમ ભુલાઈ જાય છે. અંદર સ્વાર્થ પ્રગટે છે ત્યારે પ્રેમ બુઝાઈ જાય છે.
હકીકતમાં સાચા, અખૂટ અને અફર, નિઃસ્વાર્થ પ્રેમની વિશ્વમાં અછત છે. તેથી જ અબ્દુલ કલામના અંગત મિત્ર, મહાન લેખક અને વૈજ્ઞાનિક પ્રો. અરુણ તિવારીના શબ્દોમાં જોઈએ તો ‘પ્રમુખસ્વામી મહારાજ પ્રેમના પારદર્શક મહાસાગર છે. જ્યાં મનુષ્યમાત્રની તરસ છિપાય છે. સ્વામીશ્રીનો પ્રેમ શુદ્ધ, નિઃસ્વાર્થ, અપેક્ષારહિત, બિનશરતી... સર્વે જીવ પ્રાણી માત્ર માટે એકસમાન વહે છે. તેમાં પરમેશ્વરની દિવ્યતા અનુભવાય છે. તેથી જ કદાચ અસંખ્ય હરિભક્તો પ્રમુખસ્વામી મહારાજને ચાહે છે, કારણ તેઓ સૌને નિ:સ્વાર્થપણે અવિરત ચાહે છે.’

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS