Essay Archives

સેવાનું આવું વ્યસન પડી જાય તો...

સેવાથી રાજીપાની પ્રાપ્તિ...

ભક્તોની સેવા એ જ ભગવાન સ્વામિનારાયણનું જીવન હતું.
એટલે જ નિષ્કામભાવે સેવામય રહેનાર ભક્તો પર તેમની પ્રસન્નતા સહતાથી વરસી રહેતી. સેવા એટલે માત્ર શ્રમ નહીં, પરંતુ પોતાનું મોટું ભાગ્ય માનીને, માન ત્યજીને, નિર્દંભપણે, ઈર્ષ્યાએ રહિત, ભક્તિએ સહિત સેવા કરે તે ભક્ત જ શ્રીહરિને મન સેવાનું સર્વશ્રેષ્ઠ સ્વરૂપ.  એવા ભાવે તન-મન-ધનથી સેવાથી કરનાર કોઈપણ ભક્ત ભગવાન અને સંતની પ્રસન્નતાનો અધિકારી બને છે. અહીં છે એવી એક પ્રેરક વાત...
ગઢપુરમાં અક્ષરઓરડીમાં ભક્તો સાથે વિરાજમાન શ્રીહરિની આંખો જાણે આજે સભામાં કોઈને શોધી રહી હતી. બધા વિચારે છે કે ‘મહારાજ અત્યારે કોને શોધી રહ્યા હશે ?’ બરાબર એ જ સમયે એક ભક્તનો અક્ષરઓરડીમાં પ્રવેશ થયો.
‘આવો ભગત ! રોજ તો તમે વહેલા આવો છો ને આજે મોડું કેમ થયું ? સૂર્યવંશી તો નથી થઈ ગયા ને ?’ શ્રીહરિએ સ્મિત સાથે માર્મિક ટકોર કરીને પૂછ્યું.
સેવક સ્વભાવના તે ભક્તરાજ તો હાથ જોડીને મૌન જ રહ્યા. અન્ય એક હરિભક્તથી ન રહેવાયું, તેમણે નજરે જોયેલું શ્રીહરિ સમક્ષ રજૂ કરતાં કહ્યું : ‘મહારાજ ! આજે દાદા ખાચરના દરબારમાં લીંબડાના ઓટલે કૂતરું મળ કરી ગયેલું. ત્યાંથી જ્યારે અમે પસાર થયા ત્યારે અમારા બધાના મનમાં થયું કે ‘અરરર ! મહારાજના બેસવાના ઓટા ઉપર જ કૂતરાએ મળ કર્યું. બીજું તો કાંઈ નહિ, પણ મહારાજ અહીં સભા ભરશે ત્યારે ક્યાં વિરાજશે ? બહુ ખોટું થયું, પણ શું થાય ? કૂતરાનો તો સ્વભાવ જ આવો હોય’ એવી ટીકા-ટિપ્પણીઓ કરીને અમે તો ત્યાંથી ચાલતા થઈ ગયા. પરંતુ આ ભક્તરાજે જ્યારે ત્યાંથી પસાર થતી વખતે આ દૃશ્ય જોયું ને તુરંત જ વસ્ત્ર બદલીને મળ સાફ કરી નાખ્યું અને પછી પાછા ઘેલામાં સ્નાન કરી આવ્યા તેથી મોડું થયું.’
આ વાત સાંભળતાં જ ઉપસ્થિત સર્વનું હૈયું તે ભક્તરાજની સેવાભાવના ઉપર ઓવારી રહ્યું અને થોડી ક્ષણો માટે સમગ્ર સભા જાણે કે એ ભક્તરાજની સેવાની સ્મૃતિઓમાં સરી પડે છે કે ‘આ એ જ ભક્તરાજ છે કે જેઓ ઘેલામાં સ્નાનવિધિ માટે જતાં શ્રીહરિ અને સંતો-ભક્તોનાં કોમળ ચરણોમાં કાંકરાઓ-કાંટાઓ ન વાગી જાય તે માટે રોજ વહેલી સવારે 3-00 વાગે પત્ની સાથે મળી દાદાના દરબારથી માંડીને ઘેલાના ઘાટ સુધીનો રસ્તો ઝાડું વાળીને સાફ કરી નાખે છે. આ એ જ ભક્તરાજ છે જેણે સેવાને જ વ્યસન બનાવી દીધું છે. વ્યસન નહીં, તેથી આગળ જીવનનો પર્યાય બનાવી દીધો છે. વધુ ચોખ્ખું કહેવું હોય તો એમ કહેવાય કે એ સેવાનું મૂર્તિમાન સ્વરૂપ છે.’
સૌને સદ્‌ગુરુ અદ્‌ભુતાનંદ સ્વામીની વાતો યાદ આવી. સ્વામીએ સભામાં કહ્યું હતું, ‘આ ભક્ત તો એવી સેવા કરે છે કે સવારમાં વહેલાં ઊઠીને લઘુ કરવાના ખાળિયા ધૂવે, સંડાસ નહીં હોવાથી સાજા-માંદા સાધુનું પેટ છૂટી જાય તેના પોતે સવારમાં માટલા ભરી સીમાડે જઈ ઢોળી આવે, માંદા સાધુનાં કપડાં ઉન્મત્ત ગંગામાં ધોઈ આવે, બધો ચોક વાળ્યા કરે, સંતો-ભક્તોના ચરણમાં કાંકરા ખૂંચે એમ જાણીને બજારનો રસ્તો વાળે ઇત્યાદિ નીચ સેવા કરવામાં જ બપોર થઈ જાય તોય કંટાળે નહિ...’
આમ, તે ભક્તરાજની આવી સેવાને લીધે જ શ્રીહરિએ આજે અતિ પ્રસન્ન થઈને તેમના પર જાણે કે પ્રસન્નતાનો ધોધ વહાવ્યો. શ્રીહરિ ઢોલિયા પરથી ઊભા થઈને તે ભક્તરાજને ભેટી પડ્યા. રાજીપાના ફળ સ્વરૂપે તેમને છાતીમાં ચરણારવિંદ આપ્યાં.
આ ભક્તરાજ એટલે ગઢડાના ઉકા ખાચર. તેઓ પ્રત્યે શ્રીહરિના અવિરત વહેતા કરુણાધોધ વિષે સદ્‌ગુરુ અદ્‌ભુતાનંદ સ્વામી કહે છે કે ‘મહારાજ થાળ જમતા હોય તેની પ્રસાદી રાજી થઈને ઉકા ખાચરને આપે અને પછી મહારાજ પોઢી જાય ત્યારે કોઈ ચરણારવિંદ ચાંપવા આવે તો તેને તાણી લઈને ઉકા ખાચર આવે ત્યારે જ લાંબા કરે... એક ફેરે હું ચરણારવિંદ દાબતો હતો તે સમયે ઉકા ખાચર આવતાં મારી પાસેથી લઈને ઉકા ખાચર તરફ લઈને લાંબા કર્યા. તેને તે ખાચર દાબવા લાગ્યા. આ રીતે પોતાનો સર્વોપરિ રાજીપો જણાવ્યો.’ (સદ્‌ગુરુ અદ્‌ભુતાનંદ સ્વામીની વાતો : 211)
એક વાર સભામાં શ્રીહરિને નિર્વાસનિક થવા માટેનો ઉપાય પૂછ્યો ત્યારે પણ અધ્યાત્મ સાધનાના આ અંતિમ સોપાનની પ્રાપ્તિનો ઉપાય જણાવતી વખતે શ્રીહરિએ ઉકા ખાચરને યાદ કર્યા અને તેમના પર પોતાનો સર્વોપરિ રાજીપો જણાવતાં કહ્યું કે ‘જેવું ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે ને તે વિના એક ક્ષણમાત્ર પણ રહેવાય નહિ તો એના અંતઃકરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે.’
સૌએ અનુભવ્યું, શ્રીહરિની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો પોતાનું મોટું ભાગ્ય માનીને નીચી ટેલ-સેવા કરવી રહી...

મર્મચિંતન

ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા મધ્ય 28માં કહે છે : ‘જે ભગવાનના ભક્તની સેવાચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન-કર્મ-વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારુ જન્મોજન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે અને જેમ અમારો નિશ્ચય છે તેમ તમારે પણ નિશ્ચય કરવો. ...આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે શબ્દમાત્ર છે, તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ સત્ય છે ને સારનું પણ સાર છે. અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે, તે સર્વેને એ વાર્તા છે તે જીવનદોરીરૂપ છે.’
શ્રીજીમહારાજનાં આ વચનો પરથી સમજાય છે કે જીવના કલ્યાણને અર્થે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા એ અતિ મહત્ત્વનું સાધન છે, જે ભગવાનને રાજી કર્યાનો ત્રિકાલાબાધિત મોટો ઉપાય છે.
ગુણાતીતાનંદ સ્વામીએ બીમાર સંત દેવાનંદ સ્વામીની સેવા કરી, કે માવા ભક્તે કાંટો વાગેલા ભક્તની સેવા કરી, તેથી મહારાજ રાજી થયાનાં કંઈક દૃષ્ટાંતો સંપ્રદાયમાં પ્રસિદ્ઘ છે. સેવા કરતાં ગારાવાળા શરીર થયેલા સંતોને શ્રીજીમહારાજ ‘આ ગારો નથી, આ તો ચંદન છે’ કહી ભેટેલા છે.
શ્રીજીમહારાજ વચનામૃત વરતાલ 17માં કહે છે : ‘ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિમાર્ગમાં (સેવામાર્ગમાં) જોડાવું એનું નામ જ ભક્તિ છે. અને એવી પ્રવૃત્તિવાળા જે ત્યાગી છે તે બરોબર નિવૃત્તિમાર્ગવાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી તે થઈ શકતો નથી અને કેવળ આત્મનિષ્ઠાવાળો જે ત્યાગી તે કરતાં તો આ ત્યાગી અતિશય શ્રેષ્ઠ છે ને ભગવાનની કૃપાનું પાત્ર છે.’
અહીં પણ ભક્તની સેવાથી રાજીપો મળે છે તે વાત શ્રીહરિ સમજાવે છે. શ્રીહરિને પોતાને સેવા કરવાનો કેવો ઉમંગ હતો તે તેઓના આ ઉદ્‌ગારો પરથી જણાશે. તેઓ કહે છે : ‘અમે અમારા અંતરની વાર્તા કહીએ જે, જ્યારે અમે અગણોતેરાની સાલમાં માંદા થયા હતા, ત્યારે કૈલાસ ને વૈકુંઠ દેખ્યામાં આવ્યા ને નંદીશ્વરની અસવારી ને ગરુડની અસવારી પણ અમે કરી, એમ અમારા દીઠામાં આવ્યું, પણ તે સામર્થીમાં અમને કાંઈ સારું લાગ્યું નહીં. પછી તો અમે કેવળ (આત્મ) સત્તારૂપે રહેવા માંડ્યું ત્યારે સર્વે ઉપાધિની શાંતિ થઈ, પછી તેમાં પણ અમને એમ વિચાર થયો જે, ‘સત્તારૂપે રહેવું તેથી પણ ભગવાન ને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે. માટે અમને બીક લાગી જે, રખે સત્તારૂપે રહીએ ને પાછો દેહ ન ધરાય.માટે દેહ ધરીને ભગવાન ને ભગવાનના ભક્તની ભેળે રહીએ ને તેને અર્થે જે સેવા બની આવે એ જ અતિશય શ્રેષ્ઠ સાધન છે.’ (વચ. ગ.મ. 63)
આમ, ભગવાન પણ જેને કરવાને ઇચ્છે તેવું તેમના રાજીપાનું સાધન સેવા છે.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS