Essay Archives

જ્યારે સ્વયં શ્રીહરિએ સંતોને દંડવત્‌ પ્રણામ કર્યા...

તપથી રાજીપાની પ્રાપ્તિ...

શ્રીહરિને તપ ખૂબ પ્રિય. ઈન્દ્રિયો પર સંયમની લગામ રાખે અને તપ કરીને દેહદમન કરે તેના પર તેઓ ખૂબ પ્રસન્ન થતા. પાંચસો પરમહંસોએ શ્રીહરિની પ્રસન્નતા માટે 114 વર્તમાન પાળીને પ્રભુ-પ્રસન્નતાનો એક આદર્શ પૂરો પાડ્યો હતો. તેને અનુસરીને આજેય હજારો આબાલવૃદ્ધ સ્ત્રી-પુરુષ હરિભક્તો કઠોર તપ કરીને ગુણાતીત ગુરુ અને શ્રીહરિને પ્રસન્ન કરે છે. 200 વર્ષ પહેલાં પરમહંસોએ તપની કેવી ઊંચી સીમા આંકી હતી ? તેની પ્રેરક કથા...
સૂરજ ક્ષિતિજની પેલી પાર ડૂબી ગયો છે. કુંડળ ગામમાં ગાઢ અંધકાર છવાઈ ગયો છે. અચાનક બ્રહ્માનંદ સ્વામીના શબ્દો સંભળાયા :  ‘કોઈ દેખતા હો તો મારી સતાર લાવો. આજ તો મહારાજને કીર્તન કરી રીઝવીએ.’
ભગવાન સ્વામિનારાયણે તેમની આ મર્મસભર વાણી સાંભળી પૂછ્યું : ‘આ બ્રહ્માનંદ સ્વામી આમ કેમ બોલે છે ?’
એક સંત બોલ્યા : ‘મહારાજ ! રસકસ વગરના ભોજનથી કેટલાક સંતો રતાંધળા થયા છે. સાંજ પડે એટલે દેખતા નથી.’
મહારાજ સમજી ગયા. સંતોની તપોભક્તિથી કરુણાનિધાનની આંખો ભીની થઈ ગઈ.
વાત જાણે એમ બનેલી કે આ.સં. 1869ના કારમા દુષ્કાળ વખતે શ્રીહરિએ સંતોને ખટરસનાં આકરાં તપ-વર્તમાન આપેલાં. તેના દોઢેક વર્ષ પછી તેમણે ગઢપુરમાં બાપુ એભલ ખાચરને કહ્યું : ‘આપણે અહીં ફૂલદોલનો ઉત્સવ કરવો છે. માટે ગામોગામ પત્રો લખી દ્યો, ખેપિયા મોકલી દ્યો. સંતોને ઘણા તપ કરાવ્યાં, ખટરસનાં વર્તમાન આપ્યાં. અમારા અર્થે, અમને રાજી કરવા સંતોએ ઘણું ઘણું સહન કર્યું. પણ હવે આ ફાગણના ફૂલદોલમાં સંતોને તેડાવી રંગોત્સવ કરીએ. તેમને ભક્તિના રંગે રંગી દઈએ, જમાડીએ, તૃપ્ત કરી દઈએ.’
અને વહેતા વાયરાની જેમ ખેપિયો ફરી વળ્યો. ગઢડા ભણી સંતોની હારમાળા વહેતી થઈ ગઈ. બીજી તરફ શ્રીહરિએ નાજા જોગિયાને કહ્યું : ‘ઘોડી તૈયાર કરો, સંતોની સામા જવું છે.’
દાદા ખાચર, એભલ ખાચર વગેરે સાથે શ્રીહરિ ચાલ્યા. કુંડળ સુધી આવ્યા અને સંતો સામે આવતા દેખાયા. શ્રીહરિએ સંતોને જોયા અને રોમરોમમાં આનંદની ઊર્મિઓ છલકાવા લાગી. તેઓ બોલી ઊઠ્યા : ‘બાપુ, જુઓ સંતો આવે છે. દાદા ! જો, જો, સંતો આવે છે.’
સૌ કાંઈ વિચારે તે પહેલાં તો શ્રીહરિ ઘોડી ઉપરથી ઊતરીને તપઃકૃશ સંતોને દંડવત્‌ કરવા લાગ્યા ! ભગવાન ભક્તોને દંડવત્‌-પ્રણામ કરે એ વળી કેવું વિરલ દૃશ્ય ! સંતો શ્રીહરિને રોકવા સામા દોડ્યા ને તેમનાં ચરણોમાં પડી ગયા. એક પછી એક સંતને ઊભા કરીને ખૂબ પ્રેમથી પોતાના દિવ્ય આશ્લેષમાં લઈને શ્રીહરિ પ્રસન્નતાની હેલી વરસાવતા રહ્યા.
થોડી વાર પછી મહારાજે સંતોને કહ્યું : ‘સંતો ! અમે તમને અનેક પ્રકારે તાવ્યા; આકરાં વ્રતો આપ્યાં, ખાવામાં ભિક્ષામાં આવેલા નિઃસત્ત્વ પાશેર અન્નનો ગોળો જ આપ્યો, છતાં તમારો અમારા પ્રત્યેનો પ્રેમ અણનમ રહ્યો. તમારું તપ અને તમારી આ દૃઢતા જોઈ અમારું મસ્તક નમી પડે છે. તમારાં ચરણની ધૂળ લેવા તત્પર બની જાય છે.’ શ્રીહરિના એક-એક શબ્દે અંતરમાંથી ઘૂંટાઈ ઘૂંટાઈને સંતો પ્રત્યેનો રાજીપો બહાર વહી આવતો હતો.
સૌ સંતોને મહારાજ કુંડળમાં મામૈયા પટગરના દરબારમાં લઈ આવ્યા અને ઉતારા કરાવ્યા. સંતોને ખટરસનાં વ્રત હતાં તેથી રસોઈમાં મીઠા વગરની થૂલીનાં આંધણ મુકાઈ રહ્યાં હતાં.
ત્યારે મામૈયા પટગરે મહારાજના ખોળામાં પોતાની પાઘ નાખીને કહ્યું : ‘કૃપાનાથ ! આ સંતો રસકસ વગરનું લગભગ દોઢ વરસથી તો જમે છે, તેથી સૌનાં શરીર અશક્ત થઈ ગયાં છે.’ રાઈમાએ કહ્યું, ‘મહારાજ ! દુકાળ બીજે ગમે ત્યાં હશે પણ અમારે ત્યાં નથી. અમારે ત્યાં તો સંતોનો દુકાળ હતો તે આજ ટળ્યો. હવે આપ અમને તેમની સેવા કરવાનો લાભ આપો.’
મહારાજ તેમની ભક્તિ જોઈ ખૂબ રાજી થયા. ઉતારે જઈ સૌ સંતોને કહ્યું, ‘સંતો ! આજથી ખટરસનાં વ્રતો પૂર્ણ થયાં. હવેથી બધું જ જમજો.’
સંતોએ કહ્યું : ‘મહારાજ ! આપની તપની જ રુચિ છે. આપની એ રુચિ પ્રમાણે વર્તતાં અમારાં અંગ પણ આપની કૃપાથી એવાં જ બંધાઈ ગયાં છે કે હવે રસકસ ગળા હેઠળ ઊતરશે નહીં.’
સંતોએ માત્ર શ્રીહરિની પ્રસન્નતાના વિચારથી શ્રદ્ધાપૂર્વક આ તપ-વ્રત કર્યાં હતાં. અને આજે એ સિદ્ધ થઈ ગયું હતું. શ્રીહરિ સૌ પર અઢળક ઢળી ગયા હતા. અપાર પ્રસન્નતા સાથે તેમણે કહ્યું : ‘તમે ત્યાગનો અંત લીધો છે. આવું કોઈ વર્તી શકે નહીં. માટે આજથી અમારી આજ્ઞાથી, હરિભક્તો ભાવથી જે આપે તે બધું અંગીકાર કરો.’ અને તે ઘડીએ બ્રહ્માનંદ સ્વામીએ સતાર વગાડી, શ્રીહરિની કૃપાને બિરદાવતાં કીર્તનો ગાયાં અને શ્રીહરિએ પ્રસન્નતા વરસાવતાં એ કીર્તનોના શબ્દોને સાર્થક કર્યાં. 

મર્મચિંતન

ભગવાન સ્વામિનારાયણ વચનામૃત કારિયાણી 10માં કહે છે : ‘ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યંત ટાઢ-તડકાને તથા ભૂખ-તરસને સહન કરીને મહાતપ કર્યું અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા, એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાના દેહ-ઇંદ્રિયોને દમીને તપ કરે છે. માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ-ઇંદ્રિયોને કષ્ટ થાય એમ વર્ત્યું જોઈએ તો ઈશ્વર ઇચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને શીદ ટાળવાને ઇચ્છે ? અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દૃઢ રુચિ રાખવી જોઈએ જે,‘ મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચવિષય સંબંધી ભોગસુખ તે નથી જોઈતાં અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદરિકાશ્રમ તથા શ્વેતદ્વિપમાં જઈને ને તપ કરીને ભગવાનને રાજી કરવા છે. તે એક જન્મ તથા બે જન્મ તથા સહસ્ર જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વકર્તા જાણે તોય પણ જન્મ-મરણના દુઃખથી તો જીવ તરી જાય પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહીં. માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વકર્તા જાણીને તપે કરીને જ ભગવાનને રાજી કરવા એ અમારો સિદ્ઘાંત છે.’
કશીયે ટીકા-ટીપ્પણ વિના ભગવાન અને સંતને રાજી કરવાનો ઉપાય ઉપરોક્ત વચનો પરથી સહેજે સમજાય તેવો છે. પરમહંસોએ પણ તેથી જ ગાયું હશે :
‘તપ જેવું વ્હાલું છે વ્હાલમને, એવું બીજું નથી કાંય...’
વચનામૃત ગઢડા મધ્ય 8માં પણ પોતાનો આ અભિપ્રાય દોહરાવતાં શ્રીજીમહારાજ કહે છે : ‘એકાદશીનું વ્રત કરવું ત્યારે તો અગિયારે ઇંદ્રિયોને આહાર કરવા દેવા નહિ, એવું વ્રત પંદર દિવસમાં એક વાર આવે તે ખબડદાર થઈને કરવું, તો તેના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે.’ આમ, તપ એ ભગવાનની પ્રસન્નતા મેળવવાનું સાધન છે.
આજેય બી.એ.પી.એસ. સંસ્થાના હજારો હરિભક્તો તપ દ્વારા એ પ્રસન્નતા પામ્યાનો અનુભવ કરી રહ્યા છે.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS