Essay Archives

આજ્ઞાપાલનથી રાજીપો...

આજ્ઞા એટલે શ્રીહરિ અને તેમના સત્પુરુષનાં વચનોનું દૃઢ પાલન. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પંચ વર્તમાનરૂપી આજ્ઞા સંપૂર્ણ પાળે અને તેમાં કોઈ રીતે ખોટ ન આવવા દે, તેના ઉપર ભગવાન અને સંત પ્રસન્ન થાય છે. સંતો અને ગૃહસ્થો માટે તેમણે કરેલી પંચ-વર્તમાનરૂપી આજ્ઞા જે કોઈ પાળે છે,  તેના પર તેમની પ્રસન્નતાની કેવી વર્ષા થઈ જાય છે, તેની એક પ્રેરક કથા...

ઘોઘલા ગામના લક્ષ્મીચંદ શેઠ

પૂર્વના પુણ્યે સંતોનો યોગ થયો અને સ્વામિનારાયણીય સત્સંગી થયા. ભગવાન સ્વામિનારાયણનાં દર્શન હજી એક પણ વખત કર્યા નથી, અને વહાણમાં બેસી આફ્રિકા જવાનું થયું. અજાણી પરદેશની ભૂમિ પર પણ તેમણે ભગવાનના આજ્ઞા-વચનની સંગાથે નિયમ-ધર્મની દૃઢતા રાખી અને સત્સંગ ટકાવ્યો.
દિવસો વીતતા ગયા. કમાણી ચાલુ થઈ. સ્વામિનારાયણીય નિયમ-ધર્મ દૃઢ પાળીને તેમણે સૌનાં દિલ જીતી લીધાં. જીવનમાં નેકી અને નીતિ જોઈને તેમના શેઠે તેમને પેઢીના મુખ્ય મુનિમ તરીકે સ્થાપ્યા.
એક વાર લક્ષ્મીચંદ શેઠ ગંભીર બીમારીમાં સપડાઈ ગયા. માંદા શરીરે પણ એમણે નોકરી-ધંધે જવાનું ચાલુ જ રાખ્યું, પરંતુ પરિસ્થિતિ વણસતી ગઈ, બીમારીએ વધુ ને વધુ પકડ લઈ લીધી. એક દિવસ તેઓ દુકાને ન જ જઈ શક્યા. શેઠને ચિંતા થઈ, તપાસ કરી અને અંતે બીમાર લક્ષ્મીચંદની ખબર કાઢવા જાતે જ પહોંચી ગયા. લક્ષ્મીચંદની હાલત જોઈ તે અકળાઈ ગયા, ‘અરે ભલા માણસ, રોગથી ઘેરાઈ ગયો છે તો પણ હજુ દવા નથી કરી ?’ એમ કહી શેઠે જાતે દવાની વ્યવસ્થા કરી. શેઠે જાતે લક્ષ્મીચંદને દવા આપી. પણ દવામાં તો દારૂ !
લક્ષ્મીચંદે વિનયપૂર્વક ના પાડી. શેઠે આગ્રહપૂર્વક કહ્યું, ‘પરંતુ આના વગર સાજા નહીં થાઓ.’ એમ કહી ફરી દવા ધરી. લક્ષ્મીચંદની આંખોમાં નિશ્ચયાત્મક દૃઢતા ઊપસી આવી, ‘મારા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે દારૂ તો ન જ પીવાય.’
‘પરંતુ અહીં ક્યાં તમારા ભગવાન જોવા આવવાના છે ?’
‘એ તો બધે જ છે. એમની આજ્ઞા લોપું તેના કરતાં શરીર ભલે પડી જાય...’
શેઠે આગ્રહ ચાલુ રાખ્યો. શેઠના અવાજમાં ઊગ્રતા આવવા લાગી. ‘અરે લક્ષ્મીચંદ, શરીર હશે તો જ ધર્મ પળાશે. આ લઈ લો, શક્તિ પણ આવશે અને ભૂખ પણ લાગશે.’
લક્ષ્મીચંદ આ ઉગ્રતા અનુભવી સંકટમાં મુકાયા. તેમને દવાની જરૂર તો હતી જ, આ રોગે એમના આખા શરીરને ગ્રસ્ત કરી લીધું હતું. દવા વગર કામ પણ નહીં થાય અને વળી કોપાયમાન થતા શેઠ તો માથે જ ઊભા હતા. શરીરની શિથિલ હાલતમાં અવાજ પણ માંડ માંડ નીકળતો હતો. શેઠનો આગ્રહ જોઈ લક્ષ્મીચંદ ધીમા સાદે ખૂબ પ્રયત્ન કરી ફરી બોલ્યા, ‘અત્યારે રાતનો સમય છે, દવા લેવી ઠીક નહીં પડે, સવારે જોઈશું...’ એમ કહી વાત ટાળી, આંખો મીંચી અને પડખું ફરી ગયા. આંખોમાં તો એ જ નિશ્ચયાત્મક દૃઢતા. અંતરમાં એક જ આલોચના હતી કે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ શરાબનું ટીપું પણ મોંમાં કેવી રીતે લેવાય ?
અંતે શેઠે વિદાય લીધી. લક્ષ્મીચંદ શ્રીજીના સ્મરણમાં ખોવાઈ ગયા. મધ્યરાત્રિ થઈ અને અચાનક બારણે ‘ઠક્‌... ઠક્‌, ઠક્‌... ઠક્‌’ અવાજ આવ્યો.
‘કોણ ?’ લક્ષ્મીચંદે અશક્ત અવાજે પૂછ્યું, અને ત્યાં તો મંદ શીતળ પ્રકાશ રેલાયો. ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત્‌ તેમની સામે આવીને ઊભા રહ્યા. ‘તમે કોણ છો ?’ લક્ષ્મીચંદે પૂછ્યું, તેમને તો શ્રીજીમહારાજનાં આ પ્રથમ જ દર્શન હતાં.
‘તમે જેનું ભજન કરો છો, તે સ્વામિનારાયણ છીએ ! તમારા શુદ્ધ પ્રેમ અને પ્રાર્થનાથી રાજી થઈને અમે આવ્યા છીએ... માંદગીમાં મૂંઝવણ થઈ છે ને ? લો આ ખાઈ જાવ, સારું થઈ જશે...’
લક્ષ્મીચંદે રોગગ્રસ્ત દશામાં હાથ લંબાવ્યો, મીઠું અને તુલસીનાં પાન હાથમાં આવ્યા. મહારાજે ફરી કહ્યું, ‘હવે દેશમાં આવો ત્યારે ગઢડા આવજો, ત્યાં મળીશું...’ એમ કહી અદૃશ્ય થઈ ગયા.
લક્ષ્મીચંદ મહારાજે આપેલું મીઠું અને તુલસી જમી ગયા. અને અંગોઅંગમાં સ્ફૂર્તિ આવી ગઈ, નખમાંય રોગ ન રહ્યો. થોડા સમય પછી લક્ષ્મીચંદ ભારત આવ્યા ત્યારે સીધા ગઢડે જઈ ઉપકારવશ થઈને શ્રીહરિનાં ચરણોમાં ગદ્‌ગદ થઈ નમી પડ્યા અને ત્યારે શ્રીહરિ તેમના પર પ્રસન્નતાથી લળી રહ્યા હતા...

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS