Essay Archives

આત્માની ચેતના અને ભૌતિક મગજ

‘આપણે મૃત્યુ પામીએ છીએ ત્યારે શું થાય છે?’ તે વિશે જિજ્ઞાસા માણસમાત્રને સતાવે છે, પરંતુ કેટલાક ધૂની વિજ્ઞાનીઓ એ જિજ્ઞાસાને પોતાની જિંદગીનું લક્ષ્ય બનાવીને તેની પાછળ પડી જાય છે, ત્યારે વિશ્વને એક જ્ઞાનસભર સર્જન લાધે છે.
ન્યૂયોર્કના પી.એમ.એચ. ઍટવોટર નામના સંશોધકે આવા અનુભવોની માહિતી એકત્રિત કરવામાં ઘણી નામના મેળવી છે. તેમને આ વિષયમાં કેવી રીતે રસ પડ્યો? 'The Complete Idiots Guide to Near-Death Experience' પુસ્તકમાં જ તેઓ કારણ આપે છે. સન 1977માં જાન્યુઆરી-માર્ચ દરમ્યાન તેમને સ્વાસ્થ્યની ગંભીર મુશ્કેલી ઊભી થઈ ત્યારે તેઓ ત્રણ વખત મૃત્યુ પામ્યા અને ફરીથી જીવતા થયા અને ત્રણેય વખતના તેમના અનુભવો આશ્ચર્યકારક હતા!
સાજા થયા પછી, ઍટવોટરે પોતાના એ અનુભવો સાથે જીવનનું એક લક્ષ્ય બનાવ્યું : NDE પર સંશોધનો કરીને તેનો સાચો ચિતાર મેળવવો છે. છેલ્લાં 30 વર્ષોથી તેમણે આ જ વિષય પર પુખ્ત વયના 3000 અને 277 બાળકોના NDE પર ઊંડાં સંશોધનો કર્યાં છે. ‘Coming back to life: The After effects of the Near Death Experience તથા Beyond the Light: What is not being said About the Near-Death Experience.’ વગેરે પુસ્તકો વૈજ્ઞાનિક તથ્યોથી છલકાય છે.
‘જાતે મરીને અનુભવો કરવા કરતાં, આ પુસ્તક વાંચી જવા જેવું છે, જેણે જાતે મરીને અનુભવ કરી લીધો છે.’ - અન્ય લેખકો રિમાર્ક લખે છે!
એવી જિજ્ઞાસાઓથી થનગનતા વિજ્ઞાનીઓમાં એક સમર્થ નામ છે, 'Life After Life' પુસ્તકો લખીને જગવિખ્યાત થનાર અમેરિકન વિજ્ઞાની ડૉ. રેમન્ડ મૂડી. હૃદય કામ કરતું બંધ થઈ જાય, મગજની પ્રવૃત્તિ બંધ થઈ જાય, એનો અર્થ એ નથી કે જીવનનો અંત આવી ગયો - આટલું સત્ય લોકો સમક્ષ રજૂ કરવા તેમણે 30 વર્ષ સંશોધનમાં વિતાવ્યાં. જે લોકોનું હૃદય અને મગજ બંધ પડી ગયાં હોય, તેમને મૃત્યુ પામેલા જાહેર કરાયા હોય તેવા લોકો ફરીથી પાછા સજીવન થાય ત્યારે તેમના શા અનુભવો હોય છે ? ડૉ. રેમન્ડ મૂડીએ તે જાણવા માટે તેનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવા માટે જીવન ખપાવી દીધું. એવા લોકોએ ડૉ. રેમન્ડ મૂડીને એક સર્વસામાન્ય અનુભવમાં કહ્યું : તેઓએ મૃત્યુ પછી એક લાંબી ગુફા-ટનલ જોઈ અને તેના અંતે પ્રકાશનો પુંજ જોયો! કોઈકે કહ્યું કે તેમણે પોતાના મૃત સ્વજનોને પણ જોયા, જે કંઈક નવી અને વધુ જિંદગી તથા દુનિયા વિશે વાત કરતા હતા! ડૉ. મૂડી અને તેમના સાથીઓએ આવા હજારો કિસ્સાઓ પુરાવા રૂપે ચકાસ્યા. મોટાભાગના તમામ લોકો એક બીજાથી તદ્દન અજાણ્યા હોવા છતાં, તેમના મૃત્યુ પછીના અનુભવોમાં ખૂબ જ સામ્ય હતું. એ જ સૂચવે છે કે આ અનુભવ કથનમાં ક્યાંય બનાવટ ન જ હોઈ શકે. ડૉ. રેમન્ડ મૂડી પૂછે છે કે, બ્રેઇનની પ્રવૃત્તિ તદ્દન સ્થગિત થઈ ગયા પછી, એ દર્દીઓને મૃત્યુ પછીના અનુભવો યાદ કેવી રીતે રહ્યા હશે?
હૉલેન્ડના સંશોધક ડૉ. વૅન લોમેલ આવાં સંશોધનોના અંતે કહે છે કે જ્યારે માણસનું મધ્યસ્થ ચેતાતંત્ર (Central Nervous System) બિલકુલ બંધ હોય તેવા સંજોગોમાં પણ મૃત વ્યક્તિ કોઈક દૃશ્ય જોઈ શકે, એ કેટલું મોટું આશ્ચર્ય કહેવાય! આ જ બાબત પુરવાર કરે છે કે ચેતના (Consciousness)એ મગજનું કાર્ય નથી, ભૌતિક રીતે જેને બ્રેઇન કહીએ છીએ તેના કરતાં કોઈક અલગ અને વિશેષ તત્ત્વ છે.
ડૉ. વૅન લોમેલ સ્વાનુભવ ટાંકે છે. એક વૃદ્ધ દર્દી મૃત્યુ પામ્યો. ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો તે સમયે આ દર્દીની અંતિમ અવસ્થામાં તેને બચાવવાના પ્રયાસરૂપે તેની શ્વાસનળીમાં કૃત્રિમ શ્વાસોચ્છ્‌વાસ માટે એક નળી નાખી હતી. આ નળી નાખતી વખતે ડૉક્ટરોએ તે વૃદ્ધના દાંતનાં ચોકઠાં કાઢવાં પડ્યાં હતાં. જોકે આ નળી નાંખતાં પહેલાં જ દર્દી મૃત્યુ પામી ગયો હતો, પણ હૃદય અને મગજની કાર્યવાહી ઠપ થઈ જતાં, પ્રયાસોને અંતે તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આમ છતાં થોડાક સમય પછી તે દર્દીનું હૃદય ફરીથી ધબકવા માંડ્યું. દર્દી પુનઃ સજીવન થયો. એકાદ અઠવાડિયા પછી તે દર્દી ફરીથી સભાન થયો, ત્યારે તેણે પોતાના દાંતનાં ચોકઠાં માંગ્યાં.  ડૉક્ટરોને કે સ્ટાફને એ યાદ જ ન આવ્યું કે શ્વાસ માટેની નળી નાખતી વખતે દાંતનાં ચોકઠાં ક્યાં મુકાઈ ગયાં છે! ત્યારે સૌના આશ્ચર્યની વચ્ચે દર્દીએ ડૉક્ટરોને યાદ કરાવ્યું કે તમે મારાં ચોકઠાં આ જગ્યાએ મૂક્યાં છે! અને તેનું રહસ્ય તેણે જ બતાવ્યું: ‘જ્યારે તમે મારા ફેફસાંમાં નળી નાખી રહ્યા હતા ત્યારે હું શરીરની બહાર હતો અને રૂમમાં ઉપર વિહરતો હતો. મેં તમને ચોકઠાં મૂકતાં જોયા હતા!

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS