Essays Archives

સંવત 1996ના કારતક સુદિ પૂનમના દિવસે રવિવાર હતો. તેથી સાકર અને દૂધ ભેગા થયા બરોબર થયું. અમારા જેવા મજૂરી કરી નિર્વાહ કરનારાઓને માટે પણ ઘણી અનુકૂળતા થઈ. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાનુસાર પૂનમના દિવસે સવારની ગાડીમાં અમદાવાદથી બેસી બોચાસણ ગયા ત્યારે આખા મંદિરમાં હરિભક્તોની અદ્ભુત ભીડ જામેલી અમે જોઈ. સભામંડપમાં ખીચોખીચ મુમુક્ષુઓ એકી ટશે શાસ્ત્રીજી મહારાજની તરફ જોઈને બેઠા હતા. સભામંડપ પણ સાંકડો પડ્યો - એવા ઉદગારો શાસ્ત્રીજી મહારાજના વદનકમળમાંથી નીકળ્યા...’
‘...આ સમૈયામાં ભેગા થયેલા હરિભક્તોએ નારાયણ હરે થયા ત્યારે પંક્તિ કરી. તે વખતે આખું મંદિર ચિક્કાર ભરાઈ ગયું. બપોરે અઠાવીસ મણનો ભાત વપરાઈ ગયો અને રાત્રે દશ મણ ખીચડી વપરાઈ ! શાસ્ત્રી મહારાજની દિનપ્રતિદિન વધતી શક્તિને લાખ્ખો લાખ્ખો ધન્યવાદ ઘટે છે. તેઓ જ શ્રીજીમહારાજનું હૃદય છે અને કલ્યાણનું પ્રત્યક્ષ દ્વાર છે.’ (‘પ્રકાશ’, 1939, ડિસેમ્બર, પૃષ્ઠ : 58)
એક સમયે બધું જ બુદ્ધિના ત્રાજવે તોલવા ટેવાયેલા પ્રૉ. જેઠાલાલે, શાસ્ત્રીજી મહારાજના પ્રભાવમાં અનુભવ્યું કે અહીં બુદ્ધિનાં તોલમાપ વામણાં પડે છે. અહીં તો એક એવું સર્વોપરી અને દિવ્ય તત્ત્વ છે, જેને માત્ર શરણાગતિથી જ પામી શકાય છે. પોતાના એ બુદ્ધિથી પરના દિવ્ય અનુભવની વાત લખતાં જેઠાલાલ એક પત્રમાં નોંધે છે : ‘શ્રીજીમહારાજ જ્યારે અક્ષરધામમાં પધાર્યા તે વખતે દાદાખાચર વગેરે હરિભક્તોને અત્યંત શોક થયો ત્યારે કૃપા કરી શ્રીજીમહારાજે સઘળાઓને દિવ્ય દર્શન દઈ કહ્યું કે તમે શોક કરશો નહીં. હું સત્સંગમાં સર્વદા પ્રત્યક્ષ વિરાજમાન રહીશ. શ્રીજી-મહારાજની આ વાણી સર્વદા સત્ય જણાય છે. હમણાં પણ શ્રીજીમહારાજ પ્રત્યક્ષ વિરાજે છે. જેટલું સામર્થ્ય તેમણે સત્સંગસ્થાપના વખતે કર્યું હતું તેટલું જ સામર્થ્ય અત્યારે શ્રીજીમહારાજ શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી મારફત વાપરી રહ્યા છે, એ તો અમને પ્રત્યક્ષ ભાસી રહ્યું છે. અત્યારના પાશ્ચાત્ય કેળવણીના યુગમાં નાસ્તિક બની ગયેલા મારા જેવાઓને પણ શાસ્ત્રીજી મારફત શ્રીજીમહારાજના માહાત્મ્યનો પ્રત્યક્ષ પરિચય થયો છે. નાસ્તિકોમાંથી આસ્તિક બનાવવાનું અઘરું કામ શાસ્ત્રીજી જેવા મહા સંતો જ કરી શકે છે.’
‘આવા અસંખ્ય પરચાઓ શ્રીજીમહારાજ પૂરી રહ્યા છે તેમાંના કેટલાકનું વર્ણન કરવાનું મને મન થાય છે; ફક્ત તેવા જ પરચાઓ હું જણાવવા માગું છું કે જે પરચાઓ મેં મારી પોતાની આંખોએ જોયા છે.’
અને આમ કહીને જેઠાલાલ શાસ્ત્રીજી મહારાજના દિવ્ય પ્રભાવને નજરે જોયેલા પ્રસંગોની હારમાળા ખડી કરી દે છે. પ્રત્યેક પ્રસંગમાં ‘નજરે જોયાનું’ બયાન આપીને જેઠાલાલ વારંવાર ખાતરી આપે છે કે, ‘આ પણ મેં મારી નજરે નિહાળેલું છે. પ્રત્યક્ષ પ્રમાણ કરતાં વધારે સબળ બીજું કોઈ પ્રમાણ નથી. મારી તો ફક્ત એટલી જ પ્રાર્થના છે કે આફ્રિકાના હરિભક્તો જ્યારે દેશમાં આવે ત્યારે શાસ્ત્રીજી મહારાજનાં અવશ્ય દર્શન કરે અને તેમનો લાભ ઉઠાવે. અત્યારે શ્રીજીમહારાજનો પ્રત્યક્ષ પરિચય કરવો હોય તેમને શાસ્ત્રીજી મહારાજનો અવશ્ય સમાગમ કરવાની હું વિનંતી કરું છું. શ્રીજીમહારાજ સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ છે એવું પ્રત્યક્ષ પૂરવાર થાય છે. દરેક પગલે આનો પરિચય થઈ રહ્યો છે. તેમની ઉપાસના સિવાય આત્યંતિક કલ્યાણનો બીજો રસ્તો નથી.’ (આફ્રિકા સત્સંગ મંડળને પત્ર, તા. 12-7-1937)
સુશિક્ષિત જેઠાલાલ સુધારાવાદી, રાષ્ટ્રવાદી અને બુદ્ધિવાદી હતા. પરંતુ હવે તેમનું નિશાન બદલાયું હતું. આથી, શાસ્ત્રીજી મહારાજની લોક-કલ્યાણની પ્રવૃત્તિના વિસ્તાર માટે કેવાં કેવાં આયોજનો કરવાં જોઈએ, એ વિશે જેઠાલાલ સતત ચિંતન કર્યા કરતા. સત્સંગમાં પ્રવેશ થયો તે સાથે જ તેમને લાગવા માંડ્યું હતું કે આ દિવ્ય સત્સંગ સમાજ માટે એક નિયમિત સમયાંતરે પ્રકાશિત થતા સામાયિકની અતિ આવશ્યકતા છે. સામાયિક દ્વારા શાસ્ત્રીજી મહારાજના સમાચાર, અક્ષરપુરુષોત્તમના તત્ત્વજ્ઞાનની અદ્ભુત જ્ઞાન-સરવાણી અને અસંખ્ય હરિભક્તોના શાસ્ત્રીજી મહારાજ પ્રત્યેના સ્વાનુભવોને ઘરોઘર વહાવી શકાય. આથી તેમણે શાસ્ત્રીજી મહારાજને તે અંગે વારંવાર વિનંતી કરી હતી. તેમાં વિનાયકરાય ત્રિવેદી, ચંપકભાઈ બેંકર, નંદુલાલ મંછારામ, ખેંગારજીભાઈ ચૌહાણ વગેરેને પણ ભેળવ્યા હતા. અને એક દિવસ શાસ્ત્રીજી મહારાજે કૃપા કરી. સન 1938માં ભાદરવા માસમાં તેમણે સંમતિ આપી, આશીર્વાદ આપ્યા, તેમાંથી જન્મ થયો ‘સ્વામિનારાયણ પ્રકાશ’નો.
એ સમયે આ દીર્ઘદૃષ્ટિ સભર કાર્યનો કોઈને અંદાજ પણ નહીં હોય, પરંતુ ‘પ્રકાશ’ના એક એક અંક સ્વામિનારાયણીય સિદ્ધાંત, સંસ્કાર અને સાંસ્કૃતિક ઇતિહાસના અણમોલ દસ્તાવેજ બની રહ્યા છે. આજે હજારો નકલની સંખ્યા પર પહોંચેલું આ સામયિક એ સમયમાં એક ચમત્કાર હતો. જેના મૂળમાં હતા - જેઠાલાલ.
ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો તેમજ અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તન માટે એક પ્રકાશન સંસ્થા હોવી જોઈએ અને તેના પોતાના પ્રિન્ટિંગ પ્રેસની ઉત્તમ વ્યવસ્થા હોવી જોઈએ - એવા રચનાત્મક વિચારો જેઠાલાલે દાયકાઓ પહેલાં કર્યા હતા. ‘સ્વામિનારાયણ પ્રકાશ’ની સ્થાપના સાથે જ જેઠાલાલે જાહેર સત્સંગ સમુદાયને તેની અપીલ કરી હતી : ‘માસિકનો આ દસમો અંક છે. અર્થાત્ માસિક આખાય સત્સંગની શુભેચ્છા તથા આશીર્વાદથી પોતાનું પહેલું વર્ષ થોડા સમયમાં પૂરું કરશે. નવેસરથી આ પ્રકારના માસિક કાઢી સારી રીતે ચલાવવાના કાર્યમાં ખર્ચનો તથા યોગ્ય જ્ઞાનવિચારનો પ્રશ્ન કેવો ગંભીર હોય છે તે તો જેમને એનો અનુભવ હોય તે જ સમજી શકે તેમ છે. છતાં અમોને જણાવતાં ખરેખર હર્ષ થાય છે કે માસિક કાર્યમાં અમોને ધાર્યા કરતાં પણ વધુ ઉત્તેજન સત્સંગી બંધુઓ તરફથી મળ્યું છે. તેનું ખાસ કારણ એ છે કે, માસિકની નીતિ કાયમ માટે કેવળ શુદ્ધ જ્ઞાનપ્રચાર માટેની, તથા તમામ જાતના ઝઘડા, નિંદાખોરી કે વિતંડાથી દૂર રહેવાની છે. તેના કાર્યને વધુ સુવ્યવસ્થિત તથા સંગીન પાયા ઉપર મૂકવા માટે માસિકને પોતાના એક પ્રિન્ટિંગ પ્રેસ-છાપખાનાની-ખાસ જરૂર છે. તે પરત્વે મારી સત્સંગી બંધુઓ આગળ નમ્ર સૂચના એ છે કે જેમનાથી બની શકે તે તમામ ભાઈઓ માસિકના “કાયમી ગ્રાહક” રૂપિયા 51 અગાઉથી ભરી તુરત બની જાય. આવા ગ્રાહકો લગભગ સો જેટલા હાલમાં બની આવે તોપણ એક કામચલાઉ સારું પ્રિન્ટિંગ પ્રેસ માસિક માટે વસાવી શકાય. આવી રીતે “કાયમી ગ્રાહક’ બનનાર ભાઈઓએ માસિકની ભારે અગત્યની સેવા કરી ગણાશે.’
‘તદુપરાંત ઘણુંએ ઊંચા પ્રકારનું સાહિત્ય ઓછી કિંમતે બહાર પાડવાની પણ અમારી મુરાદ છે. આ ઉત્તમ કાર્યમાં આ રીતે મદદ આપવી તે શ્રીજી સ્વામીની શુદ્ધ સર્વોપરિ ઉપાસનાના પ્રચાર કાર્યમાં મદદ કરવા બરોબર છે. અને સર્વ કોઈ સાચા સત્સંગીની તે ફરજ છે.’ (‘પ્રકાશ’, 1939, જૂન-જુલાઈ, પૃષ્ઠ : 222)
શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી જેઠાલાલના એ સંકલ્પો આજે ફળ્યા છે. આજે માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ નહીં, પરંતુ સમગ્ર હિંદુ ધર્મ પરંપરામાં, અદ્યતન પ્રિન્ટિંગ પ્રેસ સાથે સ્વામિનારાયણ અક્ષરપીઠે પ્રકાશન ક્ષેત્રે આગવી કેડી કંડારી છે.
સંશોધન વૃત્તિના જેઠાલાલે અન્ય અનેક સેવાઓ કરી છે. જેમ કે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની પ્રાગટ્ય ભૂમિ ભાદરા જઈને તેમના પૂર્વાશ્રમના પ્રાસાદિક ઘરની શોધ કરવાનું કાર્ય પણ તેમણે કર્યું હતું. સન 1935માં ભાદરા ગામમાં બ્રાહ્મણ ફળિયામાં જઈને, જૂનો ઇતિહાસ ફંફોસીને પ્રમાણભૂત ઘર અને એ સ્થાન પણ તેમણે શોધ્યું હતું, જ્યાં ગુણાતીતાનંદ સ્વામીએ મૂળજી તરીકે જન્મ ધારણ કર્યો હતો.
જેઠાલાલનું વર્ચસ્વ સમાજમાં ચારે તરફ હતું. આથી જ, તેઓ શાસ્ત્રીજી મહારાજના ચુસ્ત શિષ્ય હોવા છતાં, અમદાવાદના કાલુપુરના નરનારાયણ દેવ સંસ્થાનના કમિટીના મેમ્બર તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી.
જેઠાલાલની નસોમાં અક્ષર અને પુરુષોત્તમના મહિમાનું લોહી ધસમસતું વહેતું હતું. તેઓ કહેતા : ‘હું તો ગણિતશાસ્ત્રી છું. ગણિતની દૃષ્ટિએ દરેક વસ્તુ તરફ જોવાની મને ટેવ છે. ગણિતમાં મીંડાંઓની કિંમત નથી. ગમે તેટલાં મીંડાં મૂકો પણ તેની કિંમત થતી નથી. તેવી જ રીતે શ્રીજીમહારાજને સર્વોપરિ સમજવા એ જ એકડા બરોબર છે. કેટલાક શ્રીજીમહારાજને મહાપુરુષ જેવા ગણે છે. કેટલાક તેમને ભગવાનના ભક્ત જેવા ગણે છે. કેટલાક તેમને રામકૃષ્ણ જેવા એક અવતાર તરીકે ગણે છે. પણ શ્રીજીમહારાજને સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ અનંતકોટિ બ્રહ્માંડોના અધિપતિ અને સર્વ કારણના કારણ માનવા એ જ એકડા બરોબર છે.’
‘અનાદિ અક્ષરબ્રહ્મના અવતાર સ્વામીશ્રી ગુણાતીતાનંદજીએ શ્રીજીમહારાજને સર્વોપરિ તરીકે ઓળખાવ્યા. અનેક હરિભક્તો કને તેમણે મહારાજના સર્વોપરિપણાનો એકડો ઘૂંટાવ્યો. તેટલા માટે જ ગુણાતીતાનંદ સ્વામી ભક્ત શિરોમણિ છે. જેવી રીતે રામાવતારમાં શ્રી રામચંદ્ર સાથે હનુમાન પૂજાયા અને હજુ પણ પૂજાય છે અને જેવી રીતે કૃષ્ણાવતારમાં રાધાકૃષ્ણ જોડે પૂજાયા અને પૂજાય છે, તેવી જ રીતે મહારાજને સર્વોપરિ તરીકે સમજાવનાર ભક્ત શિરોમણિ અક્ષરમૂર્તિ સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી સાથે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીજીમહારાજને (ભક્તે સહિત ભગવાનને) પૂજવા એ જ બ્રહ્મવિદ્યાનો એકડો છે.’
‘શ્રીજીમહારાજને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે ઓળખનાર ભક્ત શિરોમણિ મૂળ અક્ષરબ્રહ્મના અવતાર યોગમૂર્તિ સ્વામી શ્રી ગુણાતીતાનંદજી સાથે ‘અક્ષરપુરુષોત્તમની’ ઉપાસના કોઈ પણ જાતનો ડર કે ભય રાખ્યા વિના પ્રચલિત કરનાર અને અક્ષર-પુરુષોત્તમનાં મંદિરો સ્થાપનાર શાસ્ત્રીજી મહારાજે અનહદ ઉપકાર કર્યો છે.’ (‘પ્રકાશ’, 1939, એપ્રિલ, પૃષ્ઠ : 164 )
પ્રૉ. જેઠાલાલ કીર્તનો પણ ખૂબ સારાં રચતાં અને જાહેરમાં કોઈની પણ લાજ-શરમ રાખ્યા વગર તેઓ આ કીર્તનો ગાતાં. પ્રેમાભાઈ હૉલ હોય, મુંબઈનો લક્ષ્મીબાગ હોય કે ગમે તેવી મોટી સભા હોય, સામે ભલે ને મોટા રાજા-મહારાજ હોય, પરંતુ જેઠાલાલ ‘સ્વામિનારાયણ બોલ મનવા કહુ છું પીટીને ઢોલ’ કીર્તન ગાતાં નાચી ઊઠતા. તેમાંય ખાસ કરીને ‘યજ્ઞપુરુષમાં પ્રગટ બિરાજે, કહું છું પીટીને ઢોલ...’ બોલતાં તો તેમની નસો હરખથી ફૂલી જતી !
સમાજના આગેવાનો અને પ્રતિષ્ઠિતો શાસ્ત્રીજી મહારાજના સત્સંગનો લાભ લઈને તેમનું જીવન સાર્થક બનાવે એ માટે જેઠાલાલ સતત ઉત્સાહથી સૌને મહિમાની સંજીવની પાયા કરતા. જાણીતા કૉંગ્રેસ અગ્રણી શ્રી શંકરલાલ બૅંકર, શ્રી કિશોરલાલ મશરૂવાલા, મજૂર મહાજનના મહામંત્રી શ્રી ગુલઝારીલાલ નંદા, શેઠ અંબાલાલ સારાભાઈ, શેઠ મંગળદાસ ગિરધરદાસ, તેમના પુત્ર મદનમોહનભાઈ, શેઠ ચીમનલાલ ગિરધરદાસના પુત્ર બાબુભાઈ, પૉલેન્ડવાસી શ્રી મોરીસ ફ્રીડમેન (સ્વામી ભારતાનંદ), લેબર કમિશનર શ્રી આયંગર, પ્રિન્સિપાલ શ્રી હીરાલાલ કાજી, પ્રૉફેસર દાવર, પ્રૉફેસર એસ. એમ. શાહ, શ્રી વી. ટી. દેહેજીઆ (આઈ.સી. એસ.), શ્રી વસંતરાય પંડ્યા, શ્રી આસરપોટા (ઍન્જિનિયર) વગેરે કેટલાય મહાનુભાવોને તેઓ શાસ્ત્રીજી મહારાજના પ્રસંગમાં લાવ્યા. તેમાંથી કેટલાંક અણમૂલાં રત્ન સમગ્ર સત્સંગ-સમુદાયને પ્રાપ્ત થઈ ગયાં.
શ્રી ખેંગારજીભાઈ ચૌહાણ નોંધે છે : ‘અમદાવાદ તથા દેશ-પરદેશમાં વિદ્વાન તથા ધનાઢય મુમુક્ષુઓનાં દુઃખ મટાડવાનો ઇજારો પ્રૉફેસરે જ જાણે રાખ્યો હોય તેમ, ગમે તેવા દુઃખિયાને પૂજ્ય સ્વામીશ્રી પાસે ગમે તે વખતે લાવે, આશીર્વાદ અપાવે, સમાધિનાં દર્શન કરાવે, મંદિરમાં ઠાકોરજીનાં દર્શને લઈ જાય, અને રોગ કે દુઃખ મટાડવાની પ્રાર્થના કરે અને કરાવે. અને શ્રીજી પણ તેમને જાણે વશ હોય તેમ, ગમે તેવા દુઃખિયાને પ્રૉફેસર પૂજ્ય સ્વામીશ્રી પાસે લાવે, ઠાકોરજીનાં દર્શન કરાવી આશીર્વાદ અપાવે કે દુઃખ ચાલ્યું જ જાય. પૂજ્ય સ્વામીશ્રી પણ ઘણીવાર દિવ્ય રમૂજ કરે કે, ‘પ્રૉફેસર ! હાલ તો શ્રીજીમહારાજ તમને વશ વર્તતા હોય તેમ લાગે છે !’ (‘પ્રકાશ’, 1941, જુલાઈ, પૃષ્ઠ : 232)
શાસ્ત્રીજી મહારાજના દિવ્ય સ્વરૂપમાં કોઈ શંકા કરે તો જેઠાલાલ આકુળવ્યાકુળ થઈ ઊઠતા. કોણ છે મને મળેલા શાસ્ત્રીજી મહારાજ ? જાણો છો તમે મહિમા ? ન સાંભળ્યો હોય તો સાંભળી લેજો, ન જોયો હોય તો જોઈ લેજો - એમ પડકાર કરતાં પોતાના અનુભવોની હારમાળા ખડી કરી દેતા. એવા અનુભવો રજૂ કરતાં જેઠાલાલ લખે છે : ‘પરમયોગી બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજ યજ્ઞપુરુષદાસજી વચનસિદ્ધિવાળા મહાપુરુષ છે એમાં લગારે સંશયનું કારણ નથી... ગુજરાત કાઠિયાવાડમાં ભયંકર દુષ્કાળ ઝઝૂમી રહ્યો હતો. ઘાસ-પાણીના અભાવે ગાયો-ભેંસો વગેરે પશુઓ ઉપર ભારે ત્રાસ હતો. વરસાદનું એક ટીપું પણ પડ્યું નહોતું. છેવટે જ્યારે બધા હરિભક્તો શ્રવણ સુદિ બીજને શુક્રવારના રોજ સારંગપુર જતી વખતે શાસ્ત્રી મહારાજને વળાવવા એલિસબ્રિજ સ્ટેશને આવ્યા હતા, તે વખતે શાસ્ત્રીજી મહારાજ ઝાડ નીચે પોતાના પોટલાને ઓઠીંગે નાંખી બેઠા હતા. તે વખતે હરિભક્તોના પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે શ્રવણ સુદિ પાંચમ પછી સારો વરસાદ થશે. તેમના તે વચન અનુસાર પંદર દિવસ સારો વરસાદ પડ્યો અને ઢોરોને સુખ થયું. આનું નામ વચનસિદ્ધિ !’ (‘પ્રકાશ’, 1939, ઑક્ટોબર, પૃષ્ઠ : 7)
જેઠાલાલનું એક અવિસ્મરણીય પ્રદાન એટલે તેમણે બનાવેલું ભગવાન સ્વામિનારાયણનું સ્તુતિ-અષ્ટક. ‘અનંત કોટીન્દુ રવિપ્રકાશે...’ સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજ સમક્ષ તેમણે પહેલી વખત એ ઊંચે અવાજે લલકાર્યું ત્યારે શાસ્ત્રીજી મહારાજ ખૂબ પ્રસન્ન થઈ ગયા. તેમણે જેઠાલાલને ધન્યવાદ આપતાં સૌને આદેશ આપ્યો : ‘અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની જેમ છે તેમ ઓળખાણ આપણને થઈ તો મહારાજનું સ્વરૂપ પણ જેમ છે તેમ સમજાયું. તેથી જ મહારાજના સિદ્ધાંત અનુસાર ધામ, ધામી અને મુક્તની મૂર્તિઓ આપણે અહીં પધરાવી છે. તેથી આ સારંગપુર સાક્ષાત્ અક્ષરધામ તુલ્ય છે. પ્રાર્થના અષ્ટકમાં પણ જેઠાલાલ પ્રૅફેસરે सदैव सारंगपुरस्य रम्ये सुमन्दिरे ह्यक्षरधामतुल्य । એ મહારાજની પ્રેરણાથી લખી દીધું છે. માટે દરેક નિષ્ઠાવાળા સંત-હરિભક્તે આ અષ્ટક કંઠે કરી લેવું અને આરતી પછી રોજ બોલવું.’ એ આજ્ઞા કરીને શાસ્ત્રીજી મહારાજે જેઠાલાલને અમર કરી દીધા છે.
માત્ર થોડાં જ વર્ષોના શાસ્ત્રીજી મહારાજના સહવાસમાં જેઠાલાલે અનન્ય લગનીથી તેમને રાજી કરી લીધા. એ રાજીપાનો દિવ્ય પ્રભાવ તેમને સતત અનુભવાતો હતો. એ વિશે લખતાં તેઓ કહે છે : ‘પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ યજ્ઞપુરુષદાસજીનો પ્રસંગ થયા પછી મારા હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ થઈ છે અને ભગવાન સિવાયના અન્ય પદાર્થો ખોટા થયા છે; તે સ્થિતિનો ચિતાર આપતું મેં એક કીર્તન બનાવ્યું છે અને તે કીર્તન ભગવાનને વિષે હરિભક્તોની પ્રીતિ વધારે એવી અમને આશા છે. તેથી અમને તે કીર્તનનાં મનન અને નિદિધ્યાસથી માણસને આ દુનિયાના પદાર્થો વિષે અપ્રીતિ થઈ ભગવાન વિષે અનહદ પ્રીતિ થશે અને સાચો વૈરાગ્ય થતાં તેઓ મોક્ષના અધિકારી થશે.

વ્હાલા લાગે છે મ્હને સ્વામિનારાયણ, અક્ષરધામના વાસી રે,
અન્ય પદાર્થો કીધા મ્હેં ખોટા, તારા દર્શનનો હું પ્યાસી રે...’
(‘પ્રકાશ’, 1940, જુલાઈ, પૃષ્ઠ : 232)

જેઠાલાલે તા. 3-9-1935થી ‘અક્ષરપુરુષોત્તમચરિતમ્’ ગ્રંથ રચનાનો આરંભ કર્યો હતો તે છેક તા. 16-5-1941ના દિવસે તેમણે ગ્રંથનો 278મો સર્ગ લખ્યો અને ગ્રંથનો 10,786મો શ્લોક પૂર્ણ કર્યો, ત્યાં સુધી ચાલતું રહ્યું. ત્યારબાદ તેઓ બીમાર પડ્યા. 17-6-1941ના રોજ તેમણે પોતાના સુપુત્રોને કહ્યું, ‘હવે મારે આ પૃથ્વી પર રહેવું નથી.’ 21મી જૂને તેમણે સૌને કહ્યું કે, ‘આપણા શુદ્ધ ચૈતન્યમય આત્માની આજુબાજુ અસ્થિચર્મનો બનેલ દેહ વીંટાળવો એ કેટલું અજ્ઞાન છે !’
સન 1941ની 23મી જૂને શાસ્ત્રીજી મહારાજ અચાનક જ અમદાવાદ પધાર્યા ત્યારે સૌને આશ્ચર્ય થયું. પરંતુ અમદાવાદમાં આવતા વેંત તેઓ સીધા જ કડવા પોળમાં જેઠાલાલને ઘેર ગયા. સત્સંગમાં પોતાના કાર્યને સમેટીને જાણે ચિર નિદ્રામાં પોઢવાની તૈયારી કરતા હોય, તેમ પ્રૅફેસર શાસ્ત્રીજી મહારાજની આ કૃપા-વર્ષાથી ગદ્ગદ થઈ ઊઠ્યા. ગુરુહરિ સાથેની જિંદગીની એ છેલ્લી પળોને તેમણે મન ભરીને માણી. શાસ્ત્રીજી મહારાજ તેમની સેવાઓને બિરદાવીને, ગંભીર મુખમુદ્રા કરી આમલી પોળમાં પાછા પધાર્યા, ત્યારે સૌને જણાયું કે કદાચ પ્રૅફેસર સાહેબને સ્વામીશ્રીનાં આ છેલ્લાં જ દર્શન હશે.
ત્યારબાદ બીજે જ દિવસે તા. 24-6-1941ના રોજ વાતો કરતાં કરતાં પ્રૅફેસર સાહેબે અક્ષરધામમાં પ્રયાણ કર્યું.
સંદેશ વર્તમાનપત્રના તંત્રી લેખમાં પ્રૉફેસર સાહેબને ભાવાંજલિ આપતાં લખ્યું હતું : ‘ગુજરાતે જે થોડા ઘણા પ્રતિભાશાળી અને વિદ્ધાન પુરુષો પેદા કર્યા છે તેમાં પ્રૉફેસર જેઠાલાલ સ્વામિનારાયણનું પણ જરૂર સ્થાન છે... પ્રૉ. સ્વામિનારાયણના અવસાનથી ગુજરાતે ખરેખર એક પ્રતાપી પુરુષ ગુમાવ્યો છે.’ (‘પ્રકાશ’, 1941, જુલાઈ, પૃષ્ઠ : 241)
અમદાવાદ મ્યુનિસિપાલિટીએ એક ખાસ ઠરાવ પસાર કરીને પ્રૉફેસરશ્રીના માનમાં શહેરની તમામ શાળાઓ તથા ઓફિસો તા. 1-7-1941ના દિવસે બંધ રાખી હતી.
અમદાવાદ સત્સંગ મંડળના આદિ પ્રમુખ, સત્સંગની અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રણેતા, સમાધિના પ્રખર પ્રચારક અને સમાધિ દ્વારા અનેકનાં દુઃખો વિદારનાર પરદુઃખભંજન જેઠાલાલ શુદ્ધ ઉપાસનાની ઊર્જાનું એક ધસમસતું સ્વરૂપ હતા. અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા એ જ જીવનનું સાચું તત્ત્વજ્ઞાન, તે બન્ને સ્વરૂપોના ધારક ગુણાતીત સત્પુરુષની સેવા એ જ જીવનમંત્ર, અને તે સિવાય બીજી તમામ વ્યાવહારિક પ્રવૃત્તિ કે મોટપને ફગાવી દેનાર પ્રૉફેસર સાહેબ, બૌદ્ધિકોની આવનારી અનેક પેઢીઓ માટે એક આદર્શ બની રહેશે.

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS