Essay Archives

સનાતન ભારતીય સંસ્કૃતિનો દિવ્ય સિદ્ધાંત રહ્યો છે કે હંમેશા તમામનું ભલું કરતાં રહેવું.આ સેવાભાવના આગળ ઉપર ‘જનસેવા એ જ પ્રભુસેવા‘- જેવા સુંદર શબ્દાલંકાર પામી, જેનો ખરો અર્થ હતો- જનસેવાને ભગવાનની સેવા જેટલી મહત્વની સમજવી. પરંતુ ધર્મનો વિરોધ કરનારાં કેટલાંક લોકોએ આ ભાવના દબાવી દઈને એવો પ્રચાર કર્યો કે ‘કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ કરવાને બદલેમાત્ર સમાજસેવા જ કરવી જોઈએ.‘ જનસેવા અને પ્રભુસેવામાં માનનારાઓનો મતભેદ આજે પણ ઉભો છે. તો આ બેમાંથી શું અને કઈ રીતે કરવું જોઈએ?
આ જટિલ પ્રશ્નનો ઉકેલ કોઈ પ્રખર બુદ્ધિશાળી વ્યક્તિ પાસેથી જ મળી શકે. એવા ધુરંધર હતા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામ. આઈન્સ્ટાઈનને દુનિયાના સૌથી વધુ બુદ્ધિશાળી માણસ ગણવામાં આવે છે. એમના પછીના બીજા દસ વૈજ્ઞાનિકોની યાદી બનાવવામાં આવે તો એમાં ડો. કલામનું નામ ઉમેરવું પડે. ભારતીય સંસ્કૃતિના ગૌરવ સમાન દિલ્હીના અક્ષરધામના ઉદ્ઘાટન સમારોહમાં તા.૬-૧૧-૨૦૦૫ની સાંજે મુખ્ય મહેમાન પદેથી સંબોધન કરતાં એમણે (અંગ્રેજીમાં) જણાવ્યું કે, ‘સમાજસેવા અને પ્રભુસેવા- આ બંનેને કઈ રીતે એકસૂત્રે બાંધી શકાય? આ મૂંઝવતા પ્રશ્નનો જવાબઆજે જ્યારે હું અક્ષરધામ પરિસરમાં દાખલ થયો ત્યારે મને અનાયાસે મળી ગયો- કે, અરે! આ બંનેને અલગ જ કઈ રીતે પાડી શકાય? જેમને સારી રીતે સમાજસેવા કરવી હોય તેઓ  આધ્યાત્મિક રીતે ખૂબ જ ઉન્નત અને શુદ્ધ હોવા જોઈએ. તેઓ જ સારામાં સારી જનસેવા અને દેશસેવા કરી શકે.‘
ડો. કલામ જેવાબુદ્ધિમાનને જેનીસ્ફુરણા થઈ એ આધ્યાત્મિકતાને પ્રધાન રાખી જનસેવા કરવાના સિદ્ધાંતનેએ પ્રસંગે એમની બાજુમાં બિરાજેલા અક્ષરધામના નિર્માતા પ્રમુખસ્વામી મહારાજ તો વર્ષોથી જીવી રહ્યા હતા. કુદરતી આફતોના પ્રસંગો જેવા કે દુષ્કાળ વખતે અનાજ વિતરણ, કેટલ કેમ્પ ચલાવવા, પૂર વખતે રેલરાહત કાર્ય કરવું, ભૂકંપ કે સુનામી બાદ ગામોનું પુનર્વસન કરવું, કેટલીય શાળાઓ-છાત્રાલયો-હોસ્પિટલો-દવાખાનાનું સંચાલન કરવું, આદિવાસી અને પછાત લોકોને સહાય તથા સંસ્કારો આપીને સમાજમાં માનભર્યું સ્થાન અપાવવું- આવાં કેટલાંય સમાજસેવાના કાર્યોમાં પ્રમુખસ્વામી મહારાજ પોતાના આયખાની આહુતિ આપી રહ્યા હતા, એ દેખીતી બાબત હતી. પરંતુ એ માટેની આંતરિક શક્તિ તેઓ ક્યાંથી મેળવતા હતા?
લંડનથી પ્રકાશિત થતા ‘ગરવી ગુજરાત‘ના તંત્રી રમણીકભાઇ સોલંકીએ એમને પૂછેલું, ‘આપની સંસ્થા વેટીકન જેવી વિશાળ બની છે. આવો કારોબાર ચલાવવા આપ કેટલો સમય આપો છો?‘ એમનો ઉત્તર હતો, ‘અમે તો સત્સંગ કરતાં જઈએ છીએ. વ્યવહાર તો ભગવાન ચલાવે છે. ‘આ તો એવું ગણાય કે નદી વહેતી રહે છે. એના જળથી લોકો જીવન નિભાવે છે, તેથી એને લોકમાતા કહે છે. પણ જો નદીને પૂછો કે તું આટલા પરોપકાર શા માટે કરે છે? તો એનો જવાબ શું હશે? એ કહેશે કે ‘ હું તો સાગરને મળવા દોડી રહી છું, એમાં આ બધું ક્યારે થઈ જાય છે એની મને ખબર નથી. ‘ એમ પ્રમુખસ્વામીનું જીવન તો ભગવાન ભણી વહ્યે જતું હતું, અને આ મહાકાર્યો તો Byproduct (આડપેદાશ) ની જેમ થયે રાખતાં હતાં.
એમની સેવાની ધગશ પાછળની તાકાત હતી- એમની પ્રભુપરાયણ તા.તા.૧૨-૭-૯૪ના દિવસે ડલાસમાં કિશોરોએ પૂછ્યું, ‘આપના દિવસની શ્રેષ્ઠ પળ કઈ?‘ તો તેઓ કહે, ‘સ્વામિનારાયણ ભગવાન સાથે જ ૨૪ કલાકની બધી પળો વીતે છે, એટલે બધી જ પળો શ્રેષ્ઠ છે.‘
૧૯૯૦માં સારંગપુરમાં એક મોટા ઉત્સવની સભામાં બેઠાંબેઠાં સ્વામીશ્રી માળા ફેરવી રહ્યા હતા. ત્યારે એક સંતને લાગ્યું કે મંદિરના વ્યવહાર સંબંધી પ્રશ્નો રજૂ કરવા માટે આ સારો સમય છે, એટલે એમણે નજીક આવીને જેવી શરૂઆત કરી કે તરત સ્વામીશ્રીએ એમને રોકતાં કહ્યું,‘ આના માટે અત્યારે કેમ આવ્યા?‘ પેલા કહે ‘મને લાગ્યું કે આપ નવરા બેઠા છો, તો કામ થઈ જશે.‘ સ્વામીશ્રીએ ઠપકાના સૂરમાં કહ્યું ‘જોતાં નથી કે હું માળા ફેરવું છું? આ સૌથી અગત્યનું કામ કરું છું, નવરો બેઠો નથી.‘
તા.૩૦-૧૧-૮૩એ વિધ્યાનગરમાં સત્યવ્રત ભગતે પ્રમુખસ્વામીને પૂછ્યું, ‘સ્વામી, આપની વિશેષતા શું?‘ તેમણે ઉત્તર આપ્યો, ‘અમે ભગવાન ભજ્યા એ વિશેષતા, બીજું શું?‘ વિરાટ કાર્યોના કર્તાહર્તા પુરુષો પોતાને મળેલ સિધ્ધિ-પ્રસિધ્ધિને પોતાની વિશેષતા ગણાવી દેતાં સહેજ પણ અચકાતાં નથી હોતાં. This is my achievement- આવા શબ્દો આ માણસો કૂતરાના મોંમાં રહેલા હાડકાંની માફક ચૂસતાં રહેતાં હોય છે. પરંતુ આ પ્રમુખસ્વામી હતા, કે જેમને મન પોતાના જીવનની સૌથી મોટી વિશેષતા  હતી- પોતે ભગવાન ભજતા હતા એ.
એક લોકવાયકા અનુસાર પૂર્વકાળમાં એક વખત ઋષિઓ સમાજસેવાના કાર્યોમાં એટલી હદે લાગી પડ્યા કે પોતાના નિત્યનિયમની પાઠપૂજા વિગેરે પણ ભૂલી ગયા. વર્ષો પછી એકાએક એમને યાદ આવ્યું કે આપણે જેના માટે ઘરબાર છોડીને નીકળેલા એ કરવાનું તો રહી જાય છે. પછી તેઓ કોઈ વૃદ્ધ પાસેથી આહનિક પાછું શીખ્યા! તો હવે વર્તમાનકાળના ઋષિ પ્રમુખસ્વામી મહારાજને જુઓ. એમણે સમાજસેવાતો સારામાં સારી રીતે કરી જ, પરંતુ એમણે પ્રથમથી જ આધ્યાત્મિકતાને પોતાની વિશેષતામાની, એને વિસરાવા ન દીધી, તેથી તેઓ પ્રભુસેવામય જનસેવાના ન વિસરાય એવી મિસાલ બની ગયા.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS