ત્રેતાયુગનો આ પ્રસંગ છે. મહર્ષિ વાલ્મીકિને મહાકાવ્ય રચવું હતું અને તેના માટે એક એવો ચરિત્ર- નાયક જોઈતો હતો, તેમનું જીવન જોઈને બધા પોતાનું જીવન તેમના જેવું બનાવે. અને તે પણ વર્તમાનકાલીન ચરિત્ર-નાયક જોઈતો હતો. એટલે એમને પ્રશ્ન ઊઠેલો કે આવા મહાપુરુષ કોણ હશે? એમને મુનિ નારદજી મળ્યા ત્યારે એમણે કહ્યું, ‘એવા તો આજે ઇક્ષ્વાકુ વંશના ભગવાન શ્રીરામ છે.’
આ વાત થઈ ત્રેતાયુગની. અત્યારે હળાહળ કળિયુગ છે. આજના સમયે આ જ પ્રશ્ન આપણે જનતા સમક્ષ મૂકીએ: ‘को नु अस्मिन् साम्प्रतं लोके।’
આ કળિયુગમાં એવા કોણ વ્યક્તિ છે, જેણે પોતાના જીવનની એકે એક ક્ષણ અગરબત્તીની જેમ બીજાના માટે ખર્ચીને સુંગંધ આપેલી હોય? ગતિયંત્રની માફક જે હંમેશાં વિચરણશીલ હોય? જેણે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સંસ્કૃતિનો સેતુ બાંધેલો હોય? જેણે ૧૨૦૦ નવયુવાનોને દીક્ષા આપીને એમના દ્વારા લોકસેવાનાં અને સંસ્કાર-પ્રવર્તનનાં અનેક કાર્યો કરાવ્યાં હોય? જેમણે આદિવાસીઓનાં કૂબે-કૂબે, ઝૂંપડે-ઝૂંપડે ફરીને લાખો આદિવાસીઓને ભગવાનના માર્ગે ચઢાવ્યા હોય? સત્તર હજાર જેટલાં ગામડાંઓ અને લગભગ અઢી લાખ ઘરોમાં વિચરીને કેટલાય લોકોના જીવન ઊર્ઘ્વગામી કર્યા હોય? જેમણે પોતાની સાધુતા અને ભગવાનની ભક્તિના બળે આ સત્સંગનો વિકાસ પાંચેય ખંડની ધરતી પર કરેલો હોય? જે સદાચાર અને સંયમની મૂર્તિ સમાન હોય? જેમના પ્રસંગે અનેક જીવોને શાંતિ પ્રાપ્ત થતી હોય અને જીવનના ત્રિવિધ તાપ બુઝાઈ જતા હોય? જેમના સત્સંગથી સામાન્ય જીવને પણ મોક્ષની પ્રતીતિ આવી જતી હોય? એવા સંત આ પૃથ્વી ઉપર કોઈ છે? થોડાં વર્ષો પહેલાં આવા અનેક પ્રશ્નોનો એક જ જવાબ સૌના મુખેથી આવતો હતો: પ્રમુખસ્વામી મહારાજ.
આજે એ પ્રશ્નોનો જવાબ છેઃ મહંત સ્વામી મહારાજ.
સન ૧૯૭૧માં યોગીજી મહારાજે જ્યારે દેહ છોડી દીધેલો ત્યારે એ વખતે પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી બોલેલા તે શબ્દો મને યાદ આવે છે કે, ‘યોગીજી મહારાજ ગયા નથી, અંતર્ધાન થયા નથી, પરંતુ પ્રમુખસ્વામીમાં અંતર્નિહિત થયેલા છે.’ એવી રીતે આજે પણ પ્રમુખસ્વામી મહારાજ ગયા નથી, પણ મહંત સ્વામીની અંદર અંતર્નિહિત થયેલા છે. એટલે કે મહંત સ્વામી રૂપે આપણને યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન થઈ રહ્યાં છે.
ગુણાતીત જ્ઞાનની વિશેષતા જ આ છે કે પ્રગટ દ્વારા મોક્ષની પ્રતીતિ, પ્રગટ સત્પુરુષ જે ગુણાતીત અક્ષરબ્રહ્મ તેના દ્વારા બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી. ગુણાતીત સત્પુરુષ કોઈ દિવસ પૃથ્વી ઉપરથી જતા નથી. એ તો ચિરંજીવી છે. પ્રમુખસ્વામી મહારાજ આજે મહંત સ્વામીમાં પ્રગટ બિરાજે છે અને એમના દ્વારા સ્વામિનારાયણ ભગવાન પ્રગટ વિચરી રહ્યા છે.
પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે મારે ૧૯૫૭થી પરિચય છે. તા. ૧૮-૪-૧૯૫૭ના રોજ બોચાસણમાં ચૈત્રી પૂર્ણિમાના અવસરે મહંત સ્વામી સાથે મારે પ્રથમ મુલાકાત થયેલી. ત્યારે તેઓ વિનુભગત તરીકે પાર્ષદ અવસ્થામાં યોગીજી મહારાજની સેવામાં હતા.
સન ૧૯૬૦માં યોગીજી મહારાજે અમને દીક્ષા આપી ત્યારબાદ અમે મુંબઈમાં ઘણાં વર્ષો સુધી સાથે રહ્યા છીએ. મારે તો એમની સાથે એ સમયથી જ ઘરોબો હતો. એમણે અમને ખૂબ સત્સંગ-લાભ આપેલો છે, બળ આપેલું છે. દાદરમાં મંદિરમાં અમે સાથે વાસણ ઊટકતાં એ બધું યાદ આવે છે.
૧૯૬૦-૬૧ના અરસામાં યોગીજી મહારાજની આજ્ઞાથી અમે સંસ્કૃત અભ્યાસ માટે મુંબઈમાં ઘાટકોપરમાં સાથે રહેતા. એ વખતે અમે નવ જણા હતા. એ વખતે જ એમનું ઉપનામ ‘મહંત’ પડેલું. ત્યારથી અમારે એમની સાથે હેતપ્રીત. એમનો ખૂબ જ સૌમ્ય, સરળ અને શાંત સ્વભાવ. યોગીજી મહારાજનો ખૂબ રાજીપો એમણે પ્રાપ્ત કરેલો. અમે જ્યાં રહેતા હતા તે એક પાઠશાળા હતી, ત્યાં નીચેથી ગટર જતી. તમામ પરિસ્થિતિ ખૂબ સામાન્ય હતી. એ પાઠશાળાના સંચાલકો જમવામાં એક જ શાક આપે જે મોટે ભાગે સૂરણનું શાક હોય. તે પણ એક-એક ચમચી જ આપે. ફક્ત શુક્રવારે સાંજે એક મુઠ્ઠી ચણા આપે. કોઈના માટે ગોદડું જ નહોતું. એવા સંજોગોમાં મહંત સ્વામી અમારી સાથે રહેતા. તેમની સાધુતા અમને સૌને સ્પર્શી જતી. અમારા કરતાં પહેલાં દીક્ષિત થયેલા, પણ અમારી સાથે સહેજે ભળી જાય, સહેજે અંતરાય ન રાખે!