Essays Archives

વિક્રમ સંવત ૧૮૫૮ના માગશર સુદ તેરસની એ તિથિ હતી.
રામાનંદ સ્વામી અંતર્ધાન થયા. શિષ્યમંડળમાં શોક પ્રવર્તી ગયો. સૌ શિષ્યોને લાગ્યું કે આટલા દિવસોના દિવ્ય સુખનો આજે એકાએક અંત આવી ગયો! સહજાનંદ સ્વામીને જેતપુરમાં ધર્મધુરા સોંપીને રામાનંદ સ્વામીએ તેમના માટે પુરુષોત્તમપણાના કહેલા શબ્દો વીસરાઈ ગયા. મુક્તાનંદ સ્વામી જેવા ધુરંધર સંત પણ સ્તબ્ધ બની ગયા હતા.
રામાનંદ સ્વામીના દેહને સ્નાન કરાવી, કપાળે ચંદનની અર્ચા કરી, ઊર્ધ્વપુંડ્ર તિલક કર્યું. હાર પહેરાવ્યા. સૌએ વારાફરતી આરતી કરી. પછી સહજાનંદ સ્વામી, રામદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી, અને મયારામ ભટ્ટે પાલખી ઉપાડી. આગળ સંતો-હરિભક્તો કીર્તનો ગાતા, ઉત્સવ કરતા, અબીર-ગુલાલ અને પુષ્પો ઉડાડતા ચાલતા હતા. ભદ્રા નદીને તીરે સૌ આવ્યા. શુદ્ધ ભૂમિ જોઈ, સહજાનંદ સ્વામીએ ભદ્રા નદીનું નીર ત્યાં છાંટ્યું. પછી ચિતા ગોઠવી અને તેમાં સ્વામીના દેહને પધરાવ્યો. શાસ્ત્રવિધિ અનુસાર અગ્નિસંસ્કાર કર્યો. ચિતા ઠારીને સૌ ભજન કરતા મંદિરે આવ્યા.
સહજાનંદ સ્વામીએ સૌને ધીરજ આપતાં કહ્યું : 'મોટા પુરુષ કદી પૃથ્વી ઉપરથી જતા જ નથી. માટે સૌએ સ્વામીની આજ્ઞા પ્રમાણે વર્તવું. તેમના ગુણો વિચારવા, તો સ્વામી જરૂર અંતરમાં પ્રગટ થશે. પછી સ્વામી અંતર્ધાન થયા છે એવો ભાવ રહેશે નહિ અને ભગવાનનું પ્રગટ સ્વરૂપ ઓળખાશે.'
તેમના આ શબ્દોની અસર થઈ. સૌને રામાનંદ સ્વામીનાં વચનો યાદ આવ્યાં. આ નવયુવાન સહજાનંદ સ્વામીના કલ્યાણકારી ગુણો જોઈને જ તેમણે ગાદી સોંપી છે, સહજાનંદજીનું સ્વરૂપ પણ તેમણે ઓળખાવ્યું છે. તેથી હવે જે સ્વરૂપ અદૃશ્ય થયું છે તેમાંથી વૃત્તિ કાઢી જે દૃશ્યમાન છે, પ્રગટ છે, તેમાં વૃત્તિ જોડવી. કલ્યાણ ત્યારે જ થશે. આવા વિચારોમાં સૌ મગ્ન બની ગયા.
રામાનંદ સ્વામીનો દ્વાદશાહ અને ત્રયોદશાહ વિધિ સહજાનંદ સ્વામીએ વિધિપૂર્વક કર્યો. ચૌદમાના દિવસનું પ્રભાત થયું. વિક્રમ સંવત ૧૮૫૮ના માગશર વદ એકાદશીનું(તા. ૩૧-૧૨-૧૮૦૧)એ પ્રભાત હતું. ભદ્રા નદીના તટ ઉપર સંતો-હરિભક્તોની સહજાનંદ સ્વામી સભા કરીને વિરાજમાન હતા. તેમણે બ્રહ્મચારીઓ, સાધુઓ તથા સ્ત્રી-પુરુષોના ધર્મો સવિસ્તર સમજાવતાં કહ્યું: 'ધર્મના અનુશીલનથી જ પરમાત્માની પ્રાપ્તિ માટેની સાધનાની સિદ્ધિ થાય છે. આગળ મોટા મોટા દેવતાઓ શેષ, સૂર્ય, ચંદ્ર વગેરે પણ ધર્મના અનુશીલનથી જ સુખ અને મોટપ પામ્યા છે. શ્રુતિ અને સ્મૃતિનું આ રહસ્ય છે. પરંતુ ધર્મપાલનની પ્રેરણા તો મોટાપુરુષ મળે ત્યારે તેમના સંબંધથી અને આશીર્વાદથી જ થાય છે. દેહ અને ઇન્દ્રિયોની શુદ્ધિ ધર્મથી થાય છે. મન અને આત્માની શુદ્ધિ ભક્તિથી થાય છે. દેહ, મન અને આત્માની શુદ્ધિથી જ અંતરમાં ભગવાનનું જ્ઞાન થાય છે. પ્રગટ ભગવાન ઓળખાય છે અને એકાંતિક ભક્તિ સિદ્ધ થાય છે.'
સહજાનંદજીએ આ રહસ્ય સભામાં સ્પષ્ટ કર્યું. સ્ત્રી-પુરુષની મર્યાદા સાચવવાનો જે આગ્રહ તેમણે અહીં દૃઢ કર્યો. ત્યાગીઓ માટે તો તેનું પાલન અનિવાર્ય કરી દીધું. તેમણે આ વાત ફરી સ્પષ્ટ કરતાં કહ્યું : 'જ્યાં ધર્મ છે ત્યાં જ ભગવાન છે. મેં કહેલા આ ધર્મો પાળશે તો પ્રત્યક્ષ ભગવાન ઓળખાશે.' એટલું કહી તેમણે કહ્યું: 'હવે પ્રગટ ભગવાનનું 'સ્વામિનારાયણ' નામે ભજન કરજો.'
તેમના આ છેલ્લા શબ્દો સાંભળી સભામાંથી એક સંતે પૂછ્યું : 'આપ તો નારાયણ મુનિ છો, સહજાનંદ છો, તો સ્વામિનારાયણનું ભજન કેમ? નારાયણ મુનિ અને સહજાનંદ શબ્દમાં જ તમારો પ્રત્યક્ષ ભાવ નયનગોચર થાય છે માટે સ્વામિનારાયણ શાથી, એ સમજાવો.'
આ પ્રશ્ન સાંભળી સહજાનંદજી હસ્યા. તેમને આનંદ થયો. તેમને લાગ્યું કે આજે નહિ તો ભવિષ્યમાં પણ આ શબ્દાર્થ યથાર્થ સમજાવવો જ પડશે. તો પછી આજે તેની સ્પષ્ટતા કેમ ન કરવી ?
તેમણે સમજાવતાં કહ્યું : 'વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતમાં જ્યાં ઈશ્વરના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે, ત્યાં ઈશ્વરના પર, વ્યૂહ, અંતર્યામી, અર્ચા અને વિભવ આ પાંચે પ્રકારની અવસ્થાઓમાં લક્ષ્મીજી સહિત જ ભગવાન રહે છે, એમ સ્પષ્ટ સિદ્ધાંત દર્શાવ્યો છે. 'શ્રી' એ દયાનું સ્વરૂપ છે અને ઈશ્વર એ કાયદાનું સ્વરૂપ છે. બંનેના સમન્વયથી જ જીવ ઉપર ભગવાનની કૃપા ઊતરે છે અને જીવ મોક્ષભાગી બને છે.' તેઓએ સિદ્ધાંત સમજાવ્યો.
'પરંતુ સ્વામિનારાયણમાં 'સ્વામી' શબ્દ નારાયણને અનુલક્ષીને છે કે 'સ્વામી' શબ્દ જુ દો છે?' એ સંતે વણીના આ નવીન શબ્દની ચકાસણી માટે ફરી પૂછ્યું.
'સ્વામી શબ્દ સર્વના સ્વામી અને સર્વના કારણ એવા અક્ષરબ્રહ્મને અનુલક્ષીને છે. પૃથ્વીથી લઈને પ્રકૃતિ અને મૂળ પુરુષ સુધીનાં સર્વ તત્ત્વોના એ કારણ છે; કારણ કે તેમના દ્વારા ઉત્પત્તિસર્ગ શરૂ થાય છે. અક્ષરબ્રહ્મના પ્રકાશથી જ સર્વે પ્રકાશિત થાય છે. અક્ષરબ્રહ્મને સર્વાત્મા બ્રહ્મ પણ કહ્યા છે. આ અક્ષરબ્રહ્મ સર્વના કારણ અને નિયંતા છે. તેથી તેમને 'સ્વામી' શબ્દથી સંબોધ્યા છે.' તેમણે ટૂંકમાં સમજાવતાં કહ્યું.
'પરંતુ એ અક્ષરબ્રહ્મ રામાનંદ સ્વામીના સમજાવ્યા પ્રમાણે ભાદરાના મૂળજી શર્મા જ હોય તો તેઓ તમારા સ્વરૂપથી જુદા છે. તમારા જન્મ પછી ચાર વર્ષે ભાદરામાં જન્મ્યા છે. અત્યારે એક સામાન્ય ભક્તથી અધિક સ્થાન તેમનું આ સત્સંગમાં નથી, તે અક્ષરબ્રહ્મ અથવા મૂળજી શર્મા અને તમો બંને જુદાં સ્વરૂપો છો તો તે તમારી સાથે જ 'શ્રી'ની જેમ છે તે કેમ સમજાય?'
સહજાનંદ સ્વામીને આ સાધુની આવી ક્ષુદ્ર સમજણની દયા આવી. તાત્ત્વિક સ્વરૂપોની યથાર્થ સમજણ અતીન્દ્રિયતાના ભાવથી જ આવે છે. શુદ્ધ બુદ્ધિથી અભ્યાસ કર્યો હોય તો કાંઈક સમજાય, પરંતુ કેવળ સ્થૂળતાના-જડતાના ભાવથી આ ચૈતન્ય સ્વરૂપોનું જ્ઞાન શક્ય નથી. તેમણે કહ્યું: 'અક્ષરબ્રહ્મ તો પુરુષોત્તમની સાથે સદા સર્વદા શરીર-શરીરી ભાવે જોડાયેલું જ છે. અને પુરુષોત્તમ પણ એ અક્ષરધામમાં રહ્યા થકા બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશ્યું જોઈએ ત્યાં તેવા રૂપને પ્રકાશે છે. આ બ્રહ્માંડમાં જીવોના કલ્યાણ અર્થે જ્યારે પુરુષોત્તમ પધારે છે, ત્યારે એ અક્ષરધામ સહિત જ પધારે છે અને અક્ષરધામ એ ભગવાનની મૂર્તિ ભેળું જ સદા હોય છે.'
મહારાજે સ્પષ્ટતા કરી, પરંતુ જ્ઞાનના ઊંડા પાણીમાં ઊતરવાની એ સાધુની શક્તિ ન હતી. તેની સ્થૂળ દૃષ્ટિ હતી, પણ સભામાં ઘણાને આ વાતમાં રસ પડ્યો.
'શ્રી સાથે નારાયણની એવી એકતા શી રીતે સમજી શકાય? બંને સ્વરૂપો જુ દાં છે છતાં એક છે તે કેમ મનાય?' સભામાંથી પ્રશ્ન આવ્યો.
'સ્નેહના આધિક્યથી 'શ્રી' એ નારાયણના સ્વરૂપમાં પોતાની અસ્મિતા ગુમાવે છે, તેથી બંને સ્વરૂપો સ્થૂળ દૃષ્ટિએ જુદાં હોવા છતાં એક છે.' મહારાજ પણ આજે આ મુદ્દો સમજાવવા આતુર હતા.
'પરંતુ મૂળજી એ અક્ષરબ્રહ્મનો અવતાર છે એવી પ્રતીતિ શી રીતે થાય?' પ્રશ્ન પુછાયો.
'એ પ્રતીતિ તો તેમનામાં પ્રીતિથી, તેમના સ્વરૂપના અનુભવથી અને સાક્ષાત્કારથી થાય. તે સિવાય તો મનુષ્યભાવમાં મૂળજી એ ભાદરાના બ્રાહ્મણ જ દેખાશે. પરંતુ તેમના દિવ્યભાવને ઓળખ્યા સિવાય અક્ષરબ્રહ્મના ભાવને પમાશે નહિ, મુક્તિમાં વિઘ્ન આવશે.'
મહારાજને લાગ્યું કે આ વાત ઘણી જ સૂક્ષ્મ છે. આજે જ્યાં પોતાના જ સ્વરૂપમાં પરમાત્મભાવની પ્રતીતિ આવવી ઘણાને કઠણ પડે છે તો પછી અક્ષર અને પુરુષોત્તમનાં આ સનાતન દિવ્ય સ્વરૂપો જીવોને આજે કેવી રીતે સમજાય? તેથી આ સનાતન દિવ્ય સાકાર સ્વરૂપોની વાત સૌને ગળે ઝટ ઊતરશે નહિ. તેઓ તો સમજતા હતા કે પોતાના અને પોતાના અક્ષરબ્રહ્મનાં સનાતન સ્વરૂપોના દિવ્ય જ્ઞાનનો સ્રોત આજે પૃથ્વીના પેટાળમાં ભરેલો પડ્યો છે. તેથી જ્યારે પૃથ્વી ફોડીને તે બહાર નીકળશે, ત્યારે એ પ્રવાહ કોઈનો રોક્યો રોકાશે નહિ. તે પ્રવાહમાં જે કોઈ ભાવથી સ્નાન કરશે તે પાવન થશે.
આ સભામાં શીતળદાસ નામના એક વૈરાગી બેઠા હતા. સભા જોઈ તેનું અંતર ઠરી ગયું. સહજાનંદ સ્વામીની દિવ્ય વાણી તેના અંતરમાં ગુંજવા લાગી. તેમના શબ્દો તેણે સાંભળ્યા. પ્રણવના નાદનો તેમાં તેણે રણકો અનુભવ્યો. તેને કાંઈ જ સમજાયું ન હતું. છતાં તેને લાગ્યું કે આ વણી કોઈ મહાપુરુષ છે.
સભાની સમાપ્તિ થતાં પહેલાં તે ઊઠ્યા અને સહજાનંદજીના ચરણસ્પર્શની લાલચે તે સન્મુખ આવ્યા. વણીએ તેમને પૂછ્યું: 'મહાત્મા! ક્યાંથી આવો છો?'
'મધ્ય ભારતમાં ઝરણાપરણા ગામનો રહેવાસી છુ _. ભગવાન શોધવા નીકળ્યો છુ _.'
આ સાંભળી મહારાજ હસ્યા. તેમને લાગ્યું કે જીવમાં મુમુક્ષુતા તો હોય છે. પરંતુ ભગવાન ઓળખવાની બુદ્ધિ હોતી નથી. તેમણે પૂછ્યું: 'ભગવાન મળ્યા?'
શીતળદાસે માથું ધુણાવીને કહ્યું: 'અહીં પશ્ચિમમાં આવ્યો ત્યારે જાણ્યું કે રામાનંદ સ્વામી ભગવાન છે. પણ તે તો હવે અંતર્ધાન થઈ ગયા!' નિરાશાએ તેની વાણીને દબાવી દીધી.
મહારાજે તેની અકળામણ પારખી લીધી. તેના માથા ઉપર પોતાનો શીતળ હાથ ફેરવ્યો. શીતળદાસને આ સ્પર્શ આહ્‌લાદક લાગ્યો. તેમણે કહ્યું: 'રામાનંદ સ્વામી તમને આંહીં દર્શન આપે તો આંહીં રહો કે નહિ?'
શીતળદાસને આશ્ચર્ય થયું. રામાનંદ સ્વામી શી રીતે દર્શન દે ?
તે કાંઈ પણ વિચારે તે પહેલાં જ વણીએ તેને કહ્યું: 'તમો અહીં રહો અને 'સ્વામિનારાયણ' મંત્રનું રટણ કરો. સ્વામી તમને જરૂર દર્શન દેશે.'
શીતળદાસને રામાનંદ સ્વામીનાં દર્શનની તીવ્ર ઇચ્છા હતી. ભગવાન મેળવવા માટે જ જ્યારે તેણે ગૃહત્યાગ કર્યો હતો, અનેક કષ્ટો વેઠ્યાં હતાં, ત્યારે આ તો ભજન કરીને ભગવાન મેળવવાની વાત હતી. તેણે આ વાત સ્વીકારી લીધી.
શીતળદાસ તરત જ સિદ્ધાસને બેસી ગયા. સ્વામિનારાયણ મંત્રની ધૂન શરૂ કરી. સ્વામિનારાયણ નામી ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં તે એકતાર થઈ ગયા. તેમણે દેહભાન ગુમાવી દીધું. તેમને અચાનક પડી જતા જોઈ કેટલાક સાધુ તથા હરિભક્તો આ સંન્યાસીને એકાએક આશું થઈ ગયું તેની વિમાસણમાં એકદમ ઊઠીને તેની પાસે જવા લાગ્યા. શ્રીહરિએ તેમને કહ્યું: 'તમે કોઈ મૂંઝ ëશો નહિ. તે સંન્યાસીને સમાધિ થાય છે.'
આ સાંભળી સૌ આશ્ચર્ય પામ્યા. એક સાધુએ પૂછ્યું: 'સમાધિ? યોગની સાધના વગર સમાધિ થતી હશે?!'
શ્રીહરિ હસ્યા. તેમણે કહ્યું: 'વ્રજનાં ગોપબાળકોને કૃષ્ણકૃપાથી સમાધિ નહોતી થઈ? ભગવાનના દિવ્ય ધામનાં તેમને દર્શન નહોતાં થયાં? ભગવાન જ્યારે પૃથ્વી ઉપર હોય, ત્યારે આવા ચમત્કારો સહજ જ થાય. આ કૃપાસમાધિ કહેવાય!'
શીતળદાસની ચેષ્ટા જોવામાં સૌ લીન થઈ ગયા. ભગવાનને પ્રાર્થના કરતા હોય તે પ્રકારના તેના હાવભાવથી સૌને તેની ક્રિયામાં કાંઈક અલૌકિકતા લાગી. ભગવાનના દિવ્ય અક્ષરધામમાં તેમણે શ્રીહરિને દિવ્ય સિંહાસન ઉપર બિરાજેલા જોયા. રામાનંદ સ્વામી તથા ચોવીસ અવતારો શ્રીહરિની સ્તુતિ કરતા તેમની સમક્ષ ઊભેલા તેણે જોયા. તેને આશ્ચર્ય થયું. રામાનંદ સ્વામી ભગવાન છે તેવી વાત સાંભળી હતી. પરંતુ તે તો આ શ્રીહરિની સ્તુતિ કરી રહ્યા છે. શીતળદાસે શ્રીહરિની દિવ્ય ઉપચારો વડે પૂજા કરી. પછી તેને સર્વ મુક્તોની પૂજા કરવાની ઇચ્છા થઈ. પણ મુક્તો અનંત અને પોતે એક! શી રીતે એમની સૌની પૂજા થઈ શકે? શ્રીહરિ તેમની મૂંઝવણ પારખી ગયા. તેમણે કહ્યું: 'ભક્તરાજ! તમે સંકલ્પ કરો કે જો રામાનંદ સ્વામી પુરુષોત્તમ ભગવાન હોય, તો તેમની કૃપાથી તમારાં અનંત સ્વરૂપો થાય.'
શીતળદાસે તે પ્રમાણે સંકલ્પ કર્યો. પરંતુ એ સિદ્ધિ તેને પ્રાપ્ત ન થઈ. શ્રીહરિએ હસતાં હસતાં ફરી કહ્યું: 'હવે સંકલ્પ કરો કે આ ચોવીસ અવતારોમાંના કોઈ પણ જો પૂર્ણ પુરુષોત્તમ હોય તો તમારાં અનેક સ્વરૂપો થાય.'
શીતળદાસે સંકલ્પ કર્યો પરંતુ પોતે તો એકલાઅટૂલા જ ઊભેલા દેખાયા.
ફરી શ્રીહરિએ કહ્યું: 'હવે ફરી સંકલ્પ કરો કે આ શ્રીહરિ જો પૂર્ણ પુરુષોત્તમ હોય તો મારાં અનેક સ્વરૂપો થાય.'
શીતળદાસે એ પ્રમાણે સંકલ્પ કર્યો અને શ્રીહરિની કૃપાથી તેને પોતાના સ્વરૂપમાંથી પોતાનાં જ અનેક સ્વરૂપો નીકળતાં દેખાયાં. અનંત સ્વરૂપો નીકળવા જ લાગ્યાં. જેટલા મુક્તો તેટલાં જ શીતળદાસનાં સ્વરૂપો થયાં. સર્વ મુક્તોની પૂજા તેમણે તરત જ એકકાળાવચ્છિન્ન કરી લીધી.
આ વિધિ પછી તેણે ફરી શ્રીહરિના દિવ્ય સ્વરૂપ પ્રત્યે જોયું. અનંત અવતારો, અનંત અક્ષરપુરુષો, ઈશ્વરો, પ્રધાનપુરુષો, શ્રીહરિના સ્વરૂપમાંથી નીકળતા અને તેમાં લીન થતા તેણે જોયા. અષ્ટાંગ યોગનું ફળ નિર્વિકલ્પ સમાધિ છે, તે સિદ્ધ થયા છતાં પૂર્ણ પુરુષોત્તમનાં આવાં અલૌકિક સ્વરૂપનાં દર્શન તે સિદ્ધમાં પણ શક્ય નથી. તે દિવ્ય દર્શન આજે તેને થયાં. જન્મજન્માંતરોને અંતે પણ જે સિદ્ધિ સદા અકલ્પ્ય રહે, તે સિદ્ધિ આજે તેને પૂર્ણ પુરુષોત્તમ શ્રીહરિની કેવળ કૃપાથી સિદ્ધ થઈ. તેના આનંદના ભાવનો તે તાગ કાઢી શક્યો નહિ. સભામાં તેના દેહની અનેકવિધ ચેષ્ટા અને મુખ ઉપર અલૌકિક આનંદના ભાવ જોઈ સભાજનો પણ આશ્ચર્યમુગ્ધ બની ગયા.
થોડીવારે તે દેહમાં આવ્યો. દિવ્ય આનંદની અનુભૂતિ તેના મુખ ઉપર છાઈ રહી હતી. તેણે જે જોયું તે સભામાં કહ્યું: 'આ સહજાનંદ સ્વામી એ જ શ્રીહરિ પૂર્ણ પુરુષોત્તમ છે, રામાનંદ સ્વામી તો તેમના શિષ્ય છે.'
શીતળદાસે તે જ દિવસે શ્રીહરિના હસ્તે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. શ્રીહરિએ તેનું નામ વ્યાપકાનંદ પાડ્યું. વ્યાપકાનંદ નામ જાણે સ્વામિનારાયણ મહામંત્રના વિશ્વવ્યાપી પ્રભાવનું આગોતરું એંધાણ બની રહ્યું.
ઇતિહાસમાં આજનો દિવસ અમરત્વ પામી ગયો. ભગવાન સ્વામિનારાયણે પોતાના નામરૂપે કલ્યાણકારી મહામંત્ર સૌને આપ્યો અને મોક્ષની વાટ ખુલ્લી મૂકી. નિષ્કુળાનંદ સ્વામીએ આ દિવ્ય મહામંત્રની ગાથા ગાતાં લખ્યું: 'એહ નામની ભણક જેને પડી રે, તેની અક્ષરપોળ ઊઘડી રે...'

ભગવાનના મંગલકારી નામનો મહિમા હિન્દુ શાસ્ત્રોમાં અપરંપાર ગૂંજે છે. બ્રહ્માંડ પુરાણમાં હયગ્રીવ અને અગતસ્ય ૠષિના સંવાદમાં વેદવ્યાસજી ભગવાનના નામનો મહિમા દર્શાવતાં નોંધે છે

અત્રૈકનામ્નો યા શક્તિઃ પાતકાનાં નિવર્તને।
તન્નિવર્ત્યમઘં કર્તું નાલં લોકાશ્ચતુર્દશ॥

અર્થાત્‌ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના પરમ પુણ્યકારી નામમાં જેટલાં પાપોનું નાશ કરવાની શક્તિ છે, એટલાં પાપ તો ચૌદ ભુવનમાં જીવતાં તમામ જીવપ્રાણીમાત્ર ભેગાં મળીને પણ કરી શકે તેમ નથી ! (ઉત્તરખંડ, ૩-૧૬)
કેટલાક લોકો સવાલ કરે કે મિષ્ટાન્ન શબ્દ બોલવાથી મોઢું ગળ્યું થતું નથી, કે ચપ્પું શબ્દ બોલવાથી જીભ કપાતી પણ નથી, તો ભગવાનનું કેવળ નામ લેવાથી પાપ-નાશ કેવી રીતે થાય ?
વિદ્વાનો આનો ઉત્તર આપતાં સમજાવે છે કે આપણા નિત્ય વ્યવહારમાં પણ વ્યક્તિથી જેટલું કામ થાય છે તેટલું જ તેમના નામથી પણ થાય છે. દા.ત. કોઈ ઉચ્ચ પદાધિકારીને મળવા જવાનું હોય ત્યારે આપણે અન્ય ઉચ્ચ પદાધિકારીનું નામ લઈએ છીએ તો મળવાનું સરળ થઈ જાય છે. જાહેર ક્ષેત્રોમાં કંઈ કામ ન થતું હોય તો કોઈ સત્તાધારી કે પ્રભાવશાળી વ્યક્તિનું નામ દઈને કામ કઢાવી શકાતું હોય છે. જેમનું નામ લેવામાં આવ્યું છે એ વ્યક્તિ પોતે હાજર નથી તો પણ માત્ર તેમના નામના ઉપયોગથીય એટલું જ કાર્ય સરે છે. જો આ લોકની એક સામાન્ય વ્યક્તિનું નામ પણ કોઈક પ્રભાવ પાથરી શકતી હોય તો અનંત કોટિ બ્રહ્માંડોના રાજાધિરાજ પરમાત્માના નામનો કેટલો પ્રભાવ હોઈ શકે!
નામમાં આવી અનુપમ શક્તિ છે તે હકીકતે શું છે ? શાસ્ત્રકાર ૠષિઓ કહે છે, ભગવાનનું નામ અને સ્વયં ભગવાન વચ્ચે એકતા છે. ભગવાનનું નામ-સ્મરણ તે તેમનો પ્રત્યક્ષ સંગ કર્યા બરાબર છે. ભગવાનના નામ-સ્મરણનું ફળ પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન બરાબર છે. આથી, જેટલી ભગવાનની શક્તિ છે, તેટલી ભગવાનના પવિત્ર નામમાં પણ છે. ભગવાન જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે તેમાં દેહ-દેહીનો ભેદ હોતો નથી. એટલે કે આપણા સામાન્ય માનવ શરીરમાં આત્મતત્ત્વ અને દેહતત્ત્વ જુદું છે, તેવું પરમાત્માના અવતારમાં હોતું નથી. શાસ્ત્રીય ભાષામાં કહીએ તો ભગવાનના દેહ અને દેહી બંને સમાન રૂપે ચૈતન્યઘન છે.
જેવી રીતે ભગવાનના દેહમાં અને અંદર બિરાજમાન તત્ત્વમાં કોઈ ભેદ નથી તેવી રીતે તેમના નામમાં અને તેમનામાં કોઈભેદ નથી. બંને એક જ ચૈતન્ય તત્ત્વ છે. એટલે જ ભગવાનના નામને શબ્દબ્રહ્મ પણ કહે છે.
એટલે જ યોગસૂત્રમાં પતંજલિ ૠષિ કહે છે :

તસ્ય વાચકઃ પ્રણવઃ । (યોગદર્શન : ૧-૨૭)

ભગવાનના નામનો મહિમા ગાતાં વામન પુરાણ કહે છે :

ન ગંગા ન ગયા સેતુર્ન કાશી ન ચ પુષ્કરમ્‌।
જિœëગ્રે વર્તતે યસ્ય હરિરિત્યક્ષરદ્વયમ્‌॥
ૠગ્વેદોથ યજુ ર્વેદઃ સામવેદો હ્યથર્વણઃ।
અધીતાસ્તેન યેનોક્તં હરિરિત્યક્ષરદ્વયમ્‌॥
અશ્વમેધાદિભિર્યજ્ઞૈનરમેધૈસ્તથૈવ ચ।
યાજિતં તેન યેનોક્તં હરિરિત્યક્ષરદ્વયમ્‌॥

'જે ભાગ્યશાળી મનુષ્યની જીભ પર ભગવાનનું નામ રમે છે તેને માટે ગંગા, ગયા, સેતુબંધ, કાશી કે પુષ્કર તીર્થનું કોઈ વિશેષત્ત્વ નથી. તેણે ભગવાનના નામના પ્રભાવથી ૠગ્વેદ આદિ ચારેય વેદોનું અધ્યયન કરી લીધું છે અને અશ્વમેધ જેવા અનેક યજ્ઞો પણ કરી લીધા છે.' આવા મહિમાથી આવો, મહામંત્ર પર્વે સ્વામિનારાયણ મહામંત્રને રોમેરોમમાં અને જગતભરમાં ગૂંજાવીએ.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS