Essay Archives

કોવિડ-૧૯ મહામારીથી દુનિયા ડરી ગઈ, કારણ કે એણે છેલ્લા બે વર્ષમાં ૫૫.૮ કરોડ લોકોને સકંજામાં લીધા(દુનિયાની વસ્તીના લગભગ ૭%), જેમાંથી ૬૩.૬ લાખ લોકોને જાન ગુમાવવાનો વારો આવ્યો. પરંતુ એનાથી બમણા- ૧.૧૩ અબજ લોકોને આજના દિવસે જે બીમારી રાક્ષસની માફક ચાવી રહી છે તે– Hypertension (લોહીનું ઊંચું દબાણ)- એનો કાયમી ઈલાજ શોધવો જરૂરી ખરો કે નહીં? એમાં Losartan જેવી દવા આપવાની સાથે સાથે એને ઉપજાવનાર મુખ્ય કારણનો નિવેડો લાવવો જોઈએ કે નહીં? આજે દુનિયાના તમામ ડોક્ટરો એક અવાજે પોકારીને કહે છે કે બ્લડપ્રેશર ઊંચું રહેવાનું મુખ્ય કારણ એક જ છે – ચિંતા કરવી, મન ઉપર બોજ લઈને ફરવું, ભયના ઓથાર તળે જીવવું
બધાં જાણે છે કે चिंतासे चतुराई घटे- પણ ચિંતા શો ઉપાય કરવાથી ઘટે? ઘણા વિચારકોએ આનો જવાબ શોધવા માટે સ્તુત્ય પ્રયાસો કર્યા છે. પરંતુ ‘જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી‘- એ ન્યાયે પહાડો જેટલી પ્રવૃતિના બોજને કાંકરીથી પણ હલકો ગણીને જીવી શકનાર પ્રમુખસ્વામી મહારાજ આ અંગે શો ઉપાય બતાવે છે એ જોઈએ.
સન ૨૦૦૩માં દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. એકરો સુધી ફેલાયેલી જમીન ઉપર ચારે કોર બસ પથ્થરો જ પથ્થરો પડ્યા હતા. આના સંદર્ભમાં બ્રહ્મવિહારી સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજને કહ્યું ‘આ પથ્થરો કોઈને ભેટ આપી દઈએ તો તેને સંભાળવાના વિચારમાં જ એને  હાર્ટએટેક આવી જાય, જ્યારે આપ તો બધું નચિંતપણે વ્યવસ્થિત કરી રહ્યા છો.‘ ત્યારે સ્વામીશ્રી કહે ‘આટલા બધા પથરા પડ્યા છે, પણ અમને અમારી છાતી ઉપર કાંકરીનોય ભાર નથી. કારણ કે અમે ક્યાં કરીએ છીએ? બધું ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ યોગીજી મહારાજ કરે છે.‘ એમની પાસે પહાડ જેટલા પથ્થરોના ભારને કાંકરીથી હલકો કરી નાખવાનો ઉપાય હતો- ભગવાનને સર્વકર્તા માનવા ! એટલે જ તેઓ સદૈવ ચિંતામુક્ત રહેતા.
‘ભગવાન અને ગુરુ જ બધું કરે છે‘- એ કેવળ તેઓ બોલતા જ નહોતા પરંતુ એમના અંતરમાં એ પ્રતીતિ એટલી સુદ્રઢ હતી કે એની વિરુદ્ધનો એક શબ્દ પણ સાંભળવો એમને આકરો લાગી જતો. દિલ્હીનું અક્ષરધામ પૂરું થઈ ગયા પછી એક વખત સંતો સાહજિક રીતે એમને કહેવા લાગ્યા કે ‘આપે આ જબરજસ્ત કાર્ય કર્યું છે.‘ ત્યારે એમણે આ વાત સ્વીકારી નહીં અને ‘બધું ભગવાન અને ગુરુએ જ કર્યું છે‘- એમ કહેવા લાગ્યા. જોકે હકીકતે બધું કાર્ય એમણે જ કર્યું હતું, એ નિર્વિવાદ હતું. આથી સંતો આ વાતને અત્યંત દ્રઢતાપૂર્વક વળગી રહ્યા. ક્ષણભર તો સ્વામીશ્રીની ભગવાનના કર્તાપણાની દલીલ આ સમૂહના સંખ્યાબળ આગળ પાછી પડી ગઈ. પરંતુ તે પછી સ્વામીશ્રીને અંતેવાસી સંતે એકાંતમાં અલક્ષપણે બોલતાં સાંભળ્યા ત્યારે તે ઘા ખાઈ ગયા. સ્વામીશ્રી આંખમાં અશ્રુ સાથે ગળગળા થઇને બોલ્યે જતા હતા- ‘હું આ લોકોને સમજાવવા માટે આટલો બધો પ્રયત્ન કરું છું કે ભગવાન જ બધું કરે છે, હું કાંઈ જ કરતો નથી, પરંતુ આ લોકો કેમ સમજવા તૈયાર નથી?‘
તા.૪-૯-૯૪ના રોજ લંડનમાં સ્વામીશ્રીને કોઈએ પૂછ્યું ‘આટલી બધી પ્રવૃત્તિમાં આપ આટલા ફ્રેશ(તાજામાજા) કઈ રીતે રહો છો?‘ સ્વામીશ્રીનું અતિ વ્યસ્ત સમયપત્રક અને સામે એમની હળવાશ- આ બેઉનું  સહઅસ્તિત્વ આશ્ચર્યકારક લાગતું હોવાથી જ તો આમ પૂછાયેલું. સ્વામીશ્રીનો ઉત્તર એથી વધુ આશ્ચર્યકારક હતો- ‘આજ્ઞાથી કરીએ છીએ. માથે લેતા નથી. ‘હું કરું છું‘ એવો ભાવ લાવ્યા વિના ભગવાન ને ગુરુમાં ખોવાઈ જવું. આવ્યું તોય ભગવાનની ઈચ્છા ને ગયું તોય ભગવાનની ઈચ્છા એમ સમજવું. તો બોજો ન રહે. સુખ રહે.‘ એ જ રીતે ૧૯૮૯માં મુંબઈમાં ફીઝીયોથેરાપીસ્ટ સુરેશભાઈએ ટ્રીટમેન્ટ આપીને પૂછ્યું ‘માથું હળવું થયું એમ લાગે છે?‘ જવાબમાં સ્વામીશ્રી કહે ‘માથામાં કાંઈ ભાર હોય તો હલકું થાય ને ! આપણે તો કેવળ ભગવાન જ રાખ્યા છે તેથી માથું સદાય હલકું જ રહે છે.‘ સાંભળનારને કલ્પના નહિ હોય કે અહીં ભગવત્ ગીતાનો સાર માત્ર સાંભળવા નહિ, પરંતુ જીવનમાં જીવાતો જોવા મળશે!
તા.૧૬-૧૦-૨૦૦૬ના દિવસે મુંબઈમાં જ્ઞાનવત્સલ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજને કહ્યું ‘આપ આટલી વિશાળ સંસ્થાને જે રીતે મેનેજ કરો છો, તે જોતાં ભવિષ્યમાં આપના મેનેજમેન્ટ ઉપર સંશોધનો થશે. લોકો પી.એચ.ડી. કરશે. આપની ખૂબી એ છે કે આપના પ્રત્યેક કાર્યમાં ભગવાનનું કર્તાપણું મુખ્ય રહે છે.‘ ત્યારે સ્વામીશ્રી કહે ‘ભગવાનનું કર્તાપણું સમજાય તો મુશ્કેલી રહે જ નહીં. સારું થયું કે ખરાબ- ભગવાનની ઈચ્છા- એમ માનીએ તો આનંદ રહે.‘ ત્યારે જ્ઞાનવત્સલ સ્વામીથી સહેજે બોલી જવાયું ‘અઘરામાં અઘરી કલમ આ જ છે.‘ આ સાંભળતાં જ સ્વામીશ્રી હસીને કહે ‘સહેલામાં સહેલી એ છે.‘
અતિ ઉન્નત આધ્યાત્મિકતા અને પ્રચંડ કાર્યશક્તિથી વિશ્વને અનેરું પ્રદાન આપનાર પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી આપણે પણ આપણા પહાડ જેટલા માનસિક બોજને કાંકરી જેટલો હલકો કરી નાખવાની આ અઘરી જણાતી પરંતુ સહેલામાં સહેલી કલમ જો શીખી શકીએ કે- ‘ભગવાનને સર્વકર્તા માનીને હળવા થઈ જવું‘ – તો આપણને શાંતિ રહેશે અને આપણા તરફથી લોકોને પણ શાંતિ રહેશે.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS