મુક્તાનંદ સ્વામીની એક જાણીતી પંક્તિ યોગીજી મહારાજ ઘણી વખત બોલતાઃ
‘कोई कहे हरि हो गए, कोई कहे होवनहार।
मुक्त प्रगट की प्रीछ बिन भटकत सब संसार॥
કોઈ ભગવાન થઈ ગયા છે એમ માને છે, કોઈ ભગવાન થશે એમ માને છે, પરંતુ પૃથ્વી ઉપર પ્રગટ વિચરતા ભગવાનની ઓળખાણ વિના જીવન વ્યર્થ છે.
ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે જ્યારે જ્યારે આ જીવને ભરતખંડમાં જન્મ મળે છે ત્યારે ભગવાન અને સંત પૃથ્વી પર જરૂર વિચરતા હોય છે. એમની ઓળખાણ થવી જોઈએ.
ભગવાન સ્વામિનારાયણે પોતાના પ્રગટ સ્વરૂપ સમાન એવા સંતની ઓળખાણ લક્ષણો વર્ણવીને કરાવી છે. એવા સંતના પ્રસંગથી આપણને પ્રગટ ભગવાનનો યોગ થાય છે.
વર્તમાન સમયે એવાં લક્ષણોથી યુક્ત સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજમાં ભગવાન પ્રગટ બિરાજે છે - એવો લાખો હરિભક્તોને અનુભવ થાય છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજમાં જેવી ભગવાનની પરાભક્તિ, નમ્રતા, સાધુતા, સહનશીલતા વગેરે સંતનાં ઉત્તમ લક્ષણો નીરખવા મળતાં એવાં જ વર્તમાન સમયે મહંત સ્વામી મહારાજમાં નીરખવા મળે છે.
આવા ગુણાતીત સંત અને ભગવાનમાં એકતા છે.
સન ૧૯૫૦માં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને જ્યારે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનું પ્રમુખપદ સોંપ્યું ત્યારે સભા ભરાઈ હતી. સભા બાદ સૌએ ભોજન લીધું. ભોજન લઈને સૌ વીખરાઈ ગયા, પરંતુ એ સમયે નવા જ નિયુક્ત થયેલા પ્રમુખસ્વામી મહારાજે હરિભક્તોનાં એઠાં વાસણ ઊટક્યાં હતાં. જો પ્રમુખસ્વામી મહારાજે ધાર્યું હોત તો બીજાને વાસણ ઊટકવાનું કહી શક્યા હોત, પણ તેમણે જાતે જ વાસણો ઊટક્યાં. એ જ નમ્રતાથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ વર્તે છે. સન ૧૯૬૧માં દીક્ષા લીધા બાદ અમે સંતો મુંબઈમાં રહેતા હતા, ત્યારે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે અમને સૌને કહ્યું હતું ‘તમારે સૌએ મહંત સ્વામીની આજ્ઞામાં રહેવું.’ મહંત સ્વામી મહારાજ મહંત તરીકે બિરાજતા હોવા છતાં એક નાનામાં નાના સેવકની જેમ મંદિરની વિવિધ સેવાઓમાં જોડાઈ જતા. અમને બધાને જે યાદ રહી ગયું છે તે એ છે કે બપોરે એઠાં વાસણ માંજવાનું કામ પણ મહંત સ્વામી મહારાજે વર્ષો સુધી કર્યું છે. તે વખતે વાસણ રાખથી અથવા ધૂળથી ઊટકવાનાં હતાં. સ્વામીશ્રીના હાથમાં કણીઓ થઈ જાય, હાથ ફાટી જાય તોયે તેઓ વાસણ ઊટકવાની એ સેવા કરતા. વાસણ ઊટકવાનાં હોય કે બીજી કોઈ સેવા હોય, તમામ સેવાઓમાં તેઓ ઉત્સાહથી તૈયાર હોય, ક્યારેય વેઠ નહીં. સારામાં સારી રીતે તમામ સેવા તેમણે કરી છે.
સન ૧૯૭૪માં પ્રમુખસ્વામી મહારાજને અચાનક જ નૈરોબીથી રાતે એક વાગ્યે પુનઃ મુંબઈ આવવાનું થયું. મુસાફરી દરમ્યાન અનુકૂળતા ન હોવાથી હરિકૃષ્ણ મહારાજને થાળ ધરાવવાનો બાકી રહી ગયો હતો. તો પ્રમુખસ્વામી મહારાજે રાત્રે હરિકૃષ્ણ મહારાજ માટે થાળ તૈયાર કરાવ્યો અને દંડવત્ કરીને માફી માંગી, અપાર ભક્તિભાવપૂર્વક ઠાકોરજીને થાળ ધરાવ્યો. આ પ્રકારની પરાભક્તિનાં દર્શન પ્રમુખસ્વામી મહારાજમાં સૌને અવારનવાર થયેલાં છે.
એવી જ પરાભક્તિ મહંત સ્વામી મહારાજમાં પણ જોવા મળી છે. મહંત સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજતા ત્યારે મુંબઈમાં યોગીજી મહારાજે પધરાવેલા અક્ષરપુરુષોત્તમ મહારાજ - જબરેશ્વર મહારાજને તેઓ ભક્તિપૂર્વક ખૂબ લાડ લડાવતા. ઠાકોરજીને ચંદનના વાઘા ધરાવવાનાં હોય તો એ પણ તેઓ ખૂબ જ ભાવથી કરતા. ઠાકોરજીને પારણે ઝુલાવવાના હોય તો વિવિધ પ્રકારનાં પારણાં પણ મહંત સ્વામી મહારાજ ભક્તિભાવપૂર્વક બનાવતા. ઠાકોરજીને ભાતભાતના કલાત્મક હાર ગૂંથીને પહેરાવવા, ઠાકોરજીને ખાંતે કરીને થાળ જમાડવા, કલાત્મક હિંડોળા બનાવીને ઠાકોરજીને ઝુલાવવા, ખૂબ ઝીણવટભરી દૃષ્ટિ સાથે અન્નકૂટ રચવા વગેરે અનેક સેવાઓમાં તેઓ પોતે ગૂંથાયેલા રહે અને સૌને તેમાં મહિમાથી જોડતા રહે.