અમને દીક્ષા આપીને મુંબઈમાં રહેવાની આજ્ઞા કરી ત્યારે યોગીજી મહારાજે કહ્યું હતું, ‘તમારે સૌએ મહંત સ્વામીની આજ્ઞામાં રહેવું.’ યોગીજી મહારાજે ત્યારથી તેમનો મહિમા કહ્યો હતો. એ મહિમા મુજબ, અમે તેઓની સાધુતા અને ગુણોને સાઠ વર્ષોથી અનુભવીએ છીએ. ૧૯૬૦થી મુંબઈમાં સાથે રહેલા. તેમનામાં ખૂબ ધીરજ, નિર્માનીપણું ને સહનશીલતા. સંતના તમામ ગુણો તેમનામાં નીરખવા મળતા. તેમને દરેક પ્રત્યે આદર, દરેક પ્રત્યે પ્રેમ! દરેકને સત્સંગમાં સાચવવા, સૌનું પાલન-પોષણ કરવું તે તેમનું પહેલેથી અંગ હતું.
મહંત સ્વામીએ યોગીજી મહારાજનાં આસનો પણ ખૂબ બનાવ્યાં. યોગીજી મહારાજને તેમના પર પૂર્ણ વિશ્વાસ કે ‘મહંત સ્વામી બરાબર કરશે.’ મહંત સ્વામી તેમનાં આસન બનાવે તેમાં એક પણ કરચલી ન હોય. પથારી પણ તેવી રીતે પાથરી આપે. તે જોઈને યોગીજી મહારાજ ખૂબ રાજી થઈ જતા.
મહંત સ્વામી મહારાજમાં અત્યંત નિર્માનીપણું, અત્યંત દિવ્યતા, દરેક ઉપર પ્રેમ, દરેક ઉપર દિવ્ય દૃષ્ટિ અને દરેકનું ભલું કરવાની ભાવના છે. તેમણે વર્ષો સુધી ગામડે-ગામડે અને શહેરે-શહેરે વિચરણ કરીને ખૂબ પધરામણીઓ કરી છે, લોકોની મુશ્કેલીઓમાં ખૂબ ભાગ લીધો છે, કટોકટીના સમયમાં ભક્તોના સંકલ્પો પૂરા કર્યા છે, તેમને રાજી કર્યા છે. બીજાને રાજી રાખવા માટે પોતે શારીરિક અને માનસિક કષ્ટ ખૂબ વેઠ્યાં છે, ખૂબ ભીડો વેઠ્યો છે, પણ તોય કોઈ દિવસ એમના મુખમાંથી એક હરફ સુધ્ધાં નીકળ્યો નથી! એકદમ મૂકભાવે અને હાથ જોડીને તમામને રાજી કર્યા છે.
પ્રમુખસ્વામી મહારાજે ભવ્ય મંદિરો અને બીજાં અનેક અસાધારણ કાર્યો કર્યાં. લોકોએ તેમનાં કાર્યોની ખૂબ પ્રશંસા કરી, પણ પ્રમુખસ્વામી મહારાજ પોતાનાં કાર્યોનો યશ ગુરુઓને આપતા રહ્યા. આવી અહંશૂન્યતા એમના જીવનમાં હતી. મહંત સ્વામી મહારાજ પણ વિરાટ કાર્યો કરી રહ્યા છે, છતાં એમનામાં ક્યાંય અહંભાવ ડોકાતો નથી.
એમણે અનેક પ્રદાનો આપ્યાં છે, તેમાંનાં બે પ્રદાનો નજર સામે જોઈએ છીએ: (૧) સત્સંગદીક્ષા ગ્રંથ, (૨) રોબિન્સવિલનું અક્ષરધામ.
‘સત્સંગદીક્ષા'માં વચનામૃત, સ્વામીની વાતો, જીવનચરિત્રો વગેરે સંપ્રદાયના તમામ ગ્રંથોનો સાર સરળ શબ્દોમાં સમાવાયો છે. સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે અને જીવનમાં અમલમાં મૂકી શકે એવા એકદમ સરળ શબ્દોમાં મહંત સ્વામી મહારાજે આ ગ્રંથમાં સાર આપ્યો છે. ભગવાન સ્વામિનારાયણ અને સમગ્ર ગુરુપરંપરાએ આપણને શું શું આદેશો આપ્યા છે? આદર્શ સત્સંગી, આદર્શ સંત તરીકે આપણે રોજ શું વિચારવાનું છે? રોજ શું આચરવાનું છે?’ એ બધું જ આ ગ્રંથમાં બહુ જ સુંદર રીતે સમાવિષ્ટ છે.
એવું બીજું પ્રદાન છે – અમેરિકા ખાતે રોબિન્સવિલનું સ્વામિનારાયણ અક્ષરધામ.
પ્રમુખસ્વામી મહારાજની ખૂબ ઇચ્છા હતી કે હિન્દુ ધર્મનું એક અદ્ભુત મહામંદિર અમેરિકાની ધરતી પર બનવું જોઈએ, જેનાથી લાખો મનુષ્યોને હિન્દુ ધર્મની અને ભગવાન સ્વામિનારાયણનાં દિવ્ય જીવન અને સંદેશની પ્રેરણા હંમેશાં મળતી રહે. તે માટે તેઓએ વર્ષો સુધી સૌને ખૂબ પ્રેરણાઓ આપેલી. આ અક્ષરધામ માટે નકશાઓ તૈયાર કરીને પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને બતાવવામાં આવતા. તેઓ જુએ અને એમાં સૂચનો આપીને ફેરફાર કરાવે. પ્રમુખસ્વામી મહારાજે રોબિન્સવિલના અક્ષરધામના નકશા પર જાતે સહી કરી હતી અને દરેક શિખર ઉપર ગુલાબનું પુષ્પ મૂક્યું હતું. અમેરિકામાં અક્ષરધામ બનાવવા પાછળનો તેમનો પ્રેરણાત્મક હેતુ એ હતો કે અહીં લાખો ભાવિકોને અને આપણી ભાવિ પેઢીને હજારો વર્ષો સુધી આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને ચારિય ઘડતરની પ્રેરણા મળતી રહે. આ અક્ષરધામ દુનિયાને બતાવવા માટે નહીં, પરંતુ બધાને ભગવાનમાં શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ અને ભક્તિ વધે તે માટે બનાવવામાં આવ્યું છે.
પ્રમુખસ્વામી મહારાજનો આ સંકલ્પ મહંત સ્વામી મહારાજે પૂરો કર્યો છે. આ અક્ષરધામમાં સેવા કરનારાં હજારો બાઈ-ભાઈ સ્વયંસેવકોના પ્રેરણામૂર્તિ મહંત સ્વામી મહારાજનું ૠણ કોઈ રીતે ચૂકવી શકીએ એમ નથી. મહંત સ્વામી મહારાજે આપણને અક્ષરધામનો આધ્યાત્મિક સાર અને આદેશ આપતાં કહ્યું છે કે, આપણા હૃદયની અંદર અક્ષરધામનું નિર્માણ કરવાનું છે.
એટલે કે આપણું અંતઃકરણ શુદ્ધ કરવાનું છે. અંતઃકરણ શુદ્ધ થશે તો મહારાજ-સ્વામી અખંડ આપણા હૃદયમાં બિરાજમાન થશે.
આવા જ આધ્યાત્મિક હેતુ સાથે મહંત સ્વામી મહારાજે હવે સુરતમાં અક્ષરધામના નિર્માણનો મહાન યજ્ઞ આદર્યો છે. આવા સંતની મરજી મુજબ સેવા કરવાથી આપણે અતિશય નિર્દોષ, નિર્મળ થઈ જઈએ છીએ, અક્ષરધામના અધિકારી થઈ જઈએ છીએ.
તેઓની જન્મજયંતીએ તેમની પાસે એટલું જ માંગવાનું છે કે સત્સંગમાં અખંડ નિર્દોષબુદ્ધિ અને દિવ્યભાવ રહે. તેમના જીવનમાંથી તે જ શીખવાનું છે. તેઓ અત્યંત કૃપા કરી આપણને બધાને નિર્દોષબુદ્ધિ અને દિવ્યભાવમાં ગરકાવ કરી દે અને આપણે સૌ એકાંતિક ધર્મ સિદ્ધ કરી શ્રીજીમહારાજનાં ચરણોમાં બેસીએ એ જ પ્રાર્થના.