Essay Archives

રાજીપો સૌ કોઈ લઈ શકે છે

ભગવાન સ્વામિનારાયણે વચ. ગ.અં. 25માં કહ્યું છે કે, ‘ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કરીને જે ભક્તિ કરે તેની જ ઉપર થાય ને ગરીબ ઉપર ન થાય એમ નથી, ગરીબ હોય ને શ્રદ્ધા સહિત જળ, પત્ર, ફળ, ફૂલ ભગવાનને અર્પણ કરે તો એટલામાં પણ રાજી થાય. કેમ જે, ભગવાન તો અતિ મોટા છે, તે જેમ કોઈક રાજા હોય તેના નામનો એક શ્લોક જ કોઈક કરી લાવે તો તેને ગામ આપે, તેમ ભગવાન તુરત રાજી થાય છે.’
આમ, દુનિયા લાખ ઉપાય કરવા છતાંય રાજી થાય એમ નથી જ્યારે ભગવાન તો સહેજમાં રાજી થાય તેવા છે. માટે તેઓને રાજી કરવા જેવા છે.
વળી, શ્રીજીમહારાજ વચ. અમ. 3માં કહે છે : ‘મૂળજી બ્રહ્મચારી ને રતનજી અતિશય ક્યાં ડાહ્યા છે? પણ કલ્યાણનો ખપ અતિશય છે, માટે ભગવાન જેમ રાજી થાય તેમ કરતાં તેમને આવડે છે ખરું.’
આમ, ભગવાનને કેવળ બુદ્ઘિશાળી જ રાજી કરી શકે તેવું પણ નથી. તેમને સૌ કોઈ રાજી કરી શકે તેમ છે. જ્યારે દુનિયામાં તો દલપતરામે કહ્યું તેમ :
‘સમુદ્ર પૂરો કદીયે ભરાય, પ્રિયાની ઇચ્છા નહીં પૂર્ણ થાય;
ઘડાવી દેતા શણગાર સારા, જે ચક્રવર્તી નૃપ તેહ હાર્યા.’
ચક્રવર્તીઓય લોકોને રાજી કરી શક્યા નથી.
ટૂંકમાં, ભગવાન અને સંતને રાજી કરવાનો માર્ગ લોકને રાજી કરવા કરતાં સરળ છે. માટે તે રાજીપો મેળવવાની મનમાં દૃઢ ગાંઠ વાળી દેવામાં જ ડહાપણ છે. ચાણક્ય માટે એવું કહેવાતું કે,
‘न प्रयोजनमन्तरा चाणक्यः स्वप्नेऽपि चेष्टते॥’
- પ્રયોજન વિના ચાણક્ય સ્વપ્નમાં પણ કોઈ ક્રિયા કરતો નહીં. તેમ રાજીપાના વિચાર વિના આપણી પણ એકેય ક્રિયા સ્વપ્નમાંય થવી ન જોઈએ. વિખ્યાત લેખક વોકર વિન્સ્લોએ ‘The hour of man’ની વાત કરી છે. તેઓ કહે છે કે દિવસમાં એક કલાક દરેક  વ્યક્તિ માટે એવો નિશ્ચિત કરી દેવો જોઈએ કે જેમાં તેણે બધી જ પ્રવૃત્તિ વિસારી વિચાર કરવાનો કે, ‘હું પૃથ્વી પર શા માટે છું?’ તેમ આપણે પણ દિવસમાં એક વાર તો વિચારવું ઘટે કે, ‘મારી બધી ક્રિયા હું કયા હેતુથી કરી રહ્યો છું?’ દરેક કિયા નહીં, પરંતુ દરેક વિચાર પણ આ ગળણીમાંથી ચળાઈને નીકળવો જોઈએ.
ફાધર વાલેસે વાત નોંધી છે. એક વાર તેઓએ એક વિદ્યાર્થીને પૂછ્યું : ‘તારું ઘર અહીંથી કેટલું દૂર?’
ત્યારે તે વિદ્યાર્થીએ કહ્યું : ‘દોઢ રૂપિયાની ટિકિટ થાય.’
વિદ્યાર્થીના આ ઉત્તર પર ટિપ્પણ કરતાં ફાધર વાલેસ કહે છે કે ‘વ્યક્તિના મનમાં ધનનો કેવો વેગ ઊપડેલો હોય છે કે અંતર પણ કિલોમીટરમાં નહીં, પરંતુ રૂપિયામાં જણાવતો થઈ ગયો છે.’
જેમ લોકોને સંપત્તિનો વેગ લાગે છે તેમ સાધકને પણ રાજીપાનો એવો વેગ લાગવો જોઈએ કે પ્રત્યેક આચાર, પ્રત્યેક ઉચ્ચાર અને પ્રત્યેક વિચારનું ભાષાંતર રાજીપામાં વિરમે. કોઈ પ્રશ્ન પૂછે કે ‘તમે કેવું બોલશો?’ તો ઉત્તર હોય, ‘સ્વામી રાજી થાય તેવું.’ કોઈ પૂછે કે ‘તમે કેવું કરશો?’ તો ઉત્તર હોય, ‘સ્વામી રાજી થાય તેવું.’ કોઈ પૂછે કે ‘તમે કેવું વિચારશો?’ તો ઉત્તર હોય, ‘સ્વામી રાજી થાય તેવું.’
કાકા કાલેલકરે લખ્યું છે કે “મને જે સહેલું લાગે તે કામ કરું? કે મને ગમતું હોય તે કામ કરું ? કે જે કામ હું ઉત્તમ રીતે કરી શકું તે કામ કરું? કે જે કામ કરવાનું મને સોંપ્યું છે તે કામ કરું?’ પછી તેઓ લખે છે કે ‘મને જે કામ સોંપ્યું છે તે જ કામ મારું ગમતું બને, તે જ કામ મારા માટે સહેલું બને અને તે જ કામ હું ઉત્તમ રીતે કરી શકું એવું ક્યારે થશે?’ કાકા કાલેલકરની જેમ આપણે પણ પ્રાર્થના કરવી ઘટે કે ‘હે મહારાજ! હે સ્વામી! જે કાર્યથી આપ રાજી થાઓ તે જ કાર્ય કરવાનું મને ગમે, તે જ કાર્ય હું સહેલાઈથી અને ઉત્તમ રીતે કરી શકું તેવું મને કરી આપો.’ કારણ કે રાજીપો ન મળે તેવી ક્રિયા ગમે તેટલી સારી રીતે કરી હોય તો પણ તેનો શો અર્થ છે? કહ્યું છે કે ‘Doing more things faster and smarter and harder is no substitute for doing the right things.’ અનેક કાર્યો સારી રીતે, સખત મહેનત કરીને અને ઝડપથી પાર પાડવાં તે સાચું કાર્ય કરવાનો વિકલ્પ બની શકતાં નથી. સાચું કાર્ય સ્વામીશ્રીનો રાજીપો મળે તે રીતે કાર્ય થાય એ છે. તે રીત મૂકીને કાર્ય સારી રીતે અને ઝડપથી કરી દેખાડવામાં કેડ તોડી નાખીએ તો પણ તેથી કોઈ અર્થ સરતો નથી. માટે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું તેમ ‘અવર ઉપાય અળગા કર્યા, રામજી રીઝવવા કાજ...’ની જેમ બીજા અનેક ડોળ મૂકી સ્વામીશ્રી રાજી થાય એ રીતે કાર્ય કરવામાં જ શાણપણ સમાયેલું છે.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS