Essays Archives

મોસમનો બાજરો કોઠીમાં ઠેકાણે પાડી ગઢડું આખું ય સોડ તાણી સૂતું છે, પણ લાધા ઠક્કરના જીવને જંપ વળતો નથી. ભાવનગર રાજ્યનું ભરણું તો ક્યારેય ચુકતે થઈ ગયું છે. તો પણ આજે બબ્બે મહિનાથી બાપુ વખતસિંહની ચોકી દાદા ખાચરની ખળીએથી ઊઠતી નથી. રખેવાળ સિપાહીઓના ઘોડાઓના હણહણાટથી તો આ દાદાના કારભારીનાં કાળજાં કોરાઈ ગયાં!
પરાણે ઊંઘવા મથતાં ઠક્કરની નજર અચાનક તારલિયાં સાથે ગેલ કરતી એક વાદળી પર પડી. દાદાની ભક્તિનો રુદ્રમાળ કોઈની ઇર્ષ્યાના વિસ્ફોટનો ભોગ બન્યાના એંધાણથી ઠક્કર ધ્રૂજી ઊઠ્યા. વિચારોના વમળમાં તેમની ઊંઘ વેરણ બની તે સૂર્યોદયનું પણ ભાન ભૂલી ગયા!
શૂન્યમનસ્ક નિત્યક્રમ પતાવી, ઠક્કરે ઝ ડપથી અક્ષર ઓરડી ભણી દોટ મૂકી.
'અરે લાધા ભગત, આમ બહાવરા કાં...?' શ્રીજીએ ગંભીર સ્વરે પૂછ્યું.
'મા'રાજ, આ કાળમુખી વાદળી માથે રમ્યા કરે છે, તે આપણા બાજરાનાં ખળાંનું શું થશે?' ભર્યે શ્વાસે ઠક્કરે ઓરડીએ પગ દીધો.
લાધા ઠક્કરનો અવાજ સાંભળી શ્રીજીમહારાજ ઢોલિયેથી સફાળા ઊભા થઈ ગયા. શ્રીજી તેમની દાદા પ્રત્યેની વફાદારીથી પરિચિત હતા.
'હા, મા'રાજ, હવે વરસાદને જરાય છેટું નથી. ને ભાવનગર બાપુ તો ચોકી પહેરો ઉઠાવવાનું નામે ય નથી લેતા. રૈયત પર આ તે કેવું રાજ?' કહેતાંક ઠક્કરને ગળે ડૂમો બાઝ્યો.
'દાદાના કોઠારમાં દાણો ય બચ્યો નથી. બે-પાંચ જમણ તો માંડ...' અને ઠક્કરના અશ્રુબંધ છૂટી ગયા.
દાદાના દુઃખની દોણમાં વલોવાતી ઠક્કરની મનોવેદનાને મહારાજ કળી ગયા. હતાશાનાં વાદળોમાં ઘેરાયેલા મહારાજ પણ લાધા ઠક્કરને બાહુપાશમાં ભીડી ચોધાર આંસુએ રડી પડ્યા!
એ અશ્રુપ્રવાહ હતો દાદાની શુદ્ધભક્તિનો પુરસ્કાર. એમાં સમાયો હતો પ્રેમબંધનનો પડકાર. દાદાના પરિવારના ઓવારણાંના પ્રતીક સમી પાવની અશ્રુગંગામાં શ્રીજીની મમતા નીખરી ઊઠી.
મહારાજનું રુદન ઢાંક્યું ન રહ્યું. જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ ભક્તો તથા સંતો અક્ષરઓરડીને ઘેરી વળ્યા. દાદાખાચર અને બંને બહેનો લાડુબા અને જીવુબા તથા સોમાદેવી, સુરપ્રભાદેવી, સોમબા ફુઈ અને અન્ય બહેનો પણ વિલાપ કરતાં દોડી આવ્યાં.
વાતાવરણમાં સોપો પડી ગયો. સૌ ચિત્રિત અવસ્થામાં દિગ્મૂઢ થઈ ઊભા હતા. દાદાખાચરની વિષમ પરિસ્થિતિથી જ મહારાજ રડી પડ્યા હતા. એ વાતથી સૌ વાકેફ થયા.
'મહારાજ, દાદાનું દુઃખ એક વાતે દૂર થાય તેમ છે.' હાથ જોડી હળવેકથી મુક્તાનંદ સ્વામીએ કહ્યું. સાંભળી મહારાજે સહજ દૃષ્ટિપાત કર્યો. આંખો લૂછી લૂછીને મલમલ પામરી પણ ભિંજાઈ ગઈ હતી.
'અમે સૌ સંતો સુરત તરફ જઈએ તો દાદાને ભીડો ઓછો પડે.' મુક્તાનંદજીનો અણચિંતવ્યો ઉકેલ સાંભળી દાદા ખાચરનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો. નીરવ શાંતિમાં મુક્તાનંદજીનો ધ્વનિ મહિલા ભક્તોએ સ્પષ્ટ રીતે સાંભળ્યો.
'મહારાજ, સ્વામી સાચું કહે છે.' જીવુબાએ દૂરથી કહેવડાવ્યું અને ઉમેર્યું : 'અમારાં નસીબ કાણાં... તે આપ તથા સંતોની સેવા બરાબર ન કરી શક્યાં.' જીવુબા વધુ બોલી ન શક્યાં.
'અમ વાંકે આપને દુઃખ ભોગવવું પડે તે કરતાં જીભ કરડીને મરવું ભલું!' લાડુબાના આ વેદનાના શબ્દો સાંભળતાં જ મહારાજ ઢોલિયા પર બેસી પડ્યા ને અલક્ષ્ય દૃષ્ટિએ એકધારું જોઈ રહ્યા.
'આપ પણ અમારી સાથે પધારો મહારાજ, આમ દાદાને ક્યાં સુધી ભીડો આપીશું?' મુક્તાનંદજીના શબ્દોથી જાણે વજ્રપાત થયો. દાદાખાચરનું હૃદય વીંધાઈ ગયું. પગતળેથી જમીન ખસવા લાગી. જમીન પર ઢળતા દાદાને શ્રીજીએ હાથના સહારે ઝ ëલી લીધા.
'મહારાજ, મારું તો ઠીક, પરંતુ આ ગભરુ પારેવડાં સમાં લાડુબા અને જીવુબા આપના વિયોગથી તરફડી મરશે. મહારાજ આપ ભલે અહીંથી જાઓ, પણ આપની વિરહ વેદના વેઠવાનું બળ આપતા જજો. મહારાજ, દૃષ્ટિ રાખજો.' એટલું બોલતાં તો દાદા ખાચરનો કંઠ રુંધાઈ ગયો. હૈયું ભરાઈ આવ્યું.
'ના, દાદા ના.' શિથિલ પાઘડીના છેડા વડે અશ્રુ લૂંછતાં મહારાજ બોલ્યા, 'તમ જેવા ભક્ત મધ્યે જન્મોજનમ રહેવા સારુ તો અમે ઝ _ખીએ છીએ.' એમ કહેતાંક શ્રીજીએ દૃઢતાથી દાદા ખાચરનું બાવડું ઝ ëલ્યું.
'સ્વામી', મહારાજે મુક્તાનંદજી તરફ નજર કરી. 'આ દાદાની વાંસલડી કદી બેસૂરી નથી વાગી. મારી વાણી તે જ એનું જીવન બન્યું છે. આજ વીસ વીસ વરસથી આપણે અહીં પડ્યા પાથર્યા રહ્યા છીએ તો ય તેમનું મન કદી પણ ઝ _ખવાયું નથી.'
મૂળજી બ્રહ્મચારીએ સમો પારખી જળ ધર્યું. મહારાજ જરા સ્વસ્થ થયા.
'આ લાડુબા અને જીવુબાની સેવાઓ કોનાથી અજાણ છે?' શ્રીજીમહારાજે ભક્તસમુદાય પર સૂચક દૃષ્ટિ કરી.
'જુ ઓને, અમે ગોદોહન માત્ર કોઈ જગ્યાએ સ્થિર ન થઈએ. તો પણ દાદાના પ્રેમને વશ થઈ અહીં રહ્યા. આવા શુદ્ધ ભક્તિના વાહક વિરલ ભક્તને કઠણ દેશકાળમાં નોધારા મૂકી ચાલી નીકળીએ તો આપણા જેવા કૃતઘ્ની કોણ?' પછી મહારાજે એક સાખી કહી સંભળાવીઃ
'દાહ જલે ડુંગર જલે, જલે સબ વનરાઈ,
હમ જલે તુમ કાં જલો, હમારે પાંખો નાઈ.'
પછી પોતે જ એનો અર્થ સમજાવ્યો :
'એક વનમાં મોટો ઘેઘુર વડલો હતો. ઘનઘોર વડવાઈઓથી વ્યાપ્ત તે વડ ઉપર અનેક પંખીઓએ માળા બાંધ્યા હતા. ટેટાં ખાઈ ઘણાં પંખીઓ મધુર કિલકિલાટથી આખું વન ભરી દેતાં. કહોને કે તે વડલો પંખીઓનો પાલક પિતા બન્યો હતો.
પરંતુ દૈવયોગે એક દિવસ વનમાં દાવાનળ ફાટી નીકળ્યો. ફળ-ફૂલોથી લચી પડેલી લીલીછમ વનરાઈ ઘડીકમાં કાળનો કોળિયો બની ગઈ. અગ્નિજ્વાળા પેલા વિશાળ વડને પણ સ્પર્શી ગઈ. વડલાને થયું, હવે બચવાનો કોઈ આરો નથી. તેણે આર્તનાદે પક્ષીઓને ચેતવ્યા, 'મારા વા'લાં પંખીડાઓ! હવે આપણી મૈત્રી નભશે નહિ. આ સકંજામાંથી હું પણ બચી શકું તેમ નથી. મારે તો પાંખો નથી, પરંતુ હવે મારો મોહ રાખ્યા વિના સૌ ઊડી જાઓ. તમારા પ્રાણ બચાવી લો.'
વડલાની મમતાભરી વાણી સાંભળી દીનસ્વરે પંખી બોલ્યાં, 'આજ સુધી તમે અમને પાળ્યાં, પોષ્યાં. અમારી અનેક પેઢીના તમે સાક્ષી બન્યા. તમે તો અમારા આશ્રયદાતા છો અને તમારા મૃત્યુ સમયે જ ઊડી જઈએ તો અમારાં જેવાં સ્વાર્થી કોણ? ના, ભાઈ ના. હવે અમે પણ તમારા જ પંથે...'
એટલું કહી મહારાજે અશ્રુભીની આંખે દાદાખાચરને મસ્તકે અભયહસ્ત પ્રસરાવ્યો.
મહારાજે કરેલી વાતમાં એમની મરજી ડોકિયું કરી રહી હતી. એમ કે ભક્તને સુખે સુખી ને દુઃખે દુઃખી.
થોડીવાર માટે વાતાવરણ ગંભીર અને શાંત બની ગયું. એવામાં સૌના કાને ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો. ભાવનગર મહારાજા વખતસિંહનો સિપાઈ મારતે ઘોડે બાજરાના ખળા ઉપાડવાનો રુક્કો લઈ દરબારમાં પ્રવેશ્યો.
શોકનું વાતાવરણ પળભરમાં આનંદ-ઉલ્લાસમાં ફેરવાઈ ગયું. શણગાર આરતીના ઘંટારવ અને શંખનાદે સૌમાં નવી ચેતના આણી.
મહારાજના મુખારવિંદ પર પણ સ્મિત ફરકી ઊઠ્યું. સૌની નિસ્તેજ આંખોમાં ઓજસ ઝ ળહળી ઊઠ્યું.
કહે છે કે તે દિવસે સ્વયં શ્રીજીએ પણ સૌ સાથે બાજરીનાં ખળાં ઉપાડવા કમર કસેલી.
----------------------------------------------------------------------------------

અમે ગોદોહન માત્ર કોઈ જગ્યાએ સ્થિર ન થઈએ. તો પણ દાદાના પ્રેમને વશ થઈ અહીં રહ્યા. આવા શુદ્ધ ભક્તિના વાહક વિરલ ભક્તને કઠણ દેશકાળમાં નોધારા મૂકી ચાલી નીકળીએ તો આપણા જેવા કૃતઘ્ની કોણ?

- શ્રીજીમહારાજ

Other Articles by સાધુ ચિન્મયદાસ


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS