Essays Archives

હિન્દુઓની નૈતિકતાના પ્રભાવ વિશે આપણે છેલ્લા કેટલાય સમયથી ઐતિહાસિક તથ્યોના આધારે નક્કર વિગતો સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
પૂર્વે ભારતમાં ક્યારેય પગ ન મૂકનાર બ્રિટિશ લેખક જેમ્સ મિલે સન 1818માં અંગ્રેજ પ્રજાને હિન્દુઓનો પરિચય આપવા માટે ‘History of British India’ ગ્રંથ પ્રકાશિત કર્યો, તેમાં છઠ્ઠા અને સાતમા પ્રકરણમાં હિન્દુ ધર્મ અને હિન્દુ પ્રજાની નૈતિકતા અને ચારિત્ર્ય પર પ્રહારો કર્યા હતા. તેની સામે પ્રચંડ વિરોધ કરનાર હતા - ભારતમાં શાસન કરતા અંગ્રેજ અધિકારીઓ ! અંગ્રેજોનાં મન પર હિન્દુ પ્રજાની નૈતિકતાનો કેવો પ્રભાવ છવાયો હતો ? તેની અસર આ વિરોધના સૂરમાં પ્રગટ થતી હતી. તે વિશે પૂર્વે આપણે કેટલુંક જોયું છે.
‘હિન્દુઓ અપ્રામાણિક છે’ એટલા વિધાનથી અટકવાને બદલે, જેમ્સ મિલે એમ પણ કહ્યું કે હિન્દુઓની અપ્રામાણિકતા પરથી નક્કી થાય છે કે હિન્દુ ધર્મ જ તેમને એવું શીખવે છે ! ત્યારે મેજર વેન્સ કેનેડી નામનો બ્રિટિશ અધિકારી ‘Transactions of the literary Society of Bombay’માં સંશોધન પત્ર લખીને મિલ સાહેબને પૂછે છે : ‘શ્રીમાન મિલ શું એમ માને છે કે રાષ્ટ્રની નૈતિકતા પરથી જ તેના ધર્મની મહાનતા નક્કી થવી જોઈએ ? જો એમ જ હોય તો તેમણે માત્ર બ્રિટન જ નહીં, સમગ્ર યુરોપ ખંડ પર પોતાની નજર માંડવી જોઈએ. જે દૂષણોનું ભારતમાં કોઈ નામ સુધ્ધાં નથી જાણતું એવાં અસંખ્ય દૂષણો-દોષો ત્યાં તેમને નજરે ચડશે. શું શ્રીમાન મિલ તેનાથી એવું તારણ કાઢશે કે આપણો સ્થાનિક ધર્મ નૈતિકતાની અધોગતિ કરે છે ? કે પછી તે એવું માનવા કૃતજ્ઞ નહીં બને કે દેશમાં ક્યારેક શુદ્ધ અને પવિત્ર ધર્મોનો પ્રચાર હોવા છતાં ક્યારેક અન્ય કારણોસર ચારિત્ર્યની અવગતિ પણ થઈ શકે છે ?’ (Transactions of The Literary Society of Bombay, vol. III, London, 1823, p. 156)
આજે પણ એક એવો અલ્પસંખ્યક વર્ગ છે, જેમને ભારતની આજની તમામ નિર્બળતાઓના મૂળમાં ધર્મ દેખાય છે ! ‘આપણા હિન્દુ ધર્મે આપણને નિર્બળ બનાવ્યા છે, અપ્રામાણિક બનાવ્યા છે... ’ એમ કહેનારાઓ પાસે પૂરતા અભ્યાસની ખામી છે, સાચા દૃષ્ટિકોણની ઊણપ છે, બીજા શબ્દોમાં કહો તો તેની દૃષ્ટિ સંકુચિત છે અને પરિણામે ધર્મને સમજવાની ક્ષમતાથી વંચિત રહ્યા છે. એના કરતાં એક પરધર્મી ગોરો બ્રિટિશર, હિન્દુ ધર્મના પાયા પર ઊભેલી હિન્દુઓની નૈતિક ઇમેજ માટે રોમરોમમાં ગૌરવથી છલકાતો હતો, એ વાત કેટલી રોમાંચક લાગે છે !
દુનિયાભરમાં ઘૂમી આવેલા, દુનિયાભરના લોકોના પરિચયમાં રહેલા યુરોપિયન મૂળના આ પ્રખર વિદ્વાનોને હિન્દુ પ્રજા માટે કેટલો આત્મવિશ્વાસ છલકાતો હતો ? તેમને હિન્દુઓ જેટલા પ્રામાણિક કે નીતિવાન લોકો આખા જગતમાં જડ્યા નહોતા !
જર્મન વિદ્વાન પ્રોફેસર ફ્રેડરિક મેક્સમૂલર તો હિન્દુઓની પ્રામાણિકતા અને સત્યનિષ્ઠાના પ્રખર આશિક હતા. એક સમયે હિન્દુધર્મની ઠેકડી ઉડાડવાનો પ્રયાસ કરનારા આ જર્મન વિદ્વાનને અંતે હિન્દુઓ અને હિન્દુ ધર્મનો જાણે નેહડો લાગી ગયો હતો. મેક્સમૂલર લખે છે : ‘જે કોઈ એમના સંપર્કમાં આવ્યા તે સૌને સૌથી વધુ સ્પર્શી ગયું છે - એમનો સત્ય માટેનો પ્રેમ, જે એમના રાષ્ટ્રીય ચારિત્ર્યનું મુખ્ય લક્ષણ છે. તે માટે એક ચોક્કસ ભૂમિકા હોવી જોઈએ, જેના માટે આપણા સમયના અનેક વિશ્વપ્રવાસીઓએ અન્ય વિદેશોમાં જઈને એવી ભાગ્યે જ નોંધ કરી છે કે ત્યાંના રહેવાસીઓ અવશ્ય સત્ય જ બોલે છે ! અંગ્રેજ યાત્રીઓએ કરેલા ફ્રાન્સનાં વર્ણનો તમે વાંચી જોજો, તમને ફ્રેન્ચ લોકોની પ્રામાણિકતા અને સચ્ચાઈ વિશે ભાગ્યે જ કશું વાંચવા મળશે !’
હિન્દુઓની પ્રામાણિકતા અને નૈતિકતા માટે વિશ્વાસથી છલકાતા લોકોમાં પ્રૅ. મેક્સમૂલર, પ્રૅ. વિલ્સન અને પ્રૅ. મોનિયર વિલિયમ્સ જેવા વિદ્વાનો એક તરફ છે તો બીજી તરફ એબે ડુબોઈસ અને બિશપ રેજિનાલ્ડ હિબર જેવા મિશનરી પાદરીઓ પણ શામેલ છે !
સને 1825માં ધર્મપરિવર્તનનું મિશન લઈને ઇંગ્લૅન્ડથી આવેલા ખ્રિસ્તી પાદરી બિશપ હિબર પોતે જ હિન્દુઓના રંગે જાણે પ્રભાવિત થઈ ગયા હતા ! પોતાની પત્નીને પાનાંઓ ભરી ભરીને હિન્દુ પ્રજાના ગુણગાન ગાતાં પત્રોની તેમણે વણઝાર ચલાવી હતી. ‘મૂર્તિપૂજક’ હિન્દુઓ માટે હીનતાભર્યા ખ્યાલ રાખનારા બિશપને હિન્દુઓની નૈતિકતા માટે તો કોઈ જ સવાલ નહોતો. કેવા છે આ હિન્દુઓ ? બિશપ લખે છે : સૌમ્ય સ્વભાવવાળા, આનંદી, બુદ્ધિમંત, કરકસરવાળા, ખૂબ જ ઉદ્યમી, ખંતીલા, વીરતા અને ખમીરવાળા, વિવેકી, જ્ઞાન મેળવવા માટે અને સુધારા માટે અત્યંત તત્પર, વિજ્ઞાન-ભૂમિતિ-અંતરિક્ષવિજ્ઞાન વગેરે માટે નોંધપાત્ર રસ ધરાવનારા, કલાશિલ્પ વગેરેમાં રસ ધરાવનારા, માતાપિતા પ્રત્યેની ફરજ નિભાવનારા, બાળકો પ્રત્યે પ્રેમાળ... અને એવું ઘણું બધું... આ બધાનો સરવાળો કરીને એક વાક્યમાં તેઓ લખે છે : ‘I have found in India a race beyond the ordinary level of mankind.‘ (India what can it teach us, F. Max Muller, Penguin Books, 2000, p. 56)
ભગવાન સ્વામિનારાયણને મળીને તેમની મુલાકાતથી અતિ પ્રભાવિત થયેલા બૉમ્બે પ્રૅસિડેન્સીના ગવર્નર સર જ્હૉન માલ્કમે હિન્દુઓ માટે ગૌરવભેર કહ્યું હતું : ‘હિન્દુઓની પ્રામાણિકતા- સત્યનિષ્ઠા વિશે હું જાણું છું તે મુજબ, વિશ્વની કોઈ પણ માનવપ્રજા તેમના કરતાં વધુ વિશ્વસનીય નથી.’
ડેક્કન કમિશનર મિ. ચેપ્લીને ‘ઇસ્ટ ઇન્ડિયા અફેર્સ’ માટે બ્રિટિશ પાર્લામેન્ટના સભ્યોની બનેલી કમિટીને હિન્દુઓ માટે કહ્યું હતું કે ‘વિશ્વના કોઈ પણ દેશના લોકો સાથે હિન્દુઓની સરખામણી કરશો તો તે હિન્દુઓ માટે જ ફાયદાકારક (તેમની વિશેષતા દર્શાવનારી) બની રહેશે.’ (Tod's Western India, p. Lvii)
છેલ્લા દસ અંકોથી હિન્દુઓની નૈતિકતાનો પ્રભાવ વિશ્વભરના મહાનુભાવોના ઐતિહાસિક પ્રમાણો દ્વારા માણી રહ્યા છીએ. એવા વિશ્વપ્રસિદ્ધ મહાનુભાવોમાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના સ્થાપક અને વિખ્યાત લેખક જ્યોર્જ બર્નાર્ડ શૉ(1856-1950)ને કેમ વિસરી શકાય ?
ભલભલાની ટીકા કરવામાં માહેર ગણાતા કટાક્ષ લેખક અને પ્રખર વિદ્વાન બર્નાર્ડ શૉએ, ભારતયાત્રા કર્યા પછી હિન્દુઓ અને હિન્દુસ્તાન વિશે મુક્ત કંઠે જે અદ્‌ભુત અનુભવો વર્ણવ્યા છે, તે આપણી રોમાવલિ ખડી કરી દે તેવા છે. બર્નાર્ડ શૉ લખે છે : ‘ભારતીયોનું ચારિત્ર્ય એમની મુખાકૃતિ પર જ ઝળકે છે અને આપણા ચહેરા પર તો દંભનો એક નકાબ-મુખવટો હોય છે. ભારતીયોના ચહેરા પરની રેખાઓમાં સૃષ્ટિકર્તા ભગવાનનાં ચિહ્‌નો જોઈ શકાય છે. હિન્દુઓની સત્યનિષ્ઠા એમના ચહેરા પર ચમકે છે અને અંગ્રેજોના તથા યુરોપિયનોના સતત મિથ્યા આચરણથી ભગવાનની રેખાઓ એમના ચહેરા પરથી નાબૂદ થઈ ગઈ છે અને તેને બદલે દંભનો મુખવટો ચઢી ગયો છે.’ 
20 વર્ષ સુધી ફ્રેડરિક મેક્સમૂલર ભારતીય વિદ્વાનોની અનેકવિધ કસોટી કરીને અંતે લખે છે : ‘...and I feel bound to say that, with hardly one exception, they (Hindus) have displayed a far greater respect for truth, and a far more manly and generous spirit than we are accustomed to even in Europe and America. They have shown strength but no rudeness... When they were wrong they have readily admitted their mistakes; when they were right, they have never sneered at their European adversaries.’ (India what can it teach us, F. Max Muller, Penguin Books, 2000, p. 56)
અર્થાત્‌ ‘મારે એમ કહેવાની ફરજ પડે છે કે એકાદ દુર્લભ અપવાદ બાદ કરતા હિન્દુઓએ જે સત્યનિષ્ઠા, પૌરુષ તથા ઉદારતા દર્શાવ્યાં છે તે આપણે યુરોપ અને અમેરિકામાં કેળવ્યા છે તેના કરતાં અનેકગણાં મહાન છે. તેમની પાસે સામર્થ્ય છે, છતાં ઉદ્ધતાઈ નથી. તેમની જ્યારે ભૂલ હતી ત્યારે તેમણે તરત જ સ્વીકારી લીધી છે. અને જ્યારે તેઓ સાચા હતા ત્યારે યુરોપિયન હરીફોનો તેમણે ઉપહાસ કર્યો નથી.’
પરંતુ શું બધા જ હિન્દુઓ પ્રામાણિક જ હોય છે?
ખરેખર બધા જ હિન્દુઓ નિષ્ઠાપૂર્વક નૈતિકતાનું પાલન કરતા હોય છે ?
આવા સવાલોનો સામનો પણ એ વિદેશી લેખકોએ સુપેરે કર્યો હતો.
હિન્દુઓની નૈતિકતા અને પ્રામાણિકતાના યશોગાન ગાનારા આ વિદેશીઓને એ વાતની ખબર હતી જ કે, બધા જ હિન્દુઓ પ્રામાણિક જ હોય તેમ માનવાનું કોઈ કારણ નથી. (ક્રમશઃ)

 

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS