Essay Archives

શાસ્ત્રોને આધારે સંતનો મહિમા છે, પણ સંતને આધારે શાસ્ત્રોનો મહિમા વધે છે!

સત્પુરુષની નજીક જવાથી જીવનમાં આપણને કંઈક શીખવા મળે છે. આવો જ એક પ્રસંગ છે:
શ્રદ્ધાવાન સત્સંગીને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી દિવ્ય અનુભૂતિ થાય તે તો સમજી શકાય, પરંતુ જે સ્વામિનારાયણ સત્સંગી નથી, પણ હિન્દુ ધર્મમાં પારંગત છે, સેવાભાવી છે, લોકજીવનમાં આગળ છે અને દિલમાં રાષ્ટ્રભાવના છે – આ વાત જેમના જીવનમાં વણાયેલી છે, એવા આદરણીય મોહન ભાગવતજી ખૂબ લાંબું ખેડાણ કરી સારંગપુર તીર્થધામમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન કરવા આવ્યા. જ્યારે અમે મોહન ભાગવતજીને પ્રમુખસ્વામીનાં દર્શન કરવા લઈ જતા હતા ત્યારે મેં તેમને કહ્યું, ‘ભાગવતજી! અત્યારે પ્રમુખસ્વામીજીની ઉંમર અને નાદુરસ્ત તબિયતના કારણે કદાચ થાકેલા હશે તો આરામમાં હશે! કદાચ આશીર્વાદ પણ ન મળે, પરંતુ કેવળ દર્શન થશે તો તમારે દર્શન કરવાં છે?’
ત્યારે એવી વ્યક્તિ - જે પોતે સંત નથી, પણ સંયમ અને સમર્પણને સમજી શકે, એવા આદરણીય મોહન ભાગવતજીએ જે જવાબ આપ્યો તે ખૂબ જ અંતરના ઊંડાણનો છે. તેમણે મને કહ્યું, ‘બ્રહ્મવિહારીજી! હું કેમ પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન કરવા આવું છું? શાસ્ત્રના આધારે સંતનો મહિમા છે. વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત અને ગીતાનાં વચનોના આધારે સંતનો મહિમા સમજાય છે. પણ પૃથ્વી ઉપર જ્યારે શાસ્ત્ર પ્રમાણે પરિપૂર્ણ જીવતા પ્રમુખસ્વામી મહારાજને પ્રત્યક્ષ જોઉં છું ત્યારે મને વિશ્વાસ બેસે છે કે આપણાં શાસ્ત્રો સાચાં છે, કેમ કે પ્રમુખસ્વામી જેવા સંત, શાસ્ત્રને સાચા ઠરાવે છે. પોતાના વચન કે પ્રવચનથી નહીં, પણ જીવનથી! શાસ્ત્ર જે પ્રમાણે કહે છે, તે અનુસાર પ્રમુખસ્વામી મહારાજ જીવે છે. શાસ્ત્રને આધારે સંતનો મહિમા તો છે જ, પરંતુ સંતને આધારે શાસ્ત્રોનો મહિમા વધે છે.’
આ તો એક બાજુ થઈ, એટલે કે ધાર્મિક અને ધર્મવાન મહાનુભાવો તો પ્રમુખસ્વામીજીને આદરથી જુએ છે. પરંતુ બીજી બાજુની વાત કરીએ તો પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ, જેઓ એક મહાન વૈજ્ઞાનિક, બુદ્ધિવાન, તર્કપ્રધાન અને સફળ સિદ્ધિવાન હતા. હોવરક્રાફ્ટ, મિસાઇલ અને અણુબોંબ નિર્માણમાં પણ જેમનો સિંહફાળો હતો. તેઓ મહાન વિદ્વાન હતા અને તેમને વિશ્વની શ્રેષ્ઠ ૪૮ યુનિવર્સિટીઓએ પીએચ.ડી.ની ડિગ્રી સામેથી એનાયત કરી હતી. પોતે સ્વતંત્ર વિચારક હતા. તેમને કોઈની સાડાબારી નહોતી. તેમણે ક્યારેય કોઈના કહ્યા પ્રમાણે કે કોઈની ખુશામત કરવા એક વાક્ય પણ લખ્યું નથી ત્યારે આખું પુસ્તક તો દૂરની વાત થઈ.
તા. ૨૦ જૂન, ૨૦૧૫ના રોજ તેઓ પ્રમુખસ્વામી મહારાજનાં જીવન અને સંદેશ ઉપર પુસ્તક ‘ટ્રાન્સેન્ડન્સ’ લખી સ્વામીશ્રીને હાથોહાથ અર્પણ કરવા અને દર્શન કરવા સારંગપુર પધાર્યા ત્યારે ભરબપોરે બે વાગે ગરમીના ઉકળાટમાં યુવા સંમેલન યોજાયું હતુ. તેમને રમઝાનનો પહેલો રોઝો હતો. સભા પછી થાક્યા-પાક્યા સૌ નીકળતા હતા ત્યારે ગામડાનો એક બાળક સિક્યોરિટી કોર્ડન તોડીને કલામ સાહેબ પાસે પહોંચ્યો. તેણે પોતાના ખીસામાંની નોટબુકમાંથી ફાડેલો કોરો કાગળ કાઢીને ડૉ. કલામને આપ્યો. કાગળ સંપૂર્ણ કરચલીઓથી યુક્ત હતો. બાળકે કહ્યું, ‘આપનો ઓટોગ્રાફ આપશો?’ તેની પાસે પેન પણ નહોતી. ડૉ. કલામે કોઈની પેન માંગીને અતિ ધીરજથી દીવાલને ટેકે તેને સહી કરી આપી. સૌના આશ્ચર્ય વચ્ચે બાળકે ફરીથી કાગળનો ડૂચો વાળી પોતાના ખીસામાં મૂકી દીધો. આજુબાજુના સૌ બેચેન બની ગયા. ત્યારે ડૉ. કલામે કહ્યું, “Never disappoint a child, these are his first years on the earth.” (ક્યારેય બાળકને નિરાશ કરશો નહીં, કારણ કે આ દુનિયામાં તેનાં પ્રથમ વર્ષો છે).
આ ઘટના પછી ડૉ. કલામ પોતાની ગાડી તરફ જઈ રહ્યા હતા. સખત ભીડ અને ગરમી હતી. ત્યાં લાકડીને ટેકે એક ૯૨ વર્ષના વૃદ્ધ ઊભા હતા. તેઓ અંગ્રેજી તો શું પણ ઉંમરના કારણે ગુજરાતી પણ માંડમાંડ બોલી શકતા હતા. તેમને જોઈ ભારે ભીડમાંથી ડૉ. કલામે દાદાને નજીક બોલાવ્યા. તેમણે વિનંતી કરી મારા પૌત્રને કલામ સાહેબ સાથે ફોટો પડાવવો છે. તેનો સંકલ્પ પૂરો કરવા ડૉ. કલામે ધીરજ ધારણ કરી. સૌ સાથે ફોટો પડાવ્યો. ફરી વાર આજુબાજુના સૌ બેચેન બની ગયા હતા ત્યારે આ ઘટનાનો ઉલ્લેખ કરીને ડૉ. કલામે કહ્યું, “Never disappoint an old man, these are his last years on the earth.” (ક્યારેય ઘરડાંઓને નિરાશ ન કરશો કારણ કે આ પૃથ્વી ઉપર તેમનાં અંતિમ વર્ષો છે.)
ઘણા યુવાન આઇએએસ કે આઇપીએસ અધિકારીઓ મળે ત્યારે કહે છે, ‘અમારા આદર્શ ડૉ. કલામ છે.’ ડૉ. કલામ વિદ્વાન, બુદ્ધિવાન, લાગણીવાન, ગુણવાન અને સિદ્ધિવાન હતા. આપણે સૌએ જે કોઈ સ્વપ્ન સેવ્યાં છે, તે બધાં જ તેઓ પામી ચૂક્યાં છે. મહાન વિદ્વાન બન્યા, વૈજ્ઞાનિક બન્યા, સંશોધક બન્યા, વડા પ્રધાનના સલાહકાર બન્યા અને પછી રાષ્ટ્રપતિ પણ બન્યા. છેલ્લે સૌથી લોકપ્રિય નેતા પણ બન્યા!
ભારતના સૌથી લાડીલા અને સૌના માન્ય રાષ્ટ્રપતિ એવા ડૉ. કલામે રાષ્ટ્રપતિ બન્યા પછી પણ પોતાની વિકાસયાત્રા તો ચાલુ જ રાખી. સતત વિશ્વના અનેક મહાન લોકોને મળી, અનેક વિદ્વાન ધર્મગુરુઓને મળી અને પછી તેઓ કહે છે, “Pramukh Swamiji is My Ultimate Teacher.” જો આવા મહાન, વિદ્વાન પુરુષને પણ લાગે છે કે પ્રમુખસ્વામી મહારાજ મારા છે અને મારા અને તમારા જેવાને પણ જો અનુભૂતિ થતી હોય કે પ્રમુખસ્વામી મારા જ છે. તો તેમના જીવનમાં એવું કંઈક છે, જે આપણે પ્રાપ્ત કરવાનું છે. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં અનંત ગુણો છે, પરંતુ પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં જો કોઈ એક વિશિષ્ટ ગુણ હોય અથવા તો કોઈ એક વિચાર હોય તો તે છે Love Others (બીજાને ચાહો). અરે! આપણી પાસે તો આપણી જાતને ચાહવાનો, સમજવાનો સમય નથી તો બીજાને ચાહવાની વાત જ કયાં રહી!
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં સૌ કોઈ પોતપોતાના ભેદભાવ ભૂલી - નાત-જાત, ઊંચનીચ, દેશ-પરદેશથી - દેહથી પર થઈ દિવ્ય સુખનો અનુભવ કરે છે. તેમના જીવનમાંથી આ જ શીખવાનું છે, જે તેમનું જીવનસૂત્ર છે: ‘બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે.’ પોતાથી પર થઈ બીજાની સેવામાં ઓતપ્રોત બનીશું તો જ સુખ શાંતિ પામીશું.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS