Essays Archives

 હુતાશનીને દિવસે સવારમાં નિષ્કુળાનંદ મુનિએ બે આંબા વચ્ચે રંગદાર હિંડોળો બાંધ્યો હતો. વડતાલ ગામના મેવાડા સુથાર ભાણાના પિતાએ તે રંગ્યો હતો. તે કરજણ ગામના હતા. કાશીદાસ નામ હતું. નિષ્કુળાનંદમુનિ કહે તે પ્રમાણે થાંભલા, કળશ, ઘુમ્મટ સાથે બનાવ્યો હતો. છજાં, મોતીનાં તોરણ, સોનેરી લીંબુ અને હારથી સુશોભિત કર્યો હતો.
શ્રીહરિ રાજબજારે છડી છત્ર સાથે ચાલતા હતા. હરિભક્ત ન હતા તે લોકો તો એક વાર શ્રીહરિનાં દર્શન કરી ચાલતા થયા. પુર બહાર આવ્યા ત્યારે એટલી બધી ભીડ હતી કે સરોવર અને કૂવામાં પાણી ખૂટવાં આવ્યાં. શ્રીહરિ હિંડોળે બેઠા ત્યારે તો ભીડ ઘટી ગઈ હતી અને હરિભક્ત માત્ર રહ્યા હતા.
બે ઘડી દિવસ રહેતાં સંત ઉત્સવ કરવા લાગ્યા. હરિભક્તો ખાંડના મોટા મોટા હાર લાવવા લાગ્યા. શ્રીહરિ તેમનો ભાવ જોઈ સ્વીકારતા. થાળ ભરીને ગુલાલ લાવે, તે પણ શ્રીહરિ સંત તથા હરિભક્તની સભા તરફ ઉડાડતા. જેથી બધું ગુલાલમય થઈ જતું. શ્રીહરિની મૂર્તિ ગુલાલથી રંજિત થતાં દર્શકજનો તૃપ્ïત થતાં નહીં. મશાલનો સમય થતાં વાળંદ ભક્તોએ મશાલો પ્રગટાવી. સુરત, કાનમ, વાકળ, ચરોતર વગેરે દેશોના વાળંદ ભક્તો શ્રીહરિનો મહિમા સમજીને તે સમયમાં હાજરમાં રહેતા. મશાલ, આરતી, નારાયણ ધૂન, સ્તુતિ નમસ્કાર થઈ રહ્યા પછી શ્રીહરિ વાત કરવા લાગ્યા કે 'આવતી કાલે ફૂલદોલના ઉત્સવનો દિવસ છે. નરનારાયણ દેવનો જન્મ દિવસ છે. તેમને પ્રસન્ïન કરવા લોકમાં અપાર રંગ ઉડાડી ઉત્સવ થાય છે. અમે પણ વર્ષો વર્ષ સંતોની સાથે રંગક્રીડા કરીએ છીએ. નિષ્કામવ્રત જેટલું જેનામાં રહેલું હોય, તેટલો તેનામાં ભગવાનનો વાસ છે. વસંત પણ સદાય ત્યાં રહે છે. યશ અને નીતિ રૂપ, રંગ પણ ત્યાં રહે છે. અમારી આજ્ઞાથી રામદાસભાઈએ રંગ રમવા માટે બે પાકા હોજ બનાવ્યા છે. ઉત્તર-દક્ષિણ લંબાઈના છે. રંગથી એને ભરશે ત્યારે રમવા આવીશું. તેમાં કોઈએ ધીંગામસ્તી કરવી નહીં. વિપરીત રીત અમને ગમતી નથી. સુરીત બનાવવા અમે ચરિત્ર કરીએ છીએ. પૂર્વ બાજુનો હોજ સંતો રાખે. પશ્ચિમનો હોજ હરિભક્તોએ રાખવો. પિચકારી તૈયાર રાખવી. ગયો અવસર ફરી આવે નહીં. અમે કરેલા ઉત્સવોનું જે સ્મરણ કરશે તે મારા ધામને પામશે.' એમ વાત કરી રહ્યા ત્યારે સુરતના વણિક ભાઈચંદભાઈ પૂજા લાવ્યા. જરીનો સુરવાળ, ટોપી વગેરે વસ્ïત્રો તથા નંગજડિત કુંડળ હાર વગેરે આભૂષણ શ્રીહરિને પહેરાવ્યાં. નંગજડિત મખમલની મોજડી તે પગમાં પહેરાવી, કેસર ચંદનથી અર્ચા કરી, કુંકુમનો ચાંદલો ભાલમાં કર્યો, માથે સોનાનો મુગટ ધાર્યો. ધૂપ દીપ કરી રૂપિયાનો થાળ મૂકી કપૂરથી આરતી કરી. શ્રીહરિ ઉત્તર મુખે હિંડોળામાં તકિયા ઉપર બેસી સંત હરિભક્તોને સુખ આપતા હતા.
શ્રીહરિએ માથે મુકુટ ધાર્યો ત્યારે વાજિંત્રો વાગવાં લાગ્યાં અને બંદૂકો ફૂટી, શોભાનો પાર રહ્યો નહીં. ચાર ઘડી મુકુટ ધારણ કરીને સૌને દર્શન આપ્યાં. પછી શ્રીહરિએ સુરતી જરીમય પાઘ ધારણ કરી. નંગજડિત શિરપેચ તથા કલગી પણ ધારણ કરી. મધ્યરાત્રિ સુધી દર્શન દીધાં. પછી પોઢી ગયા. બીજે દિવસે કેસરિયાં વસ્ïત્ર ધારણ કર્યાં. મુખે બુકાની વાળી ધોતિયા ઉપર સૂંથણી પહેરી, એમ નટવર વેશ બનાવીને ચાર ઘડી દિવસ ચઢતાં માણકી ઘોડી ઉપર બેસી કાઠી સવારો અને પાર્ષદો સાથે વાજતે ગાજતે ડંકા નિશાન સાથે સંતો અને હરિભક્તોના અપાર જૂથમાં શ્રીહરિ ચાલ્યા અને રંગ અખાડે, જ્યાં રગંના હોજ ભર્યા હતા ત્યાં હરિભક્તો સૌ ગુલાલ લઈને આવવા લાગ્યા. સુરત, અમદાવાદ અને વડોદરાના ભાવિક ભક્તોએ આખી રાત જાગીને કેસરિયો રંગ બનાવ્યો હતો. ગુલાલનો મોટો ગંજ ખડકાયો હતો. શ્રીહરિ રંગ અને ગુલાલ જોઈ પ્રસન્ïન થયા અને પશ્ચિમ બાજુના હોજે આવી ઊભા. પૂર્વના હોજ ઉપર સંતો ઊભા. પૂર્વના હોજની બાજુ એક મંચ રચ્યો હતો તેના ઉપર રામદાસ સ્વામી અતિ વૃદ્ધ હોવાથી શ્રીહરિની રંગક્રીડા જોવા બેઠા. સંતો-હરિભક્તો પરસ્પર પિચકારી નાખવા રંગ ભરીને તૈયાર થયા. શ્રીહરિએ સાન કરી કે પિચકારીઓ છૂટી. વાજિંત્રો, ઢોલ, ત્રાંસા વગેરે વાગવાં લાગ્યાં. શ્રીહરિ હરિભક્તોને કહે, 'સંતોને રંગથી હરાવી દો. અમો તમારી તરફ છીએ તેથી સહાય કરીશું.'
શ્રીહરિની મરજી દેખીને હરિભક્તોએ સંતો ઉપર પિચકારીઓ છોડી. સંતો પણ તેમના ઉપર નાખવા લાગ્યા. એક પહોર સુધી રંગની ઝડી મચી, 'હોળી હે હોળી' એ શબ્દો સંભળાયા કરતા અને બધે રંગ રંગ દેખાતો. હરિભક્તો એક પિચકારી ભરે તેટલામાં સંતો કેટલીય પિચકારી ભરી લેતા. કાઠી રાજાઓ હરિભક્તો તરફ હતા. તેથી શ્રીહરિને પ્રસન્ïન કરવા ઘોડા ઉપર બેસીને 'સંતો હાર્યા' 'સંતો હાર્યા' એમ પોકાર કરતા અને હરિભક્તોની જીત કહેતા. સંતમાં બ્રહ્મમુનિ અને નિત્યાનંદમુનિએ કાઠી રાજાઓને કહ્યું કે રંગ રમવાનું મૂકી દે, તે હાર્યા એમ ગણવું. અમે તો હરિને જીતીએ તોપણ અમને હારેલા જ માનીએ છીએ. તેમનાથી હારવામાં જીત રહેલી છે. ભક્તોનો તો એવો જ મત હોય. જેટલી જેમાં સાધુતા હોય તેટલા તેમાં ભગવાન વસે છે. ત્યારે અલૈયા ખાચર ચૂપ થયા. શ્રીહરિ કહે કે હવે બધાય પિચકારી બંધ રાખો. અમારે હાર-જીત કરવી નથી. હાર-જીત હોય ત્યાં મન જુદાં પડી જાય. એક મન હોય ત્યાં જ બધા રંગ અને રસ રહે છે. એક મન રાખવા માટે જ અમે સદા વિચરીએ છીએ.' એમ કહીને રંગ રમવાનું બંધ કરાવ્યું અને શ્રીહરિ અશ્વ ઉપરથી ઊતરીને ચોતરે જઈને ઊભા રહ્યા. રંગ અને ગુલાલ બધો ત્યાં મંગાવ્યો. સંત-હરિભક્તોને ચોતરાની ચારે બાજુ બોલાવી ઊભા રાખ્યા. પિચકારીઓ મુકાવી દીધી, પછી પોતે રૂપાના મોટા તાંસળાથી રંગ ભરી ભરીને સંત હરિભક્તો ઉપર નાખવા લાગ્યા. રંગની રેલમછેલ મચી. સૌ પલળી ગયા. રંગ થઈ રહ્યો ત્યારે રૂમાલની ઝોળી ભરીને ગુલાલ ઉડાડ્યો. આનંદમુનિ, નિત્યાનંદમુનિ, મુકુંદાનંદવણી, જયાનંદવણી તથા નાનાભાઈ વિપ્ર ગુલાલની ઝોળી ભરી દેતા. પાંચ ઝોળીઓ હતી તે વારા ફરતી ભરતા, શ્રીહરિ ફેંકતા રહેતા. રંગ અને ગુલાલનો કીચડ થઈ ગયો.
રંગ રમી રહ્યા પછી સ્નાન કરવાને ચાલ્યા. કુબેરદાસ પટેલના કૂવાના થાળામાં જઈને નાહ્યા. નાહીને જરીમય વસ્ïત્ર અને સોનાનાં આભૂષણ પહેરી અશ્વ ઉપર બેઠા. માથે સોનાનું છત્ર શોભતું હતું. વાજતે ગાજતે પુરમાં આવ્યા. મંડપમાં પાટ ઉપર આવીને બેઠા. વડોદરાના તથા અમદાવાદના ભક્તોએ વિવિધ પકવાનની રસોઈ કરાવી હતી. શ્રીહરિને જમાડીને પૂજા કરી. સંતોની પણ પૂજા કરી. પછી સંતોની પંક્તિ કરી. શ્રીહરિએ તેમને પકવાન પીરસ્યાં અને તૃપ્ïત કર્યા. પછી સૂઈ ગયા ત્યારે સેવકોએ સેવા કરી. શ્રીહરિ કહે આજે બહુ રંગ ઉડાડ્યો તેથી થાક લાગ્યો. પાછલે પહોરે ફૂલનો હિંડોળો બનાવ્યો હતો, તેમાં બેઠા. ત્યારે અપરિમિત ભક્તોની સભા થઈ, સહુ પ્રસન્ન મને શ્રીહરિની પૂજા કરવા લાગ્યા. સંતની પણ પૂજા કરી અને પોતાના ભવન પ્રત્યે જવા માટે શ્રીહરિની રજા લીધી. પૂજા થઈ રહ્યા પછી સંતોને શ્રીહરિએ ચરોતર અને ગુજરાતમાં ફરવા મોકલ્યા.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS