Essay Archives

પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ, અધર્મ અંધારું ટાળિયું...
પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના સમકાલીન, તેઓના પરમહંસ-શિષ્ય અને ગુજરાતી ભાષાના મહાન સંતકવિ સ્વામી મુક્તાનંદજીએ ગાયેલી આ પંક્તિ, અઢારમી સદીના ઘોર અંધકારને ઉલેચનાર ભગવાન સ્વામિનારાયણને ઉચિત અંજલિ અર્પે છે. તેઓ પોતાના અન્ય પદમાં કહે છેઃ
સહજાનંદ સ્વામી રે, પોતે પરબ્રહ્મ છે રે,
સ્વામિનારાયણ જેનું નામ રે...
એકાંતિક ધર્મ રે, પ્રગટ કરી આપિયો રે,
કીધા વા’લે બ્રહ્મરૂપ નિજ દાસ,
મુક્તાનંદ કહે છે રે, જાઉં એને વારણે રે,
જેણે મુને આપિયો બેહદ વાસ રે...
આવી એકલદોકલ પંક્તિ નહીં, પરંતુ આવાં હજારો પદો રચીને, 3000થી વધુ સંતશિષ્યો 25-30 વર્ષના ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં જ તેમને પરબ્રહ્મ તરીકે આરાધે છે, અને તેમના અવતારી સ્વરૂપની ગાથા ગાય છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ. ભારતના આધ્યાત્મિક ઇતિહાસનું એક ઝળહળતું તેજસ્વી નામ. સનાતન ધર્મની વૈદિક પરંપરાના પ્રખર જ્યોતિર્ધર. સન 1781માં ત્રીજી એપ્રિલે, અયોધ્યા પાસે છપિયા ગામે ઉચ્ચ સરવરિયા બ્રાહ્મણ કુળમાં તેમનું પ્રાગટ્ય. બાળવયમાં જ તેમણે તીવ્ર બુદ્ધિમત્તા, વિદ્વત્તા અને દિવ્યતાનો અસાધારણ અનુભવ કરાવ્યો. માત્ર 7 વર્ષની ઉંમરે વેદાદિક શાસ્ત્રોનું અધ્યયન કરીને માત્ર 10 વર્ષની ઉંમરે કાશીમાં વિદ્વાનોની સભામાં પોતાનો મૌલિક આધ્યાત્મિક સિદ્ધાંત સ્થાપ્યો. 11 જ વર્ષની કુમળી વયે ગૃહત્યાગ કર્યો. માનસરોવરથી લઈને નેપાળમાં મુક્તિનાથ-પુલહાશ્રમ સુધી ઉત્તુંગ હિમશિખરોમાં કઠોર તપશ્ચર્યા કરી. પૂર્વનાં સુંદરવન જેવાં ઘોર જંગલોથી લઈને છેક કન્યાકુમારી સુધી ખુલ્લા પગે એકાકી વિચરણ કર્યું અને ભારતભરના પરિવ્રાજક બનીને છેલ્લે ગુજરાતમાં પ્રવેશ કર્યો. એ વખતે એમની ઉંમર માત્ર ઓગણીશ વર્ષની હતી અને ત્યારે ઇતિહાસની અઢારમી સદી વળાંક લઈ રહી હતી.
ઇતિહાસકારો જેને ‘The darkest period of history’ કહી વર્ણવે છે એ અઢારમી સદીના ઘોર અંધકારમાં રિબાતા લોકોની દુર્દશાએ, એમના કરુણામય હૃદયને કરુણાથી છલકાવી દીધું હતું.
એક સમયે વિશ્વની તમામ ‘સંસ્કૃતિઓનું પારણું’  બનનાર કે ‘સમગ્ર માનવજાતની જનેતા’  બનીને ‘વિશ્વગુરુ’  તરીકે પ્રતિષ્ઠા પામનાર ભારતવર્ષના 18મી સદીના એ કાળને ઇતિહાસ કેવી રીતે નીરખે છે ?
‘કેમ્બ્રિજ હિસ્ટરી આૅફ ગુજરાત’માં ઇતિહાસવિદ્ એચ. એચ. ડોડવેલ વર્ણવે છેઃ ‘બધાં જ સ્તર પર વ્યાપેલો આવો સખત ત્રાસ ભારતમાં પૂર્વે ક્યારેય ન હતો. દેશી રાજ્યો અવ્યવસ્થિત હતાં. સમાજ વિસર્જનના આરે આવીને ઊભો હતો... બાકી રહ્યા હતા ફક્ત ઘાતકી જુલમ ને કંગાલિયત.’
તત્કાલીન ઈસ્ટ ઇન્ડિયા કંપનીના મુંબઈ પ્રોવિન્સના ગવર્નર સર જ્હોન માલ્કમે એ વખતની અંધાધૂંધી, લોહિયાળ લડાઈઓ અને લૂંટફાટનું વિસ્તૃત બયાન આપ્યું છે. એ વખતની જંગલી લૂંટફાટનું તેમણે આપેલું એક ઉદાહરણઃ આઠ લાખની મિલકતનો નાશ કરીને, કાઠિયાવાડનાં 136 ગામોને લૂંટીને લૂંટારાઓ ચાલીસ હજાર પશુઓને હાંકી ગયા હતા.
શાસકીય દૃષ્ટિકોણથી નિહાળીએ તો મોગલ સલ્તનત ત્યારે અસ્ત પામી ચૂકી હતી. માત્ર વેપારના જ હેતુ સાથે આવેલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ધીમે ધીમે ‘કંપની સરકાર’નું સ્વરૂપ પકડીને સત્તાની જાળ બિછાવવા માંડી હતી. મુસલમાનો, મરાઠાઓ અને રાજપૂતોની પરસ્પરની મૂઠભેડોમાં બ્રિટિશ કંપની સરકાર પોતાનું સામ્રાજ્ય જમાવવાની વધુ ને વધુ તકો ઝડપતી જતી હતી. ગુજરાત-
સૌરાષ્ટ્રમાં મરાઠા હકૂમત અને ગાયકવાડની હકૂમતોના ઝઘડા ચરમ સીમાએ હતા. સત્તાની સાઠમારીમાં સૌરાષ્ટ્રની રસવંતી ધરતી અનેક ટુકડાઓમાં વિભાજિત થઈ ગઈ હતી, સતત ચાલતાં રહેતાં લોહિયાળ યુદ્ધોની રણભૂમિ બની ચૂકી હતી. બે સાંઢિયાઓની લડતમાં ત્રીજાની ઘોર ખોદાય તેમ, સત્તાભૂખ્યાઓની જડ સત્તા-લાલસાનાં યુદ્ધોમાં નિર્દોષ પ્રજા વધુ ને વધુ પિસાતી જતી હતી.
બીજી તરફ, એ કાળે થયેલી ધાર્મિક ક્ષેત્રની દુર્ગતિ પણ ખૂબ હતાશા પ્રેરક હતી. ભોળી, અજ્ઞાની અને વહેમી ભારતીય પ્રજાને દબાવી દબાવીને કેટલાક ધર્મગુરુઓ-
બાવાઓની જમાત પોતાની જંગલિયતને પોષતી હતી. વૈદિક ધર્મના તમામ આદર્શોને વિસારી દઈને મદ્ય, માંસ અને મૈથુનમાં જ એ કહેવાતા ધાર્મિકોનો ધર્મ સમાઈ જતો હતો. એ અરસામાં મહેમદાવાદમાં એક બ્રાહ્મણના ઘરમાંથી જ મહાજને 60 મણ માંસ કઢાવ્યું હતું, જે તેણે પ્રીતિભોજન માટે તૈયાર કરાવ્યું હતું!  આ એક જ દૃષ્ટાંત તત્કાલીન સમાજના અધઃપતનને દર્શાવવા પૂરતું છે.
આવા અંધકારમય યુગમાં ભગવાન સ્વામિનારાયણનું આગમન કેટલું સામયિક, ઉચિત અને એ અંધકારને વિદારનારું બની રહ્યું હતું!

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS