Essay Archives

સજીવ સૃષ્ટિમાં ચોખ્ખી લઘુમતીમાં રહેલો અને તમામ પ્રાણીઓમાં સૌથી નબળું શરીર ધરાવનારો માણસ સમગ્ર પૃથ્વીનો એકહથ્થુ શાસક કેવી રીતે બની ગયો? પોતાનું ભેજું વાપરીને, મગજ કસીને, વિચાર કરીને. આપણા વિચારો જ આપણું અસ્તિત્વ બની ગયાં છે.
વિચારોનું વલોણું ઘૂમતું રહે છે. કેટલું, જાણો છો? કિંગ્સ્ટન, કેનેડાની ક્વીન્સ યુનિવર્સિટીના સંશોધન મુજબ સામાન્ય રીતે એક માણસ દરરોજ ૬૨૦૦ વિચારો કરે છે, એટલે કે દર ૧૪ સેકન્ડે એક નવો વિચાર!  સદ્ભાગ્યે આમાંથી બહુ જ થોડાં માણસોના બહુ જ થોડા વિચારો સાકાર થાય છે, નહિ તો આપણું જીવવું મુશ્કેલ બની જાત. રાવણ અને હિટલર જેવાંના થોડાંક વિચારોએ કેવી તબાહી મચાવી દીધી! એટલે વિચારો કેટલાં આવે છે એ અગત્યનું નથી પણ કેવાં આવે છે એ અગત્યનું છે. એથી પણ વધારે અગત્યનું એ છે કે વિચારો કેવા માણસને આવે છે.
ઇતિહાસ બતાવે છે કે જેણે પહેલેથી જ સારું કરવાનું ઠાની લીધું હોય એવાંના વિચારોથી જ દુનિયાનું ભલું થઈ શક્યું છે. એન્જિનિયરિંગની ડીગ્રી ધરાવનાર આતંકવાદી કરતાં માત્ર છ ગુજરાતી ચોપડી ભણેલ પ્રમુખસ્વામી જેવા સંત વારંવાર પૃથ્વી ઉપર અવતરે એવી લોકો પ્રાર્થના કરે છે, કારણ કે ‘‘બીજાના ભલામાં આપણું ભલું‘‘ જેવા ઉત્તમ વિચારો એમણે કેવળ રજૂ જ કર્યાં નથી, પરંતુ એને મૂર્તિમાન પણ કરી દેખાડ્યાં છે. ચાલો, આ મહામાનવના વિચારોના વૃંદાવનમાં જરા ડોકિયું કરી જોઈએ.
હ્યુસ્ટનમાં પ્રવીણભાઈએ પ્રમુખસ્વામી મહારાજને કહ્યું ‘સંતો આપની ભારે પ્રશંસા કરતાં હોય છે તેમ છતાં આપ અહંશૂન્ય કઈ રીતે રહી શકો છો?‘ સ્વામીશ્રીએ જવાબ આપ્યો ‘ જે કાંઈ થાય છે તે ભગવાનને લીધે છે. આપણે કરીએ તો અહમ્ આવી જાય ને!‘ પ્રવીણભાઈએ આગળ પૂછ્યું ‘આવો વિચાર ક્યારે આવે છે?‘ સ્વામીશ્રીનો જવાબ હતો ‘એ વિચાર ટળતો જ નથી‘ અખંડ ભગવાનનો વિચાર એ એમના લોહીનો લય હતો.
આવા જ એક પ્રશ્નનો આ જ જવાબ આપીને એમણે સામેથી કહેલું ‘ મને કયો વિચાર ક્યારેય નથી આવ્યો એ કહું? મને કોઈનુંય અહિત થાય એવો વિચાર ક્યારેય નથી આવ્યો.‘ અમદાવાદમાં હેતલ નામના યુવકે એવી વાત કરી કે ધર્મમાં ન માનનારા તમામ વિરોધીઓનું ખેદાનમેદાન નીકળી જવું જોઈએ. ત્યારે પ્રમુખસ્વામી મહારાજે એ જ ક્ષણે એના હાથમાં જળ આપીને એની પાસે સોગંધ લેવડાવ્યા કે ફરી ક્યારેય આવો વિચાર કરવો નહીં. લોસ એન્જલસમાં મંદિરની પરવાનગી મેળવવા માટે હીયરીંગ ચાલતું હતું, એમાં કેટલાંક પ્રચંડ વિરોધ કરી રહ્યાં હતાં. આના સંદર્ભમાં કોઈએ સ્વામીશ્રીને પૂછ્યું ‘વિરોધ કરતાં હોય એ અસુરો કહેવાય?‘ જવાબમાં તેઓ કહે ‘સ્વાભાવિક રીતે જ આ ખોટું છે. પણ ભગવાન એ દરેકનું સારું કરે.‘
પ્રમુખસ્વામી મહારાજ પોતાની જાત પ્રત્યે કેવા વિચારો ધરાવતાં અને ભક્તોના પ્રત્યે કેવા વિચારો ધરાવતાં એની સરખામણી અચરજ ઉપજાવે એવી છે. ૧૯૭૯ના જૂનમાં તેઓ સુરત જીલ્લાના મહુવા તાલુકાના દેદવાસણ, ખારપા વિગેરે ગામોમાં વિચરણ કરી રહેલાં. એમને ધોધમાર વરસાદ, ન જેવા રસ્તા, કાદવ-કીચડ, ત્રાસદાયક મચ્છરો, વિગેરે કઠણાઈઓ વેઠતાં જોઈને સાથે રહેલા નારાયણપ્રસાદ સ્વામીએ વિનંતી કરી કે ‘બાપા, વિચરણ રહેવા દઈએ. બહુ તકલીફ પડે છે.‘ આ સાંભળતાં જ સ્વામીશ્રી કઠોર સ્વરમાં બોલ્યા ‘ચાલવામાં ને વરસાદમાં તારો પ્રમુખ કાંઈ ઘસાઈ નહીં જાય (એટલે કે પોતે)‘ એમ બોલતાં હતા એવામાં દલુભાઈ મદારીનું  ઘર આવી ગયું. અંધારા ઝૂંપડામાં રહેતાં આ કંગાલ ભક્તે છેલ્લા એક વર્ષથી તમામ વ્યસનો, હિંસા વિગેરે દુષ્કર્મો છોડી દીધેલાં. એમને જોતાં જ સ્વામીશ્રી બોલી ઉઠ્યા ‘ભલે ગરીબ છે પણ દર્શનથી શાંતિ થાય એવા છે. સત્સંગી થયા, પવિત્ર થયા. આ ઝૂંપડાઓમાં એમની ભક્તિનાં-શાંતિનાં દર્શન થઈ ગયાં.‘ આ હતા એમના ભક્તો વિષેના વિચારો.
પોતાને પીડતાં માન-અપમાનના પ્રશ્નોનું સમાધાન મેળવવા ઘણાં ભાવિકો સ્વામીશ્રી આગળ આવતા. તેમને સ્વામીશ્રી સુખે જીવન જીવવાની ચાવીરૂપ આ વિચાર આપતાં- ‘માન મોટો દુશ્મન છે. તે ટળે એ માટે ‘હું અક્ષર છું, બ્રહ્મ છું‘ -એ વિચાર દ્રઢ કરવો, જેથી માન મળે તો અભિમાન ન આવે. સર્વકર્તા ભગવાન છે એમ માનવું. જેથી અપમાન થાય તો કોઈ પ્રકારનું દુ:ખ ન થાય અને સદા સુખિયા રહેવાય.‘
પ્રમુખસ્વામી મહારાજ પાસે આદર્શ જીવનનો સ્પષ્ટ નકશો હતો એટલે લોકોને શું અને કઈ રીતે આપવું જોઈએ એ અંગે એમના વિચારો બહુ સ્પષ્ટ અને તર્કબદ્ધ રહેતા. ૧૯૯૨માં અમેરિકાના બાલ્ટીમોર શહેરના મેયર કર્ટ સ્મોક સ્વામીશ્રીને મળ્યા. તેઓ કહે ‘અત્યારે હું બાલ્ટીમોરમાંથી નિરક્ષરતા દૂર કરવાના કાર્યક્રમમાં સંકળાયેલો છું.‘ સ્વામીશ્રી કહે ‘કાર્ય સારું છે, પણ સાથે સાથે ધર્મનું અને ભગવાનનું જ્ઞાન આપવું.‘ કર્ટ સ્મોક કહે ‘અઘરું છે.‘ ત્યારે સ્વામીશ્રી આ જ વાત ઉપર ભાર મૂકીને બોલ્યા ‘અઘરું છે પણ જરૂરી છે. વાંચતા શીખશે પણ ખરાબ પુસ્તકો વાંચશે તો શો અર્થ? અંગ્રેજી શીખશે પણ ગાળો બોલતાં શીખશે તો શો અર્થ? વાંચે તો સારું વાંચે. બોલે તો સારું બોલે.‘ ધૂડી નિશાળમાં માત્ર છ ચોપડી ભણેલના શિક્ષણ પ્રત્યેના વિચારો જુઓ !
જેને ભગવાનનો સાક્ષાત્કાર હોય એવા પ્રમુખસ્વામી મહારાજ જેવા સંત પણ વિચારો તો આપણી માફક જ કરે છે, પરંતુ એમના વિચારોના વલોણામાંથી કેવળ કલ્યાણકારી અમૃત જ નિસરે છે.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS