Essays Archives

તમારો જય જયકાર થશે...

એક તરફ વિશ્વ નૈતિકતા અને ચારિત્ર્યના દુકાળથી રિબાય છે, રોજબરોજના પ્રસાર માધ્યમો ભ્રષ્ટાચાર અને કોભાંડોની માથું ફાડી નાંખે એવી બદબૂથી ઊભરાતાં જાય છે. ત્યારે બીજી તરફ હજુ પણ નૈતિકતાની સુવાસ ફેલાવનારાં પુષ્પો મહેંકે છે, ખૂણેખાંચરે એવાં પુષ્પોની મહેક લોકોને પ્રફુલ્લિતતાથી ભરી દે છે.
ગુજરાત રાજ્યની બારમા ધોરણની પરીક્ષાઓનો માહોલ યાદ આવે છે. સામાન્ય રીતે એક ઘણો મોટો વર્ગ એમ માનતો હોય છે કે પરીક્ષામાં ચોરી કરવી એ એમની સફળતાનો મંત્ર છે. પરંતુ અહીં જેની વાત કરવી છે, એ વિશાલ પંડ્યા, શ્રવણ બગથરિયા વગેરે સેંકડો વિદ્યાર્થીઓ કંઈક જુદી આલમના વિદ્યાર્થીઓ છે.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ત્યારે સારંગપુરમાં વિરાજતા હતા. બારમા ધોરણની પરીક્ષાઓ પૂરી થયા બાદ ગોંડલના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ ગુરુકુળના આ બધા વિદ્યાર્થીઓ પ્રમુખસ્વામીજીનાં દર્શને આવ્યા હતા. સ્વામીજીએ ખૂબ રસ લઈને તેમની પરીક્ષા અને પરીક્ષાના માહોલ વિશે જાણ્યું. ખુદ સુપરવાઇઝરો ચોરી કરાવતા હોય અને બે-રોકટોક વિદ્યાર્થીઓ ચોરી કરતા હોય, આવી પરિસ્થિતિમાં મક્કમ મન સાથે આ વિદ્યાર્થીઓ ચોરી કરે નહીં અને કરાવે પણ નહીં! એ જાણીને સ્વામીશ્રી ગળગળા થઈ ગયા હતા. કેવળ મહેનત, પ્રાર્થના તથા ભગવાન અને ગુરુમાં શ્રદ્ધા રાખીને પરીક્ષા આપી રહેલા આ વિદ્યાર્થીઓને સ્વામીશ્રીએ પૂછ્યું હતું : ‘તમારી જોડેના ચોરી કરતા હોય ત્યારે તમે શું કરો ?’
‘અમે સુપરવાઇઝરને જ કહી દઈએ કે આ બધું બંધ કરાવો. અને પ્રામાણિક સુપરવાઇઝરોને તો અમારી તો ખબર જ હોય કે બી.એ.પી.એસ. ગુરુકુળનો વિદ્યાર્થી ચોરી કરે જ નહીં. એટલે અમને જોઈને તરત જ કહે : ‘તું બી.એ.પી.એસ. ગુરુકુળનો જ છે ને ? એટલે તારું ધ્યાન રાખવાની જરૂર જ નહીં.’
આ સાંભળીને પ્રસન્ન થતાં સ્વામીશ્રીએ કહ્યું હતું : ‘તમે આવી દૃઢતા રાખી તો તમારું ભવિષ્ય પણ સારું જ છે. ચોરી નથી કરી, જૂઠું નથી કર્યું, તો આગળની જિંદગીમાં પણ તમને આ અનુભવ કામ લાગશે. તમારું ગૌરવ વધશે. અમે તો બહુ રાજી થયા છીએ. નીતિ ને પ્રામાણિકતા હશે તો જ્યાં જશો ત્યાં ભગવાન તમારો જયજયકાર કરશે.’
એ આશીર્વાદનો લાભ માણનારો એવો એક વિદ્યાર્થી વિપુલ અરવિંદભાઈ પરમાર કહે છે :'સ્વામીશ્રીના એ આશીર્વાદ અમારા ગુરુકુળના વિદ્યાર્થીઓએ ખરેખર અનુભવ્યા છે. અમારી બેચમાંથી અમે 11 વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ મેળવી શક્યા અને બધાની કારકિર્દી તેજસ્વી બની ગઈ ! પ્રમુખસ્વામી મહારાજે ગુરુકુળ દ્વારા આપેલા ઉજ્જવળ સંસ્કાર હતા એટલેઆજે અમારાં સૌનાં માતાપિતાને પણ તેનો અનહદ આનંદ છે, આ આનંદમાં જે સંતોષ છે, સુખ છે, તે મને કે કોઈનેય ચોરી કરીને મળતાં હશે ? મને તો વિશ્વાસ છે, ન જ મળે !

પુણ્ય નાગરિક તૈયાર કરવાની સેવા

નવી પેઢીના સંસ્કારોનું શું થશે ? એવી ચિંતા વ્યક્ત કરનારા અનેક છે, પરંતુ તેનો ઉકેલ વિચારનારા અને તેને સાકાર કરનારા ખૂબ જુજ લોકો છે. એક તરફ નૈતિકતાનો સૂર્ય અસ્ત પામેલો દેખાય છે, ત્યારે બીજી તરફ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતોના પુરુષાર્થથી પવિત્ર સંસ્કારોનો સૂર્ય ઉદય પામતો અનુભવાય છે.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહે છે, "કુમળા છોડને વાળો તેમ વળે. તેમ બાળકોને પવિત્ર સંસ્કાર તરફ વાળો તો વળી જાય, તેને મોટા થયા પછી સંસ્કાર આપવા જાઓ તો અઘરું જ થઈ જાય."
તેઓએ બી.એ.પી.એસ. બાળસંસ્કારપ્રવૃત્તિ દ્વારા લાખો બાળકોને પવિત્ર સંસ્કાર આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
એવા એક બાળકની અહીં વાત કરવી છે. નામ છે, વૈભવ અલ્પેશભાઈ ટાંક.
થોડાં વર્ષ પહેલાંની વાત છે. વૈભવ ત્યારે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં સાન્તાક્લેરા નગરમાં‘પીટર્સન મિડલ સ્કૂલ’માં ભણી રહ્યો હતો. તેને એક પરીક્ષામાં 100% માર્ક્સ મળ્યા. સૌએ અભિનંદન આપ્યાં. પરંતુ પાછળથી પોતાનું ઉત્તરપત્ર વાંચતાં વૈભવને લાગ્યું કે તપાસવામાં ભૂલ થઈ છે. તે તેના શિક્ષિકા મિસ માર્ટિન પાસે ગયો. વૈભવે આ હકીકત બતાવીને કહ્યું કે ‘મારા વધારાના માર્ક્સ કાપી નાંખો.’
કદાચ મિસ માર્ટિનને આવું સાંભળવાનું પહેલી વાર આવ્યું હતું ! તેમણે પૂછ્યું : ‘તેં આ વાત કોઈને ન કરી હોત તો કોઈને ક્યાં ખબર પડવાની હતી ?’
‘પણ, ભગવાનને તો ખબર હોય જ ને !’
‘તને આ બધું કોણે શીખવ્યું છે ?’
‘અમારા મંદિરે અમારા ગુરુ પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી અમારા સંતો આ શીખવે છે.’
‘કોણ છે પ્રમુખસ્વામી મહારાજ ? મારે તેમને અભિનંદન આપવાં છે. ’એમ કહીને એમણે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને સંબોધીને બી.એ.પી.એસ. સંસ્થાને એક પત્ર લખ્યો : "હું વૈભવના ઉચ્ચ મૂલ્યો અને નૈતિકતાથી અત્યંત ગૌરવ અનુભવું છું. સાતમા ધોરણમાં ભણતા આટલા નાના બાળકની પ્રમાણિકતા મને આશ્ચર્ય પમાડે છે. મને જાણવા મળ્યું કે, તે આપના મંદિરમાંથી આવા સંસ્કારો મેળવે છે. હું આપને ખાસ જણાવવા આ પત્ર લખું છું કે શિક્ષકની કોઈ દોરવણી વિના વિદ્યાર્થીએ પ્રામાણિકતા, આદર અને એક જવાબદારી ભર્યા વર્તનની જે પ્રેરક છાપ પાડી છે, તે અદ્વિતીય છે. ખરેખર વૈભવ મારા ક્લાસનો વિદ્યાર્થી છે, તેનું મને અત્યંત ગૌરવ છે."
સન 2004માં ડો. એ.પી.જે. અબ્દુલ કલામે પોતાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને કહ્યું હતું, "આ દેશના વ્યવસ્થિત સંચાલન માટે પુણ્ય નેતા, પુણ્ય અધિકારી અને પુણ્ય નાગરિકની આવશ્યકતા છે. મેં જોયું છે કે આપે લાખો પુણ્ય નાગરિક તૈયાર કર્યા છે, જેમાં નૈતિકતા અને આધ્યાત્મિકતાનો ગુણ પ્રકાશે છે."

પ્રામાણિકતાના જીવંત શિલ્પો

ડો. એ.પી.જે. અબ્દુલ કલામે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને કહ્યું હતું : આપ નૈતિકતાના દુકાળ વચ્ચે વિશ્વમાં અસંખ્ય પૂણ્ય નાગરિકો તૈયાર કરી રહ્યા છો, તે આપનું અદ્વિતીય પ્રદાન છે.
મહાન સંતોની આ જ વિશેષતા છે. સમાજ સેવાનું સૌથી પુણ્યવંતુંકાર્ય હોય તો તે છે પુણ્ય નાગરિક તૈયાર કરવાનું. પુણ્ય નાગરિક એટલે નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોથી છલકાતો હોય એવો નાગરિક.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સર્જેલા અક્ષરધામ જેવા સર્જનો પણ અનેકને પુણ્ય નાગરિક થવાની પ્રેરણા આપે છે. તેઓએ ગુજરાતમાં ગાંધીનગર અને રાજધાની નવી દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામનું સર્જન કર્યું છે તે પ્રતિવર્ષ સમગ્ર વિશ્વના લાખો લોકોને આકર્ષે છે. ભારતીય સંસ્કૃતિનાં સનાતન મૂલ્યો અને આપણી આધ્યાત્મિક પરંપરાનો અદ્‌ભુત સંદેશ લઈને જતા લાખો લોકોને અહીંનું બેનમૂન સ્થાપત્ય પ્રભાવિત કરે છે, અદ્‌ભુત શિલ્પો પ્રભાવિત કરે છે, મ્યુઝિકલ ફાઉન્ટેઈન, ભવ્ય પ્રદર્શનો અને ભારત ઉપવનથી લઈને સ્વામિનારાયણ અક્ષરધામના ખૂણે ખૂણે પથરાયેલી દિવ્ય સૃષ્ટિ સૌનાં હૈયે ભારતીય સંસ્કૃતિના મહિમાની એક અદ્‌ભુત છાપ પ્રગટાવે છે. પરંતુ આ બધાની સાથે લોકો એક વિશેષ સુવાસ લઈને જાય છે, તે છે અક્ષરધામનાં જીવંત શિલ્પોની સુવાસ, એટલે કે અક્ષરધામના 1000 સ્વયંસેવકોની પ્રામાણિકતાની સુવાસ!
સ્વામિનારાયણ અક્ષરધામ સમગ્ર વિશ્વનું એક નજરાણું છે. એટલે અહીં ભારત અને વિશ્વના ખૂણે ખૂણેથી દર્શનાર્થીઓ પધારે છે. અહીં દર્શન કરતાં જ તેઓ ક્યારેક એટલા બધા ગુલતાન થઈ જાય છે કે પોતાની સાથે લાવેલ મૂલ્યવાન જણસ, વોલેટ વગેરે જ્યાં ત્યાં ભૂલી પણ જાય છે. પરંતુ આવાં જાહેર સ્થળો પર આવતા યાત્રિકોને બીજે બધે જે સામાન્ય અનુભવ થતા હોય છે, તેના કરતાં અક્ષરધામમાં તદૃન વિપરીત અનુભવ થાય છે. તેમને કલ્પના ન હોય અને આશા પણ ન હોય કે આવા જાહેર સ્થળે તેમણે ખોઈ નાંખેલી એ રોકડ રકમ કે મૂલ્યવાન ચીજ, તેમને શોધતી શોધતી તેમના ઘરે પાછી આવે ! અને સ્વામિનારાયણ અક્ષરધામના મુદ્રાલેખ સાથે તેમને એ જણસ પાછી મળે છે ત્યારે એમના હૃદયમાં પડેલી અક્ષરધામની અમર છાપ, પ્રામાણિકતાની આ સુવાસને કારણે જન્મોજનમ સુધી ન વિસરાય એવી ગહેરી થઈ જાય છે.
થોડા વખત પહેલાં એક દર્શનાર્થી અહીં પોતાનું વોલેટ ભૂલી ગયા હતા. સાહેબરાજા નામના સ્વયંસેવકના હાથમાં આ વોલેટ આવ્યું. તેણે અંદર જોયું તો 75,000 રૂપિયા હતા ! સાવ સમાન્ય સ્થિતિના આ કર્તવ્યનિષ્ઠ સ્વયંસેવકે મુખ્ય કાર્યકરોને જાણ કરી. અને તાત્કાલિક એના માલિકને શોધવાનાં ચક્રો ગતિમાન થઈ ગયાં. પાકિટમાં રહેલા ફોન નંબરોના આધારે જ્યારે તેમનું વોલેટ હાથોહાથ પાછું મળ્યું ત્યારે તેઓ સ્તબ્ધ બનીને જોઈ રહ્યા. તેમને થયું કે આવું તો સ્વામિનારાયણ અક્ષરધામમાં જ બની શકે.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS