Essays Archives

સંજય પાંડવોની છાવણીએ ગયા. વાતની શરૂઆત તેમણે આ પ્રમાણે કરી

'अजातशत्रुं च वृकोदरं च घनञ्जयं माद्रवतीसुतौ च।
आमन्त्रये वासुदेवं च शौरिं युयुघानं चेकितानं विराटम्‌॥'

'હું અજાતશત્રુ યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુળ, સહદેવ, વસુદેવપુત્ર શ્રીકૃષ્ણ, સાત્યકિ, ચેકિતાન તથા વિરાટને મારી વાત સાંભળવા આમંત્રિત કરું છુ.' (મહાભા. ઉ.પ.૨૫/૨) આમ બધાને વાત સાંભળવાનું કહીને તુરંત પાંડવો તરફ ફર્યા અને સીધી જ પાંડવો સાથે વાત શરૂ કરી. તેમણે કહ્યું

'सर्वैर्घर्मैः समुपेतास्तु पार्थाः संस्थानेन मार्दवेनार्जवेन।
जाताः कुले ह्यनृशंसा वदान्या ह्रीनिषेवाः कर्मणां निश्र्चयज्ञाः॥’

'હે પાર્થો! કુંતીના પુત્રો! આપ સર્વે તો દયા, કોમલસ્વભાવ અને સરળતા વગેરે ગુણોથી, સર્વ ધર્મોથી યુક્ત છો. આપ ઉત્તમ કુળમાં જનમ્યા છો. આપ લોકોમાં ક્રૂરતાનો સર્વથા અભાવ છે. આપ ઉદાર છો. લજ્જાશીલ છો અને કર્મોના પરિણામને સારી રીતે જાણી શકો છો.' (મહાભા. ઉ.પ. ૨૫/૫) 'વળી ભયંકર સૈન્યને એકઠા કરનાર હે પાંડવો! આપ સર્વે તો સાત્ત્વિક છો તે તમારા દ્વારા કોઈ નીચ કર્મ થઈ જ કઈ રીતે શકે, આપનામાં કોઈ દોષ હોય તો તે સફેદ વસ્ત્ર પર કાળા ડાઘની જેમ દેખાયા વગર રહે નહીં. માટે હે પાંડવો! જેમાં સર્વનાશ દેખાઈ રહ્યો છે, જેમાંથી પૂર્ણતઃ પાપનો ઉદય થાય છે, જે નરકનો હેતુ છે, જેમાં જય તથા પરાજય બંને સમાન છે, એવા યુદ્ધ જેવા કઠોર કર્મ માટે કયો સમજુ મનુષ્ય ઉદ્યમ કરે? વળી, હે પાર્થો! જો તમે કૌરવોને મારશો તો તે જ્ઞાતિવધ ગણાશે. અને સંબંધીજનોને મારવા તે સારું માનવામાં નહીં આવે. તમે જીવશો પણ નિંદા સાથે. આવું નિંદિત જીવન તો મૃત્યુ સમાન જ કહેવાય. ભલા તમે તો કુંતીપુત્રો છો, તમે નીચ કુળમાં ઉત્પન્ન બીજા અધમ મનુષ્યની જેમ આવું ઘૃણાસ્પદ કર્મ કઈ રીતે કરી શકો? ન તો આમાં ધર્મની સિદ્ધિ છે કે ન તો અર્થની. માટે હું તો આપ સૌને હાથ જોડીને પ્રાર્થના કરવા આવ્યો છુ. આપ સ્વયં વિચાર કરી જુઓ કે સૌ કુરુવંશીઓનું કલ્યાણ કઈ રીતે થાય?'
આટલું કહી અંતે સંજય શ્રીકૃષ્ણ અને અર્જુનનો નિર્દેશ કરી પોતાના વક્તવ્યનો ઉપસંહાર કરે છે. તેઓ કહે છે કે મને તો વિશ્વાસ છે જ કે  ‘न ह्येवमेवं वचनं वासुदेवो घनञ्जयो वा जातु किञ्चिन्न कुर्यात्‌’
'વસુદેવપુત્ર શ્રીકૃષ્ણ અથવા તો અર્જુન આ બેમાંથી કોઈ મેં પ્રાર્થનાપૂર્વક કરેલી વાતને કોઈ કાળે ઠુકરાવી નહીં દે. એટલું જ નહીં પણ જો પ્રાણ માંગવામાં આવે તો આ અર્જુન તો પોતાના પ્રાણ પણ આપી દે તેવો છે. તો પછી બીજી વસ્તુઓ માટે તો કહેવું જ શુ? ઇત્યાદિ.' (મહાભા. ઉ.પ.૨૫/૬થી૧૫)
આમ સંજયનું ભાષણ પૂરું થયું. યુધિષ્ઠિરે સૌ વતી જે જવાબ આપવાનો હતો તે આપ્યો. શ્રીકૃષ્ણે પણ પોતાના વિચારો સ્પષ્ટ કર્યા અને ધૃતરાષ્ટ્રને જે કહી સંભળાવવાનું હતું તે કહી સંભળાવ્યું. આ વાત થયે દિવસો વીતી ગયા. નિર્ણય તો યુદ્ધનો થયેલો જ હતો. પરંતુ આ શબ્દોની ભયંકરતા ત્યારે સમજાય છે જ્યારે તેની માયાજાળમાં સમરાંગણે સજ્જ થયેલો અર્જુન પોતે જ સપડાઈ ગયો. પ્રથમ અધ્યાયના અર્જુનના શબ્દોને ધ્યાનથી વાંચીશું તો તે શબ્દોમાં ધૃતરાષ્ટ્રે રચેલા શાબ્દિક વ્યૂહ રચનાનાં પરિણામો દેખાશે. સાંભળેલા શબ્દોની અસર અર્જુનની બુદ્ધિ પર થઈ ગઈ. તેના વિચારો ડહોળાઈ ગયા. શંકા-કુશંકાઓએ અંતઃકરણ ઘેરી લીધું. યુદ્ધ માટેનો જુસ્સો અચાનક ઓગળી ગયો. સુખ-ચેન જતું રહ્યું અને કર્તવ્ય ભૂલી, નહીં લડવાની હઠ પકડી તે બેસી ગયો.
જેવો શબ્દ સાંભળે તેવો જીવ થઈ જાય એમ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે. તેનું એક ઉત્તમ ઉદાહરણ અર્જુન બની જાય છે.
એટલે જ ભગવાન શ્રીકૃષ્ણે આ વાસ્તવિકતાને અર્જુન સમક્ષ છતી કરી અને કહ્યું - 'श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्र्चला।'
'હે અર્જુન! જાત-જાતનું સાંભળીને, ન સાંભળવાનું સાંભળીને વિભ્રાંતિમાં પડેલી તારી બુદ્ધિને તું નિશ્ચલ બનાવ. સ્થિર કર. બૌદ્ધિક સ્થિરતા વગર તું યોગી નહીં થઈ શકે.'

श्रुतिविप्रतिपन्ना बुद्धिः - શાસ્ત્રાર્થભ્રાંત બુદ્ધિ

श्रुति શબ્દનો બીજો અર્થ થાય છે - વેદાદિ શાસ્ત્ર. श्रुतिविप्रतिपन्ना बुद्धिः એટલે શાસ્ત્રોના શબ્દોથી વિભ્રાંત થયેલી બુદ્ધિ. આ કેવું આશ્ચર્ય કે શાસ્ત્રો જ બુદ્ધિને ડહોળી નાંખે! હા, વાત ખોટી નથી. પરંતુ તેમાં શાસ્ત્રોનો વાંક નથી. પદ્ધતિનો વાંક છે. વેદાદિ શાસ્ત્રો તો સત્ય, સનાતન ત્રિકાલાબાધિત, અવિનાશી સિદ્ધાંતોનો મહાસાગર છે. આમ છતાં તેને વાંચનાર જો પોતાની મેળે વાંચવા જાય, પોતાની બુદ્ધિ પ્રમાણે જ સમજવા મથે અને કોઈ અનુભવીના શરણે જઈ તે શબ્દોનાં રહસ્યને ન પામે તો શાસ્ત્ર શસ્ત્ર બની જાય. નિર્ણાયક શબ્દો જ તેના માટે સંશાયક બની જાય. અંતઃકરણ વિભ્રાંતિથી વ્યાકુળ થઈ જાય.
અર્જુનની વિભ્રાંતિનું એક કારણ આ પણ છે. તે શબ્દોના રહસ્ય સમજવાની પદ્ધતિ ભૂલ્યો છે. શાસ્ત્રશબ્દોનાં રહસ્યોનું તારણ તે પોતાની રીતે કરવા લાગી ગયો છે. શાસ્ત્રોમાં દર્શાવેલ પુણ્ય-પાપનાં લક્ષણો શ્રીકૃષ્ણને સમજાવવા લાગ્યો છે. તેને ખબર જ નથી પડતી કે તેનો મોહજન્ય અનુરાગ તેને ભોળવી રહ્યો છે. ભટકાવી રહ્યો છે. 'उत्साद्यन्ते जातिघर्माः कुलघर्माश्र्च शाश्वताः' (ગીતા ૧/૪૩), 'उत्सन्नकुलघर्माणां मनुष्याणां जनार्दन। नरकेनियतं वासो भवतीत्यनुशुश्रुमः॥' (ગીતા ૧/૪૪) વગેરે શબ્દોમાં શાસ્ત્રોનાં વાક્યોનો તાત્પર્યાર્થ સમજવામાં તેની બુદ્ધિ ભટકી ગઈ છે તે જણાઈ આવે છે. આવું થાય એને શાસ્ત્રની તંતી નડી એવું કહેવાય. આ તંતીમાં ફસાયેલો શાસ્ત્રમાંથી ન સમજવાનું સમજે. સમજવાનું ન સમજે. અવળું સમજે. આ જ બૌદ્ધિક વિભ્રાંતિ છે. અર્જુન એમાં ફસાયો.
અહીં શ્રીસ્વામિનારાયણ ભગવાનનાં વચનો યાદ આવે છે. તેમણે કહ્યું - 'શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મવાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે.' (વચનામૃત ગઢડા પ્રથમ ૭) અર્જુન ભ્રમી ગયો. 
ભગવાન શ્રીકૃષ્ણ તેને વિભ્રાંત અવસ્થામાંથી બહાર કાઢવા ઇચ્છે છે. શાસ્ત્રની તંતીથી છોડાવવા ઇચ્છે છે. યોગ્ય પદ્ધતિ પ્રમાણે શાસ્ત્રશબ્દોનાં તાત્પર્યને તે સમજતો થાય એ એમને જરૂરી લાગે છે. આ યોગ્ય પદ્ધતિ એટલે અનુભવી અને શ્રોત્રિય ગુરુએ દર્શાવેલ દૃષ્ટિકોણ દ્વારા જ શાસ્ત્રશબ્દોને સમજવા. અર્જુન માટે તો શ્રીકૃષ્ણ પોતે જ ત્યારે ગુરુ હતા. તે સ્વરૂપમાં જ જોડાઈને અર્જુને સમાધિનિષ્ઠ યોગી થવાનું હતું. આથી પાર્થની બુદ્ધિને श्रुतिविप्रतिपन्ना કહીને તેમણે ટકોર પણ કરી છે. ગમે તે વાંચવું નહીં અને ગમે તેમ વાંચવું નહીં એ અહીંનો મર્મ છે.
ખરેખર, નજર સમક્ષ રાખવા જેવો આ ઇતિહાસ છે. શબ્દ અને બુદ્ધિની નિકટતાનો અહીં ખ્યાલ આવે છે. શબ્દો વિચારોને કેટલી હદે પ્રભાવિત કરી શકે તે સહેલાઈથી સમજાઈ જાય છે. બોલનો તોલ કરવાનો ઉપદેશ પ્રાપ્ત થાય છે.
આથી જ પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ ભગવાન શબ્દો સાંભળવા બાબતમાં ચેતવણી આપતાં કહ્યું છે કે, 'આવી ભગવત્સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. અને સદ્‌ગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે, પણ પોતાના બુદ્ધિબળે કરીને સદ્‌ગ્રંથોમાંથી પણ સમજાતી નથી.' (વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ-૧૩)
આમ બૌદ્ધિક નિશ્ચળતાને યોગપ્રાપ્તિની પૂર્વભૂમિકા રૂપે આ શ્લોકમાં ઉપદેશવામાં આવી છે. અસ્તુ. 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS