Essays Archives

ન્યૂયોર્કના પ્રસિદ્ધ ડૉ. સુબ્રમણ્યમે સ્વામીશ્રીના હૃદયનું સફળ ઓપરેશન- હૃદયની બાયપાસ સર્જરી કર્યાને હજુ આઠ દિવસ વીત્યા હતા. સ્વામીશ્રીને હૉસ્પિટલમાંથી ન્યૂયોર્કના હરિભક્ત શ્રી મનુભાઈ પટેલના ઘરે આરામ માટે લાવવામાં આવ્યા હતા. શનિવારનો દિવસ હતો. સાંજનો સમય હતો. બપોરે ત્રણેક વાગે પોઢી ગયેલા સ્વામીશ્રી પાંચેક વાગે જાગ્યા ત્યારે સેવક સંતે પથારીમાં જ તેમને પાણીના કોગળા કરાવ્યા. ઝીણા બલ્બના અજવાળાના સ્વામીશ્રીને કોગળા કરાવતા સેવકની નજર સ્વામીશ્રીના ગાતરીયા પર પડી. તેમને લાગ્યું કે તેના પર પાણી ઢોળાયું છે. તેમણે લાઈટ્‌સ કરીને જોયું તો ગભરાઈ ગયા. કારણ કે સ્વામીશ્રીનું આખું ગાતરીયું લોહી જેવા લાલ પ્રવાહીથી ખરડાઈ ગયું હતું. પથારીમાં પણ ઘણો ખરો ભાગ પલળેલો જણાતો હતો. સેવક સંતે સ્વામીશ્રીનું ગાતરીયું ઊંચું કરીને જોયું તો પેટમાંથી લોહી જેવું પ્રવાહી ધસમસતું બહાર ધસી રહ્યું હતું. સ્વામીશ્રીની સર્જરી કરવામાં આવી ત્યારે છાતીની નીચે પેટમાં બંને બાજુ કાંણા પાડીને બે નળીઓ નાંખવામાં આવી હતી. આ નળીઓ કાઢી લીધા પછી ત્યાં ટાંકા લેવામાં આવ્યા હતા. તેમાં જમણી બાજુના કાંણાના આ ટાંકા ઢીલા થઈગયા હતા અને ત્યાંથી જ આ રક્ત પ્રવાહી બહાર ધસી રહ્યું હતું.
સેવક સંત દોડતાં બહાર આવ્યા. રૂમની બહાર જ ઊભેલા ડૉ. મહેન્દ્રભાઈ પટેલ તથા અંગત સેવામાં રહેલા યોગીચરણ સ્વામીને સમાચાર આપ્યા. તેમણે તપાસ્યું અને તેમને આ હાલત ગંભીર લાગી. સ્વામીશ્રીને શરીરમાં ટેમ્પરેચર પણ હતું. જો કે સ્વામીશ્રીના મુખ પર તેની કોઈ જ અસર નહોતી. તેઓ દોડા દોડી કરતાં ડૉક્ટરને બાળકની જેમ જોઈ રહ્યા હતા. તપાસીને ડૉ. મહેન્દ્રભાઈએ તાત્કાલિક ડૉ. સુબ્રમણ્યમનો ફોન દ્વારા સંપર્ક કર્યો. તેમણે સત્વરે એક્સ-રે લેવા જણાવ્યું. મહેન્દ્રભાઈ ફોન દ્વારા જુદી જુદી એક્સ-રે લેબનો સંપર્ક કરવા લાગ્યા પરંતુ, અમેરિકામાં શનિવાર અને એમાં ય સાંજ, કાંઈ ખૂલ્લું ક્યાંથી મળે ? નજીકની કોઈ લેબ ખુલ્લી નહોતી. ક્યાંક ખુલ્લી હતી તો રેડિયોલોજીસ્ટ કે ટેક્‌નિશીયન તરીકે મહિલા હોય. છેવટે છેક બ્રોંક્સ પાસે એક લેબના ગુજરાતી માલિકનો સંપર્ક થયો. તેમણે તાત્કાલિક લેબ ખોલાવી. ટેક્‌નિશીયન તેમજ રેડિયોલોજીસ્ટ ડૉ. શિરીષ થાનાવાલાને તાત્કાલિક બોલાવ્યા. સ્વામીશ્રીને કપડાં બદલાવી હળવે હળવે મોટરમાં બેસાડ્યા અને અમે ત્યાં જવા નીકળ્યા. સ્વામીશ્રીએ ખાસ ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજને સાથે લીધા હતા.
લગભગ પોણો કલાકનું અંતર કાપી અમે ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો ફરીથી સ્વામીશ્રીના કપડાં એ રક્ત પ્રવાહીથી ખરડાઈ ગયાં હતાં. લેબમાં પહોંચ્યા અને પરંતુ, રેડિયોલોજીસ્ટ આવ્યા નહોતા. લેબના માલિક ખૂબ ભાવિક હતા. તેમણે બધી તૈયારી કરી રાખી હતી. તેમની ઓફિસમાં બેસીને સ્વામીશ્રી તો તેમની સાથે આત્મીયતાથી વાતો કરવા લાગ્યા. જાણે કોઈ જ બીમારી નથી ! થોડીવારે રેડિયોલોજીસ્ટ ડૉ. થાનાવાલા આવી ગયા. સ્વામીશ્રીનાં ફરીથી કપડાં બદલાવીને છાતીના એક્સ-રે લેવામાં આવ્યા.
લેબ ઘણી મોટી હતી. તેમાં અનેક પ્રકારના મેડિકલ ટેસ્ટની અતિ અદ્યતન સુવિધા હતી. એક્સ-રેની ફિલ્મ ધોવાતી હતી એ દરમ્યાન સ્વામીશ્રીને લેબના ભાવિક માલિકે પોતાની આખી લેબમાં પધરામણી કરે, સ્વામીશ્રી લેબના પ્રત્યેક રૂમમાં પધારે અને મશીનોને પાવન કરે તેવી ઇચ્છા સ્વામીશ્રી આગળ વ્યક્ત કરી. તેઓ સ્વામીશ્રીની ગંભીર પરિસ્થિતિથી અજાણ હતા. સેવક સંતો વિચારમાં પડી ગયા. આવી સ્થિતિમાં પધરામણી ? સ્વામીશ્રીની છાતી પર મુકાયેલ લાંબા કાપા પર હજુ ટાંકા રુઝાયા ન હતા, બંને પગમાં લાંબા કાપા ગોઠણ સુધી હજુ એવા જ તાજા હતા, સ્વામીશ્રીને ખભા અને વાંસાનો ભાગ સખત દુઃખતો હતો, પેટના કાણામાંથી પેલા રક્ત પ્રવાહીનું ધીમે ધીમે બહાર વહેવાનું હજુ પણ ચાલુ હતું. અને બાયપાસ સર્જરી કરાવેલા સ્વામીશ્રીને આજે વળી શરીરમાં ટેમ્પરેચર હતું, એવા સંજોગોમાં આ પધરામણીની વાત ચાલતી હતી. એટલામાં એક્સ-રેના રિપોર્ટ્‌સ પણ આવી ગયા કે સ્વામીશ્રીને ફેફસાંની નીચે લગભગ દોઢ લીટર જેટલું રક્ત પ્રવાહી એકત્રિત થયેલું પડ્યું છે. આ પ્રવાહી ઘણી ગંભીર મુશ્કેલી નોતરી શકે તેમ છે. સ્વામીશ્રીને યોગીચરણ સ્વામીએ આ અંગે જાણ કરી. સ્વામીશ્રીએ સ્વસ્થતાથી વિગતો સાંભળી લીધી. તેમના મુખ પર ન કોઈ ચિંતા હતી, ન કોઈ ઉદ્વેગ હતો. પરંતુ આ વાત સાંભળ્યા પછી તરત જ તેમણે પધરામણીની અટકેલી વાતને આગળ ધપાવતાં કહ્યું : 'ચાલો, લેબમાં પધરામણી કરી લઈએ!'
સૌ થોડો સંકોચ અનુભવતા હતા. પરંતુ, સ્વામીશ્રી તૈયાર હતા. અને વ્હિલચેરમાં બેસાડીને સ્વામીશ્રીને એક પછી એક રૂમોમાં લઈ જવામાં આવ્યા. દરેક આધુનિક મશીનની વિગત સ્વામીશ્રીને અપાઈ, સ્વામીશ્રીએ મશીનો પર ઠાકોરજી પધરાવી પ્રસાદીભૂત કર્યાં. છેલ્લે સીટીસ્કેનના રૂમ તરફ જતાં એક સાંકડી ગલીમાંથી વ્હિલચેર માંડ પસાર થાય તેમ હતું. સાથે રહેલા સંતોને એમ લાગ્યું કે ઘણું થયું, હવે અહીં ન જઈએ તો ચાલશે. પરંતુ, સ્વામીશ્રી ત્યાં પણ પધાર્યા જ. ત્યાં પહોંચીને સ્વામીશ્રીએ મશીન પર ઠાકોરજી પધરાવ્યા. ઠાકોરજીનાં પ્રાસાદિક પુષ્પો મશીન પર નાંખ્યાં. મશીન વિશે સ્વામીશ્રીને માહિતી આપવામાં આવી. ત્યારબાદ સૌ પાછા વળવા જતા હતા પરંતુ, સ્વામીશ્રીએ કહ્યું : 'આપણે અહીં ધૂન કરીએ. અહીં જે કોઈ દર્દી આવે તેમને ભગવાન હંમેશાં સાજા કરી દે, સૌને શાંતિ થાય, એ માટે આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીએ!' અમે સૌ દિંગ બની ગયા. જ્યારે તેમના પોતાના સ્વાસ્થ્યની ગંભીર હાલત છે ત્યારે બીજાના સુખ માટે પ્રાર્થના ? આવા સંજોગોમાં કોઈને ય પણ બીજાનો વિચાર પણ કેવી રીતે આવી શકે ?
જેમને તેઓ ઓળખતા નથી, જેમને ક્યારે ય જોયા નથી, જેમને ક્યારે ય જોવાના પણ નથી, એવા કોઈક અજાણ્યા લોકોના ભલા માટે, પોતાની આવી પરિસ્થિતિમાં પ્રાર્થના?! પરમાર્થની આ કેવી ચરમ સીમા! પોતાના દેહનું પણ ભાન ન હોય, એવા દેહાતીત અને ગુણાતીત હોય એનું જ આ દૈવત! અમે સ્તબ્ધ બની વિચારમાં ઊતરી ગયા. ત્યારે સ્વામીશ્રી તો 'સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...'નું રટણ કરતા પ્રાર્થનામાં લીન થઈ ગયા હતા! અમે ય ભીની આંખે એ પ્રાર્થનામાં જોડાઈ ગયા...


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS