શ્રીજીમહારાજના નિશ્ચયમાં તેમને કદી સંશય થતો નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું તેમ મયારામ ભટ્ટને ૠષિપણાના પાશ રહી ગયેલા. પૂર્વ જન્મમાં ૠષિ હશે તેથી બાહ્યાચારનું પાલન જીવ સાથે જડાઈ ગયેલું, પણ શ્રીજીમાં ભાવફેર નહીં. બાહ્ય રીતે ધર્મની લાજ પોતે જાળવતા, પણ શ્રીહરિ વિષે પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો ભાવ રાખતા. શ્રીજીએ શિક્ષાપત્રીમાં સર્વ ગૃહસ્થો વતી તેમનું નામ મોખરે મૂકી તેમની આ નિષ્ઠાની કદર કરી છે.
આમોદના દીનાનાથ ભટ્ટ એ વખતે મહાવિદ્વાન પંડિત તરીકે પંકાતા. ‘શિક્ષાપત્રીમાં તેમનું નામ શ્રીહરિએ ન લખ્યું ને મયારામનું નામ લખ્યું’ – કોઇકની આ ચડવણીથી તેઓ સત્સંગમાંથી પાછા પડી ગયા. ધીરે ધીરે બધાનો અભાવ લેવા લાગ્યા. આથી, તેમની દીકરીને બ્રહ્મરાક્ષસ વળગ્યો, તે કોઈ ઉપાયે જાય નહીં. દીનાનાથને 18,000 શ્લોકનું ભાગવત કંઠસ્થ. વળી, પવિત્ર પણ એવા જ; પણ બ્રહ્મરાક્ષસથી કંટાળી ગયા. બહુ ઉપાય કર્યા. છેવટે થાક્યા-હાર્યા શ્રીહરિ પાસે તેઓ આવ્યા.
મહારાજે વાત જાણી કહ્યું: ‘ભટ્ટ! તમે તો પવિત્ર બ્રાહ્મણ! તમારે ત્યાં ભૂત કેવું?’
દીનાનાથ કહે: ‘મહારાજ! કૃપાસિંધો! બ્રાહ્મણ છું પણ અનાથ છું. દયા કરો.’
મહારાજે કહ્યું: ‘આ મયારામ ભટ્ટને તેડી જાઓ. એ બહુ મોટા છે.’
મયારામ ભટ્ટ આમોદ આવ્યા. સવારે સ્નાન પછી પૂજામાં બેઠા. એમને જોઈને ભૂત રાડો પાડવા લાગ્યું: ‘બળું છું... બળું છું...મારાથી રહેવાતું નથી. હું જાઉં છું. હવે ક્યારેય નહીં આવું.’ એમ કહી ભૂત ગયું.
આ જોઈ દીનાનાથને અતિ આશ્ચર્ય થયું. એમ કે - હું આટલો પવિત્ર ને કેટલી રુદ્રી કરી પણ ભૂત ભયંકર હતું, મારા પાઠ સામે તે પાઠ માંડતું ! ને આ ભટ્ટજીએ તો કશું કર્યું નથી. ફક્ત તેનાં દર્શન થયાં ને ભાગી ગયું!
પંડિત દીનાનાથ ભટ્ટ ભક્ત મયારામ ભટ્ટનાં ચરણોમાં પડી ગયા. વિદ્વત્તાનું અભિમાન એક પવિત્ર હૃદયની ભક્તિ પાસે ગળી ગયું. પછી તો દીનાનાથ ભટ્ટે શ્રીજીમહારાજની સંસ્કૃતમાં સ્તુતિ કરી : ‘ભવસંભવ ભીતિ ભેદનમ્...’
આવા હતા મયારામ ભટ્ટ. નખશિખ ઊજળી પ્રતિભા! એમણે આજીવન નિષ્કામ વ્રત દૃઢપણે પાળ્યું. ટેક જાળવી, નિશ્ચય દૃઢ કર્યો. સૌના બનીને રહ્યા અને શ્રીહરિના મનડાનું મનગમતું મોતી બની ગયા.