એક વાર એક સત્સંગી અંતરના ઉદ્વેગ ટાળવા જૂનાગઢ આવ્યા. સ્વામીને વાત કરી. સ્વામી કહે: ‘મહિનો કથા સાંભળો, બધું ઠીક થઈ જશે.’
અઠવાડિયું રહ્યા ને ત્યાં પંચતીર્થી કરવા તૈયાર થયા, અશાંતિ તો હતી જ. સ્વામી કહે: ‘એમ કરો, પંચતીર્થીની શરૂઆત વંથળીથી કરો ને ત્યાં કલ્યાણભાઈનાં દર્શન-સમાગમ કર્યાં પછી આગળ જજો...’
‘સારું,’ કહી એ હરિભક્ત વંથળી ગયા. કલ્યાણભાઈનો સમાગમ કર્યો. તેની દૃષ્ટિ ખૂલી ગઈ.
કલ્યાણભાઈ કહે: ‘તમે મોટી ભૂલ કરી. જેમનાં ચરણોમાં કોટિ તીર્થ વસે છે, દેવતાઓ જેમનાં નિત્ય દર્શન કરવાં ઝંખે છે તો પણ દર્શન થતાં નથી, સુખ ને શાંતિ જેમનાં ચરણોમાં છે, જેઓ જ્ઞાનનું મૂળ છે, એવા અક્ષરબ્ર્રહ્મનો અવતાર ગુણાતીતાનંદ સ્વામીને મૂકી બીજે શાંતિ શોધવા ક્યાં જશો? આજ શ્રીજીમહારાજ એમના રોમેરોમમાં અખંડ વિરાજે છે. એમનાં દર્શને શ્રીજીમહારાજનાં દર્શન છે, એમનો સમાગમ એટલે સાક્ષાત્ શ્રીજીમહારાજનો સમાગમ છે... વધુ તો શું કહું! પણ જન્મોજન્મની વાસનાના મેરુ એમની એક દૃષ્ટિમાં તૂટીને રજ થઈ જાય છે.
એમનો રાજીપો લઈ લો, ભગત! પાછા વળો... ફરી આવી ભૂલ ના કરતા...’
કલ્યાણભાઈની બળભરી સબીજ વાતોથી એ સત્સંગી તરત પાછા જૂનાગઢ આવ્યા ને એક માસ સુધી સ્વામીનો સમાગમ મહિમાપૂર્વક કર્યો. શાશ્વત શાંતિ મેળવી સુખી થયા!
ગુણાતીતાનંદ સ્વામી હરિભક્તોને તો કલ્યાણભાઈ પાસે મોકલતા પણ સંતોનેય તેમનો સંપર્ક રહે તેવું આયોજન કરતા.
શ્રીજીમહારાજના દીક્ષિત સંત રામદાસ સ્વામી ગઢપુર રહેતા, માંદાની સેવા કરતા. શ્રીહરિ ગઢપુર મંદિર બાંધતા તે વખતે સૌને આજ્ઞા કરેલી કે ‘ઘેલે સ્નાન કરી સૌએ એક એક પથ્થર માથે ઊંચકી લાવવો...’ રામદાસ સ્વામી માંદાની સેવામાં હોવાથી આ આજ્ઞા પાળી શકતા નહીં. તેથી રાત્રે બે વાગે ઘેલે જાય ને પથ્થર લઈ આવે.
એક વાર પથ્થરના પછડાટથી શ્રીહરિ અક્ષર ઓરડીમાં જાગી ગયા. પૂછ્યું: ‘કોણ એ?’
‘એ તો હું રામદાસ.’ એમ કહી પરિસ્થિતિ વર્ણવી. મહારાજ રાજી થયા ને ભેટ્યા, કહ્યું: ‘તમારા પર તો અમે બહુ રાજી છીએ. કંટાળ્યા વગર માંદાની સેવા કરો છો તે પથ્થરની સેવા એમાં આવી ગઈ.’
આ રામદાસ સ્વામી શ્રીહરિના સ્વધામગમન બાદ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી જૂનાગઢ રહેતા. ગુણાતીતાનંદ સ્વામી તેમને જે સેવા ચીંધતા તે કરતા. એક વાર તાકીદનું કામ આવવાથી કલ્યાણભાઈને પત્ર પહોંચાડવા રામદાસ સ્વામીને મોકલ્યા અને કહ્યું : ‘જતાં-આવતાં રસ્તે અખંડ ભજન કરજો.’
તેઓ કલ્યાણભાઈ પાસે પહોંચ્યા. કાગળ આપ્યો. પાછા વળ્યા ત્યાં જૂનાગઢના કાંગરે કાંગરે તેમને મહારાજનાં દર્શન થયાં. આને અનુલક્ષીને સ્વામીએ વાત કરી કે ‘અમે જે જે આજ્ઞા કરીએ તે ભેળી મહારાજની મૂર્તિ આપીએ છીએ, પણ એ બીજાના કળ્યામાં ન આવે...’
કલ્યાણભાઈએ દેહત્યાગ કરવાના સમયે અગાઉથી સૌ સગાં-સંબંધીઓને કહી રાખેલું કે ‘અમુક તિથિએ અમુક સમયે હું ધામમાં જઈશ.’ એ મુજબ જ કર્યું. અંત અવસ્થા વેળાએ શ્રીજીમહારાજ તથા ગુણાતીતાનંદ સ્વામી અને મુક્તોને પ્રત્યક્ષ જોતા હોય તેમ કહ્યું : ‘હવે હું ધામમાં જાઉં છું. મહારાજ ને સ્વામી વિમાન લઈને તેડવા પધાર્યા છે. વાટ જુએ છે. ‘જય સ્વામિનારાયણ.’
ગુણાતીતાનંદ સ્વામીના સ્વધામગમન બાદ બરાબર ચાર વરસ પછી સંવત 1928માં કલ્યાણભાઈ ધામમાં બિરાજી ગયા.
ભક્ત તો ઘણા દીઠા પણ આ વંથળી ગામના કલ્યાણભાઈ કોઈ જુદી જ માટીના હતા. ગામ પવિત્ર થયું. ધન્ય છે કલ્યાણભાઈ તમારા જીવતરને...!
નારિયેળનો દેખાવ આંખને ગમતો નથી, છતાં એ પૂજાપાનું પ્રતિનિધિ છે. એનો સ્પર્શ કર્કશ છે, છતાં એ કોઈને ખૂંચતો નથી, આસ્થાપૂર્વક સૌ એને ભગવાનનાં ચરણોમાં સ્થાન આપે છે. એનું કલેજું-કાચલી કઠણ છે, છતાં લોકો એને નજરમાં ન લેતાં એનું અંતઃસત્ત્વ જળ અને શેષ હોંશે હોંશે ઠાકોરજીને ધરે છે ને પ્રસાદ તરીકે અંગીકાર કરે છે.
વ્યક્તિનું બાહ્યરૂપ એનો પરિચય આપવા માટે પર્યાપ્ત નથી, ઊલટું એને સંપૂર્ણ ઓળખવામાં એ જ અવરોધરૂપ નીવડી શકે છે. વ્યક્તિને, વિભૂતિને ઓળખવા એનાં બાહ્ય આવરણ ખસેડી, કર્કશતા વીંધી, અંતઃસત્ત્વ સુધી પહોંચવું પડે તો જ એમાં રહેલ પરમતત્ત્વને પામી શકાશે.
કલ્યાણભાઈ જેવી મુક્ત વિભૂતિઓનો આ મૌન આંતરનાદ છે, જે આજે પણ વંથળીના રજકણોમાં ગુંજે છે, આવો, એને હૃદય-મનમાં ભરી લઈએ...