બીજે દિવસે મહારાજ ફણેણી ગયા. ત્યાં જેતપુરના આ જનોઈ-ઉત્સવની વાત વિગતે કરી. સૌએ સાંભળી પણ મર્મ કોઈએ પિછાણ્યો નહીં. એક સત્સંગી બાવા હરિદાસનાં પત્ની બાઈઓ ભેગાં બેઠેલાં. તેમણે મહારાજની આ વાત પકડી ને ત્યાં જ વિચાર કર્યો કે ‘આપણું ધન મહારાજ માગે ને તેમના કામમાં ન આવે તો શા કામનું !’
તેઓ ઘેર ગયાં. બારસો કોરીની એક દેગડી જમીનમાં દાટી હતી તે કાઢી લાવી મહારાજ પાસે મૂકી ને કહ્યું : ‘આ ધન આપને અર્પણ. જ્યાં યોગ્ય લાગે ત્યાં વાપરો.’
મહારાજ કહે : ‘પણ, બાવાજીને પૂછીને લાવ્યાં છો ?’
બાઈ કહે : ‘પ્રભુ ! એમને પૂછવાની જરૂર નહીં. એ ના ન પાડે. હાલ તે ઘેર નથી, પણ આ વાત જાણશે ત્યારે બહુ રાજી થશે.’
મહારાજે બારસોમાંથી ફક્ત પાંચસો કોરી જ લીધી ને બાકીની પાછી આપી. બાઈએ પાછી ન લેવા આનાકાની કરી, પણ મહારાજે પરાણે પાછી આપી.
બાવાજી જ્યારે ઘેર આવ્યા ને આ વાત જાણી ત્યારે બોલ્યા : ‘બધી કોરી સેવામાં રાખી હોત તો તો આપણું ધન લેખે લાગી જાત, પણ જેમ પ્રભુની મરજી.’
આખી જિંદગી મુશ્કેલી વેઠીને બારસો કોરીની મરણ-મૂડી ભેળી કરી હતી, તેમ છતાં તેમાં લેશમાત્ર બંધન નહીં !!
મહારાજે તત્કાળ પાંચસો કોરી જેતપુરના વેપારી શેઠને ત્યાં પહોંચતી કરી.
‘જે કોઈ શિરસાટે નિયમ-ધર્મ પાળે છે, આજ્ઞામાં રહે છે, નિષ્ઠા દૃઢ રાખે છે, તેની સહાયમાં ભગવાન અને સંત અહોનિશ રહે છે’ - આ પરમ સત્યનું દર્શન સૌને લાધ્યું. જેની પાસે પૈસા હતા છતાં સેવા ન થઈ શકી તે પસ્તાયા.
જીવા જોષીની એકની એક દીકરી હતી, તેમનું નામ કડવી હતું. તે પણ પિતાના સંસ્કાર લઈ સાસરે ગયેલાં. સાસરિયાં સત્સંગના દ્વેષી, એટલે કડવીબાઈને પજવણી ખૂબ થાય. તેમ છતાં તે બધું સહન કરીને શ્રીહરિનું ભજન કરે. તેમનો પતિ તો અસુર જેવો હતો. રાત્રે પલંગનો એક પાયો કડવીબાઈની છાતી પર મૂકીને સૂતો ! પણ શ્રીહરિએ આ અબળાનું કલેવર વજ્રનું ઘડેલું. તેમણે સત્સંગ, નિયમ-ધર્મ મૂક્યાં નહીં. શ્રીહરિની પ્રાપ્તિના આનંદમાં પરમહંસોનાં કીર્તનો લલકાર્યાં કરે.
એક વાર તો, અભક્ષ્ય ન ખાવાની ટેક સાથે, ચાર-ચાર દિવસ કડવીબાઈને ભૂખ્યું રહેવું પડ્યું. તેમ છતાં, ‘ભલે દેહ પડે પણ ટેક ન મૂકું’ આ નિર્ધાર સાથે તેઓ અખંડ કેફમાં રહેતાં અને વળી ઘરનું નાનું-મોટું બધું જ કામ ખંતથી કરતાં.
પણ ભૂખ્યું શરીર કેટલુંક ખમે ! એક વાર છાણાં વીણતાં તે શ્રીહરિના ભજનમાં મગ્ન બની ગયાં. કરુણાનિધાન શ્રીહરિએ તેમને તત્કાળ દર્શન દીધાં. શ્રીહરિનાં દર્શનથી તેમનું હૈયું હળવું થઈ ગયું.
શ્રીહરિને પણ તેમને હવે સંસારના બંધનમાંથી મુક્ત કરવા હતા અને ભગવાનનું અખંડ ભજન કરાવવું હતું. આથી, તેમના હાથનાં બંગડી-બલોયાંનો ખણકાર સાંભળી શ્રીહરિએ કહ્યું : ‘જેને ભગવાન ભજવા હોય તેને વળી આ તાલ શા કામના ?’
શ્રીહરિની રુચિ સમજી કડવીબાઈએ તત્કાળ બંગડી-બલોયાં ત્યાં જ કાઢીને ફેંકી દીધાં !
શ્રીહરિનાં દર્શન થયાં તે દિવસથી કડવીબાઈએ એવું ભજન આદર્યું કે તેમના પતિએ ક્રોધાવેશમાં દાંત કચકચાવી હાથ જોડ્યા ને કડવીને હલબલાવીને કહ્યું : ‘જા, અભાગણી ! આજથી તું મારી મા-બહેન !’
કડવીએ પણ સામે કહ્યું : ‘તું પણ આજથી મારો ભાઈ-બાપ !’ એમ કહી તત્કાળ સૌભાગ્ય-ચિહ્નો ઉતારી નાખ્યાં. વાળંદને બોલાવી માથું પણ મૂંડાવી દીધું ! કડવી અડવી થઈ ગઈ !!
પતિ તો આ જોઈ આભો જ બની ગયો. તેને એમ કે ‘બોલતાં બોલ્યો પણ આણે તો સાચું કરી બતાવ્યું !’ તે મૂંઝાયો. સગાંને ખબર પડી. બધાં ભેગાં થઈ કડવીબાઈને મારવા આવ્યાં, પરંતુ ગામના સત્સંગી દરબાર ઉન્નડવાળાએ કડવીબાઈનો પક્ષ રાખ્યો ને તેમની રક્ષા કરી.
રાત્રે શ્રીહરિએ કડવીબાઈને દર્શન દીધાં ને કહ્યું : ‘ભાદર નદીમાં કાલે પૂર આવશે, તમે અમને સંભારી તેમાં પડતું મૂકજો. મૂર્તિ દેખાશે તેની પાછળ પાછળ ચાલતાં સામે કાંઠે નીકળી જજો. પૂરનું પાણી તમને કંઈ નહીં કરી શકે. સામે કાંઠે પાર્ષદો રાહ જોતા હશે. તે તમને ગઢડા પહોંચાડી દેશે.’
કડવીબાઈ સવારે પાણી ભરવાને મિષે નદીએ ગયાં ને શ્રીહરિનું સ્મરણ કરતાં નદીનાં વહેતાં પૂરમાં ઝંપલાવ્યું. પૂરમાં તેમને શ્રીહરિની મૂર્તિ દેખાઈ ને તેના સથવારે તરતાં તરતાં તે સામે કાંઠે પહોંચી ગયાં. લોકોએ જાણ્યું કે કડવી પૂરમાં તણાઈ ગઈ ! પણ કડવીબાઈ ગઢડા પહોંચી ગયાં હતાં.
શ્રીહરિએ તેમનું નામ બદલી ‘રામબાઈ’ પાડ્યું. તેઓ જીવુબા તથા રાજબા સાથે રહેતાં. કથાવાર્તા કરી, શ્રીહરિનો મહિમા કહી તેમણે ઘણી બાઈઓને સત્સંગ કરાવ્યો હતો.