Essay Archives

મહંત સ્વામીએ દીક્ષા લીધી અને પાર્ષદ તરીકે હતા ત્યારે યોગીજી મહારાજે તેમને ખૂબ કડક નિયમો આપ્યા હતા. જેમ કે, યોગીજી મહારાજે તેમને આદેશ આપેલો કે કોઈના અવગુણની વાત કરવી નહીં અને સાંભળવી પણ નહીં. તેનું તેમણે આજ સુધી દૃઢતાથી પાલન કર્યું છે.
મહંત સ્વામી પાર્ષદ તરીકે હતા ત્યારે એક વખત એવા સંજોગો આવ્યા કે એમને કોઈકના મુખેથી અભાવ-અવગુણની વાત કંઈક સાંભળવી પડી. સંજોગો જ એવા હતા કે તેઓ ત્યાંથી નીકળી શકે તેમ નહોતા. આ વાત તેમણે યોગીજી મહારાજને કહી તો યોગીજી મહારાજે એમને પ્રાયશ્ચિત્ત રૂપે બે ઉપવાસ કરવાની આજ્ઞા કરી! જેણે અભાવ-અવગુણની વાત કરી હતી એને એક જ ઉપવાસ કરવાનું કહ્યું! આવું કેમ? મહંત સ્વામીએ તેના પર મનન કર્યું કે મેં સાંભળ્યું ત્યારે એ વ્યક્તિએ અભાવ-અવગુણની વાત કરી ને! આથી સાંભળનાર વધુ પ્રાયશ્ચિત્તને પાત્ર છે. એમ યોગીજી મહારાજનો તેમણે ગુણ લીધો.
આમ, જીવનભર તેમણે યોગીજી મહારાજ અને ત્યારપછી પ્રમુખસ્વામી મહારાજને પ્રસન્ન કરવા માટે સતત સાવધાની રાખી છે.
યોગીજી મહારાજે અમને તેમનો મહિમા અનેક વખત કહ્યો હતો. એક વખત તેમણે અમને કહ્યું હતું: ‘શ્રીજીમહારાજના માળાના મણકામાં આવવું હોય તો મહંત સ્વામીની આજ્ઞામાં રહેવું.’ યોગીજી મહારાજે અમને આજ્ઞા કરી હતી કે તમારે મહંત સ્વામીને રોજ દંડવત્ કરવા. ૧૯૬૭માં પ્રમુખસ્વામી મહારાજે મને છ પાનાંનો એક કાગળ લખેલો. તેમાં મહંત સ્વામી મહારાજનો અપરંપાર મહિમા લખ્યો હતો.
મહંત સ્વામીના અનેક સદ્ગુણો છે, તેમાં સૌથી મોટો ગુણ છે - ‘સબગુણ પૂરણ પરમ વિવેકી, ગુણ કો માન ન આવે...’ તેઓ બધા સદ્ગુણોથી યુક્ત છે, પરંતુ એ સદ્ગુણોનું માન ન હોવું તે એથીય મોટી વાત છે. મહંત સ્વામી મહારાજની એવી નિર્માનિતા છે. આ એક બહુ મોટી વાત છે. આટલા બધા માણસો માનતા હોય, આટલું સન્માન મળતું હોય, તોપણ માન ન આવે, એ બહુ જ અઘરી બાબત છે. જેમાં આવું નિર્માનીપણું છે, તેમાં ભગવાન પ્રગટ જ બિરાજે છે. એટલે આ બધાં જ કાર્યો થાય છે.
એમણે કેટલાં શિખરબદ્ધ મંદિર બનાવ્યાં છે! સેંકડો હરિમંદિરોની પ્રાણપ્રતિષ્ઠા કરી છે, સેંકડો યુવાનોને દીક્ષા આપી છે. અબુધાબીમાં મંદિર અને રોબિન્સવિલમાં અક્ષરધામ જેવાં મહાન કાર્યો કર્યાં. પ્રમુખસ્વામી મહારાજનો ભવ્ય શતાબ્દી મહોત્સવ ઊજવ્યો. આવાં તો અનેક કાર્યો કર્યાં, પરંતુ જાણે કંઈ કરતા જ નથી તેવી રીતે!
વળી, આ બધાં કાર્યો પાછળ તેમનો એક આધ્યાત્મિક સંદેશ કાયમ જોડાયેલો રહે છે. અક્ષરધામના ઉદ્ઘાટન પ્રસંગે મહંત સ્વામી મહારાજે કહ્યું હતુંઃ બહાર તો અક્ષરધામ બની ગયું, હવે અંદર અક્ષરધામ બનાવવાનું છે. અંદર અક્ષરધામ બનાવવું એટલે શું? આપણે હૃદય શુદ્ધ કરવાનું છે. ઘર સાફ કરનારા નીકળશે. મોટર સાફ કરનારા નીકળશે. હોજરી સાફ નીકળશે. પણ હૃદય એટલે કે અંતઃકરણ સાફ કરનારું બીજું કોઈ તંત્ર શોધાયું છે? એ જેમનું હૃદય શુદ્ધ છે એવા મહાન ગુણાતીત ગુરુના માર્ગે ચાલીને આપણે જ એ કરવું પડશે. એવા ગુણાતીત ગુરુ મહંત સ્વામી મહારાજ છે. અનેક ક્ષેત્રના મહાનુભાવો, કેટલાક ભગવાનમાં નહીં માનનારા લોકો પણ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને માને છે. એ કયું તત્ત્વ છે? એ છે એમનું શુદ્ધ હૃદય. શુદ્ધ હૃદય હશે તો કાયમ શાંતિ-સુખ અનુભવાશે. એમને રાજી કરવાથી આપણું હૃદય એવું શુદ્ધ થાય છે.
બીજું, મહંત સ્વામી મહારાજનું કાયમી સૂત્ર યાદ રાખવા જેવું છેઃ No complain (કોઈ ફરિયાદ નહીં); No excuse (કોઈ બહાનું નહીં); No expectations (કોઈ અપેક્ષાઓ નહીં); અને No comparison (કોઈ સરખામણી નહીં.)”
આ ચાર સૂત્રો પરિવારમાં, સત્સંગમાં અને સમુદાયમાં જાળવીશું તો આપણો સંપ આપણે બરાબર રાખી શકીશું. આવા આધ્યાત્મિક સિદ્ધાંતો સાથે, તમે જ્યાં નોકરી કરો છો, ત્યાં વ્યવસ્થિત નોકરી કરો. તમે વિદ્યાર્થી છો તો વ્યવસ્થિત ભણો અને વ્યવસ્થિત પરીક્ષા આપો. એવી રીતે તમે જે પણ પદ-અધિકાર પર હો ત્યાં તમારું પ્રત્યેક કાર્ય, સત્સંગ અને નિયમધર્મ સાથે ભક્તિ પ્રામાણિકપણે કરશો તો મહંત સ્વામી મહારાજને યથાર્થ ઓળખી શકાશે અને રાજી કરી શકાશે. મહંત સ્વામી મહારાજની જન્મજયંતીનો આ સંદેશ છે.

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS