Essay Archives

કહેવાયું છે કે માણસ કેટલો સુસંસ્કૃત છે એની કસોટી એ અંધારામાં શું કરે છે એના ઉપરથી થાય છે. અંધકારના ઓથે માણસને જાનવર કે રાક્ષસ બની જવામાં સહેજે ય શરમ આવતી નથી. ચોરી, ખૂનામરકી કે વ્યભિચાર જેવાં પાપો અંધકારના ઓથે જ આચરવામાં આવતાં હોય છે.
પરંતુ, ભલે આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ હશે, પણ મહાપુરુષોએ અંધકારને પ્રકાશમય કરી જાણ્યો  છે. ભગવાન શ્રીરામચંદ્ર અંધારી રાતોમાં વેશપલટો કરીને નગરચર્યા કરતા, જેનાથી રામરાજ્યનો પાયો નંખાયો. રાજા વિક્રમાદિત્યે પણ આ જ રીત અપનાવેલી. મહાભારતના ભીષણ યુદ્ધ દરમ્યાન દરરોજ રાતે રાજા યુધિષ્ઠિર વેશપલટો કરીને ક્યાંક નીકળી પડતા. તપાસ કરતાં ખબર પડી કે તેઓ પાંડવો અને કૌરવો- બંને પક્ષના ઘાયલ કે મૃત સૈનિકોની સંભાળ લેતા અને અંતિમવિધિ કરાવતા. એમને પૂછ્યું કે આ માટે અંધકારનો ઓળો ઓઢીને કેમ નીકળો છો ? તો એ કહે કે જો હું આમ ન કરું તો કૌરવ સૈનિકો મારી સેવા ન લે અને હું વંચિત રહી જઉં- એટલા માટે! અંધકારમાં ભરાયેલું એમનું એક એક પગલું પ્રકાશ તરફ ગતિ કરતું હતું.
ખુલ્લી કિતાબ જેવું જાહેર જીવન જીવનારા પ્રમુખસ્વામીની એકપણ ક્ષણ અંધકારમય નહોતી, પરંતુ ભૌતિક અંધકારનો ઉપયોગ કેવી રીતે કરવો એ તેઓ બરાબર જાણતા હતા. ૧૯૮૦ની સાલમાં ડોક્ટર સ્વામી અને નરેન્દ્રપ્રસાદ સ્વામી પ્રમુખસ્વામી સાથે ચર્ચા કરવા ગઢડા આવ્યા હતા. પ્રમુખસ્વામી એક રજાઈ ઉપર બેઠા હતા એટલે આ બે સંતોએ નીચે જ પોતાનું સ્થાન લીધું. એવામાં લાઈટ ગઈ અને અંધકાર છવાઈ ગયો. થોડીવારમાં લાઈટ પાછી આવી ત્યારે આ બે સંતોએ શું જોયું? એ બંને રજાઈ ઉપર બેઠેલા અને પ્રમુખસ્વામી સાવ નીચે ભોંય ઉપર હતા. કારણકે અંધકારનો લાભ લઈને પ્રમુખસ્વામીએ પોતાના માટેનું આસન આ બે સંતો તરફ સરકાવી  દીધેલું. પ્રમુખસ્વામીએ અંધકારની ઓથ લઇને સેવકધર્મ બજાવી લીધો હતો.
અંધકારના ઓથે પ્રમુખસ્વામી હંમેશા એક કાર્ય કરતાં રહેલાં- તે એ કે સંસ્થા દ્વારા ચાલતી અનેક સમાજસેવાની પ્રવૃત્તિઓમાં માર્ગદર્શન આપવું. રાતના આરામનો સમય થાય અને પ્રમુખસ્વામીની રૂમમાં અંધકાર છવાય એ પછી તેઓ ટેલીફોન હાથમાં લેતા. કચ્છના પ્રલયકારી ભૂકંપ પછીનું રાહતકાર્ય હોય કે દિલ્હી અક્ષરધામ જેવા મોટા પ્રકલ્પમાં માર્ગદર્શનની જરૂર હોય એ માટે તેઓ અંધકારનો ઉપયોગ કરી લેતા. અરે કેટલીક વાર તો જેમના ઉપર તેમનો ફોન જાય એ હરિભક્તને કલ્પના પણ નહોતી આવતી કે અત્યારે પ્રમુખસ્વામીને ડોક્ટરોની સૂચના પ્રમાણે ફરજિયાત પથારીમાં સૂવાડી દેવામાં આવ્યા છે ખરા, પણ તેઓ સૂતા નથી, તેઓ તો મારા જેવા  અદનામાં અદના માનવીની સેવા કરી રહ્યા છે.
એક વખત અનિર્દેશ સ્વામીએ સભામાં સુંદર પ્રવચન કર્યું. જો કે પ્રેક્ષકો તરફથી એને મોળો પ્રતિસાદ સાંપડયો કારણકે કદાચ એ બધાની સમજશક્તિ કરતાં ઉપર હતું. પણ સભામાં બેઠેલા પ્રમુખસ્વામીએ એની બરાબર નોંધ લીધી હતી. એમને આ અંગે વાત કરવી હતી પરંતુ દિવસની ભારે વ્યસ્તતામાં એમને સમય જ મળ્યો નહીં. રાતે તેમને સૂવાડ્યા અને રૂમમાં અંધકાર છવાઈ ગયો ત્યારે તેમણે અનિર્દેશ સ્વામીને બોલાવ્યા. અનિર્દેશ સ્વામી રૂમમાં દાખલ થયા ત્યારે કાળા ડિબાંગ અંધારામાં એમને કશું દેખાયું નહીં. પણ એવામાં પ્રમુખસ્વામીનો મીઠો સ્વર સંભળાયો,‘ અહીં આવો, હું અહીંયા છું. સાચવીને ચાલજો. અથડાઈ પડતા નહિ.‘ એ  સંત અંદાજ લગાવીને જ્યારે પ્રમુખસ્વામી પાસે પહોંચ્યા અને નમ્રભાવે પૂછ્યું,‘સ્વામી આપને મારુ કંઇ કામ હતું?‘ ત્યારે પ્રમુખસ્વામી મધુર હાસ્ય સાથે બોલ્યા કે, ‘ના, માત્ર એટલું જ કહેવું હતું કે આજે તમે ખૂબ સુંદર પ્રવચન કર્યું. દિવસે તમને અભિનંદન આપવાના બાકી રહી ગયેલા, તે અત્યારે લ્યો.‘ કહેતાં તો પ્રમુખસ્વામીનો અભય હસ્ત એમના મસ્તકે આશીર્વાદની વર્ષા વહાવી રહ્યો. ત્યારે અંધકાર પણ વિચારી રહ્યો હશે કે મારું આવું કદર, પ્રેમ અને આશિષનું સ્વરૂપ ઘડી આપનાર પુરુષ કોઈ અસાધારણ વ્યક્તિ છે.
૧૯૮૭ની સાલમાં પ્રમુખસ્વામી હિમાલયના ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. ઉત્તરકાશીમાં એક આશ્રમમાં બધા ઠંડીમાં ઠુંઠવાતાં ગોદડાંઓમાં ભરાયા હતા. સ્વાભાવિક રીતે પ્રમુખસ્વામીના ઉતારાની રૂમમાં પણ અંધકાર છવાયેલો હતો. અડધી રાતે સેવક સંત અચાનક જાગી ગયા તો એમને પ્રમુખસ્વામીની પથારી પાસેથી કંઈક અવાજ આવતો હતો એમ લાગ્યું. એમણે નજીક જઈને જોયું તો પ્રમુખસ્વામી સૂતાં નહોતા પરંતુ પથારીમાં બેઠાં બેઠાં અતિ ધીમા સ્વરે ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ‘ ધૂન કરતા હતા. એમણે સ્વામી પાછા સૂઈ જાય એ માટે કલાકેક સુધી રાહ જોઈ, પણ ધૂન અટકી નહીં. અંતે એમણે પ્રમુખસ્વામીને પૂછી જ લીધું,‘ આટલી મોડી રાતે આટલા લાંબા સમયથી આપ શા માટે ધૂન કરો છો?‘ ત્યારે પ્રમુખસ્વામીએ કહ્યું કે,‘ એવું મન થાય છે કે બસ ભજન કરતાં જ રહીએ.‘ ત્યારે અંધકારે પણ પિછાણ્યું કે ‘યા નિશા સર્વભૂતાનામ્‘- એ ગીતાકથનનું મૂર્તિમાન સ્વરૂપ અહીંયા બિરાજે છે.
આવા રાતોની રાતો જાગીને ધૂન કરવાના પ્રસંગો તો સેવક સંતોને વારેવારે જોવા મળતા. જેમ કે ૧૯૯૦ની સાલમાં પ્રમુખસ્વામી લંડનમાં હતા ત્યારે પણ આ જ રીતે કેટલાય દિવસો લગી રાત માથે લઈને ગુજરાતમાં પ્રવર્તતા દુષ્કાળમાં રાહત માટે એમણે પ્રાર્થના કરી હતી. અરે, દુષ્કાળ પીડિતો પણ આ સમયે પોતાના માટે પણ કાંઈ નહીં કરતાં હોય.
પ્રમુખસ્વામી જેવા મહાન સંતો કાળા અંધકારને પ્રાર્થના, પ્રેમ, મહિમા, સેવા, ભક્તિ જેવા સદગુણોનો અંચળો ઓઢાડીને ઉજળો કરી મૂકે છે.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS