Essays Archives

યોગીજી મહારાજે એકવાર મુંબઈમાં વાત કરી હતીઃ 'મુંબઈમાં સાત સુખ છે. સરસ હવા, મચ્છર નહિ, સારી રાખરખાવટ, સમયસર થાળ, કથાવાર્તાનો અખાડો, સંતોને સારું ભણવાનું અને સુહૃદભાવ. આમાં સાતમું સર્વોપરી. તેમાં છએ આવી જાય.'
વાત સાચી છે. સુહૃદભાવ ન હોય તો એક જણ કહેશે, 'બારી બંધ કરો.' બીજો કહેશે, 'ના, ખુલ્લી રાખો.' આમાંથી ઝઘડો થાય અને સરસ હવા પણ બગડી જાય. વારાવાળા સંતો બધા જ રસોઈમાં આવી જાય તો થાળ સમયસર થઈ જાય...
એટલે જ યોગીગીતામાં યોગીબાપા કહે છે : 'સુહૃદપણું એટલે એકબીજાની ક્રિયા સંપથી કરી લેવી. સેવા એકબીજાની કરી લેવી.'
પ્રમુખસ્વામી મહારાજ લંડનમાં એકવાર બોલેલા : 'દરેકનો મહિમા સમજાય તો સંપ, સુહૃદભાવ અને એકતાની વાતો કરવી ન પડે.'
યોગીબાપા તુલસીદાસની સાખી વારંવાર બોલતાઃ
'તુલસી જયા કે મુખન સે, ભૂલે નીકસે રામ;
તાકે પગકી પહેનિયાં, મેરે તનકી ચામ.'
ભગતજીની જેમ બધાને બ્રહ્મની મૂર્તિ સમજે તો સહેજે સુહૃદભાવ રહે.
શ્રીજીમહારાજના સંતો સહૃદયી હતા. નિત્યાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે, 'તમે ધામમાં જવાની ઉતાવળ કરતા નહિ. તમારા બદલે હું વહેલો ધામમાં જઈશ. તમારા માટેનાં લાકડાં મારે કામ લાગશે.'
બ્રહ્માનંદ સ્વામીનો આવરદા આવી રહેલો. ત્યારે મહારાજની આજ્ઞાથી બધા સત્સંગીઓએ પોતાની સાત સાત દિવસની આવરદા બ્રહ્માનંદ સ્વામીને આપી.
કરસન બાંભણિયાએ દુષ્કાળમાં જૂનાગઢ મંદિરમાં ઘરેણાંનો દાબડો સંતો માટે દાણા લાવવા મહિમાથી આપી દીધો.
યોગીજી મહારાજ તા. ૨૪-૪-૫૯ના રોજ વાઘોડિયામાં બોલેલા : 'મને સત્સંગમાં પચાસ વર્ષ થયાં પણ થાથા થાબડા જેવાનો કે કોઈ વિરોધીનોય અભાવ આવ્યો નથી.'
યોગીબાપા યુવકોને દંડવત્‌ કરતા! (આફ્રિકાવાળા) મગનભાઈ હરિભક્તોને જોઈ ગાંડાઘેલા થઈ જતા. તેમને દંડવત્‌ કરતા, ભેટતા.
યોગીજી મહારાજ મંદિરેથી બીજે જવા વિદાય લે ત્યારે સર્વેને ભેગા કરી હંમેશાં સંપ, સુહૃદભાવ અને એકતાનું ભાતું બંધાવતા.
પ્રમુખસ્વામી મહારાજ ઘણી વખત કહે છે - 'જેમ પાઘડીમાં માથું અને માથામાં પાઘડી' તેમ સંતો-હરિભક્તોએ અરસપરસ એકબીજાનો મહિમા સમજવો. આથી, સ્વામીશ્રીનો જીવનમંત્ર 'પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ' પણ ચરિતાર્થ થઈ શકે. વળી, અરસપરસ મદદની ભાવનાથી પણ આ જીવનમંત્રની પુષ્ટિ થાય છે.
ગુણાતીતાનંદ સ્વામી માંદાની સેવા કરતા. ઝીણાભાઈએ કમળશી વાંઝાની સેવા કરી.
મહારાજનાં દર્શને એક સંઘ આવતો હતો. રસ્તામાં એક બાળકને કાંટો વાગ્યો, તેનાથી ચલાય તેમ ન હતું. સંઘ તો મહારાજનાં દર્શનની ઉતાવળે આગળ ચાલ્યો. પણ માવા ભગત રોકાઈ ગયા. તેઓ બાળકને ઉપાડીને ચાલ્યા. વહેલા પહોંચેલા સંઘે મહારાજને કહ્યું : 'મહારાજ, આ વડનગરનો સંઘ આવ્યો.' મહારાજે કંઈ ધ્યાન આપ્યું નહીં. પછી જ્યારે માવા ભગત બાળકને લઈને આવ્યા ત્યારે મહારાજ કહે : 'હવે સંઘ આવ્યો.' આવી સંઘનિષ્ઠા વગર તો ટોળું કહેવાય, સંઘ ન કહેવાય.
ધરમપુરને માર્ગે દેવાનંદ સ્વામી માંદા થયા ત્યારે ધરમપુરનાં સ્વાગત-દર્શનનો લોભ છોડી ગુણાતીતાનંદ સ્વામી તેમની સેવામાં રોકાયા.
એકવાર એક સંતથી ઘી ઢોળાઈ ગયું. સંત ગભરાઈ ગયેલા કે નિર્ગુણ સ્વામી વઢશે. યોગીબાપાએ તે ભૂલ પોતાને માથે લઈ લીધી.
યોગીબાપા અને દાજીબાપુ વાસણ ઊટકવા માટે 'હું ઊટકું... હું ઊટકું' એમ ખેંચતાણ કરતા!
લંડનમાં (૧૯૮૫) સાડા ત્રણસો સ્વયંસેવકો સુવર્ણતુલામાં ન આવ્યા. તેમણે સ્વામિનારાયણ નગર સાચવ્યું અને બીજાને સુવર્ણતુલાનાં દર્શનનો લાભ લેવા દીધો. 'બીજાના આનંદમાં આપણો આનંદ' આ સૂત્ર સ્વયંસેવકોમાં ચરિતાર્થ થતું જોઈ સ્વામીશ્રી તેમના ઉપર ઘણા રાજી થઈ ગયેલા.
સ્વામીશ્રીએ અટલાદરામાં વસંતપંચમીના સમૈયે રાત્રે મોડેથી આવેલા હરિભક્તોને પોતાનું આસન સૂવા આપી દીધેલું.
૧૯૬૮માં યોગીજી મહારાજ સાથે પ્રમુખસ્વામી અને સંતોનો સંઘ બનારસથી અયોધ્યા જવાનો હતો. સંતો ભાતું તૈયાર કરતા હતા. પૂરી વણનાર સંતો ઓછા હતા. પ્રમુખસ્વામી જાતે પૂરી વણવા બેસી ગયા.
કોઈને સાજે-માંદે મદદરૂપ થવાથી સુહૃદભાવ વધે છે.
કલકત્તાના રાજેન્દ્રભાઈ અજમેરાને શિકાગોમાં આૅપરેશન હતું. તેમને લોહીની જરૂર હતી. પૂજ્ય સ્વામીશ્રીએ શિકાગો, ટેલિફોનથી હરિભક્તોને આ જણાવ્યું. હરિભક્તો બસ ભરીને લોહી આપવા હૉસ્પિટલ ગયા. રાજેન્દ્રભાઈના બિનસત્સંગી સગાંઓ તો સત્સંગીઓની આ સહૃદયી ભાવના જોઈ આશ્ચર્ય પામી ગયા.
અમેરિકાના મહેન્દ્રભાઈએ જરૂરિયાતવાળા એક સત્સંગી કુટુંબને છ મહિના સુધી પોતાને ઘેર રાખ્યા હતા.
સંતો-હરિભક્તો એકબીજાનો વ્યક્તિગત સંપર્ક રાખે તો આ જીવનમંત્રની પુષ્ટિ થાય.
યોગીબાપાએ ૧૯૭૦માં પૂજ્ય શ્રીહરિ સ્વામીના પત્રમાં લખેલું : 'મને દસ હજાર હરિભક્તોનાં સરનામાં યાદ છે.' ઘણાં વખત પછી મળતા હરિભક્તોને સ્વામીશ્રી નામ દઈને બોલાવે ત્યારે તેને આનંદ આનંદ થઈ જાય. સૌહાર્દનો સેતુ બંધાઈ જાય. ઘણાં વખતથી કથાવાર્તાથી જે ન થાય તે આનાથી થઈ જાય! સ્વામીશ્રીએ કોઈને પ્રેમથી જમાડ્યા હોય તેનાથી સુહૃદભાવ વધે છે.
કોઈ હરિભક્ત આવે તો ચચાણાના મેરુભા હળ છોડીને તેમની સાથે વાતો કરતા. કોઈ મંદિરે ન આવે તો તેને ઘેર જવું. ટેલિફોનથી ખબર પૂછવી. સારા-માઠા પ્રસંગે સંપર્ક બગડતો નથી પણ સુધરે છે. આપણો સત્સંગ આ રીતે જ વિકસ્યો છે અને આત્મીયતા સભર બન્યો છે. મંદિરમાં પણ એકબીજાંની ઓળખાણ રાખવી. સ્વામીશ્રીની પધરામણીઓ, વ્યક્તિગત દર્શન-સ્પર્શન, સમૈયા ઉત્સવો પણ આ ભ્રાતૃભાવ અને સૌહાર્દતાના પોષક બની રહે છે.
આ જીવનમંત્રની સિદ્ધિ માટે બધાએ એકબીજા સાથે મનમેળ રાખવો. કોઈનો અભાવ કે અવગુણ લેવો નહિ. વાણીનો સંયમ અને સહનશક્તિ રાખવી. સીતા જેવી સમજણ કેળવવી.
કંઈક ભૂલ હોય તો જવાબદારને જ જણાવવી. બધે ગાયા ન કરવું. બધાનાં ગુણ વિચારવા. આપણામાંય અવગુણ છે છતાં સ્વામીશ્રી આપણને નભાવે છે તેમ તેનેય નભાવશે એમ વિચારીએ તો સુહૃદયી થવાય.
યોગીબાપા તા. ૧-૯-૬૧ના રોજ આ મુદ્દાની સ્પષ્ટતારૂપે બોલેલા : 'આપણે ધારીએ તો આખા મુંબઈને રંગી નાંખીએ પણ તેમાં સંપ, સુહૃદભાવ અને એકતા આ ત્રણ મુદ્દા જોઈએ. જુઓ ઘરમાં કંઈ ભૂલ થઈ હોય તો ફજેતી ન કરીએ પણ ઘરમેળે પતાવી લઈએ. બિલાડી પોતાનાં બચ્ચાંને પકડે અને શિકારને પકડે તેમાં કેટલો ફેર છે!'
વળી, તા. ૧૨-૫-૧૯૭૦ના રોજ નૈરોબીમાં બોલેલાઃ 'બધા સંપ રાખે. એકબીજાનો મહિમા સમજે. એકબીજાને દંડવત્‌ કરે. સુહૃદભાવ રાખે તો સત્સંગ વધશે. તો અમે અહીં આવ્યા તો કામનું.'
પૂજ્ય સ્વામીશ્રી અનિવાર્ય સંજોગોને લઈને બીજાને ત્યાં પધરામણીએ જાય અને આપણે ત્યાં ન આવી શક્યા હોય તો ખોટું લાગવું ન જોઈએ. 'ભલે તે હરિભક્તે લાભ લીધો.' એમ માની પૂજ્ય સ્વામીશ્રીમાં સદાય દિવ્યભાવ રહે તો સુહૃદપણું રહે.
વળી, આ જીવનમંત્રની પુષ્ટિ માટે અમેરિકાના પ્રમુખ કેનેડીએ પોતાના પ્રજાજનોને કહેલું વાક્ય મહત્ત્વનું છેઃ 'Ask not what your country can do for you, but ask what you can do for your country.' - દેશ તમારા માટે શું કરશે એમ નહિ પણ તમે દેશ માટે શું કરી છૂટશો તે પૂછો.' આને મમત્વ કહેવાય.
અમેરિકાની 'ડેલ્ટા' નામની વિમાની કંપની ખોટમાં જતી હતી છતાં તેમણે તેમના કર્મચારીઓનો પગાર વધાર્યો. આ હકીકત જાણી કર્મચારીઓને એટલો બધો પ્રેમ આવી ગયો કે તેમણે ફાળો કરી એક મોટું વિમાન કંપનીને ભેટ આપ્યું.
લંડનમાં આપણા શિખરબદ્ધ મંદિર માટે જમીન ખરીદવા બૅંકમાંથી ભારે વ્યાજે લોન લેવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થયેલી. હરિભક્તોને લાગ્યું કે 'સંસ્થાને વ્યાજ ભરવું પડે તે ઠીક નહિ.' જેમની પાસે સગવડ હતી તેમણે વગર વ્યાજે મંદિરને લોન આપી. વળી, કેટલાકે જમીન, મકાન, દુકાન, મોટર અનામત રાખેલી રકમ આપી દીધી. પૂજ્ય સ્વામીશ્રીએ ઘણાની લોન સેવામાં પલટી દીધી. છતાં તેમને તેનો આનંદ જ થાય! કોઈકે તો લોન ઉપરાંત પણ સેવા આપી! અમેરિકામાં પણ આવું થયેલું. સંસ્થા મારી છે તેમ મનાયું હોય તો જ આમ થાય. 'સંસ્થાવાળા બરાબર નથી' એમ બોલીને વાણીથી પણ સંસ્થાથી જુદું પડવું નહિ. કારણ કે આપણે પણ સંસ્થાનું જ અંગ છીએ ને!
પૂજ્ય સ્વામીશ્રીના દેશ કે વિદેશનાં મંદિરોમાં રોકાણ દરમ્યાન હરિભક્તો રસોઈ આપવાથી માંડી, રસોઈ બનાવવી, વાસણ ઊટકવાં, પગરખાં સાચવવાં, પાર્કિંગની સેવા, મંદિરની સાફસૂફી, સલામતી વગેરે વગેરે સેવાઓ મહિમા અને મમત્વપૂર્વક કરતા હોય છે. સ્વયંસેવકો હરિભક્તોની મોટરો તથા પગરખાં પણ સાફ કરી દેતા હોય છે. આ સેવાઓમાં કોઈ અણસમજુ કે દુરાગ્રહી ગમે તેમ બોલી જાય તોય સુહૃદયતાથી ખમી લેતા. સ્વયંસેવકોને જોઈએ ત્યારે તેમના જીવનમાં યોગીબાપાનો જીવનમંત્ર ગુંજતો દેખાય છે.
આવા હરિભક્તોને ઘેર હરિભક્ત મહેમાન થઈને જાય તો સગાંવહાલાં કરતાંય અધિક સાચવે છે.
યોગીગીતાનો એક મુદ્દો મહત્ત્વનો છે કે 'કટ વળી જવું - પોતાનો એકડો સાચો રાખવો નહિ.' આમ વર્તીએ તો આપણી આધ્યાત્મિક પ્રગતિમાં પૂજ્ય સ્વામીશ્રીનો સમય ઓછો બગડે. સુહૃદભાવ કેળવાય.
આપણી સંસ્થામાં મહારાજ સ્વામી અને પ્રગટ ગુરુહરિને રાજી કરવા અને તેમનો જ મહિમા કેમ પ્રવર્તે તે જ એક તાન સર્વે હરિભક્તોને છે. એટલે માન, મોટપ કે સંસ્થામાં ખુરશીની મહત્ત્વાકાંક્ષા કોઈને નથી. ચૂંટણીનું દૂષણ સંસ્થામાં છે જ નહિ. યોગીબાપા કહેતા : 'કાર્ય કરે તે બધાય પ્રમુખ.' બીજે તો હોદ્દા માટે પડાપડી હોય છે. આપણી સંસ્થામાં તો કોઈ હોદ્દા લેવા રાજી જ નહિ! બીજાને જ આગળ કરવાની બધાની ભાવના.
ગુણાતીત દ્વિશતાબ્દીએ સંતોની સેવાની કદરરૂપે પૂજ્ય સ્વામીશ્રીએ સંતોનું સન્માન કરવા વિચાર્યું. સંતોએ તે વાત જ ઉડાડી દીધી! સંતોની આવી ભાવના જોઈ પૂજ્ય સ્વામીશ્રી ગદ્‌ગદિત થઈ ગયા.
વિશ્વવ્યાપી બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાની સર્વતોમુખી રચનાત્મક પ્રવૃત્તિ અને સંતો-હરિભક્તોની આધ્યાત્મિક પ્રગતિનું રહસ્ય છે યોગીજી મહારાજનો આ જીવનમંત્ર-સંપ, સુહૃદભાવ અને એકતા.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS