Essays Archives

કોઈને અણસાર પણ નહોતો કે સૂરજસિંહ આમ આટલા બધા બદલાઈ જશે. બધાએ બહુ સમજાવ્યા, પણ સૂરજસિંહ નમતું જોખતા ન હતા.
'સૂરજ ! ભૂલી ગયો, તે દી આપણે સમશાનમાં ટેક લીધી'તી ઈ ?'
'હા, ભૂલી ગયો. હવે તમે બધા પણ એ બધું ભૂલી જાવ.....'
'એમ કાંઈ ભુલાતી હશે ?! તો તો તે દા'ડે રાજેન્દ્રસિંહનું ખૂન થયું ત્યારે જ ચિતા ભેગા આપણેય બળી મર્યા હોત તો શું ખોટું હતું ! રાજપૂતનો દીકરો છો કે વાણિયાનો ?'
'પણ....'
'શું પણ બણ.... હગા ભાયના ખૂનનો બદલો લીધા વન્યા મોઢામાં પાણીનું ટીપું ગરે ઈય ઝેર જેવું લાગવું જોવે હમજયો ?'
સાગરીતોની ધારદાર - ઝાટકાદાર દલીલો સૂરજસિંહના ક્ષત્રિયત્વને જાણે ડામ દઈ રહી હતી. પલભર તો થઈ ગયું કે ના, એમની વાતેય ખરી છે ને !
સૂરજસિંહ મિત્રોની વાતે વિચારે ચઢી ગયા... હજુ ભાઈના મૃત્યુનો ધા રુઝાયો ન હતો. એ દિવસનું દૃશ્ય સૂરજસિંહની આંખોમાં ઘૂંટાવા લાગ્યું.... રાજેન્દ્રસિંહ ! દેવના દીકરા જેવો પોતાનો ભાઈ ! બીચારો..... વગર નોતરે પરધામ સિધાવી ગયો.... એ દા'ડે ભાઈના મૃતદેહ પાસે આંસુભીની આંખે, ધ્રૂજતા હાથે પ્રતિજ્ઞા લીધી હતી કે આ ખૂનનો બદલો લીધા વિના ઘરમાં પાછો નહિ ફરું..... પે'લો સામતનો વારો, બીજો માવજી. ત્રીજો ઓઘડ... અને ચોથો... આ બધાની લાશ નહીં ભાળું ત્યાં લગણ....'
એ દિવસનાં દૃશ્યો અને સંકલ્પોની હારમાળા સૂરજસિંહના માનસપટ પર સરકવા લાગી તેમ તેમ આંખોમાં ખુન્નસ ભરાવા લાગ્યું. ફરીથી સૂરજસિંહની હથેળીમાં ચળ આવવા લાગી ને હાથ સળવળવા લાગ્યા.... પણ.... સૂરજસિંહને લાગ્યું કે કોઈક એને રોકી રહ્યું છે.... નજર સામે ભગવાધારી સાધુનો ચહેરો તરવરી રહ્યો હતો.... પ્રમુખસ્વામી મહારાજનું હસતું મુખારવિંદ નજર સામેથી ખસતું ન હતું, જાણે એમના હાથ દાબીને કહેતું હતું : 'ના ના બાપુ ! રે'વા દ્યો... આપણે ઈ નથી જ કરવું...'
સૂરજસિંહ સજાગ થઈ ગયા. અંતરના કોઈક ખૂણેથી અવાજ સંભળાતો હતો... 'ભાઈના અગ્નિદાહ વખતે સ્વામીએ ફોન ઉપર આણ દીધી છે ઈ ભૂલી ગ્યો સૂરજ ?!' એક તરફ ભાઈના ખૂનથી ડંખતું દિલ અને સાગરીતોનો ડાયરો... અને બીજી તરફ સ્વામીનો નિર્દોષ નિઃસ્વાર્થ વાત્સલ્યસભર ચહેરો... એમનું વચન....
પલભર વિચારોના ઝંઝાવાતમાં ખોવાઈ જઈને સૂરજસિંહ પાછા મક્કમ બની ગયા.
સામે, ખૂનનો બદલો ખૂનથી જ લેવા માટે લોહી તરસ્યો બનેલો ડાયરો, વેરની આગ શમાવવા દેશી શરાબની એક પછી એક બાટલી ખાલી કર્યે જતો હતો. સૂરજસિંહના આ સાગરિતોએ નિર્ધાર કર્યો હતો કે આજે એને મનાવ્યે પાર ! પણ સૂરજસિંહ એકના બે થતા ન હતા.
સૂરજસિંહનો એક જ જવાબ હતો : 'હવે આ હાથે રિવૉલ્વરનો ઘોડો નહીં દબાય ! બીજી વાત કરો. મારા ગુરુએ હાથ બાંધી દીધા છે.....'
છેવટે સૌને લાગ્યું કે એ કોઈ વાતે નહીં માને.
સૂરજસિંહ ! મૂળ રાજનગરનો ક્ષત્રિય બચ્ચો. ઊંચો પડછંદ બાંધો. પહોળું ડિલ. ક્ષાત્રતેજથી ઝગારા મારતું ભરાવદાર મોઢું. ખુન્નસ ભરેલી આંખો અને વંશપરંપરાગત લોહીમાં ઊતરેલી ક્ષત્રિયતા.
સૂરજસિંહના સાગરીતોય એવા પરાક્રમે પૂરા. માંસ અને મદિરાની મિજબાનીમાં દિવસ-રાત ટહેલનારા. દુનિયામાં 'પાપ' તરીકે ઓળખાતાં કૃત્યોમાંથી ભાગ્યે જ કોઈક કૃત્ય બાકી રાખ્યું હશે.
આ બધાને એક વાતનું આશ્ચર્ય સમાતું નહોતું : 'સૂરજસિંહ આટલા બધા બદલાઈ ગયા કઈ રીતે ?!' હજુ થોડા ગાળા પહેલાં જ બધી વાતે પૂરા એ દરબાર, આમ એકાએક શરાબ છોડી દે, માંસ ખાવાનું બંધ કરી દે.... એ બધી કાંઈ રીત કહેવાય ? સૂરજસિં_હનું દારૂમાંસ વગરનું જીવન બધાને ખટકતું હતું.
એક દિવસ એ બધાએ નક્કી કર્યું કે એકવાર તો સૂરજસિંહને દારૂ-માંસ લેવડાવવાં જ. નક્કી થયા મુજબ ખાસ મિજબાની ગોઠવાઈ. સૂરજસિંહને એમાં ખાસ નોતરું હતું. સમોવડિયા સાગરીતો જમા થયા હતા. બીડી-સિગારેટની ફરતી થાળીની અહીં કોઈને પડી નહોતી. અહીં તો શરાબની સંગતે ઝૂમવાનું હતું.
સમય થયો એટલું રાંધેલું માંસ અને મદિરાની પ્યાલીઓ આવવા લાગી. સૌની સાથે સાથે સૂરજસિંહને પણ દારૂ-માંસ પીરસવામાં આવ્યાં. 'હર... હર...' કરતાં બધાએ મદિરાની પ્યાલી મોઢે માંડી. માત્ર સૂરજસિંહ એમ ને એમ બેસી રહ્યા. મિત્રોની નજરમાં એ ખટકી રહ્યું હતું. સૌએ ઊભા થઈને વારાફરતી આગ્રહ શરૂ કર્યો.
દરબારે કહ્યું : 'આ મોઢે દારૂ નહીં પિવાય. હવે હું પ્રમુખસ્વામીનો સત્સંગી થયો છું. હવે આ પિવાય તો નહીં, પણ અડાયે ય નહીં !
'હવે સત્સંગીવાળી..... લે લે.... મારા ગળાના સોગન...' સમ દઈને આગ્રહ કરતા મિત્રોનું જોર વધી રહ્યું હતું. આ તો વટનો સવાલ હતો. સૂરજસિંહ આ છેડે તો મિત્રો સામા છેડે. બંને મક્કમ હતા. છેવટે મિત્રોએ છેલ્લી પાટલીનો આગ્રહ કર્યો, ત્યારે સૂરજસિંહે નમતું જોખ્યું : 'એક શરત ! આજે હું તમારું વેણ રાખીને દારૂ-માંસ લઉં, પણ જો તમે કાયમ માટે એ છોડી દેવાની પ્રતિજ્ઞા કરતા હો તો ! બોલો મંજૂર છે ?' સૂરજસિંહે વળતો ઘા કર્યો.
શરત આકરી હતી. પલભર તો સન્નાટો થવાઈ ગયો, પણ પછી 'વટ'માં સૌ મંજૂર થઈ ગયા.
અને સૂરજસિંહે મદિરાની આચમની લીધી. એક તરફ અંતરમાં પ્રતિજ્ઞાભંગ કર્યાનો ખેદ હતો, પણ બીજી તરફ મિત્રોને નિવ્યસની બનાવવાની તક મળી એનો આનંદ હતો. 'ગુરુવચન' લોપવા બદલ પ્રાયશ્ચિત્ત કરવાના સંકલ્પ સાથે સૂરજસિંહે દિવસે મિત્રોનું છેલ્લું વેણ રાખ્યું.
મિત્રોને આના પરિણામની ખબર ન હતી.
એક દિવસ મિત્રોની એ મંડળીના કેટલાકને આગ્રહ કરીને સૂરજસિંહ પ્રમુખસ્વામી મહારાજની પાવક સન્નિધિમાં ખેંચી લાવ્યા. બાપા! આ બધા મારા સાગરીતો. એમને વ્યસનો છોડાવવાનાં છે...'
મિત્રોને તેમની ધારણા કરતાં પ્રમુખસ્વામીની પ્રતિભા કંઈક નિરાળી લાગી. સ્વામીશ્રીની સ્નેહસભર છત્રછાયામાં એ સૌને લાગ્યું કે સૂરજની જેમ, તેમનાંય પાપોનો હિમાલય પીગળી રહ્યો છે અને એમાંથી પ્રશ્ચાત્તાપની ગંગા વહી રહી છે... સ્વામીશ્રી આગળ હાથ જોડીને બેઠેલી એ મડંળીમાં હિમંતજી ભુવો પણ હતો. સૂરજસિંહનો દોસ્ત. કંઈ કેટલાંય બકરાં સસલાં વધેરીને કાળી ચૌદશે ગામના સ્મશાનમાં જઈને લોહીનો પ્યાલો પીવાની ટેક રાખનાર એ ભુવો પણ અહીં પીગળી ગયો. જન્મોજન્મનાં પાપ પ્રજાળતી સ્વામીશ્રીની તેજસ્વી આંખો સાથે પોતાની આંખો મિલાવવાની હિંમત એનામાં રહી નહોતી. ધરતીઢાળું મોં કરી એ એટલું જ બોલી શક્યો : 'હા બાપા ! આ સૂરજસિંહ સાચું કહે છે. આત્યાર સુધી ઘણું ખોટું કર્યું છે... લોકોને બહુ હેરાન કર્યા છે.... છેતર્યા છે..... હવે આપ ઉગારો.....'
સ્વામીશ્રીનો કરુણાસભર હાથ એમના ખભા પર ફરી રહ્યો હતો. સ્વામીશ્રીએ ક્હ્યું : 'જુઓ ! તમે બાવાજી કહેવાઓ. આપણે તો નાતે નાત કહેવાઈએ. આપણે તો લોકોનું સારું થાય એ જ કરવાનું. પશુઓ ઉપર દયા રાખવી. કાળી ચૌદશ તો એની મેળે ઉજવાશે. પશુઓને મારીને લોહી પીવાની કોઈ જરૂર ખરી ? કોઈનેય મારવાનો અધિકાર આપણો નથી. દેવી તો મા કહેવાય. પોતાના બાળકને કોઈ મારે એમાં રાજી થતી હશે ? ન જ થાય. કોઈને મારીને આપણે જીવવું નથી. આપણે તો બધાંનું રક્ષણ કરવાનું હોય. અત્યાર સુધી જે થયું તે માફ થઈ જશે, પણ હવે આજથી આ બધું મૂકી દો. બીજાને છેતરીને, દુઃખી કરીને લાખોપતિ થઈએ તોય સુખી નહીં થવાય. ઉદ્યમ કરવો. ભગવાન આપશે જ.. તેમ ઘણાના દાણા જોયા, શું તેથી તમે કરોડપતિ થયા ? ભજન કરશો તો બધું ભગવાન આપશે. જુઓ, અમે ભજન કરીએ છીએ અને સાચા ભાવથી બધાનું સારું ઇચ્છીએ છીએ, તો ભગવાન અમને બધું કરી આપે છે કે નહીં...! માટે તમેય બધું મૂકી દો...
સ્વામીશ્રીની અસ્ખલિત અનરાધાર હેતવર્ષાએ સૌનાં હૃદય ભરી દીધાં. એક એકને સંબોધીને, સ્વામીશ્રીએ સૌનાં મન પકડીને એવી વાતો કરી કે સૌ ઘાયલ થઈ ગયા. ઊભા થયા ત્યારે જીવનભર શુદ્ધ આચાર-વિચારની પ્રતિજ્ઞા અને ગળામાં તુલસીની બેવડી કંઠી સાથે ઊભા થયા. વરસોથી જે કુટેવોએ નસેનસમાં અડ્ડો જમાવ્યો હતો એનું ઉત્સર્જન ક્યારે થઈ ગયું એની ખબર જ પડી નહીં !
સૂરજસિંહ આ જોઈને હરખાતા હતા.
થોડા દિવસો પછી બીજા કેટલાક સાગરીતોની મંડળીને સ્વામીશ્રીનાં ચરણે લાવીને મૂકી દીધા. થોડા વખત પહેલાં જ થયેલા પોતાના ભાઈ રાજેન્દ્રસિંહના ખૂનનો બદલો લેવા માટે આ સાગરીતો તલસી રહ્યા હતા. સૂરજસિંહે સૌનો પરિચય આપતાં કહ્યું : 'બાપા ! આ બધા મારા દોસ્તો, ભાઈના ખૂનથી ખૂબ આકળા થયા છે. કઈ રીતે બદલો લેવો એની વેતરણ કરે છે, પણ કારી ફાવતી નથી. એની ચિંતામાં ને ચિતામાં દિવસ-રાત દારૂની બાટલીઓ ખાલી કર્યા કરે છે. આપ કહો, જે કહેવું હોય તે...'
સ્વામીશ્રીએ સૌની આંખોમાં આંખો પરોવી અને પળભર સૌમાં રોમાંચ વ્યાપી ગયો. સ્વામીશ્રીએ સાહજિક ગંભીરતાથી વાત ઉપાડી : 'જુઓ ! ભાઈ ગયો એનું દુઃખ થાય એ સ્વાભાવિક છે, પણ આપણે ગમે તેટલું વેર લઈશું તોય ગયેલો ભાઈ પાછો આવવાનો નથી એ નક્કી વાત છે. વેરથી વેર શમતું નથી. બદલો આપનારા ભગવાન બેઠા છે. એમ માનીને વૃત્તિ પાછી વાળવી. બદલાની વાત વિચારવી જ નહીં એમાં ઉગ્રતા વધારે થાય. 'રામ ઝરૂખે બૈઠ કે સબકા....' ભગવાન બધો ન્યાય કરશે. અને દારૂ તો મૂકી જ દો. એનાથી ટૅન્શન ઓછું થાય નહીં ને નકામું શરીર બગડે. આપણે તો પેલાની વૃત્તિ સારી થાય એ જ પ્રાર્થના કરવી.'
સ્વામીશ્રીની કરુણામયી વાક્‌ધારા એ સૌનાં અંતરમાં પડેલા ડંખ પર ઔષધિનું કાર્ય કરી રહી હતી અને રૂઝવી રહી હતી. સૌને લાગ્યું કે આજે અંતર કાંઈક જુદા ધબકારે ધબકે છે. એ નિર્વૌરી ઓલિયા સાધુની પવિત્ર છત્રછાયામાં સૌને પેલા આશ્ચર્યનો-સવાલનો જવાબ મળી રહ્યો હતો કે 'સૂરજસિંહ કેમ બદલાઈ ગયા !' લાગ્યું કે હૃદયમાં ભભૂકતા વેર-અગ્નિથી લપકતી જ્વાળાઓ - જે જન્મોજન્મ સુધી ભડકતી રહેવાની હતી - એના પર શીતળ અમીવર્ષા થઈ રહી છે અને અનેકને ખેદાનમેદાન કરી નાંખનારો એ દાવાનળ ધીમે ધીમે હોલવાઈ રહ્યો છે... સ્વામીશ્રીના કોમળ સ્પર્શે એ વજ્ર જેવાં હૈયાંઓને પીગળાવી દીધાં... સૌએ જમણા હાથમાં અંજલિ ભરીને નવજીવનની પ્રતિજ્ઞા લીધી.... વ્યસનો મૂક્યાં... કંઠી પહેરી...
મિત્રોના આ પરિવર્તનને એકીટશે જોઈ રહેલા સૂરજસિંહની આંખોમાં પણ ભીનાશ હતી.
બધાને વિદાય કર્યા પછી સૂરજસિંહે સ્વામીશ્રીનાં ચરણોમાં માથું નાંખ્યું : બાપા ! મને ય માફ કરો... મેં તો નક્કી જ કર્યું હતું કે રાજેન્દ્રનો અગ્નિસંસ્કાર કર્યા પછી પાછા ફરવું જ નથી.... જો આપનો ફોન ન આવ્યો હોત, તો એ જ દિવસે મેં બે-ચારને પાડી જ દીધા હોત.... પણ....'
સ્વામીશ્રી દરબારના અંતરમાં ઊંડે ઊંડે રહેલા દર્દને પારખતા હતા. ભૂલેચૂકેય સુષુપ્ત ક્રોધાગ્નિ ભડકી ન ઊઠે અને ખૂનનો બદલો લેવાનો આવેગ સવાર ન થઈ જાય એની સતત ખેવના કરતાં સ્વામીશ્રીએ કહ્યું : 'દરબાર ! હજુ પણ નક્કી કરો કે આપણે વેર લેવું જ નથી. મારનાર એની મેળે દુઃખી થશે. આપણે ભગવાન પર છોડી દો....'
સ્વામીશ્રીનાં આ વચનોને અમૃતની જેમ પી રહેલા સૂરજસિંહ મનને હજુ વધુ મક્કમ બનાવવા પ્રયત્નો કરી રહ્યા હતા. સ્વામીશ્રીએ પૂછ્યું : કેમ દરબાર ! હવે કાંઈ કહેવું છે ?
'હા બાપા ! એક પ્રાયશ્ચિત્ત કરવું છે... જાણતાં જાણતાં એક પાપ કર્યું છે....'
'શાનું પાપ ? આપણે તો બધું મૂકી દીધું છે !'
'ના બાપા, એક વખત આ બધા સાગરીતોના આગ્રહથી એમને માંસ-મદિરા મુકાવવા આ મોઢે મેંય માંસ-મદિરા અડાડયાં'તાં... શિક્ષા કરો.... દંડ આપો આ સેવકને... મેં આપનું વચન લોપ્યું છે... પ્રાયશ્ચિત્ત આપો...' સૂરજસિંહ એક શ્વાસે બોલી રહ્યા હતા.
દરબાર, પોતે જાણી જોઈને કરેલા અભક્ષ્ય આહારના પાપનો, ગુરુવચન લોપ્યાનો પશ્ચાત્તાપ કરી રહ્યા હતા. ત્યારે સ્વામીશ્રી કરુણાભર્યા નયને મંદ મંદ હસી રહ્યા હતા.
દરબાર માથું ઊંચું કરે એ પહેલાં સ્વામીશ્રીનો પ્રેમસભર ધબ્બો વાંસા પર રોમાંચ આપી ગયો. : 'દરબાર ! તમે તમારા મિત્રોને એ બધું છોડાવ્યું, તમારું સર્કલ સુધાર્યું, એટલે આ વખતે પેલું બધું માફ, જાઓ....!'
સ્વામીશ્રીના ખોળામાં મનોમન માથું નાખીને સજળ નેત્રે બેઠેલા સૂરજસિંહને લાગ્યું કે સામે કોઈ અમાપ અફાટ ક્ષમાસાગર લહેરાઈ રહ્યો છે. એની દૂ..ર દૂ...ર ક્ષિતિજ આજે કોઈ નવા 'સૂરજ'નો ઉદય થઈ રહ્યો છે.... કોણ જાણે, આ અનંત મહોદધિ મહાસાગર જેવા સંતહૃદયે કેટલાય 'સૂરજ'નો નવોદય કર્યો હશે!...

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS