Essay Archives

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર શ્રી મણિભાઈ નારાયણભાઈ પટેલના ઘરે જબલપુરમાં મહંત સ્વામી મહારાજનો વિનુભાઈ તરીકે જન્મ થયો, ત્યારબાદ વર્ષો સુધી તેઓ જબલપુરમાં રહીને જ અભ્યાસ કરતા હતા, પરંતુ ૧૯૫૧માં તેઓ જબલપુરથી આણંદ આવ્યા ત્યારે મેં તેમનાં પ્રથમ દર્શન કરેલાં.
ત્યારે તેમની અઢારેક વર્ષની ઉંમર. તેમનું વિનુભાઈ નામ. ભણવામાં ખૂબ તેજસ્વી. એ અવસ્થામાં એમને યોગીજી મહારાજનો યોગ થયો અને તેમનામાં સંપૂર્ણ હોમાઈ ગયા. યોગીજી મહારાજ સાથે એમનું જોડાણ થયું તે એવું વિશિષ્ટ હતું કે તેઓ યોગીજી મહારાજ વિના રહી શકતા નહીં. વેકેશન પડે અને તેઓ યોગીજી મહારાજ જ્યાં હોય ત્યાં તેમની સેવામાં પહોંચી જાય. યોગીજી મહારાજનો અપાર પ્રેમ અને તેમની અપાર કૃપા તેમના પર વરસતી.
વિનુભાઈની સાધુતા જોઈને અમારા જેવા યુવકોને ખૂબ પ્રેરણા મળતી.
૧૯૬૦માં યોગીજી મહારાજના હસ્તે દીક્ષા લીધા બાદ તેઓની આજ્ઞાથી મુંબઈમાં અમે બધા સાથે રહેતા હતા. યોગીજી મહારાજે મહંત સ્વામીને અમારા બધાના મહંત તરીકે નિયુક્ત કરેલા. યોગીજી મહારાજે અમને તેમની આજ્ઞામાં રહેવાનું કહ્યું હતું, પરંતુ તેઓ તો અમને આજ્ઞા કરવાને બદલે ખૂબ સરળતાથી અમારી સાથે વર્તતા હતા. સૌમાં મોટેરા હોવા છતાં તેમનું નિર્માનીપણું, એમની સહનશીલતા, એમનો દાસભાવ વગેરે ગુણો એવા હતા કે તેમણે ક્યારેય પોતાની મોટાઈ બતાવી નથી. અમને બધાને કથાવાર્તા કરીને પ્રેરણા આપતા.
૧૯૬૫માં યોગીજી મહારાજની આજ્ઞાથી મારે મુંબઈથી સારંગપુર જવાનું થયું. સારંગપુરમાં પૂજ્ય સંતવલ્લભદાસ સ્વામી સાથે વિચરણમાં જોડાવાનું હતું. તેના કારણે મુંબઈમાં રહેતા અમે એકબીજાથી છૂટા પડવાના હતા. મારા સહદીક્ષાર્થીઓથી છૂટા પડતી વખતે સ્વાભાવિક છે કે અંતરમાં થોડું દુઃખ થાય. તે વખતે મહંત સ્વામી મહારાજે ખૂબ બળની વાતો કરીને પ્રગટ સત્પુરુષને રાજી કરી લેવાનો મને જે બોધ આપ્યો હતો, એ મારા માટે કાયમનો સ્મૃતિરૂપ પ્રસંગ બની રહ્યો છે. એ પ્રસંગને હું ખૂબ સંભારું છું.
યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ ખૂબ વાત્સલ્યપૂર્વક મને લાભ આપતા અને વિવિધ પ્રકારે લીલા કરીને સુખ આપતા. વર્તમાન સમયે મહંત સ્વામી મહારાજ એ જ રીતે મને આધ્યાત્મિક સુખ આપે છે. ઘણા બધા પ્રસંગોએ તેમણે જે સ્મૃતિઓ આપી છે તે મારા માટે સદા યાદગાર બની રહી છે.
૨૦૨૨માં મહંત સ્વામી મહારાજ સુરત પધારવાના હતા, પરંતુ તેમનું આગમન નક્કી થયું અને વારંવાર બદલાયું. સુરતના સંતો-ભક્તો કાગડોળે સ્વામીશ્રીની રાહ જોઈ રહ્યા હતા. હું તેમના આગમનની પ્રાર્થનારૂપે રોજ આ કીર્તન બોલુંઃ
‘‘તાપી કિનારે શબરી બેઠી, જપે રામનું નામ;
એક દિન સ્વામી આવશે મારા, અંતરના આરામ!’’
થોડા દિવસો પછી તેઓ સુરત આવ્યા ત્યારે સાથેના સંતોએ મારી પાસે આ પંક્તિ યાદ કરીને તેમની સમક્ષ બોલાવી. હું આ પંક્તિ બોલ્યો ત્યારે સ્વામીશ્રી તરફ નિર્દેશ કરતાં આત્મસ્વરૂપદાસ સ્વામીએ કહ્યુંઃ ‘‘જેની તમે પ્રાર્થના કરતા હતા તે આ આવ્યા છે!’’
મેં કહ્યુંઃ ‘‘ઓળખાય તો! સામે જ બેઠા છે, પણ ચિનાઈ કાગળ જેટલો અંતરાય રહે તો ન ઓળખાય, કામ ન થાય.’’
ત્યારે સહજતાથી સ્વામીશ્રી બોલી ઊઠ્યા: ‘‘ચિનાઈ કાગળ એટલે દેહભાવ!’’
કેટલો સુંદર મર્મ!
સુરતમાં એકવાર હું સ્વામીશ્રીના કક્ષમાં દર્શન માટે ગયો ત્યારે સ્વામીશ્રીએ મારી ચિંતા કરીને કહ્યું: ‘‘તમારે આટલું બધું ચાલીને સ્પેશિયલ અહીં આવવાની જરૂર નહીં.’’
મેં કહ્યુંઃ ‘‘આવવું પડે, આવવું પડે... આપના જેવા ગુણાતીત સત્પુરુષનાં દર્શને આવીએ તો એક-એક પગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળે.’’
આ વાતમાં સંમતિ પુરાવતાં સ્વામીશ્રીએ સહજતાથી કહ્યું: ‘‘મહિમા સહિત દર્શન કરીએ તો...’’
આ મહિમા એટલે શું?
મહિમા એટલે અક્ષરધામમાં જે બિરાજમાન છે એ જ ભગવાન સ્વામિનારાયણને તેઓ અખંડ ધારીને રહ્યા છે, તેઓ નિર્દોષ છે, ગુણાતીત છે, મોક્ષનું દ્વાર છે - એમ સમજવું તે.
સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં આવા ગુણાતીત સંતનો અપરંપાર મહિમા કહે છે. ગઢડા પ્રથમ પ્રકરણના ૨૭મા વચનામૃતમાં તેઓ કહે છે કે આવા સંતના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. આવો જ અપાર મહિમા ગઢડા પ્રથમ પ્રકરણના ૩૭મા વચનામૃતમાં અને ગઢડા અંત્ય પ્રકરણના ૨૬મા વચનામૃતમાં કહે છે. આવા પ્રગટ સત્પુરુષમાં પ્રતીતિ આવી જાય તો તમામ અર્થ સિદ્ધ થાય છે.
મહંત સ્વામી મહારાજના પ્રાગટ્ય દિને તેમનાં ચરણોમાં એ જ પ્રાર્થના કે જેમ માતા બાળકને નિર્મળ કરી બાપને સોંપે છે, તેમ આપ અમને નિર્મળ કરીને ભગવાનને સોંપજો. આપ સ્વસ્થ અને નિરામય રહીને સૌને વર્ષો સુધી લાભ આપતા રહો એ જ પ્રાર્થના.

Other Articles by પૂજ્ય સાધુ ઘનશ્યામચરણદાસ


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS