Essays Archives

'વિઝન' એ એક દૃષ્ટિ છે,
ભવિષ્ય દૃષ્ટિ!
'વિઝન' એ સ્વપ્ન નથી,
પણ ભવિષ્યની વાસ્તવિકતા છે, જેનું હજુ સર્જન થયું નથી.
'વિઝન' એ મનના તુક્કા નથી, પણ એક નક્કર વાસ્તવિકતા છે, જેના સુધી તમારે ભવિષ્યમાં પહોંચવાનું છે.
'વિઝનરી' હોવું એટલે એક આર્ષદ્રષ્ટા હોવું, એક અદૃશ્ય ભાવિને નીરખવાનું કૌશલ્ય હોવું, પોતાનાં જ પગલાંઓનો સરવાળો કરીને, પોતાની ભાવિયાત્રાના છેલ્લા છેડા સુધીનાં પરિણામોને સમજવાનું સામર્થ્ય હોવું.
શાસ્ત્રીજી મહારાજ એક આદર્શ 'વિઝનરી' હતા. એક સંસ્થાના સફળ સંસ્થાપક માટે જેટલું 'વિઝન'ને નિહાળવું અગત્યનું છે, તેટલું જ અગત્યનું છે : પોતાના વિઝનને પોતાની સાથેના સહકાર્યકરોના માનસમાં તેટલી જ સ્પષ્ટતા સાથે ચિત્રિત કરવું. જેને મૅનેજમેન્ટ નિષ્ણાતો 'વિઝનરી-લીડરશિપ' તરીકે ઓળખે છે. વિઝનરી લીડરશિપ એટલે એક એવી કળા જેમાં સંસ્થાના પ્રત્યેક પ્રતિનિધિના હૃદયમાં વિઝનનું - સંસ્થાના સમગ્ર ભાવિ વિકાસ-ચિત્રનું પ્રત્યારોપણ કરવું. વિઝનરી લીડરશિપ માટે એ સૌથી મહત્ત્વનું અને અગત્યનું પગથિયું છે.'The ability to explain the vision to others.' એટલે કે પોતાના યોગમાં આવનારને પોતાનું દૃષ્ટિબિંદુ સમજાવવાની કળા.
શાસ્ત્રીજી મહારાજનું વરતાલથી બહાર નીકળવું તે માત્ર બહાર નીકળવાનું નહોતું, તે એક વિઝનની યાત્રા હતી. એ વિઝનથી દોલતરામ વંચિત હતા. નડિયાદના આ દોલતરામ કૃપારામ પંડ્યા ગુજરાતી સાહિત્યના સાક્ષર હતા, સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને વળી વરતાલ ટેમ્પલ બૉર્ડ કમિટીના સભ્ય પણ હતા. શાસ્ત્રીજી મહારાજ જેવા પ્રતાપી પુરુષ વરતાલથી છૂટા પડ્યા તે તેમને મન ઠીક લાગ્યું નહોતું. શાસ્ત્રીજી મહારાજ વરતાલથી નીકળ્યાનાં દસ વર્ષ પછી, એક પ્રસંગે દોલતરામભાઈ અને શાસ્ત્રીજી મહારાજનો નડિયાદમાં જ મેળાપ થયો, ત્યારે દોલતરામે પોતાના અંતરની એ ગડમથલ રજૂ કરી.
શાસ્ત્રીજી મહારાજને આજે તક હતી — પોતાનું વિઝન સ્પષ્ટ કરવાની. તેમણે એક જ બેઠકે કુનેહપૂર્વક શાસ્ત્રના સંદર્ભો સહિત, શ્રીજીમહારાજનાં વચનોને કેન્દ્રમાં રાખી, અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ઉપાસના કરવાના સિદ્ધાંતની સંપૂર્ણ સ્પષ્ટતા કરી. દોલતરામને સિદ્ધાંત એટલો તો સચોટ રીતે સમજાઈ ગયો કે તેઓ બોલી ઊઠ્યાઃ 'આ તો જે કાર્ય કરવા શ્રીજીમહારાજને અવતાર ધરી ફરી આવવું પડે તે કાર્ય આપે કર્યું છે. આજે તો આપે મહારાજ અને સ્વામીની ધાતુની મૂર્તિઓ પધરાવી છે, પણ ભવિષ્યમાં તમારા શિષ્યો તમારી સુવર્ણની મૂર્તિ પધરાવશે.'
અનેક વિઘ્નો અને મુશ્કેલીઓની કાંટાળી કેડી પર ચાલતા શાસ્ત્રીજી મહારાજના સહયાત્રીઓ કયા બળના આધારે એ બધું હસતે મોંએ સહન કરીને સંસ્થાના નિર્માણમાં પોતાની જાતને હોમી રહ્યા હતા? એ બળ હતું — શાસ્ત્રીજી મહારાજે ખોલી આપેલા એક 'વિઝન'નું બળ. સૌને મન દૃઢ હતું : એક દિવસ અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના જયઘોષ સર્વત્ર થશે, આપણું બલિદાન 'સાચા દેવળે ઘંટ વાગશે'ની શાસ્ત્રીજી મહારાજની ઉક્તિને સાર્થક કરશે, એળે નહીં જાય.
શાસ્ત્રીજી મહારાજ વિઝનને કેવળ નિહાળતા જ નહોતા, પણ જીવતા'તા. એક વાર શાસ્ત્રીજી મહારાજે પોતાની સાથે વિચરણ કરતા યુવાન હકાભાઈ ખાચરને પોતાનું વિઝન સમજાવતાં સારંગપુર મંદિર અંગે કહેલું : 'ભવિષ્યમાં આખો દેશ અહીં તણાશે.'
આ જ રીતે પોતાના શિષ્ય સાધુ શ્રીજીસ્વરૂપદાસને આ વિઝન સમજાવતાં તા.૧૭-૯-૧૯૩૯ના રોજ પત્રમાં અંતે લખે છે કે 'આપને અત્યારે તો તે વાતનો, ભવિષ્યનો ખ્યાલ નહિ આવતો હોય, પણ મને તો ઇદમ્‌ દેખાય છે કે બે દેશ (વરતાલ-અમદાવાદ) કરતાં આપણી સંસ્થા વૃદ્ધિ પામે ને પ્રતિષ્ઠા ને સંપત્તિમાં પણ વૃદ્ધિ પામે...'


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS