Essays Archives

ફળ - આનંદમયની પ્રાપ્તિ - आनन्दमयम् उपसंक्रामति

આ રીતે આ આનંદવલ્લીમાં ‘ब्रह्मविद् आप्नोति परम्’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૧) 'જે અક્ષરબ્રહ્મને જાણે, કહેતાં બ્રહ્મરૂપ થાય તે પરબ્રહ્મને પામે.' એમ ઉપદેશનો પ્રારંભ કરીને બ્રહ્મજ્ઞાનને સુગમ કરવા અક્ષરબ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કર્યું. અને ત્યારબાદ એ અક્ષરબ્રહ્મનું સ્વરૂપ ઓળખી બ્રહ્મરૂપ થયેલા ભક્તને જે પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે તે પરમાત્માનું સ્વરૂપ પણ આનંદમય રસઘનમૂર્તિરૂપે વર્ણવ્યું. હવે અંતમાં ઉપસંહાર કરતા આ ઉપદેશને જે યથાર્થ રીતે સમજે તેને કેવું ફળ મળે તે દર્શાવી સમાપન કરે છે - ‘स य एवं वित्’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૮) 'જે મનુષ્ય આ રીતે અહીં સુધી જે જે ઉપદેશ કર્યો તેને તે જ પ્રમાણે સમજે તો તે સમજનાર મનુષ્ય પોતે પણ બ્રહ્મરૂપ થઈ ‘आनन्दमयम् आत्मानम् उपसंक्रामति’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૮) 'પરમાનંદમય પરમાત્માને પામે - પરમ આનંદનો ભોગી બને.'
આ રીતે તૈત્તિરીય ઉપનિષદમાં આવેલા આનંદવલ્લીના મર્મને જાણ્યો. હવે ત્રીજી ભૃગુવલ્લીના સારને જાણીએ.


ભૃગુવલ્લી

વરુણ નામના ૠષિ પાસે ભૃગુ નામનો તેમનો પુત્ર ‘अघीहि भगवः’ (તૈત્તિરીય ઉપનિષદ ૩/૧) 'ભગવન્! મને અધ્યાત્મવિદ્યા ભણાવો.' એમ કહી શિષ્યત્વ સ્વીકારે છે. ત્યારે પિતા વરુણ પણ પ્રસન્ન થઈ પુત્ર-શિષ્ય ભૃગુને અધ્યાત્મજ્ઞાન પીરસે છે. આમ તૈત્તિરીય ઉપનિષદના આ ભાગના ઉપદેશનો શ્રોતા ભૃગુ છે તેથી આ ભાગને ભૃગુવલ્લી કહેવામાં આવે છે. વળી, પિતા વરુણે આ જ્ઞાન પોતાના પુત્ર ભૃગુને આપ્યું છે તેથી ‘सैषा भार्गवी वारुणी विद्या’ (તૈત્તિરીય ઉપનિષદ ૩/૬) આ વિદ્યા ભાર્ગવી વિદ્યા તથા વારુણી વિદ્યા તરીકે પણ પ્રસિદ્ધિ પામી છે.


આનંદમય ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલયના કર્તા - आनन्देन जातानि जीवन्ति

આ પહેલાં આનંદવલ્લીમાં પરમાત્માને આનંદમય કહ્યા અને જગતના કર્તા-હર્તા તે આનંદમય પરમાત્મા જ છે એમ ઉપદેશ કર્યો. હવે આ ભૃગુવલ્લીમાં જરા જુદી રીતે પણ તે જ ઉપદેશ ફરી કરવામાં આવ્યો છે. જેમ કે આ વલ્લીના આરંભમાં જ પિતા વરુણ અધ્યાત્મવિદ્યા ભણવા આવેલા પુત્ર ભૃગુને કહે છે - ‘यतो वा इमानि भूतानि जायन्ते। येन जातानि जीवन्ति। यत्प्रयन्त्यभिसं-विशन्ति। तद्विजिज्ञासस्व’ (તૈત્તિરીય ઉપનિષદ ૩/૧) 'જેને લઈને આ જીવપ્રાણીમાત્ર ઉત્પન્ન થાય છે. જેને લઈને તે બધું જીવિત રહે છે, ટકી રહે છે. વળી, પ્રલય થતાં જેમાં એ બધું પાછુ _ સમાઈ જાય છે. તેને તારે જાણવા જોઈએ.' એમ કહીને પોતે જ તે કોણ છે તે જણાવતાં કહે છે - ‘आनन्दाद्ध्येव खल्विमानि भूतानि जायन्ते। आनन्देन जातानि जीवन्ति। आनन्दं प्रयन्त्यभिसंविशन्तीति’ (તૈત્તિરીય ઉપનિષદ ૩/૬) 'ખરેખર! આનંદમય પરમાત્માથી જ આ બધું ઉત્પન્ન થાય છે. આનંદમય પરમાત્માથી જ ઉત્પન્ન થયેલું બધું જીવિત રહે છે, ટકી રહે છે. અને અંતે પ્રલય પણ એ આનંદમય પરમાત્મા થકી જ થાય છે. કહેતાં જગતની ઉત્પત્તિ-સ્થિતિ તથા પ્રલયના કર્તા આનંદમય પરમાત્મા જ છે.
આ રીતે ભૃગુવલ્લીનો મુખ્ય વિષય આનંદમય પરમાત્મા જ રહ્યો છે.


ઉપસંહાર

આમ આ તૈત્તિરીય ઉપનિષદનો ટૂંકસાર જાણ્યો. અહીં એટલું તો અવશ્ય સમજાય છે કે આપણું વૈદિક શિક્ષણ કેવળ લૌકિક આવડતો પૂરતું મર્યાદિત નથી. શિક્ષણની દરેકે દરેક શાખામાં તે અધ્યાત્મવિદ્યાને ભેળવે છે. બ્રહ્મવિદ્યાને ભેળવે છે. અને જે શિક્ષણ પોતામાં બ્રહ્મવિદ્યાને સમાવતું હોય તો તે અવશ્ય સર્વજીવહિતાવહ જ હોય, સર્વમંગલમય જ હોય, પરમ આનંદમય જ હોય. ખરેખર! યજુર્વેદમાં સમાયેલું આ તૈત્તિરીય ઉપનિષદ તેનો એક સુંદર દાખલો છે. અસ્તુ. 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS