જેતલપુરની દક્ષિણે એક ઊંચો ટીંબો છે. તેના પર મહોલ છે. આજુબાજુ સઘન વૃક્ષોની છાયા છે. પાછળ તલાવડી છે. હરિવર ઊંચેરા આસને અદકી છટામાં બિરાજ્યા છે. હજુ થોડા દિવસ પહેલાં જ પ્રભુએ ઠેર ઠેર પત્રો લખી પોતાના આજ્ઞાંકિત શૂરા ક્ષત્રિય ભક્તોને બોલાવી લીધા છે. તાડ જેવો અગરોજી, સરકીના શૂરવીર દયાળજી, બાજીજી, રણબંકો વનસિંહ, રૂપજી, યુદ્ધવીર ઝાલાજી, જેઠીજી, ડુંગરજી, સિંહ જેવો શાર્દૂલજી, ખૂંખાર ભાનુસિંહ, ક્રૂર કશિયાજી, વસમો વેરોભાઈ, હાથરોલીના ભગુ ખાંટ વગેરે પત્ર મળતાં જ હથિયારો સજી જેતલપુર આવી ગયા હતા.
એક અવાજે પ્રાણ પાથરનાર કાઠી-દરબારો અને પટેલ-પાટીદારો હરિવરની સન્મુખ બેઠા છે. વીર ભગુજી અને તલવારબાજીમાં જેને કોઈ ન પહોંચે એવા સોમલોખાચર, સુરોખાચર વગેરે મૂછોના થોભિયામાં પણ નમણા દીસે છે.
હળવી હરિકથા રેલાઈ રહી છે એવે ટાણે એક અજાણ્યા સંન્યાસીએ પ્રવેશ કર્યો. શ્રીહરિ વરતી ગયા કે આ વેશધારી હત્યારો છે. છતાં નિર્ભયપણે આંખને ઇશારે, કરને લટકે શ્રીહરિએ તેને બોલાવ્યો. જાણે પ્રભુ સાથે પરભવની પ્રીત હોય તેમ સંન્યાસીએ ખૂબ આજીજી ગુજારી, પંચાંગ પ્રણામ કર્યા.
હરિવરે હળવેક રહી અગરાજી પાર્ષદને ઇશારો કરી દીધો. એમ કે ‘ચેતજો, કમર પર જમૈયો ખોસ્યો છે...’
શ્રીહરિએ તેને આસન નાખી દીધું. એને મઠ, દિક્ષા મંદીર વગેરેનું પૂછ્યું, પણ એ તો બનાવટી હતો. એટલે જીભના લોચા વાળતો રહ્યો. ચકમો ઓઢીને માંહી કટાર સંતાડીને આવેલો તે, ચરણ- સ્પર્શ કરવા નજીક આવ્યો ત્યારે જણાઈ આવ્યું. ચપળ અગરોજી વાઘ જેમ કૂદ્યા ને પાછળથી બાથમાં લઈ તેને એક બાજુ ફેંક્યો. ખણીંગ... અવાજ સાથે ખુલ્લો જમૈયો નીચે પટકાયો. સ્વામિનારાયણના પ્રાણ લેવાનો મનસૂબો તો ધૂળમાં રોળાઈ ગયો, પણ પોતે બે પળમાં પારેવાની જેમ પીંખાઈ જશે - એ એક વિચારે કંપી ગયો. શ્રીહરિ હાં-હાં કરતાં દરબારોને વારવા લાગ્યા. તેવામાં સુરા ખાચર બે થપાટ ઝીંકી દીધી હતી. શ્રીહરિ ઊભા થઈ ગયા ને કહ્યું: ‘તેને હેમખેમ પાછો જવા દો, મારશો નહીં.’
કદાવર કાઠીઓ મારગ સુધી તેને દોરી ગયા. જેતલપુરના પાટીદારો કહે: ‘અમારા પ્રભુની આણ છે, નહીંતર તને સાંકળે બાંધી બેડિયું પહેરાવી દેત પણ શું થાય!’
આવા એકલ-દોકલ બનાવ બનતા ગયા, પણ શ્રીહરિ નિર્ભયપણે વિચરી રહ્યા હતા. શૂરા કાઠીઓએ નક્કી કર્યું: ‘હવેથી મહારાજને ક્યાંય પણ એકલા ન મૂકવા, સાથે બધા પાર્ષદોએ રહેવું જ.’
સ્વામિનારાયણી સાધુઓની સૌમ્યતા ગુજરાતના ગામડે ગામડે પથરાવા લાગી હતી. લોકો નિર્વ્યસની થવા લાગ્યા, નાહતા-ધોતા થયા, પાઠપૂજા કરતા થયા, સંત-અસંતમાં સમજતા થયા, મલીન વિદ્ધાર્થી ચેતવા લાગ્યા ને વ્યસનીઓથી દૂર રહેતા શીખ્યા, એટલે એ બધા વીફર્યા હતા અને સ્વામિનારાયણનું નામનિશાન ન રહે એવા ઉપાય શોધવા લાગ્યા હતા.
‘અબે! સ્વામિનારાયણને તો હમારી રોટી છીન લી.’
‘લોગ સ્વામિનારાયણ કી તરફદારી કરને લગ્યા હૈ. વો બડા કાબિલ હૈ, ઉસકુ ઠીક કરના પડેગા.’
‘ક્યા કહૂં ભોલે! જેતલપુર કા જગન ભી તો રંગેચંગે પૂરા હો ગયા, અબ તો ઉસકી બોલબાલા હો જાયેગી.’
‘લોગ ભી અંધે હૈં, સબકું કૈસે સમજાવે કિ ભઈ, વો પાખંડ ચલાતા હૈ, ગાંજા-ભાંગ કો છૂતા નહીં, ઔરકું છૂને દેતા નહીં.
ખોખરા મહેમદાવાદના એક વિશાળ મઠમાં જટાળા શિષ્યો વાતો કરી રહ્યા છે. એક ઊંચે આસને એ સૌનો ગુરુ લોલંગર બેઠો છે.
ભાંગ ને ચરસના કેફમાં આંખો લાલઘૂમ છે. લોલંગરે શરીર પર લોખંડી સાંકળનું બખતર ગૂંથ્યું છે. શરીરને ચારે કોર સાંકળે ભીંસ્યું છે. તલવાર કે લાકડીનો ઘા સાંકળ પર ઝિલાઈ જાય ને માથાનો ઘા જટા ઝીલી લે એવાં એનાં દીદાર છે. બંને કાંડે ભરાવદાર રૂપાનાં કડાં પહેર્યાં છે. રાખોડી ચોળ્યું શરીર, જાણે કદી પાણીનો છાંટો ન અડ્યો હોય એવું વિચિત્ર બાશ મારે છે. દાઢી ને મૂછ હોકાની ફૂંકને ધુમાડે ધુમાઈ ગયાં છે. લીંબુની ફાડ જેવી આંખોમાં નશાની રતાશ ઝલકે છે.
ચારે બાજુ દિગંબર ઝુંડ બેઠા છે. બમ બમ ગિરનારી... કરતાં ધુમાડાના ગોટે ગોટા ચારેબાજુ ઉડાડી રહ્યા છે.