કાળીડીબાંગ રાત છે. કૂવાજળથી લીલીછમ વાડીઓ મઘમઘી રહી છે. સોરઠની ધરતીના નરશાર્દૂલો મીઠી નીંદર માણે છે. એવે ટાણે અધરાતે વંથળી ગામના કડવા પટેલ કલ્યાણભાઈ ખેતરે આંટો દેવા નીકળ્યા. મુખે સ્વામિનારાયણ જાપ ચાલે છે. ખેતર આવ્યું કે ઘોડીએ હણહણાટી કરી, એમ કે - આપણા બે સિવાય ત્રીજું પણ કોઈ આ વાડીમાં છે.
કલ્યાણભાઈ પરખી ગયા. તેણે ઘોડી ખીલે કરી. હાથમાં ડાંગ લઈ ખેતરમાં ફરવા લાગ્યા. અંધારી આઠમનો ચાંદો, વાદળ આડે લપાતો-છુપાતો અલપ-ઝલપ અજવાળું પાથરતો હતો. એમાં એક બુકાનીદાર આદમી ચારો વાઢતો નજરે ચઢ્યો. કલ્યાણભાઈને જોઈ તે હેબતાઈ ગયો. ચોરી કરતાં પકડાઈ ગયાનો ડર અને લોંઠકા પટેલના કાંડાનું કૌવત - ઘડીભર શું કરવું તેની વિમાસણમાં એ ઊભો રહ્યો.
કલ્યાણભાઈએ તેને પારખ્યો. એ વંથળીનો બચરવાળ ગરીબ માણસ હતો. કલ્યાણભાઈએ તેને સાંત્વન આપ્યું ને કહ્યું: ‘જો ભાઈ! તારે આટલાં ઢોર છે તે થોડી ચાર્યથી પૂરું નહીં પડે. લે હુંય તને વાઢવામાં મદદ કરું...’ કહી કલ્યાણભાઈ ઓરડીમાંથી દાતરડું લઈ આવ્યા ને ચાર્ય વઢાવવા લાગ્યા.
પેલા ચોરને તો પટેલ દેવ જેવા લાગ્યા. પટેલે તેને વિશ્વાસમાં લઈ ભગવાનની વાતો કરી.
‘ચોમાસે તો નિરાંત, ભાદરકાંઠે ઢોરાં ચરી ખાય, પણ ઉનાળે થોડી તૂટ પડે છે.’ ધરતીઢાળું મોં કરી ચોર બોલતો હતો.
કલ્યાણભાઈએ ફરી સાંત્વન આપ્યું ને નિવ્યર્સની થવા સમજાવ્યો. વળી, રોજ ભારો બાંધી જવા કહ્યું. ધીમે ધીમે એ ચોરને સત્સંગનો રંગ લાગ્યો. ‘અણહકનું પચે નહીં’ એવું ભાન ઊગ્યું ને કાયમ માટે શ્રીજી- મહારાજનો આશ્રિત બની ગયો. ધર્માદો કાઢતો થઈ ગયો!
કલ્યાણભાઈને ખેતીવાડીની ઊપજ કરતાં સત્સંગ કરાવવાનું વધુ તાન રહેતું. ખેતરવાડીએ મજૂરો પાસે કામ લે, પરંતુ ભજનનો આગ્રહ વધુ રાખે. બપોર પછી કામ બંધ કરાવી મજૂરોને કથામાં બેસારે, માળા ફેરવાવે, ધ્યાન કરાવે અને પોતે કથા કરે તથા શ્રીજીમહારાજનો - સંતોનો મહિમા કહે.
મેઘપુરમાં શ્રીજીમહારાજે છ મહિના સુધી ચોરાશી કરી ત્યારે કલ્યાણભાઈએ તેમાં ઘણી જ સેવા કરી હતી. છ-સાત માઇલનો પંથ પગપાળા કાપી કલ્યાણભાઈએ છયે મહિના શ્રીજીમહારાજનાં દર્શન-સમાગમનો લાભ લીધો.
માણાવદરના મયારામ ભટ્ટ ને વંથળીના કલ્યાણભાઈ - બંનેને ગાઢ પ્રીત. શ્રીજીમહારાજનાં દર્શન કરવાની રીત બંનેએ શીખી લીધી હતી. રસ્તે ચાલતાં ગોષ્ઠિ કરે. શ્રીજીમહારાજના એકેએક અંગનું મનન-ચિંતવન કરે. કરનાં લટકાં, આંખોનાં મટકાં, મંદ સ્મિત, સંતો-ભક્તો સાથેનું એમનું મિલન વગેરે ઝીણવટથી સ્મૃતિપટ પર લાવતા રહે. પગ ચાલતા રહે, પંથ કપાતો રહે. રાત ખૂટી જાય પણ વાતો ન ખૂટે. રોજ ચાલતાં મેઘપર જવા-આવવાનો ક્રમ થઈ ગયો. સભામાં પણ છેવાડે બેસી જાય. આગળથી લોકો ઊઠતા જાય તેમ આ બંને આગળ ખસતા જાય. એમ ખસતાં ખસતાં એક વાર તો મહારાજના ઢોલિયા પાસે પહોંચી ગયા!