Essay Archives

મૃત્યુ પછીનું જીવન

ક્યારેક પૂર્વજન્મની જખમકારક દુર્ઘટનાની સાથે પૂર્વજન્મનો ભય પણ આ જન્મ સાથે જોડાયેલો રહે છે.
તા. 20 ફેબ્રુઆરી, 2007ના રોજ ‘શ્રીલંકા ગાર્ડિયન’માં દીપ્તિ જયતુંગે નોંધે છે : ‘શ્રીલંકામાં ત્રણ વર્ષના એક બાળકે ઘરમાં ‘અરાક’ (શરાબ) પીવા માગ્યો ! ઘરમાં સૌને અતિ આશ્ચર્ય થયું, કારણ કે ઘરમાં શરાબ માગવાની સાથે તેણે પોતાની પત્ની ‘કુસુમ’ને યાદ કરી ! પુનર્જન્મના સંશોધકોને આ માહિતી મળતાં ત્યાં પહોંચી ગયા, તપાસ કરતાં માલૂમ પડ્યું કે તેનું પૂર્વજન્મનું નામ ‘સામી’ (Sammy)  હતું. તે સી.જી.આર. (Ceylon Government Railways)માં વર્કર તરીકે નોકરી કરતો હતો અને નોકરી બાદ પાછળથી તે ‘અરાક’(દારૂ) વેચવાનું કામ કરતો હતો.
આ બાળકનાં માતાપિતાને એ સમજાતું નહોતું કે ક્યાંયથી પણ જીપગાડીનો અવાજ આવે છે ત્યારે આ બાળક શા માટે ભયથી કાંપવા માંડે છે. પરંતુ સંશોધકો પૂર્વજન્મની માહિતી શોધવા નીકળ્યા ત્યારે તેનો તાળો મળી ગયો : પૂર્વજન્મમાં સામી ગેરકાયદેસર દારૂ વેચવાનો ધંધો કરતો હતો. આથી, જીપગાડી ભરીને પોલીસની કુમક ગમે ત્યારે તેના ધંધા પર રેડ પાડવા આવી ચઢતી ત્યારે તે નાસી છૂટતો. આમ છતાં તે ઘણી વખત પકડાઈ પણ ગયો હતો. સંશોધકોએ તેની ધરપકડના લીગલ ડોક્યુમેન્ટ્‌સ પણ એકત્રિત કરીને તે વાતની ખાતરી કરી લીધી હતી !
‘ઘણાં બાળકો બાળવયથી પાણી, પશુ, વાહનો કે ઊંચાઈના ‘ફોબિયા’(ભય)થી કાંપતા હોય છે, તેના મૂળમાં પણ તેના પૂર્વજન્મની કોઈ ઘટના સંકળાયેલી હોઈ શકે છે.’ મનોવિજ્ઞાનીઓ હવે આ વાત સ્વીકારે છે.
કોઈક એમ દલીલ કરી શકે કે બધાં બાળકોને કે આપણને સૌને પૂર્વજન્મની વિગતો કેમ યાદ નથી આવતી ? જોકે બધાને પૂર્વ-જન્મની આ સ્મૃતિ નથી થતી તે પરમાત્માની કૃપા કે વરદાન છે.
પૂર્વજન્મની વિગતો આપણે ભૂલી ગયા છીએ તેમ કહેવા કરતાં, પૂર્વજન્મની વિગતો પરમાત્માએ આપણને કૃપા કરીને ભુલાવી દીધી છે - એમ કહેવું વધુ યોગ્ય છે. ગાંધીજી કહે છે તે ઉચિત છે : ‘વિસ્મૃતિ એ પરમાત્માનું વરદાન છે.’
માત્ર કલ્પના તો કરી જુઓ, એક પરણિત સ્ત્રી પોતાનાં સંતાનો અને પતિને વિરહમાં છોડીને મૃત્યુ પામે, તેનાં ચાર-પાંચ વર્ષ પછી અચાનક કોઈ નાની બાળકી આવીને બારણાં ખખડાવતી કહે : ‘હું તમારી માતા છું ’ કે ‘હું તમારી પત્ની છું’ કે ‘હું તમારી બહેન છું.’ ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય ?
વિખ્યાત વિજ્ઞાન સામયિક Omniને ઇન્ટરવ્યૂ આપતાં ડૉ. સ્ટીવન્સન કહે છે ‘કેટલાય કિસ્સાઓમાં બાળકો પોતાનાં મા બાપને ‘રિજેક્ટ’ કરે છે અને કહે છે કે તમે મારાં સાચાં મા-બાપ નથી. એટલું જ નહીં, કેટલીયવાર પોતાના પૂર્વજન્મના ‘અસ્સલ’ ઘર તરફ દોડવા માંડે છે ! અન્ય કેટલાક કિસ્સાઓમાં તે પોતાનાં પૂર્વજન્મના પતિ કે પત્ની અને બાળકો સાથે ફરીથી જોડાઈ જવાની હઠ પકડે છે. ભારતના એક કિસ્સામાં એક બાળક પૂર્વજીવનની પોતાની ઉપપત્ની (રખાત) પ્રત્યે એટલો બધો આસક્ત હતો કે તે કોઈ પણ ભોગે તેને પોતાની સાથે લાવવા મથતો હતો, જેને કારણે તેને અને તે સ્ત્રી બંનેને શરમજનક દુર્દશામાં મુકાવું પડ્યું હતું!’
આમ છતાં એમ લાગે છે કે, કેટલાંક બાળકોને પૂર્વજન્મની સ્મૃતિ કરાવીને પરમાત્મા, સમસ્ત માનવજાતને પુનર્જન્મમાં શ્રદ્ધા જ દૃઢાવી રહ્યા છે.
પુનર્જન્મ એક એવું સત્ય છે, જેનો વિશ્વનો કોઈ પણ ધર્મ અસ્વીકાર નહીં કરી શકે, વિજ્ઞાન પણ નહીં !
જન્મ પહેલાંની આવી અનેક વાતો પુનર્જન્મની હકીકતનો સ્વીકાર કરવા માટે વિજ્ઞાન-જગતને ઝુકાવી રહી છે, તો બીજી તરફ મૃત્યુ અંગેની જિજ્ઞાસા પણ એક આગવી ભૂમિકા ભજવી રહી છે. મૃત્યુ પછીની દુનિયા માટે વિજ્ઞાન શું કહે છે !
એક તરફ નાનાં નાનાં બાળકો શિશુ મુખેથી પૂર્વજન્મના અનુભવો વહાવે છે તો બીજી તરફ મૃત્યુનું દ્વાર ખખડાવીને પાછા આવેલા લોકો પણ પુનર્જન્મના હિસાબ-કિતાબ ખોલે છે. આજકાલ પરા-મનોવિજ્ઞાન (Para psychology) તરીકે લોકપ્રિય થયેલી વિજ્ઞાનશાખામાં મૃત્યુ નજીકના અનુભવો કે પ્રયોગો (NDE) ખૂબ પ્રચલિત છે. NDE એટલે Near-Death Experience એટલે કે મૃત્યુની નજીક ગયાના અનુભવો.
સને 1950ના દાયકાથી NDE પર સંશોધનોનો એક સિલસિલો ચાલે છે. મૃત્યુશય્યા પર સૂતેલી વ્યક્તિને ડૉક્ટરો ‘ક્લિનિકલી ડેડ’ એટલે કે મૃત જાહેર કરે, ત્યાર પછી ચંદ સમયમાં તે વ્યક્તિ પુનઃ જીવતી થઈ જાય, ત્યારે વિજ્ઞાનીઓને માટે જિજ્ઞાસાનો પારો આસમાને ચઢી જાય, એમ કે મૃત્યુ સમયે તેને શો અનુભવ થયો હશે ?

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS