ત્યારપછી દાદરમાં સંસ્થાનું મંદિર થયું અને અમારે તેમાં રહેવાનું થયું. યોગીજી મહારાજનો આગ્રહ હતો કે દાદર મંદિરમાં રસોઇયો ને નોકર ન જોઈએ. તેથી વર્ષો સુધી મહંત સ્વામી મહારાજ સાથે અમે વાસણ ઊટકેલાં છે. અમે ગોંડલમાં હતા ત્યારે પણ અને યોગીજી મહારાજની સાથે વિચરણમાં ગામડાંઓમાં જઈએ ત્યારે પણ અમારે રોજ વાસણ ઊટકવાનાં. મોજીદડમાં તો નદીનાં પાણીએ વાસણ ઊટકવા જવાનું. નદીનું વહેણ ગામ કરતાં નીચે એટલે ત્યાં જવા માટે એકદમ સાંકડી સીડી હતી. તે ઊતરીને વાસર નદીમાં જવાનું. રેતી ભયંકર તપી હોય. તેમાં દોડીને જવાનું. પણ મહંત સ્વામી હંમેશાં તૈયાર!
મહંત સ્વામી મહારાજની પહેલેથી જ અંતર્વૃત્તિ. બહારનું જોવામાં તેમને સહેજે વૃત્તિ નહીં. ૧૯૭૦માં લંડનમાં અમે સેન્ટ પોલ કેથિડ્રલ જોવા જવાના હતા, ત્યારે તેઓએ અનાસક્તિથી ના પાડી. ૧૯૬૮માં અમે કોલકાતામાં બિરલા સાઇન્ટિફિક મ્યૂઝિયમ જોવા ગયા ત્યારે તેઓ બસમાં બેઠા રહ્યા, પણ અંદર આવ્યા નહીં. મેં તેઓને કહ્યું: ‘ચાલો સ્વામી!’ તો તેમણે કહ્યું: ‘ના, કાંઈ જોવા જેવું નથી દુનિયામાં.’ આમ છતાં પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી સ્વામિનારાયણ અક્ષરધામનાં પ્રદર્શનોના નિર્માણ માટે જ્યારે જરૂર પડી ત્યારે પોતાની બધી પ્રકૃતિ બાજુમાં મૂકી દીધી અને ૧૯૮૬માં વિશ્વપ્રવાસમાં ગયા ત્યારે બધું જ વ્યવસ્થિત નિહાળ્યું, નિરીક્ષણ કર્યું અને તેને લીધે સ્વામિનારાયણ અક્ષરધામનાં પ્રદર્શનો શ્રેષ્ઠ બન્યાં.
એક વખત યોગીજી મહારાજે અમને કહેલું: ‘મન ઊંચું ન કરવું. મૂંઝવણ આવે ત્યારે મહંત સ્વામીને વાત કરવી. નિષ્કપટ થઈએ તો દોષ ટાળી નાંખે.’
આમ, યોગીજી મહારાજે અને પ્રમુખસ્વામી મહારાજે અનેક વખત અમને તેમના મહિમાની વાતો કરેલી. સન ૧૯૬૮ની સાલમાં બોચાસણમાં ગુરુપૂર્ણિમાનો સમૈયો હતો ત્યારે બીમારીને લીધે યોગીજી મહારાજ ગોંડલ રોકાયા અને પ્રમુખસ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ વગેરેને બોચાસણ મોકલતાં સૌને કહ્યું, ‘મારી જગ્યાએ પ્રમુખસ્વામીનું પૂજન કરજો.’ તેમની એ સૂચના મુજબ આખો સંઘ બોચાસણ આવ્યો. ગુરુપૂનમની સભામાં પ્રમુખસ્વામી મહારાજે ભાવવાહી પ્રવચન કરતાં કહ્યું, ‘યોગીબાપાએ કહ્યું છે કે મારી જગ્યાએ મહંત સ્વામીનું પૂજન કરજો.’ સૌ સ્તબ્ધ થઈ ગયા! પણ તેઓ આ વાત પર એટલા દૃઢ હતા કે પોતાની બાજુમાં જ મહંત સ્વામીને બેસાડ્યા અને ભેગું પૂજન કરાવ્યું.
આ પ્રસંગમાં પ્રમુખસ્વામી મહારાજની મહાનતા અને સાધુતાનું દર્શન થયું કે તેઓ ખરેખરા સાધુ! બીજાને મોટા કરે તે સાચા સાધુ! અને સાથે તેમણે પોતાના ભાવિ સૂત્રધારનું સ્વરૂપ પણ ઓળખાવ્યું.
જુદા જુદા અનેક પ્રસંગોએ મહંત સ્વામીના આવા મહિમાની અનેક વાતો યોગીજી મહારાજે અને પ્રમુખસ્વામી મહારાજે અમને સૌને કરેલી. તેમાંનો એક પ્રસંગ મારા માટે અવિસ્મરણીય છે.
તા. ૧૫-૫-૧૯૭૮નો દિવસ હતો. પ્રમુખસ્વામી મહારાજ સારંગપુરમાં વિરાજ્યા હતા. અહીં તેમને અસહ્ય તાવ આવ્યો અને ખૂબ જ ટાઢ ચડી ગઈ. બહુ બધું ઓઢાડ્યું તોય ટાઢ જાય નહીં. એ સમયે તેમણે સેવકોને કહ્યું, ‘નારાયણ ભગતને (મને) બોલાવો અને તમે બધા બહાર જાઓ.’ હું તેમની પાસે પહોંચ્યો એટલે એમણે મને કહ્યું, ‘હવે મને લાગે છે કે મારો દેહ રહેશે નહીં. મારી જગ્યાએ મહંત સ્વામીને ગુરુપદે નીમવા.’ હું સાવ ઢીલો પડી ગયો અને પ્રાર્થના કરી કે ‘આપ સ્વસ્થ થઈ જાઓ અને સૌને ખૂબ લાભ આપો.’
ત્યારપછી સ્વામીશ્રીએ ઘણાં વર્ષો સુધી વિચરણ કરીને સૌને અપાર લાભ આપ્યો. આ વાતને ઘણો સમય વીતી ગયો અને ત્યારબાદ પણ જુદા જુદા સમયે તેઓ અમને મહંત સ્વામી મહારાજનો મહિમા કહેતા રહ્યા. તા. ૧૩-૭-૨૦૧૨ના રોજ સ્વામીશ્રીએ મને અને ઈશ્વરચરણદાસ સ્વામીને બોલાવીને કહ્યું કે, ‘હવે મારી જગ્યાએ મહંત સ્વામીને નીમવા છે.’
આમ, પ્રમુખસ્વામી મહારાજની દૃષ્ટિ મહંત સ્વામી ઉપર બહુ પહેલેથી જ હતી. આપણા માટે તેમણે મહંત સ્વામીને પોતાના સ્થાને સ્થાપ્યા છે. મહંત સ્વામી મહારાજરૂપે આપણે પ્રમુખસ્વામી મહારાજની જીવંત પ્રસાદી જોઈ રહ્યા છીએ. પ્રમુખસ્વામી મહારાજના ધામગમન પછી પણ આજે સત્સંગ લીલોપલ્લવ દેખાય છે, કારણ કે તેઓ પ્રગટ છે. મહંત સ્વામી મહારાજ પ્રમુખસ્વામી મહારાજના અનેક સંકલ્પો પૂર્ણ કરી રહ્યા છે. રોબિન્સવિલમાં અક્ષરધામ જેવો મહાન સંકલ્પ આવા મહાન ગુરુ જ પૂર્ણ કરી શકે. વિવેકાનંદ સ્વામીએ અમેરિકા પધારી હિન્દુ ધર્મનો ઉદ્ઘોષ કર્યો, જ્યારે પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ પ્રમાણે મહંત સ્વામી મહારાજે અમેરિકામાં સ્વામિનારાયણ અક્ષરધામ અને અબુધાબીમાં ભવ્ય મંદિર બાંધી સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મની શાશ્વત પ્રતિષ્ઠા કરી દીધી. આવાં યુગકાર્યો થયાં એ જ બતાવે છે કે શ્રીહરિ આજે પણ પ્રગટ જ છે - મહંત સ્વામી મહારાજરૂપે.
હવે માત્ર દૃષ્ટિ બદલવાની છે. જેમ હીરો તેનો તે હોય, પરંતુ કિંમત જાણ્યા પછી દૃષ્ટિ બદલાઈ જાય છે કે ‘ઓહો! આ તો લાખ રૂપિયાનો હીરો છે!’ એમ સત્પુરુષ બદલાતા નથી, પણ દૃષ્ટિ બદલવાની હોય છે. દિવ્ય ચક્ષુ આવી જાય તો દૃષ્ટિ બદલાઈ જાય. જેમ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને દિવ્ય દૃષ્ટિ આપી ત્યાં એકેય વસ્તુ બદલાઈ નહોતી, પરંતુ અર્જુનની દૃષ્ટિ બદલાઈ ગઈ. તેમ આ ગુણાતીત તો એના એ જ છે, પણ તેને જોવાની દૃષ્ટિ બદલાઈ જાય તો જીવન સાર્થક થઈ જાય. એવી દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના.