પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-4-2010, ગાંધીનગર
ભોજન પછી સ્વામીશ્રી પત્રવાંચન કરવા વિરાજ્યા. એ દરમ્યાન અમેરિકાથી મધુભાઈનો ફોન આવ્યો. સેવક સંત ફોન લઈને સ્વામીશ્રી પાસે ગયા.
મધુભાઈનો એકનો એક નવયુવાન સુપુત્ર અક્ષર અક્ષરનિવાસી થયો હતો. 1998માં બાયપાસ સર્જરી કરાવીને સ્વામીશ્રી વેસ્ટ ચેસ્ટરમાં ડૉ. મહેન્દ્રભાઈ અને તેઓના ભાઈ મધુભાઈ, અશોકભાઈ, ભરતભાઈના ઘરે નિવાસ કર્યો હતો. સ્વામીશ્રીના કહેવા પ્રમાણે ત્યારથી કુટુંબ જેવી આત્મીય ભાવના થઈ ગઈ હતી. મધુભાઈનો સુપુત્ર અક્ષર ન્યૂયોર્કમાં રહીને કૉલેજમાં ભણી રહ્યો હતો. ન્યૂયોર્કમાં મકાન રાખીને એકલા રહેતા એને પહેલેથી જ હૃદયમાં કાંઈક તકલીફ હતી અને અચાનક હાર્ટફેઇલ થતાં અક્ષરનિવાસી થયો હતો. એકના એક પુત્રના અક્ષરનિવાસના સમાચાર થોડાક દિવસ પહેલાં મધુભાઈ અને મહેન્દ્રભાઈએ સ્વામીશ્રીને આપ્યા ત્યારે સ્વામીશ્રી 10:30 વાગે પલંગ ઉપર પોઢેલા હતા. સમાચાર આપતી વખતે પણ આ સૌના શબ્દોમાં સ્વામીશ્રી પ્રત્યેની નિષ્ઠાનો રણકાર સાંભળી શકાતો હતો. એ વખતે પણ તેઓએ કહ્યું હતું કે ‘બાપા ! અક્ષર આપનો હતો અને આપે લઈ લીધો છે, એટલે અમને કોઈ જાતનું દુઃખ નથી. અમને પ્રતીતિ છે કે એ અક્ષરધામમાં જ બેસી ગયો છે.’ સ્વામીશ્રી પણ તેઓની નિષ્ઠા અને સમજણ જોઈને રાજી થયા હતા.
વળી, ત્યાંની કેટલીક અન્ય વ્યવસ્થાઓને કારણે અગ્નિસંસ્કારને વાર હતી. વચગાળાના દિવસોમાં તેઓએ પારાયણ કરાવી હતી. પારાયણમાં પણ રોજ મધુભાઈ પેંડાનો પ્રસાદ રાખતા હતા. મધુભાઈની જેમ જ તેઓનાં પત્નીની અદ્ભુત સમજણનો વિશેષ અનુભવ કાર્યકર્તાઓને થતો હતો. તેઓ પણ એટલાં જ સ્વસ્થ હતાં. વળી, આજે અક્ષરનો અગ્નિસંસ્કાર થયો ત્યારે ક્રીમીટોરિયમમાં આ પરિવારે એક વિશેષ સભા રાખી હતી. આ સભામાં સ્થાનિક સત્સંગીઓથી માંડીને તેઓનાં સંબંધીજનો પણ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા. અગ્નિસંસ્કાર પૂર્વે સભામાં આ સૌએ પ્રમુખસ્વામી મહારાજ જેવા ગુરુની પ્રાપ્તિના કેફ અને નિષ્ઠાની જ વાતો કરી. એટલું જ નહીં, જ્યારે અગ્નિદાહ માટે વીજળી સંચાલિત ભઠ્ઠીમાં અક્ષરનો દેહ ધકેલાઈ રહ્યો હતો એ વખતે ઊભા થઈને એમનાં મોટાં બહેને અક્ષરને જ સંબોધતાં વાત કરી : ‘અક્ષર ! મમ્મીએ કહેવડાવ્યું છે કે તારો કૉલેજમાં અભ્યાસ પૂરો થયા પછી અમારી જવાબદારી તરીકે તને ધામધૂમથી અમે પરણાવવાનાં હતાં, પરંતુ હવે એ વસ્તુ શક્ય નથી, પરંતુ અમારે મન તો એનાથી પણ આજે વિશેષ આનંદ છે કે તું આજે સાક્ષાત્ પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનને વરવા માટે જઈ રહ્યો છે. આનાથી મોટો આનંદ અને ઉત્સવ કયો હોઈ શકે ?’ એકદમ સ્વસ્થપણે આંખમાં આંસુ વગર અંતરની નિષ્ઠાથી તેઓનાં યુવાન બહેન બોલી રહ્યાં હતાં, ત્યારે ક્રીમીટોરિયમમાં ઉપસ્થિત તમામે તમામની આંખોમાં આંસુ હતાં. સૌને પેંડા વહેંચવામાં આવ્યા હતા, પણ પેંડા ખાવાનો કોઈને હોંશ ન હતો. સ્વસ્થ હતી ફક્ત ત્રણ જ વ્યક્તિઓ : મધુભાઈ, તેઓનાં પત્ની અને તેઓની દીકરી.
હરિભક્તોએ કરેલી આ વાતની જાણ સેવક સંતે સ્વામીશ્રીને કરી ત્યારે સ્વામીશ્રી પણ ગળગળા થઈ ગયા. તેઓનું મુખ પણ ભાવાર્દ્ર થઈ ગયું અને આંખના ખૂણા ભરાઈ આવ્યા. સ્વામીશ્રીએ ફોન હાથમાં લીધો, પણ થોડી ક્ષણો સુધી બોલી ન શક્યા.
મધુભાઈ વળી સ્વામીશ્રીને કહે : ‘બાપા ! અક્ષર અક્ષરનિવાસી થયો, પણ પાછળ કોઈ જ રડ્યું નથી, કોઈને દુઃખ નથી. અક્ષર અક્ષરધામમાં જ બેસી ગયો છે એ સમજણ રાખી છે અને આજે અક્ષરનો અગ્નિસંસ્કાર સારી રીતે થઈ ગયો. ઉત્સવ સારી રીતે થઈ ગયો.’
સ્વામીશ્રી કહે : ‘આપ બધામાં સત્સંગ છે અને પાકી સમજણ છે એટલે શાંતિ છે. અમે પણ કહીએ છીએ કે એ ધામમાં જ બેઠો છે. બધાને જ્ઞાન-સમજણની દૃઢતા છે અને વિશેષ થાય એ આશીર્વાદ છે.’
મધુભાઈ કહે : ‘આપનો પ્રેમ છે, અક્ષર રાજીપો લઈને ગયો, એવી રીતે અમે પણ આપનો પ્રેમ અને રાજીપો લઈએ એ આશીર્વાદ આપજો.’
સ્વામીશ્રી કહે : ‘તમારે ત્યાં બે મહિના રહ્યા એટલે કુટુંબના જેવી જ ભાવના થઈ ગઈ હતી.’
મધુભાઈ કહે : ‘આપની દયાથી અગ્નિસંસ્કાર સારી રીતે થઈ ગયો.’
આ સાંભળી ભાવાર્દ્ર વેણ સાથે સ્વામીશ્રી કહે : ‘ભગવાનના ભક્તના કોઈપણ પ્રસંગ એ ઉત્સવ જ હોય.’
Vachanamrut Gems
Gadhadã II-16:
Faith in God Encompasses Faith in Dharma
“… Therefore, faith in dharma naturally develops in one who possesses faith in God. However, if one maintains faith in dharma alone, then faith in God will decline. It is for this reason that one who is intelligent should certainly maintain resolute faith in God, since thereby faith in dharma will also remain firm.”
[Gadhadã II-16]