Essay Archives

શ્રીહરિએ રાતોરાત સભા ભરી અને ચારસોએ ચારસો સંતોને આદેશ દીધો કે રાત્રે જ સુરત જવા રવાના થઈ જજો. મુક્તાનંદ સ્વામીને શ્રીહરિ મળ્યા. ઘવાયેલા સ્વામીને જોઈને શ્રીહરિનાં નેત્ર ભીનાં થઈ ગયાં. બાજ કોઈ પંખીને પીંખે એવી દશા અસુરોએ કરી હતી. માર પડેલા ચાર સંતોને તથા મુક્તાનંદ સ્વામીને વૈદ્ય પાસે પાટાપિંડી કરાવી પડદે રાખ્યા, તેમની સેવામાં બે સાધુને મૂક્યા. બીજા સંતો સુરત ગયા.
મુક્તાનંદ સ્વામીની હાલત જોયા પછી શ્રીહરિની નીંદ ઊડી ગઈ હતી. કાલાતીત પુરુષોત્તમે આજે કાળને પડકાર્યો હતો. ભ્રૂકુટિભંગ કર્યો કે પૃથ્વીએ જાણે એક આંચકો લીધો! કરુણાનિધાને કહ્યું: ‘આજ બ્રહ્માંડ બોળવામાં મને સંકોચ થશે નહીં. અસુરોનું ચઢી વાગશે તો મુમુક્ષુતા મરી પરવારશે...’
વળી, શૂરા ભક્તોને કહ્યું: ‘આપણે સાધુતા રાખી ત્યારે અસુરોએ વધુ ત્રાસ કર્યો. મારા પ્રાણસમા સંતોને ઠેઠ સુરત મોકલવા પડ્યા. કાલે નરમેધ થશે. સૌએ ખમીર બતાવવાનું છે, યુદ્ધની રમત બતાવી દેવાની ...’
શ્રીહરિના એક-એક શબ્દે કાઠી ભક્તોનું લોહી ઊકળી રહ્યું હતું.
ચૌદશનો સૂર્ય ઊગ્યો. એની ટશરોમાં જાણે લોહી ટપકી રહ્યું હતું.
સુરો, સોમલો, એભલ, અલૈયો, માતરો, મામૈયો... એકે-એક કાઠી શૂરવીરોએ કમર કસી લીધી હતી.
‘મારો... કાપો...’નો નાદ કરતી સાતસો અસૂરોએ ખોખરાની બજાર ભરી દીધી. અફીણ અને દારૂના મદમાં ચકચૂર બનેલા આ અસુરો આજ બેકાબૂ બન્યા હતા.
ખોખરાના મુખીએ લોલંગરને રોક્યો અને કહ્યું: ‘સ્વામિનારાયણના સાધુઓને વગરવાંકે તમે માર્યા તોય તેમણે હલ્લો કર્યો નથી, હરફ ઉચ્ચાર્યો નથી, સહન કર્યું છે. તમે એમની સહનશીલતા-સાધુતાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છો, ભગવાન સાંખી નહીં લે. મારું માનો, લડવાનું મૂકી ભજન કરો. સમાજ તમને પોષે છે એ તમારી પાસેથી શું પામશે?’
લોલંગર આ સાંભળી તાડૂક્યો: ‘તૂ મુખિયા ક્યા સમજે? સ્વામિનારાયણ પાખંડી હૈં, આજ સમાજ કો દિખા દૂંગા, ઉનકા ભાંડા ફોડ દૂંગા... સૂબાજી ઔર સારી જનતા હમારે સાથ હૈ, તૂ હટ જા...’
એવામાં ‘ક્યા હૈ, ક્યા હૈ?’ કરતી જમગણ જેવી જમાત આવી અને મુખીને ઘેરી લીધા. આજીજીને અંતે એ માંડ છૂટ્યા!
ચીપિયા પછાડતાં, હુંકાર કરતાં, સૌએ નથુ ભટ્ટના ઘરને ઘેરી લીધું.
એ જ વખતે શ્રીહરિ કહે: ‘ચાલો, કાંકરિયે જવું છે.’
સોમલોખાચર કહે: ‘અરે પ્રભુ! આ જમાત ટાંપીને બેઠી છે. લાગ શોધે છે. હવે તો અમને તલવારની ધારે ખેલવા દ્યો, પછી જજો.’
અતીતમાં એક દૃષ્ટિ કરી શ્રીહરિ ઉચ્ચર્યા: ‘હશે, પ્રભુની જેવી મરજી, કાળનું ખપ્પર ધરીને ક્યારના શિવજી પણ ઊભા છે. માટે ખાંડાની ધારે ખેલી લો, રમો રમત ને કરો ફતેહ, આવો અવસર નહીં આવે. જય સ્વામિનારાયણ...’
‘જય સ્વામિનારાયણ...’

© 1999-2026 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS