Essays Archives

આત્માની ઉત્તમ અવસ્થાનો ઉપદેશ : માંડૂક્ય ઉપનિષદ

સ્વામિનારાયણ વેદાંત અંતર્ગત ઉપનિષદોની લેખ-શ્રેણીમાં આ અંકમાં એક સાથે બે ઉપનિષદોનો આસ્વાદ છે : માંડૂક્ય ઉપનિષદ અને ઐતરેય ઉપનિષદ. એકમાં આત્માની ઉત્તમ અવસ્થાનો ઉપદેશ છે, તો બીજામાં સૃષ્ટિના સર્વસ્વની ઓળખાણ છે. પહેલાં આસ્વાદ માણીએ માંડૂક્યનો અને ત્યારબાદ ઐતરેય ઉપનિષદનો.

માંડૂક્ય ઉપનિષદ : પરિચય

માંડૂક્ય ઉપનિષદ અથર્વવેદમાં સમાયેલું છે. અથર્વવેદની માંડૂક્ય નામની શાખામાં આ ઉપનિષદનો પાઠ થતો હોવાથી આ ઉપનિષદને 'માંડૂક્ય' એવી સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. આ ઉપનિષદ કદમાં અન્ય પ્રસિદ્ધ ઉપનિષદો કરતાં સૌથી નાનું છે. તેના મંત્રોની સંખ્યા ફક્ત ૧૨ જ છે. આ ૧૨ મંત્રો ૪ ખંડોમાં વહેંચાયેલા છે.

ઉપદેશ

પરબ્રહ્મની યથાર્થ ઉપાસના-ભક્તિ કરવી હોય તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું પડે, બ્રહ્મરૂપ થવું પડે. આ ઉપનિષદમાં આત્મજ્ઞાનનો અને આત્માને અક્ષરબ્રહ્મ સંગાથે એક કરી બ્રહ્મભાવ પ્રગટાવવાનો સરળ ઉપદેશ છે. આવો, એ ઉપદેશને જાણીએ.

આત્માની બ્રહ્મરૂપે વિભાવના - अयमात्मा ब्रह्म।

બ્રહ્મરૂપ થવા બ્રહ્મનો મહિમા જાણવો પડે. તેથી બ્રહ્મમહિમાના ઉદ્ગાનથી જ આ ઉપનિષદનાં શ્રીગણેશ થાય છે. 'ॐ इत्येतदक्षरमिदं सर्वम्।' (માંડૂક્ય ઉપનિષદ - ૧/૧) 'ॐ શબ્દથી જેની કીર્તિ ગવાય છે, તેવું આ અક્ષર સર્વમાં વ્યાપી રહ્યું છે.' ફરી આ જ વાત અક્ષર શબ્દના સ્થાને બ્રહ્મ શબ્દ પ્રયોજી કરે છે. 'सर्वं ह्येतद् ब्रह्म।' (માંડૂક્ય ઉપનિષદ - ૧/૨) 'આ બધું જ અક્ષરબ્રહ્મમય છે.'

આમ અક્ષરબ્રહ્મની સર્વવ્યાપિતા કહી. આમ કહેવાનો મૂળ હેતુ તો બ્રહ્મદૃષ્ટિ ઘૂંટાવવાનો છે. 'सर्वम्' એટલે બધું. જો બધું જ બ્રહ્મમય છે, તો 'सर्वम्'ની અંતર્ગત તો આ મારો આત્મા પણ આવી જાય. તેથી મારો આત્મા પણ બ્રહ્મમય છે, બ્રહ્મરૂપ છે, અક્ષરરૂપ છે. સાધના માર્ગનો આ ઉચ્ચ આધ્યાત્મિક સિદ્ધાંત છે. હવે આ જ સિદ્ધાંતને ફરી સ્પષ્ટ શબ્દોમાં ઉદ્ઘાટિત કરે છે. 'अयमात्मा ब्रह्म।' (માંડૂક્ય ઉપનિષદ-૧/૨) 'આ જીવાત્મા અક્ષરબ્રહ્મરૂપ છે.'

આમ, આત્માની બ્રહ્મરૂપે વિભાવના કરવાનું પ્રતિપાદન થયું. હવે આ બ્રહ્મવિભાવના આપણા સૌમાં સરળતાથી પ્રગટી શકે તે માટે અહીં સુંદર રીત અપનાવી છે. આત્માની બ્રહ્મરૂપે વિભાવના કરવી એટલે પ્રથમ તો એને ત્રણ દેહ અને ત્રણ અવસ્થાઓથી જુદો સમજવો. દેહ અને અવસ્થાઓ એ તો આત્માને વળગેલાં બંધનો છે. આ ઉપનિષદમાં 'હું ત્રણ અવસ્થાઓથી જુદો છુ _, બ્રહ્મરૂપ છુ _' એ રીતે પોતાના આત્માનું અનુસંધાન કરવાનો મુખ્ય આદેશ છે. 'હું ત્રણ અવસ્થાથી જુદો છુ _' એ સમજવા પ્રથમ તો ત્રણ અવસ્થાને જાણવી પડે. એમ જાણે તો જ પછી એ ત્રણ અવસ્થાથી પર એવા જીવાત્મામાં બ્રહ્મની વિભાવના શક્ય બને. તેથી આ ઉપનિષદમાં પ્રથમ જીવાત્માની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાઓનું વર્ણન કર્યું અને ત્યાર પછી એ ત્રણ અવસ્થાથી પર પરિશુદ્ધ જીવાત્માની ચોથી અવસ્થા બ્રહ્મીસ્થિતિનું વર્ણન કર્યું છે. આમ અહીં 'सोऽयमात्मा चतुष्पात्।' (માંડૂક્ય ઉપનિષદ-૨/૧) એવા શબ્દો દ્વારા જીવાત્માને ચાર પાદવાળો અર્થાત્ ચાર અવસ્થાવાળો કહ્યો છે.

આવો, એ અવસ્થાઓને જાણીએ.

પ્રથમપાદ : જાગ્રત અવસ્થા – जागरितस्थानो बहिष्प्रज्ञः।

પ્રથમ જાગ્રત અવસ્થાનું વર્ણન કરે છે. 'जागरितस्थानो बहिष्प्रज्ञः सप्तांग एकोनविंशतिमुखः स्थूलभुग् वैश्वानरः प्रथमः पादः।' (માંડૂક્ય ઉપનિષદ-૨/૧) ભાવાર્થ એવો છે કે આ જીવાત્મા જ્યારે 'बहिः' એટલે કે બહાર રહેલાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે વિષયોને 'प्रज्ञः' કહેતાં સારી રીતે જાણતો હોય, ત્યારે તેની જાગ્રત અવસ્થા કહેવાય. આ જાગ્રત અવસ્થામાં જીવાત્મા 'एकोन-विंशतिमुखः स्थूलभुग्।' હોય છે. અર્થાત્ તે નેત્ર, શ્રોત્ર વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયો; હાથ, પગ વગેરે પાંચ કર્મેન્દ્રિયો; પ્રાણ, અપાન વગેરે પાંચ પ્રાણ તથા મન, બુદ્ધિ વગેરે ચાર અન્તઃકરણો, એમ ૧૯ સાધનોનો મુખ્યપણે ઉપયોગ કરી વિવિધ પ્રકારના ભોગોને ભોગવતો હોય છે. જેમ કે જાગતાં આપણે આંખથી જોવું, કાનથી સાંભળવું, પગથી ચાલવું, હાથથી કોઈ ક્રિયા કરવી વગેરે સભાનપણે જે કાંઈ કરીએ છીએ તે આપણી જાગ્રત અવસ્થાની ક્રિયાઓ છે. આ અવસ્થામાં આપણને આપણા સ્થૂળ શરીરનું પૂરેપૂરું ભાન રહે છે. વળી, જાગ્રત અવસ્થામાં 'વિશ્વ' કહેતાં બધા જ બાહ્ય વિષયોને ભોગવવાની યોગ્યતા ધરાવતો હોવાથી આ જીવાત્માને આ ઉપનિષદમાં 'वैश्वानरः' કહ્યો છે. અને તેથી જ તેને 'વિશ્વ' અથવા તો 'વિશ્વાભિમાની' જેવી વિશિષ્ટ સંજ્ઞાઓથી ઓળખવામાં આવે છે.

આ રીતે સ્થૂળદેહ સાથે જોડાયેલી જાગ્રત અવસ્થાનું પ્રથમ પાદરૂપે વર્ણન કર્યું. હવે દ્વિતીય પાદ કહે છે.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS