સ્વામિનારાયણને જીવતા પકડવા કે મોતને ઘાટ ઉતારવા - બેમાંથી કંઈ પણ કરી છૂટવા સૂબા વિઠ્ઠલરાવ બાલાજીએ છૂટો દોર આપ્યો હતો. એકેય કારી ફાવતી નથી.
એવામાં ‘ધબાક’ અવાજ સાથે એક જુવાને ઘોડીનું પેંગડું છાંડ્યું. સૌના હોકા હાથમાં રહી ગયા ને નજર એ બાજુ મંડાઈ ગઈ.
એ હતો શક્તિપંથી બ્રાહ્મણ. બધાં લક્ષણે પૂરો. લોલંગરે એને મોટી લાલચ આપીને શ્રીજીમહારાજને મારી નાખવા મોકલ્યો હતો, પણ કરુણા-ભીનાની કરુણા વરસી ગઈ! એને જીવતો જવા દીધો હતો.
એ અમદાવાદ તરફ ભાગતો આવ્યો, ને લોલંગરની જમાતમાં જઈ શ્વાસ લીધો. બાવાઓને કહ્યું: ‘સ્વામિનારાયણને પકડવા, મારવા કે જીવ લેવો એ કાર્ય એક માણસથી બને એવું નથી.’
આ સાંભળી લોલંગર ને બધા બીજી યુક્તિઓ શોધવા લાગ્યા.
તેની પાસેથી પૂરી વાત સાંભળીને લોલંગર વધુ ધૂંધવાયો. ‘ધત્ તેરી...’ કરતો દાંત કચકચાવતો એ ઊભો થઈ ગયો.
જેતલપુરથી શ્રીહરિ અમદાવાદ પધાર્યા છે. સાથે સૌમ્ય સંતોનાં મંડળો છે. કાઠીઓની રાંગમાં ઘોડાં ઠમકી રહ્યાં છે. સૌ કાંકરિયા તળાવ કાંઠે વનરાજિમાં ઊતર્યા છે. 1865ની સંવત છે.
વૈશાખની લૂ વાય છે. હરિવર રોજ માણકીએ ચઢી સંતોના આવાસમાં પધારતા. કથા-ગોષ્ઠિ કરતા. સરોવરમાં નાહવા ઊતરતા. જળક્રીડા કરતા. શ્રીહરિએ વૈશાખ વદ એકાદશીના ફરાળ માટે દસ મણ પેંડા મંગાવ્યા અને વહાલા સંતોને ખૂબ પીરસી જમાડ્યા. પાર્ષદો-ભક્તોને પણ પ્રસાદ આપ્યો. આમ, સંતોને જમાડી તૃપ્તિ અનુભવતા અંતર્યામીએ એક વેણ ઉચ્ચાર્યું: ‘આજે આપણો યજ્ઞ થઈ ગયો, હવે નરમેધ થશે...’
નરમેધ એટલે તો માણસ હોમાય તે. મરમાળાના માર્મિક વેણે કાઠી દરબારોને વધુ સાવધ કરી દીધા.
‘સ્વામિનારાયણ કાંકરિયે ઊતર્યા છે’ - એવી ખબર પડતાં લોલંગરની ચારસો અસૂરોની સેનાએ કાંકરિયે આવી પડાવ નાખ્યો. એ સૌએ તલવાર, બરછી, ભાલા, ત્રિશૂળ, જમૈયા, મુદ્ગર જેવાં હથિયાર ધારણ કર્યાં હતાં. કેટલાકની કમર પર લોઢાની સાંકળો રહી ગઈ છે: સિંદૂર આંજ્યો હોય એવી રાતીચોળ આંખો છે: રુદ્રાક્ષની ત્રેવડી-ચોવડી મોટી માળાઓ ગળામાં ઝૂલતી આવે છે: હાલતાંય હોકાની નાળ્યું મોંઢે વળગી ગઈ છે. ઘડી વારમાં તો ‘હર ભોલે... ભરમ ખોલે...’ના નાદ સાથે ધુમાડાના ગોટે ગોટાએ ગગન ભરી દીધું.
કાંકરિયે ઠેર ઠેર તંબુઓ ઊભા કરી દીધા. કોઈ સ્વામિનારાયણનો મુંડિયો હાથમાં આવે તો પીંખી નાખીએ - એવો મનસૂબો એકેએકના મન પર સવાર થઈ ગયો.
મનમાની અનીતિમાં રાચતા આ અસુરોને જોઈ કર્ણાવતીની પ્રજા ભય પામી ગઈ. કોઈએ પૂછ્યું તો જવાબ મળ્યો કે ‘સ્વામિનારાયણ કા જગન હો રહા હૈ ઉસકા નિમંત્રણ હૈ.’
લોકો એ જમગણ જેવી જમાતને જોઈ તોબા પોકારવા લાગ્યા ને મનોમન શ્રીહરિને કહેવા લાગ્યા કે ‘અરે પ્રભુ! આ લફંગાને શીદ આમંત્રણ આપ્યું? ક્યાં આપના સૌમ્ય શીલવંતા સાધુઓ અને ક્યાં આ લેભાગુઓ!’
એવામાં ખોખરે ભિક્ષા માગીને ઝોળી લઈ ચાલ્યા આવતા શ્રીહરિના ચાર પરમહંસો - યોગાનંદ, ચિદ્રૂપાનંદ, કલ્યાણાનંદ અને અરિહંત્રાનંદને આ અસૂરોએ જોયા.
અને બળપૂર્વક ઝોળીઓ છીનવી લીધી ને કોઈ ન દેખે તેમ એમના તંબુઓમાં લઈ ગયા. સંતોના હાથ-પગ બાંધી દીધા ને ઢોરમાર મારવા લાગ્યા. સંતો મૂર્છિત થઈ ગયા. બધાનાં શરીર લોહીથી ખરડાઈ ગયાં હતાં. શ્રીહરિએ સંતોને ક્ષમાનું ખડગ અને ધીરજની ઢાલ બંધાવી હતી. શ્રીહરિની આજ્ઞા હતી એટલે આ નિર્દય અસૂરો સામે એક હરફ ઉચ્ચાર્યો નહીં!