Essay Archives

પ્રખર વિદ્વાન, ભારતના બંધારણના ઘડવૈયા અને મહાન રાજનીતિજ્ઞ કનૈયાલાલ મુનશી ભગવાન સ્વામિનારાયણના આગમનને આ રીતે નોંધે છેઃ ભગવાન સ્વામિનારાયણે ‘પોતાના જીવન અને કાર્યથી ગુજરાતના સંસ્કારઘડતરમાં નવો પ્રકાશ પાથર્યો.’
ગુજરાતના સાક્ષર યશવંત શુક્લ લખે છેઃ  ‘જ્યાં અનિશ્ચિતતા હતી, અંધાધૂંધી હતી, અવ્યવસ્થા હતી, ત્યાં આવી તેમણે 30 વર્ષ કાર્ય કર્યું... અને પોતે એક યુગસર્જક બની ગયા.’
અને કવીશ્વર ન્હાનાલાલના શબ્દોમાં કહીએ તો ‘મહાપુરુષો સંસારને સંજીવની છાંટે છે. સ્વામિનારાયણે આપણા ગુજરાતના સંસારને સંજીવની છાંટી સજીવન કીધો હતો.’ સ્વામિનારાયણે શું કર્યું ? એ ઇતિહાસ પ્રશ્નનો ઉત્તર એક જ સૂત્રમાં પૂછો તો એટલો જ છે કે શ્રીજીમહારાજે ગુજરાતને સરયૂનીરથી ધોઈ બ્રહ્મભીનો કીધો. નવ યુગના પ્રભાતના સ્વામિનારાયણ પ્રભાતસૂર્ય હતા.’
ગુજરાતના ક્રાંતિકારી લેખક ઈશ્વર પેટલીકરે તત્કાલીન સમાજ સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં લખ્યું છેઃ ‘49 વર્ષની ઉંમરે લીલા સંકેલી લેનાર શ્રી સ્વામિનારાયણે લાગલગાટ 30 વર્ષ એ કાળનો સર્વક્ષેત્રનો અંધકાર ઉલેચાય તેટલો ઉલેચીને પ્રકાશ પાથરવા સતત ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પરિભ્રમણ કર્યે રાખ્યું હતું. આમ, શ્રી સ્વામિનારાયણે નવયુગના પ્રભાત-સૂર્યનો પ્રકાશ પાથરવાનું ગુજરાતમાં અવતાર-કાર્ય કર્યું છે. આધુનિક ગુજરાતના એ પહેલા જ્યોતિર્ધર.’
ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં જ સન 1823માં લંડનથી પ્રકાશિત થયેલ ‘એશિયાટિક જર્નલ’માં, શ્રીહરિએ કરેલાં આમૂલ પરિવર્તનોની નોંધ લેતાં લખ્યું છેઃ
‘In his life time, the most intelligent people in the province, while they regretted (as Hindus) the levelling nature of his system, acknowledged their belief that his preaching had produced great effect in improving the morals of the people.’
અર્થાત્ પ્રાંતના શ્રેષ્ઠ બુદ્ધિશાળી માણસો માને છે કે શ્રી સ્વામિનારાયણના ઉપદેશે લોકોની નૈતિકતાને સુધારવામાં ખૂબ મહાન અસર પાડી છે. અને રિપોર્ટર અંતે ઉમેરે છે કે ‘My own intercourse with natives leads me to form the same opinion.’  મતલબ કે મારો પોતાનો સ્થાનિક દેશવાસીઓ સાથેનો અનુભવ-વાર્તાલાપ પણ મને એ જ અભિપ્રાય બાંધવા પ્રેરે છે.’
એ અંધકારયુગમાં કલ્યાણનો શંખ ફૂંકનાર ભગવાન સ્વામિનારાયણે, માત્ર ત્રણ જ દસકામાં પોતાના કલ્યાણકાર્યનો જે અનરાધાર અમૃતમેહ વરસાવ્યો હતો, એના અનેક આયામોને આવરી લેતાં પ્રખર ગાંધીવાદી ચિંતક અને લેખક કિશોરલાલ મશરૂવાળા લખે છેઃ ‘પોતાના પ્રકાશથી અનેકનાં હૃદયોને પ્રકાશ પમાડનાર, અનેકનાં ચિત્તનું આકર્ષણ કરી તેમને ગુરુવચને ચૂરેચૂરા થઈ જાય તેવા સ્વવશ કરી મૂકનાર, અનેકની ચૌર્યવૃત્તિઓને ચોરી લેનાર, લુપ્ત થયેલા બ્રહ્મચર્યાશ્રમને પુનઃ સ્થાપનાર, નિરંકુશ અને સ્વચ્છંદી બનેલા ત્યાગાશ્રમને ઉજ્જ્વલ કરનાર, પતિત થયેલા ગુરુઓ અને આચાર્યો માટે સંયમનો આદર્શ બેસાડનાર, સ્ત્રીઓને સમાજ તથા સંપ્રદાયમાં ચોક્કસ સ્થાન આપી તેમની ઉન્નતિ કરનાર, શૂદ્રોને આચારશુદ્ધિ શીખવનાર, સાહિત્ય-સંગીત તથા કલાના પોષક, અહિંસામય યજ્ઞના પ્રવર્તક, ક્ષમાધર્મના ઉપદેશક, શૌચ અને સદાચારના સંસ્થાપક, શુદ્ધ ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગના ચાલક, ભાગવત ધર્મના શિક્ષક તથા વ્યાસ સિદ્ધાંતના બોધક એવા સહજાનંદ સ્વામી હતા.’
એ સમયના પ્રખર ઇતિહાસવિદ્ અને પ્રસિદ્ધ બ્રિટિશ લેખક હેન્રી જ્યોર્જ બ્રિગ્સે ભગવાન સ્વામિનારાયણે આણેલી આમૂલ શાંતિના વાતાવરણને ગુજરાતમાં માણ્યું ત્યારે દંગ થઈ જતાં લખ્યું:
‘While the present undisturbed state of the country compared to its condition previously will speak volumes for him.’
અર્થાત્ અગાઉની પરિસ્થિતિની સરખામણીએ, રાજ્યનું હાલનું શાંત વાતાવરણ ભગવાન સ્વામિનારાયણ માટે ગ્રંથોના ગ્રંથો રચશે.’
આવા પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણને ઉચિત અંજલિ આપવાનું મહાન કાર્ય છેલ્લાં 200 વર્ષમાં ગુણાતીત સત્પુરુષો અને અન્ય અનેક ભક્તો-ભાવિકોએ કર્યું છે. પરંતુ એ બધામાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ એક અજોડ અને અદ્વિતીય રહ્યા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના એ દિવ્ય જીવન, તેમણે આપેલા વૈદિક સંદેશ અને સમાજમાં સદાચાર પ્રવર્તનના તેમના કાર્યને વિશ્વભરમાં પ્રસરાવવા માટે પ્રમુખસ્વામી મહારાજે પોતાનું સમસ્ત જીવન સમર્પિત કરી દીધું હતું. તેમણે કેવાં વિરાટ કાર્યોની એક અતૂટ શૃંખલા રચી દીધી! તેઓએ ભગવાન સ્વામિનારાયણના દ્વિશતાબ્દી મહોત્સવની પંચવર્ષીય શાનદાર ઉજવણી કરી સ્વામિનારાયણ નામનો ડંકો મારી દીધો, દિલ્હી કે ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ અને વિશ્વભરમાં 1200થી વધુ મંદિરોનાં સર્જન કરીને ભગવાન સ્વામિનારાયણને જગપ્રસિદ્ધ કર્યા, આઈમેક્સ ફિલ્મના નિર્માણ દ્વારા વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ અને ભગવાન સ્વામિનારાયણનો સંદેશ ગૂંજાવ્યો, એનિમેશન ફિલ્મ દ્વારા લાખો લોકોમાં સ્વામિનારાયણીય ગાથા પ્રસરાવી, વિપુલ સાહિત્ય સર્જન દ્વારા વિદ્વાનોથી લઈને આમ આદમી સુધી સ્વામિનારાયણીય ચરિત્રમાળા પહોંચાડી, ઠેર ઠેર સ્વામિનારાયણીય પ્રદર્શનો રચ્યાં, ભગવાન સ્વામિનારાયણના મૌલિક તત્ત્વજ્ઞાનને જગપ્રસિદ્ધ કરવા સ્વામિનારાયણ પ્રસ્થાનત્રયી ભાષ્યો અને વાદગ્રંથ રચાવ્યા, ઇંગ્લેન્ડ-અમેરિકાથી માંડીને અનેક દેશોમાં વિરાટપાયે સાંસ્કૃતિક મહોત્સવો યોજ્યા, કરોડો લોકોમાં વ્યસનમુક્તિ અને સદાચારનું આંદોલન જગાવ્યું, લોકસેવાનાં તમામ ક્ષેત્રોમાં ભગવાન સ્વામિનારાયણના પગલે પગલે ચાલીને અનન્ય સેવાકાર્યો કર્યાં, અને આવાં અનેક કાર્યો કરીને ભગવાન સ્વામિનારાયણનો જયઘોષ તેમજ સનાતન ધર્મ - ભારતીય સંસ્કૃતિનો ઉદ્ઘોષ કર્યો.
પરંતુ પ્રમુખસ્વામી મહારાજની વિશેષતા એ હતી કે આ બધું કાર્ય તેમણે ભગવાન સ્વામિનારાયણના એક કિંકર કે દાસ કે ભક્ત તરીકે કર્યું. લાખો લોકોએ દિવ્ય અનુભવોને કારણે તેમને ક્યારેક ભાવાવેશમાં સાક્ષાત્ ભગવાન તરીકે સંબોધ્યા, ક્યારેક તેમના ચરણ ધોવાની માંગણી કરી, ક્યારેક તેમને ભગવાનના સ્થાને બેસાડવા આગ્રહ કર્યો, પરંતુ પ્રમુખસ્વામી મહારાજે ક્યારેય એ થવા ન દીધું. એમણે હંમેશાં પોતાની જાતને ભગવાન સ્વામિનારાયણના એક સેવક તરીકે જ ગણાવી. એટલું જ નહીં, તેઓ ખરા અર્થમાં પળેપળ એક સાચા સેવક, ખરા ભક્ત, અદના દાસ કે કિંકર બનીને જીવ્યા. ભગવાન સ્વામિનારાયણની ચલમૂર્તિ શ્રીહરિકૃષ્ણ મહારાજ એ જાણે એમનો પ્રાણ. એમને અર્પણ કર્યા વિનાની પુષ્પની પાંદડી કે જળનું ટીપુંય એમને ન ખપે. જીવનભરની અનેક સિદ્ધિઓનો યશ એમણે એક દાસ તરીકે ભગવાનનાં ચરણે અર્પણ કરી દીધો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોડ્ર્સનાં બહુમાનોથી માંડીને તેમને મળેલાં અનેક સન્માનો તેમણે ભગવાનને અર્પી દીધાં અને એ સન્માનના હકદાર પોતે નહીં, પણ ભગવાન છે - એમ હૃદયપૂર્વક માનતા રહ્યા. ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રાગટ્ય તિથિએ, ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની એમની એ અનન્ય દાસત્વ ભક્તિનું હૃદયમાં સ્મરણ થાય છે. અહીં એવા કેટલાક પ્રસંગોની સ્મૃતિઓ કરીને તેમના ચરણે પ્રણિપાત કરીએ...
 

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS