Essay Archives

અને એ લંગડા મીર પર શ્રીહરિ વારી ગયા...

નિર્દંભપણાથી રાજીપો...

 
ભગવાન સ્વામિનારાયણને ભક્તના અનેક ગુણોમાં કોઈ એક ગુણ અત્યંત પ્રિય હોય, તો તે છે ‘નિર્દંભપણું’ તેઓ કહે છે : ‘જે કોઈ બાઈ - ભાઈ હોય ને તેની કોરનું એમ મારે જાણ્યામાં આવે જે, ‘આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભકિત કરે છે... તો તેને દેખીને મન રાજી ન થાય ને તેની સાથે સુવાણ્ય પણ ન થાય ને જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય તેને દેખીને જ મન રાજી થાય ને તેની સાથે જ સુવાણ્ય થાય.’
નિર્દંભ અને નિષ્કપટ ભક્ત પર શ્રીહરિનો કેવો રાજીપો વરસતો હતો, તેની એક પ્રેરક વાત...       
‘એય લંગડા ! વાંઢો રહી જઈશ. નાતમાં રહેવું છે કે પછી...?’ મીર જ્ઞાતિના મોવડીએ સત્તાના જોરે ત્રાડ પાડી.
‘ખુદાતાલાની મરજી હશે તેમ થશે. અને નહીં પરણું તો એમાં પણ સ્વામિનારાયણ ખુદાતાલાની કંઈક રહેમ હશે. બાકી હું તો ત્યાં જવાનો.’
‘હા, ભઈ ! હા, જા. તને સ્વામિનારાયણ મોટી પાઘ બંધાવશે, સરપાવ આપશે. જા ઝટ જા.’ બીજા કોઈકે કહ્યું :
‘મારે કોઈ એવી લાલચ નથી. એ ખુદા છે, એટલું જ મારે મન બસ છે. મારા પર મીઠી નજર તો કરશે ને !’
અને એ લંગડો મીર દરબાર ગગાભાઈની સાથે તેમના જ ઘોડા ઉપર પોતાનાં ત્રાસાં લઈને જૂનાગઢ પહોંચી ગયો.
વાત છે સં. 1884ના વૈશાખની. જૂનાગઢ એટલે સોરઠની શાન, સિદ્ધોનું સ્થાન. આ એૈતિહાસિક શહેરમાં સ્વામિનારાયણ મંદિર મુગટમાં મણિની જેમ શોભી રહ્યું છે. પ્રતિષ્ઠાની કંકોતરીઓ લખાઈ ગઈ છે. મુહૂર્ત છે વૈશાખ વદ બીજનું. ભક્તોનાં મનમાં હતું કે આ પ્રસંગે શ્રીહરિની અપૂર્વ સવારી રાજમાર્ગો પરથી નીકળવી જોઈએ. સવારીનો રંગ તો જ જામે જો મીરોના(એક મુસ્લિમ જમાતના) હાથે ત્રાંબાળાં ગડગડે. પણ, વિઘ્નો વિના સફળતા ક્યાં મળે છે ?
જૂનાગઢની દીવાની તો નાગરોના હાથમાં હતી. દ્વેષી નાગર અમલદારોનો ‘વટહુકમ’ મીરોની જમાતો-ગામોમાં વહેતો થયો : કોઈ મીરે સ્વામિનારાયણની સવારીમાં જવું નહીં. ને ‘જાકારો’ મળતો ગયો. વિઘ્નોનાં વાવાઝોડાંમાં ભક્તોના મનસૂબા મૃતપ્રાય થવા લાગ્યા.
છેવટે દરબાર ગગાભાઈ જૂનાગઢથી એક-બે ગાઉ દૂર મઘરિયે કસબે ગયા. જમીનની જાજમ ને આકાશની ઓઢણી. આવી પરિસ્થિતિ આ કસબાના મીરોની હતી. દરબારે મીરોને ખૂબ વીનવ્યા, મનાવ્યા. રોજની જેમ આજનો સૂરજ પણ ‘વટહુકમ’ના જાકારા સાથે આથમવાની તૈયારી કરતો હતો. ત્યાં જ એક લંગડા મીરના અંતરમાં પ્રેરણાનો પ્રકાશ થયો. ભીતરનો નાદ જાણે એવો આવતો હતો કે તું જા અને ત્રાસું વગાડ.
બસ, અંતરના એ અવાજની ઓથે મીર ખોડંગાતો ઊભો થયો ને સૌના વિરોધ વચ્ચે એ દરબાર ગગાભાઈ સાથે જૂનાગઢ આવી ગયો છે. જૂનાગઢના રાજમાર્ગ પર સવારી શોભી રહી છે. તાલ અને સૂરમાં ટણણણન્‌ તન્‌ ધન્‌ ધણણણન્‌ ઢીંબાગ...ના બુલંદ નાદ સાથે એકલો લંગડો મીર સવારીના મોખરે બેઉ હાથમાં દાંડી લઈ એવું ત્રાસું વગાડે છે કે જાણે એક સાથે એકાવન ત્રાસાં ગડેડી રહ્યાં ન હોય ! મીર વાતાવરણને અલગ ઓપ આપી રહ્યો છે. જૂનાગઢની શેરીઓ આજે શ્રીહરિને નીરખવા, વધાવવા અધીરી બની છે. માણકી ઘોડી બાજી, લંગૂરી, ઠેંક, કમાલ જેવી ચાલ બદલતી અનેકનાં અંતરને આકર્ષે છે. અને શું એ મનમોહનના મુખની લાવણતા ! શબ્દાતીત ! અને એવામાં મરમાળાની ને મીરની ચાર આંખો એક થઈ. મુખના મરકલડે, પાંપણના પલકારે પ્રભુએ આ લંગડા મીરને ઝકડીને બાંધી લીધો.
‘ઓહ પરવર દિગાર ! શું તમારું રૂપ છે ! શું આંખોમાં તેજ છે ! બસ, પીતો જ રહું, એ અમીમાં સ્નાન કરતો જ રહું...’ મીરનું હૈયું શબ્દો દ્વારા છલકી પડ્યું.
સવારી મંદિર પાસે વિરમી. વિરોધીઓના વંટોળો વરાળ બની ઊડી ગયા. સર્વત્ર ‘સહજાનંદ સ્વામી મહારાજ’નો જય જયકાર થઈ રહ્યો છે. મહારાજે નાજા જોગિયાને કહી મીરને દરબારમાં બોલાવ્યો. પ્રભુને આજે પ્રેમનાં પૂર વહાવવાં હતાં. મીર આવ્યો તે સાથે જ શ્રીહરિએ સૌનાં આશ્ચર્ય વચ્ચે પોતે ધારણ કરેલી સોનેરી તારવાળી કીમતી પાઘ મહારાજે જાતે એના માથે મૂકી દીધી ! સેવકો, કાઠી-દરબારો ‘હાં..હાં...’ કરતા રહ્યા ને દીનાનાથ એક ઊતરતી જાતિના, ગરીબ મુસ્લિમને પોતાની કરુણાથી દીપાવી રહ્યા, કહેવા લાગ્યા :
‘મીર ! તારા પર અમારી પ્રસન્નતા આજ વરસી ગઈ, કારણ કે તેં લોકલાજ, નાતની લાજ અને દીવાનની દબાવણી બધાનો ત્યાગ કરી ત્રાસાં વગાડ્યાં છે ! ધન્ય છે તને !’ એટલું બોલતાં જ અંતર્યામી શ્રીહરિની આંખોના ખૂણા ભીંજાઈ ગયા.
સ્વામિનારાયણ ખુદાતાલાનો આવો રાજીપો જોઈ મીર પણ ગદ્‌ગદિત થઈ ગયો. તેના હૈયે ભક્તિનાં પૂર ઊમટ્યાં અને અંતર ઉઘાડું કરવાની ઉત્તમ તક જોઈ, મહારાજનાં ચરણોમાં પડી મીર બોલ્યો, ‘યા અલ્લા પરવર દિગાર ! નિગાહ રખજો. આપ તો સાક્ષાત્‌ ખુદા છો એટલે બધું જાણો છો... છતાં કહું છું કે બાઈઓને જોઈને મારા દિલમાં ભૂંડો વિચાર થયો હશે પણ મહારાજ ! હજુ સુધી હું દેહે કરીને ભ્રષ્ટ નથી થયો. મારી આટલી મુરાદ સુણજો પ્રભુ !’  એક પરધર્મી માણસ શ્રીહરિ સમક્ષ પોતામાં રહેલા વિકારોનો નિર્દંભપણે એકરાર કરે છે. તેને હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ સ્વામિનારાયણ ખુદાતાલા જ મને નિર્વિકારી કરી શકે એમ છે. અને લોકનો, સમાજનો થઈશ તો ભગવાનનો નહીં થઈ શકું. બસ ! શ્રીહરિને આટલું જ જોઈતું હતું. મીરનો આવો નિષ્કપટભાવ, નિર્દંભપણું જોઈ અલબેલો અઢળક ઢળી પડ્યા...
શ્રીહરિને થયું કે આને હું શું આપી દઉં ? એ વિચારમાં ને વિચારમાં મહારાજ તેને પ્રસન્નતાથી ભેટી પડ્યા. શ્રીજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, ‘મીર ! હવે તને એવા ભૂંડા ઘાટ પણ નહીં થાય અને તારા અંતકાળે અમે હાજર થઈશું, અક્ષરધામમાં તેડી જઈશું.’ મીર આજે અમર થઈ ગયો...!   

મર્મચિંતન

ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા મધ્ય 39માં કહે છે કે ‘જે કોઈ બાઈ - ભાઈ હોય ને તેની કોરનું એમ મારે જાણ્યામાં આવે જે,‘ આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભકિત કરે છે પણ એ સાચો ભગવાનનો ભક્ત નથી’ તો તેને દેખીને  મન રાજી ન થાય ને તેની સાથે સુવાણ્ય પણ ન થાય ને જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય તેને દેખીને જ મન રાજી થાય ને તેની સાથે જ સુવાણ્ય થાય.’
વળી, સ્વયંપ્રકાશાનંદ સ્વામી શ્રીજીમહારાજને વચનામૃત ગઢડા મધ્ય 25માં પ્રશ્ન પૂછે છે કે ‘હે મહારાજ ! જેણે કરીને ભગવાન અતિશય રાજી થાય એવું કયું સાધન છે ?’
આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીજીમહારાજ જણાવે છે : ‘જ્યારે ઘરમાં એક મણ અન્ન મળતું હોય ને ત્યારે જેવી સંતની ઉપર પ્રીતિ હોય ને જેવું દીનપણું હોય અને પછી તેને એક ગામનું રાજ્ય આવે, અથવા પાંચ ગામનું રાજ્ય આવે, અથવા પચાસ ગામનું રાજ્ય આવે, અથવા સો ગામનું રાજ્ય આવે, અથવા સર્વે પૃથ્વીનું રાજ્ય આવે તો પણ સંતની આગળ જેવો કંગાલ હતો ને દીન આધીન રહેતો તેવો ને તેવો જ પ્રીતિએ યુક્ત થકો દીન આધીન રહે. તેમજ ઇંદ્રલોક તથા બ્રહ્મલોકનું રાજ્ય પામે તો પણ સંતની આગળ તેવો ને તેવો જ દીન આધીન રહે અને ત્યાગી હોય ને તે જેવો પ્રથમ ગરીબ હોય ને જેવી સૌ સંતની ટેલચાકરી કરતો હોય તેવી ને તેવી જ પોતામાં ભગવાન જેવા ઐશ્વર્ય આવે તો પણ કરતો રહે પણ સાધુ સાથે પિતરાઈદાવો બાંધે નહીં ને બરોબરિયાપણું કરે નહિ એવાં જેનાં લક્ષણ હોય તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે.’
શ્રીજીમહારાજના વચન પરથી જણાય છે કે નાનામાં નાના ભકત આગળ પણ દીનતાથી જે નિર્દંભપણે વર્તે તે તેઓને ગમતી વાત છે.
વચનામૃત ગઢડા અંત્ય 26માં પણ આવી જ વાત કરતાં શ્રીજીમહારાજ કહે છે કે ‘અમને દંભ ન ગમે. તે દંભ તે શું ? તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ અને ધર્મ તે થોડા હોય ને બીજા આગળ પોતાની મોટ્યપ વધાર્યા સારુ ઉપરથી તો તેને બહુ જણાવે તે ન ગમે.’
બોટાદના શિવલાલ શેઠ ગુણાતીતાનંદ સ્વામીના પરમ કૃપાપાત્ર બન્યા તેનું રહસ્ય પણ આ જ હતું. તેઓ સમાજમાં એક લબ્ધપ્રતિષ્ઠ વ્યક્તિ હતા. સત્સંગમાં પણ મોટેરા હતા, ધનાઢ્ય હતા. શહેરના નગરશેઠ હતા. છતાં તેઓને સોપારી ખાતાં જોઈ આત્માનંદ સ્વામી બોલ્યા : ‘આ ભરસભામાં હાડકું કોણ ચાવે છે ?’ શિવલાલ શેઠને આ ટોણાથી લેશપણ માઠું લાગ્યું નહીં. સોપારી થૂંકી આવ્યા અને તેને ફરી કદી ન ખાવાની પ્રતિજ્ઞા કરી. કંગાલ વ્યક્તિ જેવો દીન આધીન થઈને ‘હા જી હા’ કરતો ફરે તે રીતે શિવલાલ શેઠે આત્માનંદ સ્વામીનાં વચન શિરે ધાર્યા ત્યારે રાજીપો મેળવી શક્યા.
આમ, નિર્દંભપણા સાથે કલ્યાણની ગરજ પણ ભગવાનની પ્રસન્નતાનું સાધન છે.

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS