Essays Archives

૧૯૪૫નો સમય હતો. શાસ્ત્રીજી મહારાજના જીવનનો ૮મો દાયકો વીતી રહ્યો હતો. એમને ૮૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં હતાં. એમની પ્રખર પ્રતિભાનો સૂર્ય સોળે કળાએ ખીલ્યો હતો. ધુરંધરો એમની દિવ્ય પ્રતિભાથી પ્રભાવિત હતા. વિઘ્નો અને કષ્ટોની પરંપરાઓ વચ્ચે બી.એ.પી.એસ. સ્વામિ-નારાયણ સંસ્થાનું શતદલ કમલ ધીમે ધીમે મ્હોરી રહ્યું હતું, અને સૌને આંજી રહ્યું હતું. એક પછી એક શિખરબદ્ધ મંદિરોનાં નિર્માણ થયે જતાં હતાં અને અક્ષરપુરુષોત્તમના જયનાદો ગૂંજી રહ્યા હતા.
પરંતુ...
પરંતુ કેટલાક સમર્પિત અને થોડું લાંબું વિચારનારા હરિભક્તો મનમાં ને મનમાં મૂંઝાઈ રહ્યા હતાઃ 'શાસ્ત્રીજી મહારાજ જેવા સમર્થ સુકાની છે ત્યાં સુધી તો બરાબર, પરંતુ પછી શું ? પછી કોણ આ સંસ્થાના મહારથી બનશે ? કોઈ એમના જેવું સમર્થ તો દેખાતું નથી. શું થશે ?'
પરંતુ પોતાના ૮૦મા વર્ષે પણ નિવૃત્તિને બદલે દિવસ-રાત સંસ્થાનાં કાર્યોનો રથ ખેંચતા શાસ્ત્રીજી મહારાજે, પોતાની ગેરહાજરી પછી, બબ્બે પેઢીના સુકાનીઓની તૈયારી કરી લીધી હતી, એ તે સમયે જોવાની દૃષ્ટિ કોની પાસે હોય ?
એક સમર્થ સંસ્થાના સમર્થ સંસ્થાપક તરીકે તેઓ કેટલું લાંબું વિચારી શકતા હતા?
ગોંડલથી શાસ્ત્રીજી મહારાજે ચિત્રાસર શ્રીજીસ્વરૂપદાસજીને તા. ૧૭-૯-૧૯૩૯ના રોજ એક અદ્‌ભુત પત્ર લખતાં જણાવે છે કે, 'આપને અત્યારે તો તે વાતનો ભવિષ્યનો ખ્યાલ નહીં આવતો હોય પણ આ તો ઇદમ્‌ દેખાય છે.'
શું ઇદમ્‌ દેખાતું હતું શાસ્ત્રીજી મહારાજને?
સંસ્થાનું ભાવિ, સંસ્થાના ભાવિ કર્ણધાર અને સંસ્થાના ભાવિ વિકાસનો ચિત્રપટ!
કારણ કે, તેમણે સંસ્થાના ભાવિ કર્ણધારનું નિર્માણ કરી લીધું હતું. એક તરફ ૬૦ વર્ષીય યોગીજી મહારાજ અને બીજી તરફ જેને મૂછનો દોરો પણ માંડ ફૂટ્યો હતો એવા નવયુવાન સુકાનીનું પણ ઘડતર ચાલુ હતું.
એક વખત શાસ્ત્રીજી મહારાજ લાઠીદડથી સારંગપુર પગપાળા આવતા હતા, ત્યારે ખેંગારજીભાઈએ પૂછ્યું : 'મોટાપુરુષ અમુક ઉંમરે અંતર્ધાન થાય ત્યારે હેતવાળા તેમના શિષ્યોનું પાછળથી શું થાય?'
ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે 'અલ્યા! આ સાધુ, પાછળ પોતા જેવા જ મોટા સાધુને રાખી જશે. આ જોગી મહારાજ અમારી જેમ સૌની ખબર રાખશે. સ્વામી કોઈને નધણિયાતા નહીં રાખે !'
આંબલીવાળી પોળમાં એક વાર શાસ્ત્રીજી મહારાજ સૂતા હતા તે એકદમ બેઠા થઈ ગયા અને પોતાની સેવામાં સાથે રહેતા પ્રભાશંકર પંડ્યાને કહેઃ 'જોગી મહારાજ બહુ મોટાપુરુષ છે. હું ન હોઉં ત્યારે તેમનો યોગ રાખજે.' એમ કહીને પાછા સૂઈ ગયા.
સને ૧૯૪૮ના ફૂલદોલમાં આવેલા પૂર્વ આફ્રિકાના હરિભક્તોને ગોંડલમાં રાખી, યોગીજી મહારાજે ખૂબ હેતથી સંભાળ રાખી પંચતીર્થી કરાવી. એ સમાચાર શાસ્ત્રીજી મહારાજને મળ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલી ઊઠ્યા હતાઃ 'જોગી મહારાજને જે કામ સોંપીએ તેમાં અમને પૂરો સંતોષ થાય. પછી એમાં જરાય ચિંતા જ ન હોય.'
સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજે માંદગી ગ્રહણ કરી ત્યારે ભાવનગરથી કુબેરભાઈ તેઓની તબિયત જોવા આવ્યા. સ્વામીની નાદુરસ્ત તબિયત જોઈને ચિંતા વ્યક્ત કરતાં કહેઃ 'તમે એક તરફ મંદવાડ ગ્રહણ કરો છો અને બીજી બાજુ ગઢડાના શિખરબદ્ધ મંદિર માટે જગ્યા લેવાની વાત કરો છો... તો તમારે ગઢપુર મંદિર કરવું હોય તો તેના માટે અડીખમ જબરા મહંત નીમજો, એટલે તે મંદિરને પૂરું કરવાની જવાબદારી તેમની રહે.'
ત્યારે શાસ્ત્રીજી મહારાજે પોતાના ખભે જે ચાદર હતી તે લઈ બાજુ માં બેઠેલા યોગીજી મહારાજને ઓઢાડીને કહ્યું : 'આ ગઢડાનું મંદિર કરશે. જોગી મહારાજ ગઢપુરના મહંત. ઝોળી માંગીને અમે જેમ મંદિરો કર્યાં છે તેમ તેઓ ગઢપુરનું મંદિર પૂરું કરશે.' એમ કહીને ભેટી પડ્યા.
સને ૧૯૪૫માં સ્વામીશ્રીનો ૮૦મો જન્મ જયંતી મહોત્સવ બોચાસણમાં ભવ્યતાથી ઊજવાયો ત્યારે ૨૩ વર્ષ વટાવીને માત્ર ૨૪મા વર્ષમાં પ્રવેશ કરતા નવયુવાન સંત નારાયણસ્વરૂપ-દાસજીને તેમણે સંસ્થાની વહીવટી કમિટિમાં મૂક્યા, ત્યારે કોઈનેય ખ્યાલ નહોતો કે સંસ્થાના એક સમર્થ ભાવિ સુકાનીની આ ઘડતર યુનિવર્સિટીમાં છેલ્લી પઢાઈ ચાલુ થઈ છે!
શાસ્ત્રીજી મહારાજે ૮૫ વર્ષ પૂર્ણ કર્યાં અને તેમને ૮૬મું વર્ષ ચાલી રહ્યું હતું, ત્યાં સુધીમાં ભઠ્ઠીમાં પકાવીને એક સમર્થ સુકાની પકાવી લીધા હતા.
તા. ૨૧-૫-૧૯૫૦ના રોજ અમદાવાદમાં આમલીવાળી પોળમાં, સાંજે ૫-૦૦ વાગ્યે, સંસ્થાના મુઠ્ઠીભર અગ્રણી હરિભક્તો, ટ્રસ્ટીઓ, સંતોની ઉપસ્થિતિમાં એનો રહસ્યસ્ફોટ થયો. શાસ્ત્રીજી મહારાજની સહી સાથે લખાયેલો એક નિમણૂક પત્ર અને તેમનો સ્વર સૌ સમક્ષ ગૂંજ્યો : 'જેમ સદ્‌ગુરુ રામાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને નાની ઉંમરમાં ગાદી સોંપી હતી તેમ હું પણ આજથી મારા સ્થાને સદ્‌ગુરુ શાસ્ત્રી નારાયણસ્વરૂપ-દાસજીની નિમણૂક કરું છું. મારી પરીક્ષક શક્તિથી ચકાસી જોઈને તેમને મારી જગ્યાએ પ્રમુખ તરીકે તેમની હયાતી સુધી નિમણૂક કરી છે. આથી હું આજ્ઞા કરું છું કે મારી આજ્ઞા અને સત્તાનો તમે જેમ સ્વીકાર કરો છો તેમજ મારે બદલે શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસની આજ્ઞા અને સત્તાનો સ્વીકાર કરવો-કરાવવો.' અને એ ક્ષણે માત્ર સંસ્થાને જ નહીં, સમગ્ર વિશ્વને પ્રમુખસ્વામી મહારાજની ભેટ મળી.
એક વખત સારંગપુરમાં માંદગીના બિછાનેથી શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજને કહેલું કે 'હવે તો મહારાજ ધામમાં તેડી જશે. માટે આ નારણદા તમને સોંપ્યા અને મંદિરો તમામ પણ તમને સોંપ્યાં, તો ધ્યાન રાખજો.'
હા, આ એ જ નારણદાનો હાથ યોગીબાપાને સોંપ્યો, જેમના માટે શાસ્ત્રીજી મહારાજે મોતીભાઈને કીધેલું : 'આ અમારા છે, અમને આપી દેજો.'
આ એ જ નારાયણસ્વરૂપદાસજી જેમને શાસ્ત્રીજી મહારાજે ગાનાથી તા.૩૧-૫-૧૯૪૬ને શુક્રવારના રોજ પત્રમાં લખેલું કે 'મારું મન તમારામાં રહ્યા કરે છે.'

સને ૧૯૫૧માં શાસ્ત્રીજી મહારાજ ૮૬ વર્ષની વયે છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા, ત્યારે એમને સંસ્થાના ભાવિની કોઈ ચિંતા નહોતી. વિશ્વમાં સાતેય સમંદરના કિનારે ફરફરતા અક્ષરપુરુષોત્તમના જયધ્વજ તેઓ જોઈ શકતા હતા, નવખંડમાં ગુંજતા અક્ષરપુરુષોત્તમના જયજયકાર તેઓ સાંભળી શકતા હતા, કારણ કે તેમણે એક દીર્ઘ આયોજન કરીને સંસ્થાના ભાવિ કર્ણધારોની બે-બે પેઢી — યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના હાથમાં સંસ્થાના ભાવિને સુરક્ષિત, સુરભિત અને સુલલિત બનાવીને મૂકી દીધું હતું.  


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS