Essays Archives

બીમારી રોકી ન શકાય, બીમારીના દુઃખને રોકી શકાય. નોકરી-ધંધાના પ્રશ્નોને રોકી નહીં શકાય, પરંતુ તેનાથી ઊપજતી મનની મૂંઝ વણને રોકી શકાય. સ્થિતપ્રજ્ઞતા એવી શક્તિ છે. તે કોઈ પણ પરિસ્થિતિમાં આપણને દુઃખો પર, મૂંઝ વણો પર વિજય પ્રાપ્ત કરવાની કરામત શિખવાડે છે. 'दुःखेषु अनुद्विग्नमनाः' કહીને એ કરામત શ્રીકૃષ્ણે અર્જુન સમક્ષ ઉદ્‌ઘાટિત કરી છે. 
અલબત્ત, અહીં પ્રયોજેલો 'दुःखेषु' શબ્દ સામાન્ય માનવી જે પ્રસંગોને દુઃખરૂપ કહે છે તેને ધ્યાનમાં રાખીને છે. વાસ્તવમાં આ લોકના કોઈ પણ પ્રસંગની દુઃખરૂપતા કે સુખરૂપતાનો નિર્ણય તો તે પ્રસંગને કોણ કઈ રીતે વિચારે છે અને કઈ રીતે તેની લાગણીઓના પ્રતિભાવો બંધાય છે તેના આધારે થતો હોય છે.
'दुःखेषु अनुद्विग्नमनाः' ગીતાના આ શબ્દો બીજી પણ એક વાસ્તવિકતા ઉજાગર કરી આપે છે. જીવનમાં દુઃખ આવે જ નહીં એવી અહીં કોઈ વાત જ નથી. દુઃખો તો આવે જ. સામાન્ય માનવીને પણ આવે અને સત્પુરુષોને પણ આવે. સુખની જેમ દુઃખ પણ જીવનની ઘટમાળનો એક અપરિહાર્ય ભાગ છે. પરિસ્થિતિઓ બદલી શકાતી નથી, પરંતુ સાચી સમજણથી તેવી પરિસ્થિતિઓમાં મનને ઉદ્વેગ વગરનું રાખી શકાય છે. વિચારોમાં સમતુલન લાવી શકાય છે, એમ અહીં સ્પષ્ટ થાય છે. 
સત્પુરુષો પાસે આવી સાચી સમજણનો અઢળક વૈભવભંડાર ભરેલો હોય છે. આ સાચી સમજણ એટલે સ્થિતપ્રજ્ઞતા. પરમાત્માના સ્વરૂપની સાચી અને સ્થિર ઓળખ.
સ્થિતપ્રજ્ઞ પુરુષોનું ચિત્ત પરમાત્મા સાથે એકતાર થયેલું હોય છે. કરનાર, હરનાર અને તારણહાર ભગવાન છે એ સત્ય તેમણે સાધી લીધું હોય છે. તેથી દુઃખના પ્રસંગોમાં પણ તેઓની આંતરિક સ્વસ્થતાને કોઈ અસર થતી નથી. તેઓ ક્યારેય આવી પરિસ્થિતિઓમાં પરમાત્માને દોષ દેવા નથી લાગતા કે મેં તમારી આટલી ભક્તિ કરી તોય મને કેમ આટલું દુઃખ આપ્યું? તેઓ દરેક પ્રસંગને પ્રભુનો પ્રસાદ સમજતા હોય છે. 'દાસના દુશ્મન હરિ કે'દી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થાશે' એ પ્રકારે તેઓની બુદ્ધિ કાયમ નિશ્ચળ અને સ્થિર ટેક ધરી રહે છે.
આથી જ તો તેઓ એક પ્રસંગ ઘટી ગયા પછી તુરંત બીજી જ ક્ષણે બીજા કાર્યમાં ખૂબ જ સ્વસ્થપણે જોડાઈ પણ જાય છે. અને તે બીજી ક્રિયાને પૂર્વપ્રસંગ કોઈ પણ રીતે પ્રભાવિત કરી શકતો નથી.
તેઓની આ સમજણ પણ જીવનમાં આવતા પ્રશ્નોના જવાબ રૂપે કાલ્પનિક રીતે ઊભી કરેલી મનોવૈજ્ઞાનિક વિચારધારા માત્ર નથી હોતી. જે કાંઈ બન્યું છે, બની રહ્યું છે કે પછી બનશે તે બધું જ ભગવાનની જ ઇચ્છાથી થઈ રહ્યું છે તેવી તેઓની પ્રત્યક્ષ પ્રમાણ અનુભૂતિ હોય છે.
પ્રત્યક્ષ દાખલાથી આ ભાવનાને વધુ સ્પષ્ટ કરીએ.
પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજને હાર્ટ એટેક આવેલ છે. તેઓની બાયપાસ સર્જરી પણ થયેલી છે. તા.૧૯-૨-૨૦૦૭ના રોજ તેઓશ્રી મુંબઈમાં હતા. હાર્ટના મેડિકલ ટેસ્ટ લેવાના હતા. ડૉક્ટરો ઉપસ્થિત હતા. તેઓશ્રીને મેડિકલ ટેસ્ટ માટે કેબિનમાં લઈ જવામાં આવ્યા. ટેસ્ટનું કાર્ય પૂર્ણ થયું. ત્યાર બાદ  ડૉ. કે. એન. પટેલ સ્વામીશ્રી પાસે આવ્યા. ભારતના વિખ્યાત હૃદયરોગ નિષ્ણાત ડૉ. અશ્વિન મહેતાની વાત કરતાં ડૉ. કે. એન. પટેલે કહ્યું, - 'સ્વામીશ્રી! ડૉ. અશ્વિન મહેતા આજે આપનો ટેસ્ટ થયા પછી નીકળી રહ્યા હતા ત્યારે મને કહે કે 'પ્રમુખસ્વામી તો ગજબના છે! ટેસ્ટ માટે અંદર ગયા અને એ પહેલાં પણ મેં તેમના મુખ સામે જોયું હતું. તેમના મુખ ઉપર કોઈ ચિંતા જ હતી નહીં. મેં તો ભલભલા મોટાઓને ટ્રીટ કર્યા છે. મોટા ધર્મગુરુ હોય કે દેશના વડાપ્રધાન હોય, પણ આવી ક્ષણ આવે ત્યારે બધાનાં મોઢાં બદલાઈ ગયેલાં જોયાં છે. અંદરથી ડિપ્રેશનમાં આવી ગયા હોય એવું મેં જોયું છે, જ્યારે પ્રમુખસ્વામીના મુખ ઉપર તો કોઈ ભાવ બદલાયેલા હતા જ નહીં.' આ સાંભળી સ્વામીશ્રી કહે, 'આપણે તો ઠાકોરજી ભેગા લઈને જ જઈએ છીએ. આપણી ચિંતા એ કરે છે. એમની ઇચ્છા હોય એમ થાય છે. કર્તા એ છે.' ખરેખર, સત્પુરુષોના જીવનમાં સ્થિતપ્રજ્ઞતાની બુલંદી પડઘાતી હોય છે.
ઈ.સ. ૧૯૭૪ની ૨૫મી જાન્યુઆરીએ વહેલી સવારે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની એક ધર્મગુરુ તરીકે પ્રથમ વિદેશયાત્રા આરંભાતી હતી. તેઓ ભારત(મુંબઈ)થી આફ્રિકા (નાઈરોબી) જઈ રહ્યા હતા. મુંબઈ ઍરપોર્ટ પર હજારોની મેદનીએ સ્વામીશ્રી સહિત ૧૨ સંતોને ભવ્ય વિદાય આપી. બરાબર ૧૦-૧૫ વાગે એરઈન્ડિયાનું 'ગૌરીશંકર' જમ્બો જેટ વિમાન ઊપડ્યું. નાઈરોબી ઊતર્યું.
આફ્રિકાના સેંકડો ભક્તો ફૂલહાર લઈને ઍરપોર્ટ પર સ્વાગત કરવા તત્પર હતા, પરંતુ અચાનક જ ઍરપોર્ટ ઉપર જાહેરાત થઈઃ 'પ્રમુખસ્વામી અને પાર્ટી અહીં ઊતરી શકશે નહીં. તેમને ભારત પાછા જવાનું છે.' જાહેરાતના શબ્દો જાણે વજ્રપાત હતો. સૌને આંચકો લાગ્યો. નાઈરોબીના ભક્તો માટે તો આ ભયંકર આઘાત હતો. અચાનક આવું કેમ થયું? આવું થાય એમાં આપણી આબરૂ શું? કોણે આ કારસ્તાન કર્યું? વગેરે જાત-જાતના તર્ક-વિતર્કો સૌનાં મનમાં ઊઠવા લાગ્યા. ચર્ચાઓ થવા લાગી. સર્વત્ર વૈચારિક અસ્થિરતા પ્રસરી ચૂકી. સૌને થયું, પરમ પૂજ્ય સ્વામીશ્રીને કેવું લાગ્યું હશે? પોતાને નહીં ઊતરવા દેવાની જાહેરાત સ્વામીશ્રીએ પણ સાંભળી હતી. પરંતુ તેઓનો પ્રત્યુત્તર માત્ર એટલો જ હતો - 'ભગવાની જેવી મરજી.'
મુખ પર એ જ ચિત્તની પ્રસન્નતા. આંતરિક ભાવોમાં પણ કોઈ ફેરફાર નહીં. એ જ સ્થિરતા. ગીતાની સ્થિતપ્રજ્ઞતાનું આ પ્રત્યક્ષ દર્શન હતું. જોનાર સૌ કોઈને પાછા વાળ્યાના અપમાન કરતાં પણ સ્વામીશ્રીની ભગવાનના કર્તાપણાની પર્વતપ્રાય સમજણરૂપી સ્થિતપ્રજ્ઞતા વધુ વિચલિત કરી રહી હતી.
વધુ અહોભાવ તો ત્યારે થાય છે, જ્યારે આ પ્રસંગ બન્યા પછી સ્વામીશ્રી તુરંત ઠાકોરજીના થાળ વગેરેની ચિંતા કરવા લાગી જાય છે. જાણે કાંઈ બન્યું જ નથી. મુંબઈ પાછા આવ્યા અને સૌને એટલો આનંદ કરાવ્યો કે સૌ કોઈ પણ જાણે બનેલી ઘટનાને વીસરી ગયા. પછી તો પોતે જ ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃતમાંથી ગઢડા પ્રથમ પ્રકરણનું ૭૪મું વચનામૃત વાંચ્યું, જેના શબ્દો હતા - '...જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક આપત્કાળ આવી પડે ત્યારે કળાય.' આમ કહી શ્રીજી મહારાજે ફરી વાત કરી કે - 'આપણે તો શ્રીકૃષ્ણ નારાયણના દાસ છીએ, તે શ્રીકૃષ્ણ નારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું... અને એ ભગવાન આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું... પણ કોઈ રીતે હર્ષ-શોક મનમાં ધારવો નહીં. એ ભગવાનનું કર્યું સર્વે થાય છે. માટે સૂકું પાનડું જેમ વાયુને આધારે ફરે છે તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં.' (વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૭૪) સ્થિતપ્રજ્ઞતાનું રહસ્ય આ શબ્દોમાં સમાયું હતું. સ્વામીશ્રી આ શબ્દો જ્યારે સમજાવતા હતા ત્યારે તેમના જીવન સાથેની એકરસતા સહેજે જ નીખરી ઊઠતી હતી. એ રહસ્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં પૂરેપૂરું ઘૂંટાયું છે એ વાતની સૌને અનુભૂતિ થઈ.
મુશ્કેલીભર્યા સંજોગોને લીધે અર્જુનનું મન પણ ઉદ્વિગ્ન હતું. તેથી જ તો તેણે ‘स्थितप्रज्ञस्य का भाषा’ 'હે કેશવ, સ્થિર સમજણવાળાનાં લક્ષણ કેવાં હોય?' એમ ભારે મુમુક્ષુતાથી પ્રશ્ર પૂછ્યો હતો. અને શ્રીકૃષ્ણ અહીં 'दुःखेषु अनुद्विग्नमनाः' કહીને તેને સ્થિતપ્રજ્ઞતાની દિશામાં દોરી રહ્યા છે.
આ રહસ્ય આપણા જીવનમાં પણ ઘૂંટાય, જો આપણે પણ આવા સત્પુરુષોના દિવ્ય જીવનપ્રસંગોનું મનન કરી સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ત કરીએ. પછી મુશ્કેલીભર્યા સંજોગોમાં પણ વિહ્‌વળ નહીં થઈ જવાય, ધૈર્યહીન નહીં થઈ જઈએ, ધીરે ધીરે પ્રભુ સાથે એક તાર થવાની ખબર પડવા લાગશે અને તેમના કર્તાપણાની સમજણમાં સ્થિરતા પ્રાપ્ત થતી જશે.  આ રીતે ઉપરોક્ત શ્લોકના એક પાદનું ચિંતન કર્યું. ત્યાર પછીનાં પાદોનું ચિંતન આવતા અંકમાં કરીશું. અસ્તુ. 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS