Essays Archives

એવામાં ગાર્ગી પાછી ઊભી થઈ, તેને નવું કાંઈક સૂઝ્યું. જે પ્રશ્ન તેના મનમાં હતો તે વિચારતાં ગાર્ગીને લાગતું હતું કે નક્કી આ પ્રશ્નથી યાજ્ઞવલ્ક્યની પરીક્ષા થઈ જશે. તે પાછા પડી જ જશે. તેણે તો બ્રાહ્મણોની સભામાં મક્કમતાથી જાહેરાત પણ કરી દીધી કે હે બ્રાહ્મણો! હજુ ફરીથી હું યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન પૂછવાની છુ _. હવેના મારા પ્રશ્નો તો સણસણતા બાણ જેવા છે. જો એના ઉત્તર દઈ દે તો સમજી લેવું કે આ ચર્ચા સભામાં હવે તેને કોઈ જીતી શકશે નહીં. બધાની ઈંતેજારી વધી ગઈ. બ્રાહ્મણો કહે, 'पृत्व्छ गार्गीति' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૮/૧) ગાર્ગી પૂછી નાંખ. ગાર્ગી યાજ્ઞવલ્ક્યને કહે, 'જેમ કાશી કે વિદેહ રાજ્યના કોઈ લડવૈયાના પુત્ર ધનુષ પર દોરી ચઢાવી દુશ્મનોને વીંધનારા બાણ હાથમાં લઈ સામે જંગ ખેલવા ઊભો રહે, તેમ હું પણ સવાલ લઈને તમારી સામે ઊભી છુ _.' યાજ્ઞવલ્ક્યજીને તો આવા વાક્પ્રહારોની કાંઈ પડી ન હતી. તેમણે શાંતચિત્તે કહ્યું, 'ગાર્ગીજી! જે પૂછવું હોય તે પૂછી લો.' ગાર્ગીએ પૂછ્યું, 'હે યાજ્ઞવલ્ક્ય! જે વસ્તુ દ્યુલોકની ઉપર છે, જે પૃથ્વીની નીચે પણ છે અને જે વસ્તુ તેની વચ્ચે પણ છે તે શેમાં ઓતપ્રોત છે? ત્યારે યાજ્ઞવલ્ક્યજી કહે, 'एतद् वै तदक्षरं गाíग! ब्राह्मणा अभिवदन्ति'(બૃહદારણ્યક ઉપનિષદ ૩/૮/૮) હે ગાર્ગી! એ તો અક્ષરબ્રહ્મ છે. અને તે અક્ષરનું અભિવાદન તો મોટા મોટા બ્રહ્મજ્ઞાનીઓ પણ કરે છે.' યાજ્ઞવલ્ક્યજીનો વાક્પ્રવાહ વણથંભ્યો વહેવા માંડ્યો, તેમણે કહ્યું, 'एतस्य वा अक्षरस्य प्रशासने गाíग! सूर्याचन्द्रमसौ विघृतौ तिष्ठतः।'(બૃહદારણ્યક ઉપનિષદ ૩/૮/૯)  સૂર્ય અને ચન્દ્ર પણ આ અક્ષરબ્રહ્મના પ્રશાસનમાં રહ્યા છે. 'एतस्य वा अक्षरस्य प्रशासने गाíग! द्यावापृथिव्यौ विघृते तिष्ठतः।' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૮/૯) દ્યુલોક, પૃથિવીલોક વગેરે સર્વ સ્થાનો પણ આ અક્ષરબ્રહ્મના પ્રશાસનમાં રહ્યા છે. એટલું જ નહીં 'एतस्य वा अक्षरस्य प्रशासने गाíग! निमेषा मुहूर्ता अहोरात्राण्यर्घ-मासा मासा ऋतवः संवत्सरा इति विघृतास्तिष्ठन्ति।' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૮/૯) નિમેષ, મુહૂર્ત, રાત્રિ-દિવસ, શુક્લપક્ષ- કૃષ્ણપક્ષ, મહિનાઓ, ૠતુઓ અને વર્ષો વગેરે જે કાંઈ સમયનાં વિભાજનો પણ આ અક્ષરબ્રહ્મના પ્રશાસનમાં થાય છે. અર્થાત્ પરમાત્માની નિત્ય ઇચ્છાથી આ અક્ષરબ્રહ્મ પણ સર્વના નિયામક છે. માટે હું તો કહું છુ _ કે 'यो वा एतदक्षरं गार्ग्यविदित्वाऽस्मिंल्लोके जुहोति यजते तपस्तप्यते बहूनि वर्षसहस्राण्यन्तवदेवास्य तद् भवति।'(બૃહદારણ્યક ઉપનિષદ ૩/૮/૧૦) હે ગાર્ગિ! જે મનુષ્ય આ અક્ષરબ્રહ્મને જાણ્યા વિના આ લોકમાં હોમ કરે, યાગ કરે, કે હજારો વર્ષ સુધી તપ કરે તો પણ તેના હોમ, યજ્ઞ કે તપ વગેરે બધું નાશવંત જ થઈ જશે, કહેતાં તેને અવિનાશી મોક્ષરૂપી ફળ નહીં જ મળે.' વળી 'यो वा एतदक्षरं गार्ग्यविदित्वाऽस्माल्लोकात् प्रैति स कृपणः' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૮/૧૦) ગાર્ગી! જે મનુષ્ય આ અક્ષરબ્રહ્મને જાણ્યા વગર આ લોકમાંથી ચાલ્યો જાય છે, કહેતાં તેનો દેહ પડી જાય તો તે ખરેખર દયાપાત્ર છે. કારણ તેને ફરીવાર ભવાટવીમાં ભટકવું પડશે.' અને તેની સામે 'अथ य एतदक्षरं गाíग! विदित्वाऽस्माल्लोकात् प्रैति स ब्राह्मणः' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૮/૧૦) જે મનુષ્ય આ અક્ષરબ્રહ્મને જાણીને આ લોકમાંથી ચાલ્યો જાય, તેનો દેહે પડી જાય તો પણ વાંધો નથી. તે તો સાચો બ્રહ્મજ્ઞાની છે. એટલે તેનું તો આત્યંતિક કલ્યાણ થઈ જ ગયું છે.'
આમ યાજ્ઞવલ્ક્યએ અક્ષરબ્રહ્મના અલૌકિક મહિમાનું ગાન કરી તે દિવ્યતત્ત્વને જાણવા ઉપર ભાર પણ આપ્યો. સાંભળી ગાર્ગી તો સ્તબ્ધ જ થઈ ગઈ. યાજ્ઞવલ્ક્ય સાચા બ્રહ્મવિદ્યાના જાણકાર છે તેમ તેના હૃદયે કબુલી લીધું. તેથી તેણે બીજા સર્વ બ્રાહ્મણોને સ્પષ્ટ કહી દીધું કે 'ब्राह्मणा भगवन्तस्तदेव बहु मन्येध्वं यदस्मान्नम-स्कारेण मुत्व्येध्वं न वै जातु युष्माकमिमं कश्र्चिद् ब्रह्मोद्यं जेतेति।' (બૃહદારણ્યક ઉપનિષદ ૩/૮/૧૨) હે બ્રાહ્મણો! તમે આ યાજ્ઞવલ્ક્યને નમસ્કાર કરી તેની પાસેથી છૂટી શકો તોય મોટી વાત થઈ તેમ સમજજો. કારણ, આ તો બ્રહ્મવિદ્યામાં માહેર સાચો બ્રહ્મિષ્ઠ છે. તમારામાંથી તેને તત્ત્વચર્ચામાં કોઈ જીતી શકશે નહીં. આટલું કહી, 'वाचक्नवी उपरराम'(બૃહદારણ્યક ઉપનિષદ ૩/૮/૧૨) ગાર્ગી ચૂપ થઈ ગઈ. સૌ ભૂદેવો પણ ગાર્ગીને સહમત થયા. યાજ્ઞવલ્ક્ય જીતી ગયા અને ગાયો તેમના આશ્રમે બંધાણી.
ખરેખર, 'येनाऽक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्याम्।' (મુંડક ઉપનિષદ ૧/૨/૧૩) જેના વડે 'अक्षरम्' કહેતાં અક્ષરબ્રહ્મ અને 'पुरुषम्' કહેતાં પુરુષોત્તમ પરબ્રહ્મનું તત્ત્વે કરીને જ્ઞાન થાય તેને બ્રહ્મવિદ્યા કહેવાય. તે ઉપનિષદ દ્વારા પ્રસ્થાપિત બ્રહ્મવિદ્યાનાં લક્ષણ પ્રમાણે અહીં પણ અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ એમ બંને દિવ્ય તત્ત્વોનો ઉપદેશ કરવાથી જ યાજ્ઞવલ્ક્ય બ્રહ્મવિદ્યાના સંપૂર્ણ જાણકાર સાબિત થયા હતા.
આ રીતે મહર્ષિ યાજ્ઞવલ્ક્યના આખ્યાનરૂપે તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ આ રીતે ખૂબ મનનીય ભેટ આપણને મળી છે.

આખ્યાન - य - य - य

'त्रयाः प्राजापत्याः प्रजापतौ पितरि ब्रह्मचर्यम् ऊषुर्देवा मनुष्या असुराः' (બૃહદારણ્યક ઉપનિષદ ૫/૨/૧) દેવ, મનુષ્ય અને અસુર પ્રજાપતિના પુત્રો હતા. તે ત્રણેયે પોતાના પિતાનું શિષ્યત્વ સ્વીકાર્યું. તેમાં સૌ પ્રથમ દેવોએ કહ્યું, 'ब्रवीतु नो भवानिति' (બૃહદારણ્યક ઉપનિષદ ૫/૨/૧) આપ અમને ઉપદેશ આપો. ત્યારે 'तेभ्यो हैतदक्षरमुवाच द इति'(બૃહદારણ્યક ઉપનિષદ ૫/૨/૧) પ્રજાપતિએ તે દેવોને એક જ અક્ષરમાં ઉપદેશ આપ્યો કે - 'દ'. દેવઓ આ સાંભળ્યું. પછી પ્રજાપતિએ તેઓને પૂછ્યું કે, 'व्यज्ञासिष्टा इति'(બૃહદારણ્યક ઉપનિષદ ૫/૨/૧) હે દેવો! શું આ 'દ' શબ્દનો અર્થ તમે સમજી ગયા? ત્યારે દેવોએ કહ્યું, 'व्यज्ञासिष्म इति होचुः। दाम्यतेति न आत्थेति। ओमिति होवाच व्यज्ञासिष्टेति' (બૃહદારણ્યક ઉપનિષદ ૫/૨/૧) હે ભગવન્! અમે સમજી ગયા છીએ. 'દ' એટલે દમન. આપ અમને વિષયભોગમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચી તેનું દમન કરવા કહો છે. આ સાંભળી પ્રજાપતિ કહે, બરાબર છે. તમે મારું કહેવાનું તાત્પર્ય ઠીક સમજ્યા છો.
'अथ हैनं मनुष्या ऊचुर्ब्रवीतु नो भवानिति' (બૃહદારણ્યક ઉપનિષદ ૫/૨/૨) દેવો ગયા પછી મનુષ્યો પ્રજાપતિ પાસે આવ્યા. અને વિનંતી કરી, અમને ઉપદેશ આપો. ત્યારે 'तेभ्यो हैतदेवाक्षरमुवाच द इति व्यज्ञासिष्टा इति' (બૃહદારણ્યક ઉપનિષદ ૫/૨/૨) પ્રજાપતિએ મનુષ્યોને પણ 'દ' એમ કહીને એક જ અક્ષરમાં ઉપદેશ આપ્યો. અને પૂછ્યું કે હે મનુષ્યો! શું તમે આ 'દ' નો અર્થ સમજ્યા? ત્યારે મનુષ્યો કહે, હા, સમજ્યા છીએ. 'દ' એટલે દાન. વધારે પડતા ધનના સંગ્રહથી લોભ વધી જાય અને લોભ તો નરકનું દ્વાર છે. તેથી અમારી એવી અધોગતિ ન થાય તે માટે આપે દાન કરવા અમને આદેશ આપ્યો છે. આ સાંભળી પ્રજાપતિ પ્રસન્ન થયા ને કહે, 'બરાબર છે, તમે મારા ઉપદેશનું તાત્પર્ય ઠીક જાણો છો.'
'अथ हैनम् असुरा ऊचुर्ब्रवीतु नो भवानिति' (બૃહદારણ્યક ઉપનિષદ ૫/૨/૩) મનુષ્યો ગયા બાદ અસુરો પ્રજાપતિ પાસે આવ્યા અને કહ્યું, અમને ઉપદેશ આપો. 'तेभ्यो हैतदक्षरमुवाच द इति। विज्ञासिष्टा इति। विज्ञासिष्म इति। दयध्वमिति न आत्थेति।' (બૃહદારણ્યક ઉપનિષદ ૫/૨/૩) ત્યારે પ્રજાપતિએ અસુરોને પણ 'દ' એમ કહીને એક અક્ષરમાં જ ઉપદેશ આપ્યો અને પૂછ્યું, હે અસુરો! શું તમે કાંઈ સમજ્યા? ત્યારે અસુરો કહે, 'હા, સમજ્યા છીએ. 'દ' એટલે દયા. અમે તમોગુણી કહેવાઈએ. અમે કોઈને ક્રોધાગ્નિથી બાળી ન નાંખીએ તેથી આપ અમને સર્વ પર દયા કરવાનું કહો છો.' પ્રજાપતિ આ સાંભળી સંતુષ્ટ થયા.
અંતમાં આ આખ્યાનનો ઉપસંહાર કરતા ઉપનિષદ કહે છે, 'तदेतदेवैषा दैवी वागनुवदति स्तनयित्नु र्द द द इति। दाम्यत दत्त दयध्वमिति।' (બૃહદારણ્યક ઉપનિષદ ૫/૨/૩) વાદળના ગડગડાટમાં ગુંજતી આ વાણી પણ જાણે આપણને એમ જ કહી રહી છે કે - દમન કરો, દાન કરો, દયા કરો. 'तदेतत्त्रयं शिक्षेद् दमं दानं दयामिति' (બૃહદારણ્યક ઉપનિષદ ૫/૨/૩) તેથી દરેક મુમુક્ષુએ આ ત્રણ ગુણ શીખવા જોઈએ.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS