Essays Archives

એક સંસ્થાના સંચાલનમાં માનવશક્તિનો વિશાળ પાયે વિનિયોગ કરવો — તે એક કલા છે. પરંતુ એ માનવસંશાધનમાં માનવીય મૂલ્યોનું ખાસ અનુસંધાન રાખવું — તે એક વિશેષ સંપત્તિ છે. તેમાંય જે તે કાર્યોના વડાઓની નિયુક્તિમાં આ અનુસંધાન તેના પાયાને મજબૂત કરતી મહત્ત્વપૂર્ણ બાબત છે.
શાસ્ત્રીજી મહારાજે જે તે મંદિરોનો કાર્યભાર ઉપાડવા માટે જે વ્યક્તિની પસંદગી કરી છે તેમાં બાહ્ય ગુણવત્તા કરતાં માનવીય ગુણોનું વિશેષ અનુસંધાન રાખ્યું છે.
તા.૬-૧૧-૪૧ના રોજ ભાદરણથી અમદાવાદ નિર્ગુણ સ્વામીને લખેલા પત્રમાં શાસ્ત્રીજી મહારાજ લખે છે : 'મેં યોગ્ય, લાયક ને ઘટે તેમ જાણી સંતવલ્લભદાસને કોઠારમાં ગોઠવ્યા છે. તે પણ તેમને આગ્રહ કરી સરમાવીને...! કોઠારમાં તો હિસાબ કરે તેવો અનુભવી ને ભણેલો જોઈએ. આ કંઈ એક દિવસનું કામ નથી. માટે ધીરે ધીરે જે જે અનુભવથી કરતા હશે, તે કરશે. (સંતવલ્લભ) મહિમાવાળા ને ખટકાદાર છે.'
આમ, શાસ્ત્રીજી મહારાજ વ્યક્તિ-પસંદગીના માહેર હતા તે સંતવલ્લભ સ્વામી જેવા પસંદગી પામેલ સંતોને જોતાં જણાઈ આવે છે. જ્યારથી સંત સ્વામીને કોઠારની સેવાની આજ્ઞા થઈ ત્યારથી તેઓએ ખૂબ જ ખંતથી, ઉત્સાહથી, ખૂબ ભીડો વેઠીને આ સેવા પાર પાડી. રાગ-દ્વેષમાં પડ્યા વગર સેવામય રહીને સૌ સંત-હરિભક્તોનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો.
વળી, શાસ્ત્રીજી મહારાજે નારાયણચરણ સ્વામીને ભંડારનું કામ સોંપેલું. બોચાસણ અને સારંગપુરમાં શરૂઆતનાં વર્ષોમાં કટોકટીના સમયે તેઓએ ભંડારની સેવા કેવી રીતે કરી હશે! યોગીજી મહારાજ કહેતા, 'એ વખતે મોટાં તપેલાંઓ નહિ, ત્યારે નાની-નાની તપેલીઓમાં નારાયણ સ્વામી રસોઈ કરતા. આખો દિવસ ભંડાર ચાલુ હોય. રોજ ૨૦૦ સંતો-હરિભક્તો, મજૂરોને જમાડતા. થાકતા જ નહિ. તેમની અદ્‌ભુત સરળતા, અપાર શાંતિ, માયાળુ સ્વભાવ. સૌ તેમને 'સત્સંગની મા' કહેતા.'
બાહ્ય રીતે જડભરત જેવા દેખાતા ભક્તિવલ્લભદાસ ચરોતરી ભાષા બોલે ત્યારે તેમનામાં રુક્ષતા દેખાય, પણ આંતરિક ગુણો જુદા હતા. શાસ્ત્રીજી મહારાજે તેમને બોચાસણ મંદિરની હવેલીનું કામ સોંપ્યું. આ સંત લાકડાં જાતે કાપીને લાવતા, જાતે વહેરતા. આમ, તમામ પ્રકારના કામમાં લાગી જતા. યોગીજી મહારાજ કહેતાઃ 'તેમણે શાસ્ત્રીજી મહારાજનું વચન અદ્ધર ઝીલ્યું છે. કોઈ ફરિયાદ કરી નથી.' એક વાર શાસ્ત્રીજી મહારાજનો ગોંડલથી પત્ર આવ્યો કે 'ગોંડલ મંદિરનું કામ પૂરું કરવા સત્વરે આવો.' પત્ર મળતાંની સાથે જ તેઓ ચાવીઓ સોંપીને ઝોળી લઈને નીકળી ગયા. મમત્વપૂર્વક વર્ષો સુધી ખૂબ મોટો વહીવટ કરવા છતાં ક્ષણાર્ધમાં મૂકી દેતાં તેમને કોઈ સંકોચ થયો નહીં! અને નિષ્કંચનપણું એમની આગવી મૂડી! આમ, ૬૦ વર્ષ સુધી એકધારી આજ્ઞા પાળીને શાસ્ત્રીજી મહારાજનો વિશ્વાસ સંપાદન કર્યો હતો.
વૃદ્ધાવસ્થામાં સાધુ થયેલા ભક્તિપ્રિયદાસ(લીંબાસી)ને શાસ્ત્રીજી મહારાજે ગોંડલ મંદિરના કોઠારી તરીકે નીમ્યા હતા. યોગીજી મહારાજ 'અક્ષરતીર્થ'માં નોંધે છે કે 'હરિભક્તોની રાખ-રખાવટ બરાબર કરે, તેથી બધાય રાજી થાય. સૌથી છેલ્લે જમવા બેસે, રોટલી કે રોટલા ખૂટ્યા હોય તો એકલી દાળ પી લે.' મુખ્ય અધિકારી સંત હોવા છતાં અધિકારનો હુંહાટો નહીં ! આમ, મમત્વથી, સાદાઈથી રહીને શાસ્ત્રીજી મહારાજનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો.
વર્ષો સુધી અટલાદરા મંદિરના કોઠારીપદે સેવા બજાવનારા અક્ષરસ્વરૂપદાસ સ્વામી મંદિરના કોઠારી-મહંત હોવા છતાં નાનામાં નાની સેવા જાતે ઉપાડી લે. મંદિરની તમામ ક્રિયામાં જોડાય; ગૌશાળામાં ગાયો પણ દોએ, હરિભક્તોને પીરસે, અને તેમનાં એંઠાં વાસણ પણ ઊટકે. હરિભક્તનાં વ્યવહાર, સુખ-દુઃખ પૂછે, તમામ મદદ કરે. સ્વાભાવિક છે કે મોટા વહીવટમાં ક્યાંક ને ક્યાંક સ્વભાવના સંઘર્ષ ચાલતા હોય, પરંતુ અક્ષરસ્વરૂપ સ્વામીને ક્યાંય સંઘર્ષ નહીં, ક્યાંય ઊંચે સાદે બોલવાનું નહીં, ગુસ્સો તો એમના સ્વભાવમાં જ નહીં! આવા ગુણોને લીધે જ શાસ્ત્રીજી મહારાજનો અપાર રાજીપો પ્રાપ્ત કર્યો હતો.
અને એવી અનેક ગુણસંપત્તિ ધરાવતા હતા — નાનકડા નારાયણસ્વરૂપદાસજી. શાસ્ત્રીજી મહારાજે સમગ્ર સંસ્થાનો કાર્યભાર એક ૨૮ વર્ષના નવયુવાન નારાયણસ્વરૂપદાસને શાથી સોંપ્યો હશે?
શાસ્ત્રીજી મહારાજ જ તેનો ખુલાસો કરતાં નિમણૂક પત્રમાં લખે છે : 'મેં નીમેલી વ્યવસ્થાપક કમિટીના પ્રમુખ શ્રી સદ્‌ગુરુ શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી સદરહુ કમિટીના સભ્ય તરીકે તથા હાલ સારંગપુર અક્ષરપુરુષોત્તમ મંદિરના કોઠારી તરીકેની કારકિર્દી અતિ ઉજ્જ્વળ અને અભ્યુદયવાળી જણાવાથી તેમજ તેમની સારાયે સત્સંગમાં ખૂબ જ ચાહના હોવાથી સર્વે સત્સંગીઓનો મત અને અભિપ્રાય મેળવીને, તેમજ મારી પોતાની પરીક્ષક શક્તિને ચકાસી જોઈને તેમને મારી જગ્યાએ સંસ્થાની વ્યવસ્થાપક કમિટીના પ્રમુખ તરીકે નિમણૂક કરી છે.'
તા.૧૫-૧-૨૦૦૭ અમદાવાદ સ્વામીશ્રીએ જૂની વાતો કરતાં કહેલું : 'કોઠારી બનાવ્યો ત્યારે બધા મારા કરતાં જૂના જ હતા. તે દરેકને પગે લાગવા જઈ આવીએ. ભંડારી પાસે જઈએ તો કહીએ કે નવો છું. મને કંઈ ખબર ન પડે. તમે મને કહેજો. એટલે એ બધાનો પ્રેમ રહે. નોકર-ચાકર હોય તો એને પણ એક ટાઇમ મળી લઈએ. કોઠારી એટલે ગાદી પર બેસવાનું નહિ, પણ બધા કામમાં જોડાવાનું. આપણે પહેલેથી જ સેવકભાવ હતો.'

આવી હતી શાસ્ત્રીજી મહારાજની ટીમ, આવી હતી શાસ્ત્રીજી મહારાજની પસંદગી અને આવા હતાં તેમનાં પસંદગીનાં મૂલ્યનિષ્ઠ ધોરણો!  


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS