Essays Archives

અક્ષરબ્રહ્મની ઓળખાણ

 

મૃત્યુ પછીના વિવાદોમાં એક ચર્ચા ચાલે છે - કોઈ દિવ્ય અલૌકિક સ્થાનના અસ્તિત્વની. કોઈ મુક્તાત્મા આ દેહ છોડે પછી ગમે ત્યાં ફર્યા કરે કે પછી કોઈ નિશ્ચિત સ્થળે જાય? આ દુનિયામાં એવું કોઈ સ્થાન અસ્તિત્વમાં છે કે જ્યાં જઈ એ કાયમ નિવાસ કરી રહી શકે?

નચિકેતા આ નિર્ણયને પણ અગત્યનો જાણી તેનો નિશ્ચય પામવા તત્પર હતો. યમરાજ પણ જાણે કહેવા ઉત્સુક હોય તેમ પ્રથમ તો આ વાત મારે કરવી જ છે એમ પ્રતિજ્ઞા જ કરી લે છે. અને જે તત્ત્વને ઓળખાવે છે તે તત્ત્વ એટલે અક્ષરબ્રહ્મ.

ખરેખર! યમે અહીં અક્ષરબ્રહ્મ તત્ત્વનો મહિમા ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યો છે જેથી તે જિજ્ઞાસુ મુમુક્ષુની નજર બહાર ન રહી જાય.

તે ધામ એ જ અક્ષરબ્રહ્મ - एतद्ध्येवाक्षरं ब्रह्म

યમે કહ્યું, 'सर्वे वेदा यत्पदमामनन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति। यदित्व्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं सङ्ग्रहेण ब्रवीम्योमित्येतत्॥ एतद्ध्येवाक्षरं ब्रह्म एतद्ध्येवाक्षरं परम्। एतद्ध्येवाक्षरं ज्ञात्वा यो यदित्व्छति तस्य तत्॥ एतदालम्बनं श्रेष्ठमेतदालम्बनं परम्। एतदालम्बनं ज्ञात्वा ब्रह्मलोके महीयते॥' (કઠ ઉપનિષદ - ૨/૧૫,૧૬,૧૭)

અર્થાત્ 'સર્વે વેદો જે સ્થાનની કીર્તિનું ગાન કરી રહ્યા છે, જેને પામવા ૠષિમુનિઓ અનેક પ્રકારના તપનું આચરણ કરે છે, બ્રહ્મચર્યનું પાલન કરે છે, એવું જે સ્થાન છે તેની સંક્ષેપમાં હું તને વાત કરીશ. એને ૐ એવા નામે ઓળખવામાં આવે છે. નચિકેતા! એ જ સ્થાન 'અક્ષર' નામનું અવિનાશી તત્ત્વ છે. એટલે એને અક્ષરધામ કહેવાય. વળી, એ જ 'બ્રહ્મ' છે. એટલે તેને બ્રહ્મધામ પણ કહેવાય. આમ 'અક્ષરબ્રહ્મ' પોતે જ એ ધામરૂપે વિરાજે છે. હે બાળબટુ! આ અક્ષરધામ એ જ સર્વોત્કૃષ્ટ સ્થાન છે. અને આ રીતે જે અક્ષરબ્રહ્મ તત્ત્વને જાણે છે તે તો જે ઇચ્છા કરે તે તેને પ્રાપ્ત થાય છે. વળી, આ અક્ષરબ્રહ્મ શ્રેષ્ઠ આલંબન છે. અને આ આલંબનને જે જાણે છે તે જાણનાર બ્રહ્મજ્ઞાની બ્રહ્મલોકમાં કહેતાં અક્ષરધામમાં દિવ્ય અલૌકિક આનંદ ભોગવતો રહે છે.'

કેમ આ સ્થાનનો આટલો બધો મહિમા ગવાય છે? તો યમ કહે છે, 'तद् विष्णोः परमं पदम्' (કઠ ઉપનિષદ - ૩/૯) એ તો પરમાત્માનું નિવાસસ્થાન છે. વળી, એ ધામ કેવું છે? તો 'न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः। तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति॥' (કઠ ઉપનિષદ - ૫/૧૫) અર્થાત્ 'એ અક્ષરધામમાં આ સૂર્ય પ્રકાશી શકતો નથી, ચંદ્ર અને તારા પ્રકાશી શકતા નથી, આ વીજળીઓ પણ પ્રકાશી શકતી નથી તો પછી આ લોકનો સામાન્ય અગ્નિ તો પ્રકાશી જ ક્યાંથી શકે! ખરેખર! વસ્તુતાએ તો આ સૂર્ય, ચંદ્ર, વીજળી વગેરે જે કોઈ પ્રકાશવાળી વસ્તુઓ દુનિયામાં દેખાય છે તે એ અક્ષરધામના પ્રકાશવાથી જ પ્રકાશ પામી છે. કારણ એ અક્ષરધામના પ્રકાશ વડે જ બધું પ્રકાશી શકે છે.' આમ, યમરાજ તો જાણે આજે અક્ષરબ્રહ્મ તત્ત્વનો જયજયકાર કરી રહ્યા છે. અને બાળબટુ પણ ભારે ઉત્સુકતા અને સાવધાનીથી આશ્ચર્યકારી આ બધુ સાંભળી રહ્યો છે.

અનંત બ્રહ્માંડોનો આધાર - तस्मिंल्लोकाः श्रिताः सर्वे

એ અક્ષરબ્રહ્મના જ બીજા એક સ્વરૂપની વિશેષ ઓળખાણ આપતાં યમે કહ્યું, 'तदेव शुक्रं तद् ब्रह्म तदेवामृतमुत्व्यते। तस्मिंल्लोकाः श्रिताः सर्वे तदु नात्येति कश्र्चन' (કઠ ઉપનિષદ - ૫/૮, ૬/૧) અર્થાત્ 'હે નચિકેતા! એ જ અક્ષરબ્રહ્મ અતિપ્રકાશમય, અતિપવિત્ર અને અવિનાશી છે. આ બધા લોકો કહેતાં અનંત બ્રહ્માંડો આ અક્ષરબ્રહ્મના આધારે રહ્યાં છે. અને પરમાત્મા સિવાય કોઈ પણ આ અક્ષરબ્રહ્મને અતિક્રમી શકતું નથી. કહેતાં એ તો સર્વવ્યાપક છે.

આમ, અક્ષરબ્રહ્મ જેમ પરમાત્માના દિવ્ય નિવાસસ્થાન અક્ષરધામ રૂપે વિરાજી રહ્યું છે, તેમ તે જ અક્ષર અનંત બ્રહ્માંડોમાં વ્યાપી પણ રહ્યું છે. જેને શાસ્ત્રોએ 'ચિદાકાશ' શબ્દથી વર્ણવ્યું છે. તે સ્વરૂપનું જ્ઞાન અહીં પ્રાપ્ત થાય છે.

આટલું કહીને પણ યમ અટક્યા નથી! અક્ષરબ્રહ્મની એક વિશેષ ભૂમિકાને હવે તેઓ જાહેર કરે છે. તે ભૂમિકા છે માધ્યમ થવાની, જીવનના સાચા આદર્શો સ્થાપવાની, દુર્ગમ પથનો સથવારો થવાની, પરમોપસનાની અધિકારિતાને બક્ષવાની અને પરમાત્માનો પ્રગટપણે અનુભવ કરાવવાની. ટૂંકમાં કહેવું હોય તો - ગુરુ થવાની! એ જ અક્ષરની બ્રહ્મસ્વરૂપ ગુરુ તરીકેની ભૂમિકાને હવે યમરાજ ઉઘાડ આપે છે.

બ્રહ્મ બને પરમનો સેતુ - यः सेतुरीजानानामक्षरं ब्रह्म यत् परम्

યમ કહે છે, 'यः सेतुरीजानानामक्षरं ब्रह्म यत्परम्। अभयं तितीर्षतां पारं नाचिकेतš शकेमहि॥' (કઠ ઉપનિષદ - ૩/૨) અર્થાત્ 'સંસારમાયાની ભારે ભમરીઓ અને જળપ્રવાહોને તરી જવા ઇચ્છતા મુમુક્ષુ માટે અક્ષરબ્રહ્મ 'સેતુ' સમાન છે.' સેતુ જેમ નદીના એક કિનારાથી બીજા કિનારે સહેલાઈથી પહોંચવાનું માધ્યમ બની જાય છે, તેમ અક્ષરબ્રહ્મ પણ ગુરુરૂપે પધારી સેતુની ભૂમિકા ભજવે છે. આપણને માયામાં ડૂબતા બચાવે છે, સંસાર પાર લઈ જાય છે અને પરમાત્માના ધામને પમાડી પરમાત્માનો મેળાપ કરાવી આપે છે. આ જ વાત મુંડક ઉપનિષદમાં અંગિરા નામના ૠષિએ શૌનક નામના શિષ્યને સમજાવી છે. ત્યાં કહ્યું, 'अमृतस्यैष सेतुः' (મુંડક ઉપનિષદ - ૨/૨/૫) 'આ અક્ષરબ્રહ્મ અમૃતસ્વરૂપ પરમાત્મા પામવાનો સેતુ છે.'

આવા બ્રહ્મસ્વરૂપ ગુરુ માટે જ આગળ જતા યમરાજે 'वरान्' (કઠ ઉપનિષદ - ૩/૧૪) 'શ્રેષ્ઠ વરણીય પુરુષો' એવો શબ્દ પ્રયોજ્યો છે. 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS