Essays Archives

ફળશ્રુતિઃ- अमृता भवन्ति - અમૃતત્વને પામે

‘अमृता भवन्ति’ (કેન ઉપનિષદ - ૧/૨, ૨/૫) અમૃતત્વ એટલે મુક્તિ, પરમ કલ્યાણ. પરમાત્માને સર્વકર્તા જાણે એટલે અજ્ઞાનથી, વાસનાથી, દુર્ગુણોથી કે પછી અનંત દુઃખોથી મુક્તિ પામી ચૂક્યો. પછી ગમે તેટલી પ્રવૃત્તિ કરે છતાં ભાર ન લાગે. થાક ન લાગે. કંટાળો ન આવે. કાર્યક્ષમતા પ્રફુલ્લિત જ રહે, વધુ ને વધુ વિકસતી જાય. સન્માન કે અપમાન તેને વિચલિત ન કરી શકે. સદાય સ્થિતપ્રજ્ઞતા ધરી રહે. કહોને કે પરમ કલ્યાણ જ હાથ આવી ગયું એટલે એના અંતરમાં સુખ, શાંતિ અને પરમાનંદના ઓઘ વળે.

અમદાવાદની વાત છે. તા. ૪/૭/૨૦૦૩ ના રોજ સવારે ૧૧:૦૦ વાગે વિધાનસભાના અધ્યક્ષ પ્રૉ. મંગળભાઈ પટેલ પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને આવ્યા. તેઓએ સ્વામીશ્રીને પૂછ્યું, 'આટલા બધાં ૫૦૦ થી વધારે મંદિરો અને આટલો બધો આખા દેશ-પરદેશમાં સત્સંગ! તો આપ એ કેવી રીતે શાંતિથી બધું ચલાવો છો?' સ્વામીશ્રી એકદમ હસવા લાગ્યા અને હાથ જોડીને કહે, 'હું ચલાવતો જ નથી. ભગવાન જ બધું ચાલવે છે. ભગવાન જ કર્તાહર્તા છે. અને જ્યારે એવું આપણે માનીએ કે આપણે કરીએ છીએ તો કોઈક કાર્ય થાય અને કોઈક ન થાય. તેમાં આપણે નિરાશ થઈ જઈએ. અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજે અમને શીખવ્યું છે કે પાણીમાંથી દેગડો ભરીને માથે મૂકો તો તેનો ભાર તમને સતત રહ્યા કરે, પણ પાણીમાં જ ડૂબકી મારી દો તો ટનબદ્ધ પાણી માથેથી પસાર થઈ જાય પણ ભાર લાગતો નથી. એટલે અમે કાંઈ કરતા જ નથી. ભગવાન જ બધું કરે છે. એવું અમે સતત માનીએ છીએ. એવી રીતે આખી સંસ્થાનું સંચાલન થાય છે.'

બીજો એક પ્રસંગ જોઈએ. ૨૦ જુલાઈ, ૧૯૮૫માં ઇંગ્લેન્ડ ખાતે લંડન શહેરમાં તેઓશ્રીનો સુવર્ણતુલા મહોત્સવ ઊજવાયો હતો. પ્રથમ સાકર સાથે તેઓની તુલા થઈ અને ત્યારપછી તે સાકરની સામે ત્રાજવામાં સુવર્ણ મૂકવામાં આવેલું. તે વખતે સ્વામીશ્રીએ જે આશીર્વચન ઉચ્ચારેલાં તેમાં તેઓની સમજણ, જીવનભાવના જોઈ શકાય છે. સ્વામીશ્રીએ કહ્યું - 'પ્રથમ તો પરબ્રહ્મ સર્વાવતારી પૂર્ણપુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને વંદન, જેમણે મને આ શરીર આપ્યું. પછી મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેમના આશીર્વાદ મને મળ્યા. જેમણે મને સ્વીકાર્યો. તેમની કૃપા ન હોત તો હું આ સ્થાને ઊભો ન હોત (ગળગળા થઈ ગયા) ભગવાનની કૃપા મરજી વગર કાંઈ કાર્ય થતું નથી. હું જ કરી શકું તે મિથ્યા છે. સર્વકર્તા પરમાત્મા છે. ભગવાનની મરજી વગર સૂકું પાંદડું પણ હાલતું નથી. ભગવાનની કૃપા વગર આપણે કોઈને કાંઈ કરવા-કહેવા-પામવા સમર્થ નથી. ભગવાનની શક્તિથી સર્જન-પાલન-સંહાર થાય છે. આ મહિમા સમજીએ તો અહં જતું રહેશે. ભગવાનની શક્તિ વગર શેકેલો પાપડ પણ ભાંગે નહીં.' એ જ દિવસે એક વ્યક્તિ સ્વામીશ્રીને મળવા આવ્યા અને ન કહેવાય તેવા શબ્દો કહી સ્વામીશ્રીનું અપમાન કર્યું. આમ છતાં સ્વામીશ્રીના ભાવોમાં સહેજ પણ વિકૃતિ ન આવી. જે આંતરિક સ્થિતિ અને આનંદ સુવર્ણતુલા વખતે હતાં તે જ સ્થિતિ અને તે જ આનંદ અપમાનમાં પણ! આ જ કર્તાપણાની સમજણનું વિસ્મયકારી પરિણામ છે. આ જ અમૃતત્વનો સાક્ષાત્કાર છે.

હવે અમૃતત્વની અગત્યતા જણાવતાં આગળ કહે છે.

इह चेदवेदीदथ सत्यमस्ति - આ જન્મે જાણે તે જ કામનું

જીવન ચંચળ છે. મૃત્યુ ક્યારે આવે તે આપણે જાણતા નથી. આવી પરિસ્થિતિમાં સમજણમાં મોડું ન કરાય. શાંતિના ઉધારા ન હોય. સુખની રાહ ન જોવાય. તેથી આ ઉપનિષદ કહે છે - ‘इह चेदवेदीदथ सत्यमस्ति न चेदवेदीन्महती विनष्टिः’ 'આ જીવનમાં જ જે ઉપરોક્ત સમજણને પ્રાપ્ત કરી ચૂક્યો તે અહીં જ સાચું કલ્યાણ પામ્યો. નહીં તો મોટામાં મોટું નુકસાન થયું એમ સમજી લેવું.' (કેન ઉપનિષદ - ૨/૫) માટે આપણે પણ આળસ-પ્રમાદનો ત્યાગ કરવો. ગુરુના શરણે જવું. તેમનો ઉપદેશ ગ્રહણ કરવો અને પરમાત્માની કૃપા પામી જીવતાં જ આ અમૃતત્વને પામવું જોઈએ.

उक्ता त उपनिषद् - બસ! આ જ છે રહસ્ય!

આ રીતે પરમાત્મા જ સર્વકર્તા છે. સૌના ઇન્દ્રિયો, અંતઃકરણ વગેરેમાં સામર્થ્ય પૂરનાર એે જ છે. માટે 'હું જ કરું છુ _' એવું વૃથા અભિમાન ન કરવું. એમ ગુરુએ શિષ્યને મોક્ષની, શાંતિની ગુરુચાવી આપી અને છેલ્લે સમાપન કરતાં કહ્યું, ‘उक्ता त उपनिषद्’ જે કાંઈ કહેવાનું હતું તે આ ઉપનિષદ તને કહી દીધું. અર્થાત્ આટલું જ રહસ્ય છે. (કેન ઉપનિષદ - ૪/૭) ઉપનિષદનો એક અર્થ રહસ્ય પણ થાય છે. આમ સકળ શક્તિના પ્રેરણા સ્રોતની ગંગોત્રીનું રહસ્ય આ ઉપનિષદમાં આપણને પ્રાપ્ત થાય છે.  


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS